ઉદ્યોગપર્વ

વિકિપીડિયામાંથી


Brooklyn Museumશ્રીકૃષ્ણ પાંડવોને માર્ગદર્શન આપે છે.

ઉદ્યોગપર્વ (સંસ્કૃત: उद्योग पर्वः) એ વેદવ્યાસ રચિત અને ગણેશ દ્વારા લિખિત મહાકાવ્ય મહાભારતનું પાંચમું પર્વ છે.[૧][૨][૩][૪][૫][૬] ઉદ્યોગપર્વ કુલ ૧૦ ઉપપર્વમાં વહેંચાયેલું છે. દસ પર્વમાં મળીને કુલ ૧૯૬ અધ્યાય છે.


વિરાટપર્વમાં વર્ણવેલ અજ્ઞાતવાસની સમાપ્તિ બાદ પાંડવો પરત આવીને દુર્યોધન પાસે પોતાનું અડધું રાજ્ય માંગે છે, તે ન મળતાં શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને શાંતિ અને સુલેહનો પ્રયત્ન કરે છે, જે પણ નિષ્ફળ જતાં અનિષ્ટાપત્તિ તરીકે પાંડવો યુદ્ધની તૈયારી કરે છે, આ તમામ કથાનો સમાવેશ ઉદ્યોગપર્વમાં કરવામાં આવ્યો છે.[૭]


ઉદ્યોગપર્વના ઉપપર્વ પ્રજાગરપર્વ(અધ્યાય ૩૩-૪૦)માં વિદુર નીતિ રૂપે રાજાના કર્તવ્યો વિષે સમજ આપવામાં આવી છે. સનત્સુજાતપર્વમાં બ્રહ્માના પુત્ર સનત્સુજાત દ્વારા ધૃતરાષ્ટ્રને પરમાત્માના સ્વરૂપનું વર્ણન, બહ્મચર્ય, બ્રહ્મ-નિરૂપણ અને બ્રહ્મજ્ઞાનનો એ સર્વનો બોધ કરવામાં આપે છે. સનત્સુજાત ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે મૃત્યુ એ બીજું કાંઈ નથી પણ પ્રમાદ,કામ, ક્રોધ, મોહ અને અહંકારથી ગ્રસ્ત થવાની ક્રિયા છે. આમ, જો આવા દુર્ગુણોથી કોઈનું મન આચ્છાદિત ન હોય તો તે મૃત્યુને પ્રાપ્ત થતો નથી. હા તે શરીર અવશ્ય બદલે છે પરંતુ તેનું મૃત્યુ થતું નથી. મનુષ્યના સંસ્કાર, પ્રકૃતિ અને ગુણ અવગુણ એ આત્માની સાથે પ્રવાસ કરે છે. જે કામના અને વિષયોની આસક્તિમાં ફસાયા વિના, કર્મમાં વિશ્વાસ રાખીને જીવન જીવે છે, તે અસંખ્ય યોનિના ચક્કરમાંથી મુક્ત થાય છે. અન્ય સૌ મૃત્યુને પામે છે. આ પર્વમાં સનત્સુજાત વ્યક્તિમાં બાર સદ્ગુણો અને બાર દુર્ગુણોનું વર્ણન કરે છે. તે પૈકી મદ (અહંકાર)ના અઢાર દોષ પણ બતાવે છે. આ પર્વનું માનવ જીવનમાં મહત્વ એ પરથી સમજાય છે અદ્વૈત વેદાંતના સ્થાપક આદિ શંકરાચાર્યે આ ઉપપર્વ પર પોતાનું ભાષ્ય લખ્યું છે.[૮]


માળખું અને પ્રકરણો[ફેરફાર કરો]

પર્વમાં મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મૂળ મહાભારતમાં આ પર્વમાં દસ ઉપપર્વ અને ૧૯૬ અધ્યાય છે.[૧] સમીક્ષિત આવૃત્તિમાં ૧૯૯ અધ્યાય છે.[૩][૪]દરેક ઉપપર્વ અને તેમાં આવતી કથા નીચે મુજબ છે:[૧][૯]


૧. સેનોદ્યોગપર્વ (અધ્યાય: ૧–૧૯)[૧]
એક વર્ષના અજ્ઞાતવાસ સહિત પાંડવોનો ૧૩ વર્ષનો વનવાસ પૂર્ણ થઈ ગયો અને ત્યાર બાદ વિરાટ કુંવરી ઉત્તરા સાથે સૌભદ્રેય અભિમન્યુના વિવાહ સંપન્ન થયા બાદ હજુ પાંડવો, શ્રીકૃષ્ણ તથા અન્ય આપ્તજનો મત્સ્ય દેશના પાટનગર વિરાટ નગરમાં જ છે. લગ્નના બીજા દિવસે સભામાં પાંડવો, પાંચાલ નરેશ દ્રુપદ, સાત્યકિ, પ્રદ્યુમ્ન, સામ્બ, પિતા વાસુદેવ સહિત શ્રીકૃષ્ણ અને બલરામ તેમજ વિવાહમાં આમંત્રિત વિવિધ દેશના રાજાઓ પણ ઉપસ્થિત છે. ત્યારે વિરાટ સભામાં શ્રીકૃષ્ણ ઊભા થઈને ભાષણ આપે છે. તેઓ કહે છે કે કૌરવોએ દ્યૂતમાં કપટ આચર્યું હોવા છતાં પણ તેની શરતો મુજબ પાંડુપુત્રોએ વનવાસ અને અજ્ઞાતવાસ સફળતાથી પૂરો કર્યો છે. આપ સૌ જાણો છો કે પાંડુપુત્રોની બાલ્યાવસ્થામાં પણ તેમની પિતૃક સંપત્તિ અને રાજ્ય પડાવી લેવા ષડ્યંત્રો દ્વારા પાંડવોને મારી નાખવાના પ્રયાસ ધૃતરાષ્ટ્ર અને તેમના પાપી પુત્રોએ કર્યા હતા. પણ તેમાં તેઓ સફળ ન રહેતાં, આખરે ધૃતરાષ્ટ્ર પુત્રોએ પાંડવોનું રાજ્ય દ્યૂતગૃહમાં કપટથી હરી લીધું છે. પાંડવોને તે પરત મેળવવાની અભિલાષા પણ છે. જો ધર્મ અને અર્થના વિરુદ્ધનું કાંઈ મેળવવાનું હોય તો મહાત્મા યુધિષ્ઠિરને એક નાનું ગામ પણ નથી જોઈતું પરંતુ જો તેમની પૈતૃક સંપત્તિ અને રાજ્ય મેળવવાનું ધર્મસભર હોય તો તેઓેએ તે પુનઃ પ્રાપ્ત કરવું જોઈએ. હવે જો કૌરવો તેમને તેમનું રાજ્ય પરત નહીં આપે તો પાંડવો તે સૌનો સંહાર કરશે. જો તેમને એમ લાગતું હોય કે પાંડવો અલ્પ સંખ્યામાં હોઈને કૌરવોને તે જીતી નહીં શકે તો તે કૌરવોની મોટી ભૂલ હશે. પરંતુ કૌરવોનો પક્ષ જાણ્યા વિના યુદ્ધનો વિચાર યોગ્ય નથી. દુર્યોધન પાંડવોની ભૂમિ પરત કરવા માંગે છે કે નહીં તે જાણવા તો કોઈ ધર્મશીલ કુલીન અને સાવધાન દૂત મોકલવો જોઈએ. આપ સૌ વિદ્વાનો અને ગુણીજનો સમક્ષ હું આ પ્રસ્તાવ મૂકું છું, કે આ સભામાંથી કોઈ દૂત કૌરવસભામાં જઈને પાંડવોની વાત જણાવે અને કૌરવોને અડધું રાજ્ય આપવા વિવશ કરે.


