સરા લાઇન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દક્ષિણ ગુજરાતમાં સરા લાઇન તરીકે જાણીતી નેરોગેજ રેલ્વે નવસારી જિલ્લાના બીલીમોરા શહેર અને ડાંગ જિલ્લાના વઘઇ ગામ વચ્ચે હાલ કાર્યરત છે. આ રેલ્વેની સ્થાપના ડાંગ જિલ્લામાંથી ઇમારતી લાકડાં લાવવાના હેતુથી કરવામાં આવી હતી.

આ રેલ્વે વાંસદા તાલુકાના સરા ગામમાંથી પસાર થતી હોઇ સરા લાઇન તરીકે ઓળખાય છે.

રેલ્વે માર્ગનાં સ્ટેશનો[ફેરફાર કરો]

બીલીમોરા-વઘઇ નેરોગેજ રેલવે લાઇનની શરુઆત સાત-આઠ દાયકા પૂર્વે ગાયકવાડી રાજ વખતે થઇ હતી, પછી તેનો વિકાસ ખાસ થયો નથી. દક્ષિણ ગુજરાતમાં એક માત્ર આ નેરોગેજ રેલવે લાઇન ખોટમાં ચાલતી હોવા છતાં આદિવાસી વિસ્તારના લોકોની સુવિધા માટે ચાલુ છે તેનું શ્રેય રેલવે તંત્રને જાય છે.

એન્જિન તથા ચાર ડબ્બાની આ સરાગાડીમાં મુસાફરી કરવાનો આનંદ જ કંઇ ઓર છે. ઘણાં વરસોથી સરા લાઇનને બ્રોડગેજ બનાવી નાસિક સુધી લંબાવવાની માંગણી થઇ રહી છે.

આ રેલવે લાઇનના માર્ગે વરસો જુનું પ્રખ્યાત યાત્રાધામ ઉનાઇ, મોક્ષમાર્ગીઓનું પરમધામ, શુકલેશ્વર મહાદેવ,અનાવલ, વાંસદા રાષ્ટ્રીય વન અભયારણ્ય, જાનકી વન, તોરણિયો ડુંગર, ઘુસ્માઇ માતા મંદિર, પદમડુંગરી, વઘઈ વનસ્પતિ ઉદ્યાન, ગીરાધોધ જોવા લાયક સ્થળો પર આ ગાડી દ્વારા જઇ શકાય છે. સરાગાડી બીલીમોરાથી સવારે ૧૦.૨૦ કલાકે ઉપડે છે અને વઘઇ ૧.૨૦ કલાકે પહોંચાડે છે. આ જ ગાડી ફરી બપોરે ૨.૩૦ કલાકે વઘઇથી ઉપડી બીલીમોરા સાંજે ૫.૩૫ કલાકે પહોંચે છે.

તેવી જ રીતે સાંજે ૭.૪૦ કલાકે બીલીમોરાથી ઉપડી રાત્રે ૧૧.૪૦ કલાકે વઘઇ પહોંચે છે. જે બીજે દિવસે સવારે ૬.૧૫ કલાકે વઘઇથી ઉપડી સવારે ૯.૨૦ કલાકે બીલીમોરા આવે છે. બીલીમોરાથી વઘઇ ૬૨.૦૫ કિ.મી.નું અંતર છે જેનું ભાડું લગભગ ૧૧ રૂપિયા છે.

બીલીમોરાથી નીકળી વઘઇ ગાડી પહોંચે છે, તેમાં લગભગ ત્રણેક કલાકનો સમય જાય છે. હાલની આ નેરોગેજને બ્રોડગેજ બનાવી નાસિક સુધી લંબાવવામાં આવે તો ઉનાઇ, વઘઇ, સાપુતારા, નાસિક, શિરડી જેવા યાત્રાધામો તેમ જ ફરવા લાયક સ્થળે જવા લોકોને ઘણી અનુકુળતા રહે તેમજ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમ છે. હાલમાં નેરોગેજ લાઇન ઉપર ઘણા સ્લીપરો બદલાયા છે તેમજ હજુ પણ બદલવાનું કામ ચાલે છે.

આ નેરોગેજ રેલવેની આવક મહિને અંદાજે રૂપિયા ૮૦થી ૮૫ હજારની છે જેની સામે ૭૦થી ૮૦ માણસોનો સ્ટાફનો પગાર તથા ડીઝલ મળી મહિને અંદાજે રૂપિયા ૧૨થી ૧૩ લાખનો ખર્ચ થાય છે.

શ્રાવણ માસના સોમવારે બીલીમોરામાં સોમનાથ મંદિરે મેળો ભરાય છે ત્યારે આ ગાડીમાં મુસાફરોની ભારે ભીડ રહે છે.

ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબાર-હોળી-ધુળેટી દરમિયાન ડાંગમાં લોકો ઉત્સવ જોવા જાય છે. વરસો પૂર્વે રસ્તાઓની સુવિધા ઓછી હતી ત્યારે આ નેરોગેજ સરા ગાડીમાં ઇમારતી લાકડા તેમ જ નળીયાંની આવ-જા થતી હતી. બીલીમોરા બંદર સુધી આ રેલવે લાઇન હતી તેથી બંદર ઉપર ઉતારી વહાણ મારફત બહાર જતા હતા.

સરાગાડી છબીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]