આ સાંભળીને શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલદેવજીએ પણ આ મુજબ પોતાનું વક્તવ્ય આપ્યું: વીર કુન્તીપુત્રો ધર્મ મુજબ અડધું જ રાજ્ય માંગે છે, જે સર્વથી ઉચિત છે અને દુર્યોધન પણ એ સમજશે કે પાંડવો આખું રાજ્ય નથી માંગતા. તે અડધું રાજ્ય આપીને અને પાંડવો અડધું રાજ્ય મેળવીને શાંતિપૂર્વક એકબીજાના સહયોગ સહિત જીવશે. માટે શ્રીકૃષ્ણની જેમ જ હું પણ માનું છું કે કોઈ દૂત કૌરવસભામાં જઈને વયોવૃદ્ધ કૌરવો અને વિદ્વજ્જનોને ઉચિત રીતે પાંડવોને અડધું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂકે. પણ આવા પ્રસ્તાવ દરમિયાન દુર્યોધનને કોઈ પણ રીતે કુપિત ન કરવો જોઈએ કારણકે યુધિષ્ઠિર સર્વથા નિર્દોષ તો નથી જ. તે દ્યૂતસભામાં અનેક હરાવી શકાય તેવા જુગારીઓ હોવા છતાં ગાંધાર નરેશના પુત્ર અને દ્યૂતમાં નિપુણ એવા શકુનિની સામે રમવાનું દુઃસાહસ કર્યું. આમ જુગારની આસક્તિના કારણે તેમણે રાજ્ય ગુમાવ્યું છે. તેથી દૂત એવો હોવો જોઈએ કે જે સામ વાપરીને જ દુર્યોધનને મનાવે. વળી, અત્યારથી કૌરવ-પાંડવ યુદ્ધની આકાંક્ષા કરવી યોગ્ય નથી માટે આમ કરવા ઉદ્યત ન થવું જોઈએ. યુદ્ધમાં કોઈનું ભલું થતું નથી અને તેના દ્વારા અનીતિનો જ વર્તાવ બન્ને પક્ષો તરફથી થતો હોય છે. બલદેવજીના આ શબ્દો સાંભળતાં જ શિનિવંશી સાત્યકિ ઊભા થઈ ગયા અને સકોપ બલદેવની આલોચના કરતાં બોલ્યા કે, જેમ એક જ વૃક્ષની એક ડાળી ફળોથી લચી પડે છે અને બીજી ડાળી પર એક પણ ફળ નથી હોતું, એવી જ રીતે એક જ પુરુષમાં જ શૂરવીર અને કાપુરુષ બન્નેનો વાસ હોય છે. મને તમારી વાણી માટે તમારો દોષ નથી દેખાતો, પરંતુ મહાત્મા યુધિષ્ઠિરમાં આટલાં નિર્ભીક બનીને કોઈ દોષારોપણ કરે અને ભરી સભાના વિદ્વજ્જન ચૂપચાપ આ સાંભળી રહ્યા છે તેમનો દોષ મને અવશ્ય દેખાય છે. યુધિષ્ઠિર દ્યૂતક્રીડા જાણતા ન હોવા છતાં ધૂર્ત મંડળીએ તેમનો વિશ્વાસઘાત કરીને તેમને હરાવ્યા એ ઘૃણાને પાત્ર છે. મહાત્મા યુધિષ્ઠિર તેમના રાજ્ય મેળવવું એ જ નૈયાયિક વાત છે. કૌરવો એવો મિથ્યા દાવો કરે છે કે તેઓએ પાંડવોને અજ્ઞાતવાસની અવધિ પુરી થયા પહેલાં જ ઓળખી લીધા હતા, તો કેમ કહી શકાય કે તેઓ કપટી નથી ? આતતાયી શત્રુઓનો નાશ કરવામાં અધર્મ નથી, પણ તેમની યાચના કરવામાં અધર્મ છે. યુયુધાનની વાતનું સમર્થન કરતાં રાજા દ્રુપદે પણ આમ કહ્યું: તમારી વાત સાચી છે સાત્યકિ, દુર્યોધન મધુર વ્યવહારથી કદાપિ રાજ્ય નહીં આપે અને પુત્રમોહી ધૃતરાષ્ટ્ર તેનો સાથ આપશે. દીનતાવશ ભીષ્મ અને દ્રોણ અને મૂર્ખતાવશ કર્ણ અને શકુનિ પણ તેનો સાથ આપશે. મારી દૃષ્ટિએ બલદેવજીની વાત યોગ્ય નથી. દુર્યોધન માટે મધુર અને મૃદુ વર્તન કરવું એટલે ગદર્ભ સાથે મૃદુ અને ગાય સાથે કઠોર વર્તન કરવા બરાબર છે. મારા મત અનુસાર હવે જુદા જુદા રાજાઓની શીઘ્રતાથી મદદ માંગીને સૈન્ય એકત્રિત કરવું જોઈએ. કૌરવ પાંડવો પૈકી જે સૌ પ્રથમ સહાય માંગશે અન્ય રાજાઓ તેના પક્ષે જ લડશે. માટે મારું મંતવ્ય છે કે આપણે શીઘ્રગામી દૂતને શલ્ય, ધૃષ્ટકેતુ, જયત્સેન કેકયકુમારો, ભગદત્ત, અમિતૌજા, કૃતવર્મા, અન્ધક, દીર્ઘપ્રજ્ઞ, તથા રોચમાન પાસે મોકલવા જોઈએ. રાજા બૃહન્ત, સેનાબિંદુ, સેનજિત, પ્રતિવિન્ધ્ય, ચિત્રવર્મા, સુવાસ્તુકુ, બહ્લિક, મુંજકેશ, ચૈદ્યરાજ, સુપાર્શ્વ, સુબાહુ, મહારથી પૌરવ, શકનરેશ, પહ્લવરાજ, સુરારિ, નદીજ, ભૂપાલ કર્ણવેષ્ટ, નીલ, વીરધર્મા, ભૂમિપાલ, દન્તવક્ર, રુક્મી, જનમેજય, આષાઢ, વાયુવેગ, પૂર્વપાલી, ભૂરિતેજા, દેવક, પુત્રો સહિત એકલવ્ય, કરુષ દેશના ઘણા નરેશ, ક્ષેમધૂર્તિ, કામ્બોજ નરેશ, ઋષિક દેશના રાજા, પશ્ચિમ દ્વીપવાસી નરેશ, કાશ્ય, પંચનદ પ્રદેશના રાજા, ક્રાથપુત્ર, સુશર્મા, મણિમાન, યોતિમસ્તક, ધૃષ્ટકેતુ, તુણ્ડ, દણ્ડધાર, બૃહત્સેન, અપરાજિત, નિષાદરાજ, શ્રેણિમાન, વસુમાન, બૃહદ્વલ, મહૌજા, સમુદ્રસેન અને તેમના પુત્ર, ઉદ્ભવ, ક્ષેમક, વાટધાન, શ્રુતાયુ, દૃઢાયુ, પરાક્રમી શાલ્વપુત્ર અને કલિંગરાજ પાસે મોકલવા જોઈએ અને કૌરવો પહેલાં જ આપણે તેમની યુદ્ધમાં આપણા પક્ષે લડવા આમંત્રણ આપવું જોઈએ.([૧૦] ૪.૪.૮ થી ૪.૪.૨૪) મત્સ્યરાજ આ મારા પુરોહિતને કોને શું કહેવાનું છે તે સમજાવીને ધૃતરાષ્ટ્રને ત્યાં મોકલો. શ્રીકૃષ્ણ ઊભા થઈને બોલ્યા કે હે રાજન ! આપ વયમાં અને જ્ઞાનમાં અમારા સૌથી મોટા છો, માટે આપ દૂતને શું કહેવું તે સમજાવીને ધૃતરાષ્ટ્રને ત્યાં મોકલો અને જો તે ન માને તો અન્ય રાજાઓને યુદ્ધમાં પાંડવ પક્ષે લડવાનું આમંત્રણ પણ મોકલો. અમે તો વિવાહ કાર્યમાં આવ્યા હતા અને હવે વિદાય થઈ જઈશું. ત્યાર બાદ શ્રીકૃષ્ણને માન સહિત રાજા વિદાય કરે છે. તેમની વિદાય પશ્ચાત્ યુધિષ્ઠિર સહિત પાંડવો યુદ્ધની તૈયારી કરે છે, રાજા દ્રુપદ પુરોહિતને દૂત તરીકે ધૃતરાષ્ટ્રના રાજ્યમાં મોકલે છે તથા અન્ય રાજાઓને યુદ્ધ પાંડવો પક્ષે લડવા માટેનું નિમંત્રણ પણ અન્ય દૂતો સાથે મોકલે છે.


શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળે છે અને સૌ દૂત રવાના કરીને અર્જુન પોતે શ્રીકૃષ્ણની મદદ માંગવા દ્વારકા જવા નીકળે છે. આ જ સમયે દુર્યોધનને તેના ગુપ્તચર દ્વારા આ વાતની ખબર પડે છે અને તે પણ દ્વારકા જવા નીકળી જાય છે. સૌને ખબર છે કે શ્રીકૃષ્ણ પાસે પોતાની નારાયણી સેના છે. આમ યુદ્ધમાં સૌથી અગત્યની સહાય શ્રીકૃષ્ણ જ કરી શકે તેમ છે. બન્ને ત્યાં પહોંચે છે ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હોય છે. શ્રીકૃષ્ણના શયનકક્ષમાં પહેલાં દુર્યોધન પહોંચે છે અને શ્રીકૃષ્ણના મસ્તક તરફ રાખેલા એક સિંહાસન પર આરૂઢ થઈ જાય છે. ત્યાર બાદ અર્જુન પણ તે કક્ષમાં પ્રવેશ કરે છે અને શ્રીકૃષ્ણના પગ પાસે ઊભા રહે છે. વૃષ્ણિકુલનંદન શ્રીકૃષ્ણ જાગે છે અને અર્જુનને જુએ છે ત્યાર બાદ તેમની દૃષ્ટિ દુર્યોધન પર પડે છે. જ્યારે શ્રીકૃષ્ણ બન્નેને આગમનનું કારણ પૂછે છે, ત્યારે દુર્યોધન કહે છે કે કૌરવો-પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું છે અને તે માટે હું તમારી સહાય માંગવા આવ્યો છું. હે મધુસૂદન ! મહાન પુરુષો પોતાની પાસે મદદ માંગવા આવેલાં સૌને તેમના આવવાના ક્રમમાં મદદ કરે છે. વળી, મારી અને પાંડવો બન્નેની સાથે આપનો સંબંધ એકસરખો જ છે, તો મને સહાય કરો. શ્રીકૃષ્ણ કહે છે કે રાજન ! તમે પહેલા આવ્યા છો પણ મારી દૃષ્ટિ પહેલા અર્જુન પર પડી છે, વળી, તેથી હું બન્નેને મદદ કરીશ. શાસ્ત્રો કહે છે કે નાનાને પ્રથમ મદદ કરવી જોઈએ, તેથી પહેલા હું અર્જુનની માંગનો સ્વીકાર કરીશ. મારી પાસે દસ કરોડ ગોપની નારાયણી સેના છે. એક તરફથી મારી એ સેના લડશે જેના એક એક સૈનિક ખૂબ જ વીર યોદ્ધા છે અને બીજી તરફ હું હોઈશ. પણ હું કોઈ શસ્ત્ર ઘારણ નહીં કરું. અર્જુન પહેલા આ બે પૈકી એક તું પસંદ કરી લે. તું નાનો છે એટલે તારો અધિકાર પહેલો છે. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણની પસંદગી કરી. આની સાથે જ દુર્યોધને સેનાની માગણી કરી દીધી. દુર્યોધન શ્રીકૃષ્ણ અને અર્જુનને ઠગી લેવાના સંતોષ સાથે ત્યાંથી બળદેવ પાસે જાય છે. બલરામજી દુર્યોધનને કહે છે કે વિરાટ નગરમાં મેં જે કહ્યું હતું તે તમને ખબર પડી જ ગઈ હશે. મધુસૂદનને મારી વાત નહોતી ગમી પણ હું તેમના વગર રહી શકું તેમ નથી. માટે હું આ યુદ્ધમાં કોઈના પક્ષે નહીં લડું એવો મેં નિર્ણય કર્યો છે. ત્યાર બાદ દુર્યોધન કૃતવર્માને ત્યાં જાય છે. કૃતવર્મા તેને એક અક્ષૌહિણી સેના આપે છે.


શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે કે તારી પાસે બન્નેમાંથી જે માંગવું હોય તેનો વિકલ્પ હતો અને હું તો યુદ્ધ કરવાનો નથી, છતાં તેં સેના કેમ ન માંગી ? અર્જુન કહે છે કે તમે એકલા જ સામેની સેનાનો નાશ કરી શકો તેમ છો, હું પણ પુરી સેનાનો નાશ કરી શકું તેમ છું. પણ પ્રભુ તમે સંસારમાં એટલાં યશસ્વી છો કે તમે જ્યાં હશો ત્યાં જ વિજય હશે. મારા મનમાં ઘણા સમયથી ઇચ્છા હતી કે તમને મારા સારથિ બનાવું. તો કૃપા કરીને મારી એ અભિલાષા પૂરી કરો. શ્રીકૃષ્ણ ની હા સાંભળીને હર્ષિત અર્જુન યુધિષ્ઠિર પાસે પરત જાય છે.


પાંડવોના દૂતની વિનંતી બાદ માદ્રીના ભાઈ અને મદ્ર દેશના રાજા શલ્ય પોતાની અક્ષૌહિણી સેના સાથે બહેન માદ્રીના પુત્રો સહદેવ નકુળ અને અન્ય પાંડવો તરફથી યુદ્ધ કરવા નીકળે છે. તે વખતની ગણતરી મુજબ ઓછામાં ઓછા ૨૧,૮૭૦ રથ, એટલાં જ હાથી, મહાવત અને હાથી પર બેસી લડવાવાળા યુદ્ધવીરો, ૬૫,૬૧૦ ઘોડા અને ઘોડેસવારો અને ૧,૦૯,૩૫૦ પાયદળનું સૈન્યને અક્ષૌહિણી સેના કહેવાય. તેમાં ૩૦ સેનાપતિ દર ત્રણ સેનાપતિ દીઠ એક અનીકાધિપતિ, આમ કુલ ૧૦ સેનાપતિ અને સૌથી ઊપર એક મહાસેનાપતિ હોય. આટલી મોટી સેના લઈને મદ્ર નરેશ નીકળ્યા તેની ખબર મળતાં જ દુર્યોધને તેમના રસ્તામાં અનેક જગ્યાએ પડાવની વ્યવસ્થા કરી દીધી અને સેનાનું સ્વાગત તેના અનુચરો દ્વારા ઉત્તમ રીતે થાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી. એક આવા જ પડાવમાં શલ્યે પ્રસન્ન થઈ કહ્યું કે આ વ્યવસ્થામાં લાગેલા સૌને બોલાવો હું એમને પુરસ્કૃત કરવા માંગું છું. હું યુધિષ્ઠિરનો પણ ખાસ આભાર માનીશ જેમણે આટલી સુંદર વ્યવસ્થા કરી છે. ત્યારે કપટી દુર્યોધન સામે આવે છે અને કહે છે કે મામાજી તમે જે જે જગ્યાએ મુકામ કર્યો તે સૌ છાવણીઓ મારા કહેવાથી મારા સેવકોએ બનાવી છે. તમારી સરભરામાં કોઈ ખોટ તો નથી રહી ગઈ ને ? આ સાંભળીને શલ્ય દુર્યોધનના આ ઉપકારવશ તેને કાંઈક માંગવાનું કહે છે, ત્યારે દુર્યોધન તેમને પોતાના તરફથી લડવાનું વચન માંગે છે. શલ્ય તે સ્વીકારે છે. ત્યાર બાદ તે કહે છે કે મારે યુધિષ્ઠિરને પણ મળવા જવું છે. તે યુધિષ્ઠિરને મળવા જાય છે અને તેમને સમગ્ર બનાવથી વાકેફ કરે છે. યુધિષ્ઠિર કહે છે કે, મામા તમારું વચન મને શિરોમાન્ય છે, પરંતુ એક વિનંતી આપ સ્વીકારો તો હું કૃતાર્થ થઈશ. આ યુદ્ધમાં કૌરવોના ઘણા સેનાપતિ વીરગતિને પ્રાપ્ત થાય પછી કર્ણ યુદ્ધમાં ઊતરશે અને ત્યારે તે શ્રેષ્ઠ સારથિ તરીકે આપની જ પસંદગી કરશે કારણકે આ જગતમાં શ્રીકૃષ્ણ બાદ શ્રેષ્ઠ સારથિ આપ જ છો. તો જ્યારે તમે કર્ણના સારથિ બનો ત્યારે યુદ્ધ દરમિયાન જુદા જુદા વચનો બોલીને તેનું અભિમાન ઉતારજો. શલ્ય તે વાત સાથે સહમત થાય છે અને કહે છે કે જે રીતે દ્યૂત સભામાં કર્ણ તમને અને દ્રૌપદીને અભદ્ર શબ્દો બોલ્યો હતો તે કારણે તેના પ્રારબ્ધમાં એવું જ લખ્યું છે. મહામના ! દેવોના રાજા ઇન્દ્રએ પણ પોતાની પત્ની સાથે ખૂબ દુઃખ ભોગવ્યું હતું. આ સાંભળીને યુધિષ્ઠિર તેમને પૂછે છે કે ઇન્દ્રએ કયું દુઃખ ભોગવ્યું હતું તેની કથા મને કહો. તેથી શલ્ય નીચે મુજબ ઇન્દ્ર અને તેમનાં પત્નીની કથા કહે છે. સમીક્ષિત આવૃત્તિમાં આ કથા ઇન્દ્રવિજયોપાખ્યાન મથાળા હેઠળ અધ્યાય ૯માં શરૂ થાય છે.


ત્વષ્ટા નામના એક પ્રજાપતિ હતા જે દેવોમાં શ્રેષ્ઠ તપસ્વી તરીકે જાણીતા હતા. એમ કહેવાય છે કે દેવેન્દ્ર પ્રતિ દ્રોહ ભાવને કારણે તેમણે એક ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો. તે તેજસ્વી બાળકનું નામ વિશ્વરૂપ હતું. એ પોતાના ત્રણ મુખમાંથી એક દ્વારા વેદોનું ગાન કરતો બીજા મુખથી સુરાપાન કરતો અને ત્રીજા મુખથી ચોતરફ ધ્યાન રાખતો અને ત્રણેય મુખથી ઇન્દ્રનું સ્થાન મેળવાની પ્રાર્થના કરતો. તે ખૂબ જ ધર્મપરાયણ, તેજસ્વી, નિર્મળ મનવાળો તપસ્વી હતો. આ જોઈને ઇન્દ્રને પોતાનું સ્થાન ભયમાં લાગ્યું અને તેમણે ત્રિશિરા(ત્રણ શિરવાળો માણસ)નું તપ ભંગ કરવા અપ્સરાઓને મોકલી પણ વિશ્વરૂપ આનાથી વિચલિત ન થયો. પરિણામે ઇન્દ્રે તેનો વધ કરવાનું નક્કી કરીને જંગલમાં તેનો શિરચ્છેદ કર્યો. મૃત્યુ બાદ પણ તેનું તેજ જોઈ ઇન્દ્ર અસ્વસ્થતા અનુભવે છે. તેથી તે એક કઠિયારાને કહે છે કે તું આના મસ્તકના ટુકડા કરી નાંખ. કઠિયારો તેમ કરે છે. જ્યારે ત્વષ્ટાને તે ખબર પડે છે ત્યારે તે અગ્નિને અંજલિ આપીને તેમાંથી વૃત્રાસુર નામનો રાક્ષસ પેદા થાય છે. ત્વષ્ટા તેને કહે છે કે તું ઇન્દ્રને મારી નાંખ. વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અને વૃત્રાસુર ઇન્દ્રને પકડીને પોતાના મુખમાં મૂકી દે છે. આ જોઈને સમગ્ર દેવતા ગણ જૃમ્ભિકા (બગાસું)નું નિર્માણ કરે છે જે વૃત્રાસુરના મુખમાં વાસ કરે છે અને તે બગાસું ખાય છે. આ તકનો લાભ લઈને ઇન્દ્ર તેનાં મોંઢામાંથી બહાર નીકળી જાય છે. ત્યાર બાદ સૌ દેવતા સહિત ઇન્દ્ર વિષ્ણુ ભગવાન પાસે જઈને સહાય માંગે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હું અદૃશ્ટરૂપે તમારા વજ્રમાં વિરાજમાન થઈશ જેથી તમે વૃત્રાસુરનો નાશ કરી શકશો. પરંતુ બીજી તરફ વૃત્રાસુરને સૌ ઋષિ મુનિઓ વિનંતી કરે છે કે તે ઇન્દ્ર જોડે સંધિ કરી લે કારણકે તેમનું યુદ્ધ ખૂબ લાંબું ચાલ્યું છે અને બન્ને એટલાં બળશાળી છો કે આ યુદ્ધનો અંત નહીં આવે. ત્યારે વૃત્રાસુર દેવો સાથે એ શરતે સંધિ કરે છે કે તેને એવું વરદાન મળે કે તે સુકી કે લીલી વસ્તુ, લાકડું કે પત્થર, અસ્ત્ર કે શસ્ત્ર, દિવસે કે રાત્રે ન મરે. ઇન્દ્ર સંધિ તો કરી લે છે પરંતુ તે વૃત્રાસુરને કેમ મારવો તેના વિચારમાંથી બહાર આવી શકતા નથી અને પરિણામે સતત ઉદ્વિગ્ન રહે છે. પરિણામે એક વખત સંધ્યાના સમયે તે સમુદ્રમાં જામેલી એક ફેણમાં વજ્રને મૂકીને તે વૃત્રાસુર પર છોડીને તેનો વધ કરે છે. પરંતુ હજુ તેમને ત્રિશિરાના વધથી લાગેલ બ્રહ્મહત્યાનું પાપ મનમાં જ સતાવતું હતું તેથી તેઓ સૌ લોકને છેડે એકાંતમાં રહેવા લાગ્યા. ઇન્દ્રની ગેરહાજરીમાં પૃથ્વીનું પાલન થતું અટકી ગયું, વૃક્ષો સુકાવા માંડ્યા. એટલે ઋષિઓ અને દેવોને ચિંતા થાય છે કે ઇન્દ્રની ગેરહાજરીમાં સ્વર્ગલોકનો રાજા તો હોવો જોઈએ ત્યારે ઋષિઓએ સલાહ આપી કે ચંદ્રવંશી ધર્મપરાયણ રાજા નહુષ સ્વર્ગલોકના રાજા થવાને સર્વથા યોગ્ય છે. આમ દેવો તેમને સ્વર્ગના રાજા બનવાની પ્રાર્થના કરે છે. રાજા નહુષ કહે છે કે હું એટલો શક્તિશાળી નથી કે દેવોનો રાજા બની શકું. ત્યારે ઋષિઓ તેમને આશીર્વાદ આપે છે કે તેઓ દેવ, દાનવ, યક્ષ, ઋષિ, પિતર, ગંધર્વ, ભૂત ઇત્યાદિ જેને જોશે તેનું તેજ હરી લેશે અને પોતે બળવાન બની જશે. ત્યાર બાદ રાજા નહુષનો સ્વર્ગના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. વિશ્વવસુ, નારદ, ગંધર્વો, અપ્સરાઓ, સૌ તેમની સેવામાં હાજર રહેતા. એક દિવસ તેમની નજર ઇન્દ્રની પત્ની શચી પર પડી અને તેમને થયું કે શચી કેમ મારી સેવામાં ઉપસ્થિત નથી થતી ? તેથી તે સભામાં જાહેર કરે છે કે શચી તેમની સેવામાં મારા મહેલમાં ઉપસ્થિત થાય. શચી બૃહસ્પતિના શરણે જાય છે અને નહુષથી બચાવવા માટે વિનંતી કરે છે. બૃહસ્પતિ તેને આશ્વાસન આપે છે કે હું ટૂંક સમયમાં જ ઇન્દ્ર સાથે તમારો સુખરૂપ મેળાપ કરાવીશ. માટે અત્યારે ભયગ્રસ્ત ન થશો, મારી વાણીમાં શ્રદ્ધા રાખો કે નહુષ તમને કોઈ હાનિ પહોંચાડી નહીં શકે. જ્યારે નહુષને આ ખબર પડે છે ત્યારે તે ખૂબ જ કોપાયમાન થાય છે. ઋષિઓ પણ તેમને સમજાવે છે કે પરસ્ત્રી પર નજર નાખવી એ આપને ન શોભે. ત્યારે કામાંધ નહુષ સામે પ્રશ્ન કરે છે કે ગૌતમ ઋષિના પત્ની અહલ્યાના સતીત્વનો જ્યારે ઇન્દ્રએ ભંગ કર્યો ત્યારે તમે તેમને કેમ નહોતું સમજાવ્યું અને હવે મને સમજાવો છો ? પ્રાચીન કાળમાં ઇન્દ્રએ ખૂબ પાપ કર્મ કર્યા છે ત્યારે પણ તમે એમને કદાપિ રોક્યા નથી. દેવો ભયભીત થઈને બૃહસ્પતિ પાસે જાય છે અને કહે છે કે આનો ઉપાય શું છે ? ત્યારે બૃહસ્પતિ કહે છે કે આ વાસનાગ્રસ્ત મોહાંધ નહુષ તમારા સૌના વરદાનથી બળશાળી બનીને ગર્વિષ્ઠ થયો છે સમય જ તેનો ઉપાય કરશે. માટે તમે નચિંત રહો. ત્યારે દેવો બૃહસ્પતિના જ શબ્દોમાં ઇન્દ્રાણીને આ વાત કરીને સમજાવે છે કે નહુષ તમને ક્ષતિ નહીં પહોંચાડી શકે માટે તમે ત્યાં ચાલો જેથી તેના ક્રોધનો ભોગ સર્વ દેવલોક ન બને. ત્યારે શચી તેમની પાસે જાય છે. મોહાંધ નહુષ તેને આવકારે છે અને શચી થોડી અવધિ માંગે છે કે હું દેવરાજ ઇન્દ્રની ભાળ મેળવું કે તે ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે, જો તે નહીં મળે તો હું તમારી સમક્ષ હાજર થઈશ. નહુષ આમ કરવા સહમતી થાય છે. તેથી શચી બૃહસ્પતિના આવાસ પર પુનઃ જતાં રહે છે. દેવો વિષ્ણુ ભગવાન પાસે જઈને ઇન્દ્ર પર લાગેલા બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ અને આવેલ પરિસ્થિતિમાંથી ઉગારવાની સહાય માંગે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે ઇન્દ્ર યજ્ઞો દ્વારા કેવળ મારી જ આરાધના કરે અને અશ્વમેધ યજ્ઞ કરે તો હું પાકશાસન ઇન્દ્રને શુદ્ધ કરી દઈશ. અહીં ઇન્દ્ર માટે પાકશાસન વિશેષણ વપરાયું છે.[૧૧] વિષ્ણુ ભગવાન એ પણ કહે છે કે અશ્વમેધ યજ્ઞ દ્વારા ઇન્દ્ર પોતાનું પદ પરત મેળવશે અને બુદ્ધિભ્રષ્ટ નહુષ પોતાના કર્મોનું ફળ ભોગવશે. આમ મહેન્દ્રની શુદ્ધિ અર્થે અશ્વમેધ યજ્ઞનું આયોજન થાય છે. અને ઇન્દ્ર પાપમુક્ત થાય છે. પછી જ્યારે તેઓ પોતાના આસન તરફ આવે છે ત્યારે જુએ છે કે દેવોના વરદાનથી નહુષ પોતાની દૃષ્ટિ માત્રથી સામેવાળાનું તેજ ક્ષીણ કરી નાખે છે, તેથી તે અદૃશ્ય થઈ જાય છે. આ જોઈને શચી શોકાતુર થઈને ઉત્તરાયણની રાત્રિની દેવીની આરાધના કરે છે. ત્યારે ઉપશ્રુતિ નામનાં રાત્રિ દેવી ત્યાં પ્રગટ થાય છે. તે શચીને ઇન્દ્ર પાસે લઈ જાય છે, શચી ઇન્દ્રને તમામ વાત કરીને કહે છે કે તમે નહુષનો વધ કરો. ઇન્દ્ર કહે છે કે અનેક કર્મો યજ્ઞો અને ઋષિ તથા દેવોના વરદાનથી નહુષ ખૂબ જ શક્તિવાન થઈ ગયો છે તેથી આમ જ તેનો વધ કરવો શક્ય નથી હું ગુપ્ત રીતે જ મારું કર્મ કરીશ. ઇન્દ્ર તેને એ પણ કહે છે કે તમે જઈને નહુષને કહો કે તમે મારી પાસે ઋષિયાન પર બિરાજમાન થઈને આવો તો હું તમને વશ થઈશ. ઇન્દ્રાણી જઈને નહુષને કહે છે કે પૂર્વે જે ઇન્દ્ર મારા પતિ હતા તેમનું વાહન તો તમારા માટે જુનું થઈ ગયું. અન્ય વાહનો પણ કોઈકે તો ઉપયોગમાં લીધા જ હશે. આપ સપ્તર્ષિને કહો તેઓ ખુદ વાહન બનીને આપનું વહન કરીને મારી પાસે તમને લઈ આવે. આમ દુર્બુદ્ધિ નહુષ મહર્ષિઓને પોતાનું વાહન બનાવીને શચી પાસે જવા નીકળે છે. આ તરફ ઇન્દ્ર અને અન્ય દેવો નહુષનો નાશ કરવા અંગે ચિંતિત હોય છે ત્યા અગત્સ્ય મુનિ આવે છે અને સમાચાર આપે છે કે સપ્તર્ષિ દ્વારા નહુષ સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયો છે. મહર્ષિઓ તેનો બોજ વહન કરતાં કરતાં થાકી ગયા અને તેમણે નહુષને પૂછ્યું કે હે દેવેન્દ્ર ! તમે ગાયોના પ્રૌક્ષણ (ગાયોને પવિત્ર કરવાની પ્રક્રિયા) માટે વેદોમાં જે મંત્રો આપ્યા છે તેને પ્રમાણિક માનો છો કે નહીં. ત્યારે નહુષે કહ્યું કે હું વેદ મંત્રોને પ્રમાણ નથી માનતો. આમ તે અમારી સૌ સાથે વિવાદ કરવા માંડ્યો અને એ પાપીએ મારા મસ્તક પર લાત મારી તેથી તેનું તેજ ક્ષીણ થઈ ગયું ત્યારે મેં તેને કહ્યું કે તારું પતન થાઓ અને ત્યાં દશ હજાર વર્ષો સુધી તું સર્પ બનીને રહે પછી તારો સ્વર્ગવાસ થશે. આમ સ્વર્ગલોકમાંથી તેનું પતન થયું છે.


આમ શલ્ય આખી કથા સંભળાવીને યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે તમારી ભાર્યા સાથે વનવાસ ભોગવવાનું ખૂબ જ દુઃખદાયક કામ કર્યું છે. પરંતુ દુઃખનો શોક ન કરશો. જેમ ઇન્દ્રને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું હતું તેમ તમે પણ તમારું રાજ્ય પરત મેળવશો. ત્યારબાદ તે કૌરવોના શિબિર તરફ જતા રહે છે.


૨. સંજયયાન પર્વ (અધ્યાય: ૨૦–૩૨)[૧][૩]
દ્રુપદનો દૂત કૌરવ સભામાં પહોંચે છે અને કહે છે કે પાંડવો યુદ્ધ ઇચ્છતા નથી. તેઓ માને છે કે યુદ્ધ નાશનો પર્યાય છે. દૂત ધૃતરાષ્ટ્રને એમ પણ કહે છે કે યુધિષ્ઠિરને શાંતિ જોઈએ છે પણ શાંતિ તેમની કમજોરી નથી. તેમની પાસે સાત અક્ષૌહિણી સેના છે. વળી, કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેના સામે ખાલી અર્જુન એક જ પર્યાપ્ત છે. અને તેમના પક્ષે શ્રીકૃષ્ણ છે. તેમની બુદ્ધિ વિષે જાણકાર તેમની સહાયવાળી સેના સામે કોઈ યુદ્ધ કરવાની ખેવના પણ ન રાખી શકે. ગંગાપુત્ર કહે છે કે શાંતિ જ સાચો વિકલ્પ છે, યુદ્ધ યોગ્ય નથી પણ કર્ણ પાંડવોના વખાણ સહન કરી શકતો નથી અને તે કહે છે કે પાંડવોને પોતાની સેના અને બળનું અભિમાન છે તો યુદ્ધ જ નક્કી કરશે કે કોણ બળવાન છે. ધૃતરાષ્ટ્ર દૂતના શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે અને કહે છે કે અમે અમારો પ્રત્યુત્તર સંજય સાથે યુધિષ્ઠિરને મોકલીશું.


દૂતના ગયા બાદ ધૃતરાષ્ટ્ર સંજયને બોલાવે છે અને કહે છે કે તે કૌરવોના દૂત બનીને પાંડવો પાસે જાય અને કહે કે અમે પણ શાંતિના જ પક્ષધર છીએ પણ તેઓ યુધિષ્ઠિરને શાંતિપૂર્વક રાજ્ય આપવાની કોઈ વાત સંજયને કહેતા નથી. સંજય પાંડવો પાસે જઈને ધૃતરાષ્ટ્રનો સંદેશ કહે છે. યુધિષ્ઠિર કહે છે કે અમે ઇન્દ્રપ્રસ્થ છોડીને વનમાં ગયા હતા, હવે અમે વનમાંથી પાછાં આવ્યા છીએ તો અમને અમારું રાજ્ય પાછું આપવું જોઈએ. તે સંજયને કહે છે કે હું નાનું રાજ્ય લઈને પણ શાંતિ ઇચ્છું છું. સંજય પરત આવીને ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરના આ પ્રસ્તાવની વાત કરીને તેમને શાંતિનો સ્વીકાર કરવાની સલાહ આપે છે. સંજય તેમને એ પણ કહે છે કે તમે અને તમારો સ્વેચ્છાચારી પુત્ર શકુનિ જેવા દુર્બુદ્ધિ વ્યક્તિઓથી ઘેરાયેલા છો પરિણામે તમારા નિર્ણયો પર તેમનો કુપ્રભાવ પડે છે. આમ સામે પક્ષનું સત્ય વધુ બળવાન બને છે. ત્યાર બાદ ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે તું અત્યારે જા અને કાલે સભામાં આવીને યુધિષ્ઠિરની વાત કહેજે.[૪]


૩. પ્રજાગરપર્વ (અધ્યાય: ૩૩–૪૦)[૧][૪]
સંજયના ગયા બાદ ધૃતરાષ્ટ્ર વિદુરને બોલાવે છે અને કહે છે કે સંજયના સંદેશાથી હું ખિન્ન અને ચિંતિત છું, મારી ઊંઘ તેણે હરી લીધી છે. મને તું યોગ્ય માર્ગદર્શન આપ. ત્યારે વિદુર તેમને રાજનીતિનો પાઠ આપે છે. મહાત્મા વિદુરનો આ ઉપદેશ ખૂબ પ્રખ્યાત છે અને વિદુર નીતિના નામે પ્રસિદ્ધ છે. વિદુર કહે છે કે હે રાજન ! જેનું વેર બળવાન વ્યક્તિ સાથે થાય તેની, જે કામી હોય તેની અને જે ચોર હોય તેની નિંદ્રાનું હરણ થઈ જાય તે નિર્વિવાદ છે. તમે આમાંથી તો કોઈ લક્ષણ તમારામાં નથી ને ? તમે પરાયા ધનની લાલસામાં કાંઈ ખોટું નથી કરી રહ્યાને ? ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હું તારી પાસેથી ફક્ત સુંદર વાતો સાંભળવા માંગું છું કારણકે રાજર્ષિવંશમાં કેવળ તું જ વિદ્વાન અને માનનીય છે. વિદુર તેમને નીચે મુજબ વાત કરે છે.


રાજા યુધિષ્ઠિર આપના આજ્ઞાકારી હતા, તેમને તમે વનમાં મોકલી દીધા. તમે ધર્માત્મા હોવા છતાં તેમને ઓળખી ન શક્યા અને જ્યારે તેમને પોતાનું રાજ્ય પાછું આપવાનું આવ્યું ત્યારે પણ તમે સંમતિ ન આપી. યુધિષ્ઠિર પાસે દયા, ધર્મ, સત્ય અને પરાક્રમ છે, તેઓ ક્રૂર નથી અને તમારા માટે તેમને પૂજ્ય ભાવ છે. તેથી તેઓ ચુપચાપ બધું જ સહન કરતા આવ્યા છે. બીજી તરફ તમે શકુનિ, દુર્યોધન, કર્ણ અને દુઃશાસન જેવા અયોગ્ય વ્યક્તિઓ પર આધાર રાખીને રાજ્યના કલ્યાણની અપેક્ષા રાખો છો.


પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, ઉદ્યોગ, દુઃખ સહન કરવાની શક્તિ અને ધર્મમાં સ્થિરતા આ ગુણ હોવા છતાં તે પોતાના પુરુષાર્થમાંથી વિચલિત નથી થતો તે પંડિત છે. જે સારા કર્મો કરે છે, દુષ્કર્મોથી દૂર રહે છે, આસ્તિક અને શ્રદ્ધાળુ છે તે પંડિત છે. જેને ક્રોધ, હર્ષ, ગર્વ, લજ્જા, ઉદ્દંડતા, વગેરેથી દૂર રહી પુરુષાર્થ કરે તે પંડિત છે. જે કર્તવ્ય, સલાહ આપતી વખતે પણ પોતાની જાતના વખાણ કરી પ્રભાવ ઊભો નથી કરતો, પણ કામ પૂરું થયા બાદ જ જેના મહત્વની સાચી ખબર પડે છે તે પંડિત છે. આ ઉપરાંત પણ વિદુરજી પંડિત અને મૂર્ખ બન્નેનાં ઘણા લક્ષણોનું વિવરણ કરે છે.


જે પોતાના દોષયુક્ત વર્તાવ માટે પણ બીજાનો દોષ જોઈને આક્ષેપ કરે, તથા અસમર્થ હોઈને પણ ક્રોધ કરે તે મૂર્ખ છે.


જે મનુષ્ય એકલો જ પાપ કરીને કમાય છે અને તેના આશ્રિત આ પાપની કમાણી ખાય છે, તે વ્યક્તિ જ દોષી છે, નહીં કે તેના પાપની કમાણી ખાનાર વ્યક્તિ.


એક બુદ્ધિ દ્વારા બે કર્તવ્ય અને અકર્તવ્યનો સાચો નિશ્ચય કરીને ચાર સામ, દાન, દણ્ડ, ભેદનો ઉપયોગ કરીને ત્રણ શત્રુ, મિત્ર અને તટસ્થ (ઉદાસીન)ને વશ કરવા જોઈએ. પાંચ કર્મેન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો) આંખ (દૃષ્ટિ), કાન(શબ્દ), નાક (ગંધ), જીભ(સ્વાદ) અને ત્વચા (સ્પર્શ) દ્વારા છ ગુણો સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વેધીભાવ, તથા આશ્રયને જાણી સાત દુર્ગુણો સ્ત્રી સંગ, દ્યૂત, મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, ક્રૂર દંડ અને અન્યાયને ત્યાગવા જોઈએ.


વિષ પીનાર એકને જ મારે છે, શસ્ત્ર જેને વાગે તે એકને જ મારે છે. પરંતુ તમારી ગુપ્ત મંત્રણા જો જાહેર થઈ જાય તો પૂરા રાષ્ટ્ર સહિત રાજાનો પણ નાશ થાય છે.


જેમ સમુદ્ર પાર કરવા હોડી સિવાય બીજું કાંઈ કામ નથી કરતું તેમ સ્વર્ગને પામવાને માટે સત્ય સિવાય કોઈ સાધન નથી.


ક્ષમાશીલ માણસ માટે લોકોને એક દોષ દેખાય છે કે તે અસમર્થ છે, પણ ક્ષમા વીરોનું ભૂષણ અને અસમર્થનો ગુણ માનવો જોઈએ. જેના હાથમાં ક્ષમા અને શાંતિરૂપની તલવાર છે, તેનું દુષ્ટ લોકો કાંઈ બગાડી શકતા નથી. જે શક્તિશાળી હોવા છતાં ક્ષમાશીલ છે અને નિર્ધન હોવા છતાં દાનવીર હોય તે સ્વર્ગથી પણ ઉત્તમ લોક પામે છે.


આદર સાથે કરેલા અગ્નિહોત્ર, વેદાધ્યયન, યજ્ઞ અને મૌન આ ચાર કર્મ અભયદાન આપનારાં છે, પણ આ જ કર્મ જો દંભથી કરવામાં આવે તો ભય આપનારાં છે.


ભણી ગયેલ શિષ્યો આચાર્યને, પરણેલા પુત્રો માતાને, કામ રહિત થયેલો પુરુષ સ્ત્રીને, કૃતાર્થ થયેલો પુરુષ ઉપકાર કરનારને અને રોગથી સાજો થયેલો વૈદ્યને ભૂલી જાય તેમાં નવાઈ ન પામવી જોઈએ.


ઈર્ષાખોર, દયાળુ, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાશીલ અને પરોપજીવી વ્યક્તિ સદા દુઃખી જ હોય છે.


બીજાને ખબર ન પડી હોય તેવા પોતાના દુષ્કર્મથી જે લજ્જિત થાય છે, તે નિર્મળ મનવાળા પુરુષો કરતાં પણ શ્રેષ્ઠ છે.


આપણે જેનો પરાજય ન ઇચ્છતા હોય, તેને વગર પૂછ્યે પણ હિતકર વચનો કહેવા જોઈએ, પછી તે રુચિકર હોય કે અરુચિકર.


જેમ ભમરાઓ ફુલોનું જતન કરીને તેનો રસ ચુસે છે, તેમ જ રાજાએ પણ પ્રજાને કષ્ટ આપ્યા સિવાય તેમનું જતન કરતાં કરતાં જ તેમની પાસેથી દ્રવ્ય મેળવવું જોઈએ.


સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સ્વચ્છતાથી રૂપનું અને સદ્વર્તનથી કુળનું રક્ષણ થાય છે.


જે મનુષ્ય પારકા ધન, રૂપ, પરાક્રમન, કુળન, વંશન, સુખ, સૌભાગ્ય કે સન્માનની ઈર્ષા કરે છે તેની પીડાનો પાર હોતો નથી.


આવા ખૂબ જ જીવનોપયોગી ઉપદેશ, રાજાના કર્તવ્યો, જીવનના તમામ પાત્રોના ગુણ, દુર્ગુણ વિશે વિદુર સમજાવે છે. પરંતુ આખરે ધૃતરાષ્ટ્ર કહે છે કે મારે પણ શાંતિ જોઈએ છે પણ દુર્યોધન નહીં માને, તેથી યુદ્ધને અનિષ્ટાપત્તિ તરીકે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.


૪. સનત્સુજાતપર્વ (અધ્યાય: ૪૧–૪૬)[૧][૩]
વિદુર નીતિ સાંભળ્યા પછી પણ ધૃતરાષ્ટ્ર હતાશા અને અવસાદગ્રસ્ત હોય છે. તેથી તે વિદુરને કહે છે કે તું મને હજુ પણ વધુ જ્ઞાન આપ. ત્યારે વિદુર કહે છે કે વધુ વાત તમને કુમાર સનત્સુજાત જણાવશે તેઓ બ્રહ્માના પુત્ર છે. તેઓ સનત્સુજાતનું આહ્વાન કરે છે અને ઋષિ ત્યાં પ્રગટ થાય છે. વિદુર તેમની પૂજા અને સત્કાર કરે છે. ત્યાર બાદ તેમને પ્રાર્થના કરે છે કે ધૃતરાષ્ટ્રને સંશય છે તે સંશય આપ દૂર કરો. સનત્સુજાત એ બ્રહ્માના માનસપુત્રો પૈકી એક છે. તેઓ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપે છે તે આ પર્વમાં સમાવી લેવામાં આવ્યો છે. તેને સનત્સુજાતીય ગીતા પણ કહેવાય છે. સનત્સુજાત ધૃતરાષ્ટ્રના પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે પ્રમાદ જ મૃત્યુ છે. તેઓ કર્મ કેવી રીતે કરવું અને કર્મ અને મૃત્યુનો શું સંબંધ છે તે જણાવે છે. તેઓ બ્રાહ્મણ, બ્રહ્મચર્ય, મૃત્યુ, અપમૃત્યુ અને પરબ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ વિશે આ પર્વમાં ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપે છે.[૨][૧૨] Scholars[૮]:137 આ પર્વ પર અપ્રતિમ ભાષ્ય આદિ શંકરાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે.[૮]


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મેં સાંભળ્યું છે કે મૃત્યુ છે જ નહીં એવો તમારો સિદ્ધાંત છે. તો તેના વિષે મને જણાવો. ત્યારે સનત્સુજાત કહે છે કે મૃત્યુ બાબતે બે પ્રકારના મત પ્રવર્તે છે. એક તો એ કે મૃત્યુ છે અને તે બ્રહ્મચર્ય પાલન દ્વારે તે દૂર થાય છે. અને બીજો પક્ષ છે કે મૃત્યુ છે જ નહીં. કેટલાંક વિદ્વાનોએ મોહવશ મૃત્યુની સત્તા સ્વીકારી છે. પરંતુ મારું કહેવું છે કે પ્રમાદ જ મૃત્યુ છે. પ્રમાદના કારણે અસુર ગણ પરાજિત થયો છે અને અપ્રમાદના કારણે દેવગણ બ્રહ્મચર્યને પામીને અજર અમર થયો છે. એ નિર્વિવાદ છે કે મૃત્યુ વાઘની જેમ માણસનો શિકાર નથી કરતું, કારણકે તે દેખાતું નથી. કોઈ પ્રમાદથી ભિન્ન ગણીને યમને મૃત્યુ કહે છે, પરંતુ યમ તો પિતૃલોકના રાજા છે અને તેઓ પૂણ્યાત્માઓના માટે મંગલમય અને પાપાત્માઓ માટે અમંગલમય છે. આ યમની જ માયાથી ક્રોધ, પ્રમાદ અને લોભરૂપી મૃત્યુ મનુષ્યોનો વિનાશ કરે છે. અહંકારને વશીભૂત થઈને વિપરીત માર્ગ પર ચાલીને કોઈ મનુષ્ય પરમાત્માનો સાક્ષાત્કાર નથી કરી શકતો. આમ તે ક્રોધ, પ્રમાદ અને લોભથી મોહિત થઈને અહંકારને આધીન થઈને જન્મ-મરણના ચક્રમાં સપડાય છે. આમ શરીરથી પ્રાણરૂપી ઇન્દ્રિયોનો વિયોગ થવાને જ મૃત્યુ કહે છે. જે લોકો કર્મના ફળમાં આસક્તિ રાખે છે તેઓ દેહત્યાગ બાદ પરલોકમાં જાય છે તેથી તેઓ મૃત્યુને પાર નથી કરી શકતા. દેહાસક્ત (દેહાભિમાની) પરમાત્માના સાક્ષાત્કારના ઉપાયો જાણતો નથી તેથી તે વિષયોના ઉપભોગ માટે જુદી જુદી યોનિઓમાં ભટકતો રહે છે.
આમ જે મૃત્યુ પર વિજય પામવાની ઇચ્છા ધરાવતો હોય તે મનુષ્યે વિષયને તુચ્છ માની કામના ઉત્પન્ન થતાંની સાથે જ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં તેનો નાશ કરવો જોઈએ. તેને સામાન્ય લોકોની જેમ મૃત્યુ નથી મારી શકતી.


લોકો વેદ દ્વારા દર્શાવેલું કર્મ કેમ કરે છે ?
અજ્ઞાની મનુષ્ય જેમ ભિન્ન ભિન્ન લોકમાં ભ્રમણ કરે છે તેમ વેદ કર્મનું ખૂબ મહત્વ પણ બતાવે છે. પરંતુ જે નિષ્કામ છે તે બધા જ માર્ગ ત્યજીને જ્ઞાન માર્ગે આગળ વધીને પરમાત્મા સ્વરૂપ બનીને પરમાત્માને પામે છે. જે નિત્ય સ્વરૂપ ભગવાન છે તે જ પરબ્રહ્મ માયાના સહયોગ દ્વારા આ વિશ્વ બ્રહ્માંડનું સૃજન કરે છે. માયા એ પરબ્રહ્મનની જ શક્તિ છે. આ વાતનું પ્રમાણ વેદમાં પણ મળે છે.


જગતમાં કોઈ ધર્મનું આચરણ કરે છે કોઈક પાપનું આચરણ કરે છે. ધર્મ પાપને નષ્ટ કરે છે કે પાપ ધર્મને ?
બેમાંથી કોઈ એક બીજાને નષ્ટ નથી કરતું . ધર્મના આચરણનું અને પાપાચારનું બન્નેનું પૃથક્ પૃથક્ ફળ મળે છે. પરંતુ પરમાત્મામાં સ્થિત વિદ્વાનનું અગાઉનું પાપ અને પુણ્ય બન્ને નાશ થઈ જાય છે. જો તે પરમાત્મામાં સ્થિત નથી થતો તો તેને પુણ્ય અને પાપનું ફળ કર્માનુસાર વારાફરતી ભોગવવું પડે છે. એટલે જ મનુષ્યએ નિષ્કામ કર્મ કરવું જોઈએ.
જે નિષ્કામભાવે કર્મ કરીને અને ધર્મનું પાલન કરીને અંતર્મુખી થઈ ગયો છે તે પુરુષને શ્રેષ્ઠ સમજવો જોઈએ.
જે પોતાની આત્મપ્રશંસામાં રત છે તેને તે દ્વારા આજીવિકા મળે, તો પણ તે શ્વાનની જેમ પોતાનું વમન કરેલું પરત ખાવા જેવું છે, આવા લોકોની હંમેશા અવનતિ જ થાય છે.
જે કુટુમ્બીજનોની વચ્ચે પણ પોતાની સાધનાને સદા ગુપ્ત રાખે છે, તે વિદ્વાન પુરુષ છે.
જે લૌકિક ધનની દૃષ્ટિએ નિર્ધન હોઈને પણ દૈવી સંપત્તિ તથા યજ્ઞ-ઉપાસના આદિથી સંપન્ન છે તેમને બ્રહ્મની સાક્ષાત્ મૂર્તિ સમજવા જોઈએ.
માન અને મૌન એક સાથે નથી રહેતાં. માનથી આ લોકમાં સુખ મળે છે, જ્યારે મૌનથી પરલોકમાં સુખ મળે છે.


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે વાણીનો સંયમ કે પરમાત્માનું સ્વરૂપ આ બેમાંથી કયું મૌન છે ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે
જ્યાં મન સહિત વાણીરૂપ વેદ પહોંચી શકતા નથી તે પરમાત્માાનું સ્વરૂપ જ મૌન છે.


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે જો વેદનો જ્ઞાતા પાપ કરે તો તે પાપથી લિપ્ત થાય છે કે નથી થતો ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે
કોઈપણ વેદ પાપાચારીની રક્ષા નથી કરતો.


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે જો ધર્મ વિના વેદ રક્ષા કરવામાં અસફળ છે તો વેદવેતા (તથા યજ્ઞ અને તપ કરવાવાળો) પવિત્ર હોવાનો વ્યર્થ પ્રલાપ લોકો કેમ કરે છે ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે
વેદ પોતે જ ઉપદેશ આપે છે, કે પરબ્રહ્મ પરમાત્માના નામથી જ જગતની પ્રતીતિ થાય છે, પરંતુ તેમનું રૂપ જગતથી વિલક્ષણ બતાવવામાં આવ્યું છે. તેમની જ પ્રાપ્તિ અર્થે વેદમાં યજ્ઞ અને તપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તપ અને યજ્ઞ દ્વારા નિષ્કામ કર્મરૂપ પુણ્ય દ્વારા તેનું અંતઃકરણ જ્ઞાનથી પ્રકાશિત થાય છે અને તે જ્ઞાન દ્વારા તે વિદ્વાન પુરુષ પરમાત્માને પામે છે. જો આ જ કર્મ સકામ કરવામાં આવે તો તે મનુષ્ય તેનું ઉચ્ચ ફળ મેળવીને સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે તેનું પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તે મનુષ્યલોકમાં પરત ફરે છે. આમ જે સકામ કર્મ કરે છે તે પરલોકમાં સુખ ભોગવે છે, પરંતુ નિષ્કામ કર્મ કરે છે તેને આ લોકમાં જ તત્વજ્ઞાન રૂપે ફળ પ્રાપ્ત થાય છે. આમ એક જ તપસ્યા ઋદ્ધ અને સમૃદ્ધ બે પ્રકારની છે.
આ સિવાય પણ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાના ઋષિ સંતોષકારક જવાબ આપે છે, જેમાં જગત માટે ગૂઢાર્થ સમાયેલો છે. આ પર્વના તત્વજ્ઞાનને જ કેન્દ્રમાં રાખીને આદિ શંકરાચાર્યે ભારતવર્ષમાં અદ્વૈત વેદાંતનો ફેલાવો કરી જુદા જુદા મત મતાંતરથી ગ્રસ્ત સનાતન ધર્મને એક સૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના અલ્પાયુ દરમિયાન કર્યું હતું.
૫. યાનસંધિપર્વ (અધ્યાય: ૪૭–૭૧)[૧]
સંજયને રાત્રે પોતાના કક્ષમાંથી વિદાય કરતાં ધૃતરાષ્ટ્રે કહ્યું હતું, કાલે સભાગૃહમાં આવીને યુધિષ્ઠિરનો સંદેશ વાંચજે. ત્યાર બાદ તેઓ સનત્સુજાતજીનો ઉપદેશ સાંભળે છે. સવારમાં સૌ કૌરવો, આતુરતાથી સંજય યુધિષ્ઠિરનો સંદેશો સંભળાવે તે માટે એકત્ર થાય છે. સંજય યુધિષ્ઠિરનો સંદેશો વાંચી સંભળાવે છે કે કાં તો અડધું રાજ્ય આપો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. ભીષ્મ શાંતિનો આગ્રહ કરે છે. દ્રોણ તેમનું સમર્થન કરે છે. કર્ણ તેમાં વાંધો ઉઠાવે છે પણ ગંગાપુત્ર તેને ચૂપ રહેવા કહે છે. ધૃતરાષ્ટ્ર કુંતીપુત્રોના સૈન્ય વિષે પૂછે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તેઓ પાંડવો સાથે ન્યાય નથી કરતા. ત્યાર બાદ ધૃતરાષ્ટ્ર ભીમના શૈશવનાં સંસ્મરણો વર્ણવે છે અને તેની અપ્રતિમ શક્તિથી અને અર્જુનની અસ્ત્રવિદ્યાના ભયથી દુર્યોધનને સાવચેત કરીને શાંતિની સલાહ આપે છે, પરંતુ દુર્યોધન તેને ઠુકરાવે છે.
૬. ભગવદયાનપર્વ (અધ્યાય: ૭૨–૧૫૦)[૧][૪]
સંજયના ગયા બાદ યુધિષ્ઠિર ભાઈઓ અને વિરાટ, દ્રુપદ, તથા અન્ય મહારથીઓ પાસે જઈને કહે છે કે એકવાર આપણે શ્રીકૃષ્ણને કૌરવો પાસે મોકલવા જોઈએ જો તેઓની વાત કૌરવો સમજે તો આપણે આપણા વડીલ એવા ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય તથા બહ્લિક સામે યુદ્ધ ન કરવું પડે. તેઓ સૌ શ્રીકૃષ્ણ પાસે જાય છે અને યુધિષ્ઠિર તેમને વિનંતી કરે છે કે હો ગૌવિન્દ મિત્રના નાતે તમે અમારી સહાય કરો. ધૃતરાષ્ટ્રને જમીન અને રાજ્યનો મોહ છે તેથી તેમણે મારું રાજ્ય મને પાછું ન આપ્યું, પરંતુ મેં તો તેમની પાસે છેવટ પાંચ ગામ અવિસ્થલ, વૃકસ્થલ, માકન્દી, વારણાવત અને અન્ય તેમની ઇચ્છાનું કોઈ એક ગામ આપવા કહ્યું હતું, પરંતુ દુર્યોધનને તે પણ મંજૂર નથી. હવે યુદ્ધ થશે તો કેટલાય નિરપરાધ લોકો હણાશે, જે યોગ્ય નથી આ સંજોગોમાં શાંતિ માટેનો એક પ્રયત્ન આપના દ્વારા કરવામાં આવે આપ કૌરવો પાસે શાંતિદૂત બનીને જાઓ તેવી વિનંતી છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે તમે ભૂતકાળ ભૂલી ગયા જ્યારે કૌરવોએ તમારું અપમાન કર્યું હતું તમારી સાથે દગો કર્યો હતો ? આ પછી ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ પણ ચર્ચામાં ભાગ લે છે. શાંતિ દૂત બનીને શ્રીકૃષ્ણ જવાના છે તે વાતથી દ્રૌપદી વ્યથિત થાય છે અને શ્રીકૃષ્ણને પોતાના કેશ બતાવીને પ્રતિજ્ઞાની યાદ અપાવે છે. શ્રીકૃષ્ણ તેમને સાંત્વના આપે છે. કાર્તિક માસના રેવતી નક્ષત્રમાં મૈત્ર નામના યોગમાં શ્રીકૃષ્ણ હાસ્તિનાપુર જવા નીકળે છે. માર્ગમાં શ્રીકૃષ્ણને નારદજી, અધઃશિરા, સર્પમાલી, મહર્ષિ દેવલ, અર્બાબસુ, સુજાનુ, મૈત્રેય, શુનક, બલી, દલ્ભપુત્ર બક, સ્થૂલશિરા, પરાશરનંદન શ્રીકૃષ્ણદ્વેપાયનજી, આબોદધૌમ્ય, ધૌમ્ય, અણીમાંડવ્ય, કૌશિક, દામોષ્ણીષ ત્રીષવણ, પણાર્દ, ઘટજાનુક, મૌંજાયન, વાયુભક્ષ, પારાશર્ય, શાલિક, શીલવાન, અશની, ધાતા, શૂન્યપાલ, અકૃતવ્રણ, શ્વેતકેતુ, કહોલ તથા મહાતપસ્વી પરશુરામ આદિ મહર્ષિઓ મળ્યા. શ્રીકૃષ્ણએ તેમનું પૂજન કરી વંદન કર્યા. સૌની અગવાની કરીને મહર્ષિ પરશુરામ કહે છે કે તે સૌ ઋષિગણને તમારો કૌરવસભામાં પ્રસ્તાવ અને ત્યાંની ઘટના નજરે જોવાની ઇચ્છા છે. અમે વિદાય લઈએ છીએ પરંતુ આપને ફરી મળીશું. દૂતો દ્વારા ધૃતરાષ્ટ્રને ખબર મળે છે કે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર તરફથી તેમને મળવા આવે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર તેમના આવવાના આનંદમાં સમસ્ત નગર પતાકાઓથી સજાવીને તેમનું સ્વાગતની તૈયારી કરવાનું કહે છે. તેઓ કહે છે કે હું મારા ખજાનામાંથી ઉત્તમ માણેક, ઉત્તમ રથ ઇત્યાદિ તેમને ભેટ આપીશ. દુર્યોધન તેમના માર્ગમાં તેમના વિશ્રામ માટે છાવણીઓ તૈયાર કરાવે છે, પરંતુ ભગવાન તે તરફ નજર પણ નાખ્યા વિના હસ્તિનાપુર આવે છે. વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે કે શ્રીકૃષ્ણ જે વાત કરે તેનો સ્વીકાર કરી તે માર્ગે જ ચાલવામાં જ સૌનું હિત હશે તે ધ્યાનમાં રાખજો. આ સાંભળીને દુર્યોધન ખિન્ન થઈને ધૃતરાષ્ટ્રને કહે છે કે શ્રીકૃષ્ણ ત્રણેય લોકમાં પૂજનીય છે તે નિઃશંક છે પરંતુ તેઓને પાંડવો માટે અતૂટ પ્રેમ છે અને તેઓ તેમનો જ પક્ષ લે છે, આમ તમારે તેમને કોઈ ભેટ આપવી ન જોઈએ. એનાથી તો તેઓ એમ સમજશે કે આપણે ડરી ગયા છીએ. આ સાંભળીને ભીષ્મ ચેતવે છે કે શ્રીકૃષ્ણની પૂજા નહીં કરો કે તેમને ભેટ નહીં આપો તો તે કદાપિ કોપાયમાન નહી થાય, પરંતુ તેમનો જરા પણ અનાદર ન થવો જોઈએ. તેઓ જે કહે તે સ્વીકારીને પાંડવો સાથે સંધિ કરી લેવામાં જ હિત છે. ત્યારે દુર્યોધન કહે છે કે હવે સંધિની કોઈ સંભાવના બાકી બચી નથી. હવે તમે સાંભળો કે મેં શું વિચાર્યું છે. હું પાંડવો તરફથી મળવા આવતા શ્રીકૃષ્ણને જ કેદ કરી લઈશ. તેમના કેદ થવાથી આખું ભૂમંડલ, સમસ્ત યાદવો અને પાંડવો સૌ મારા આધીન થઈ જશે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવે છે કે દૂતને પકડવો તે અધર્મ છે. ત્યારે કોપાયમાન ભીષ્મ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર ! તમારો આ પુત્ર આવી મહા ભયંકર ભૂલ કરીને મંત્રીમંડળ સહિત આપણા સર્વનો વિનાશ આમંત્રિત કરી રહ્યો છે. હવે હું એક ક્ષણ પણ આની અધર્મી વાત સાંભળવા તૈયાર નથી. આમ કહીને ભીષ્મ સભા છોડીને જતા રહે છે. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે ત્યારે દુર્યોધન સિવાય સૌ કૌરવો, ભીષ્મ, કૃપાચાર્ય દ્રોણ સૌ તેમની અગવાની કરવા સામે જાય છે. શ્રીકૃષ્ણનું સભાગૃહે સ્વાગત થયા બાદ તે વિદુરના ઘરે જાય છે. તેમને મળીને પછી તેઓ પોતાના ફોઈ કુન્તીને મળવા જાય છે. ત્યારબાદ તે દુર્યોધનના ભવનમાં જાય છે. ત્યાં કર્ણ, દુઃશાસન અને શકુનિ સહિત અસંખ્ય રાજા હોય છે. મહાત્મા વિદુરને ત્યાં રાત્રિ વિરામ કરીને શ્રીકૃષ્ણ બીજે દિવસે રાજ દરબારમાં જાય છે. તેમનું સૌ સ્વાગત કરીને આસન ગ્રહણ કરવા કહે છે. શ્રીકૃષ્ણ આસન ગ્રહણ કરે છે.


શ્રીકૃષ્ણ ઉભા થઈને કહે છે કે હું આપને એ પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે ક્ષત્રિય વીરોના સંહાર વિના કૌરવો પાંડવોમાં શાંતિની સ્થાપના થઈ જાય. કુરુવંશમાં કાયમ સંપ રહ્યો છે અને હાલ ખૂબ જ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ છે. જો તમે તમારા પુત્રોને વશમાં રાખો તો પાંડવોને નિયંત્રણમાં રાખીશ. પાંડવો સાથે વેર રાખવાનું પરિણામ કદાપિ સારું નહીં હોય. આમ, તમે સંધિ માટે જ પ્રયત્ન કરો. આમ કરવાથી પાંડવો તમારી જ સહાય કરશે. તમે જો પાંડવો દ્વારા સુરક્ષિત હશો તો સ્વયં ઇન્દ્ર માટે પણ તમને જીતવા દુષ્કર હશે, તો અન્ય રાજાઓની તો વાત જ શું કરવી ? જો પાંડવો તમારા પક્ષે હશે તો સૌ રાજા તમારી સાથે સંધિ કરી લેશે. અને જો યુદ્ધ થશે અને કૌરવો કે પાંડવો નષ્ટ થઈ જશે તો તમે શું સુખ ભોગવી શકશો ? માટે યુદ્ધના પરિણામનો વિચાર કરો. યુધિષ્ઠિરે પણ તમને કહેવડાવ્યું છે કે તમે અમારા જયેષ્ઠ પિતા છો તો તમે તમારી પ્રતિજ્ઞા (કે તમે અમને તેર વર્ષ ઉપરાંત અમારું રાજ્ય પાછું સોંપશો) પર વળગી રહેશો અને અમને અમારી પૈતૃક સંપત્તિ અમારા અધિકાર મુજબ પરત આપશો તેવી ધારણાથી તો અમે વનવાસની તથા અજ્ઞાતવાસની તમામ શરતોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું, તેના માટે અમારે ખૂબ કષ્ટ વેઠવું પડ્યું છતાં અમે વિચલિત થયા નહીં. વળી, સૌ સુજ્ઞ સભાજનો માટે પણ યુધિષ્ઠિરે સંદેશો મોકલાવ્યો છે કે તમે સૌ ધર્મના જ્ઞાતા છો, તમારા દેખતાં જો સભામાં અધર્મ આચરવામાં આવે અને છતાં સભાજનો મૌન ધારણ કરે, તો તેને ધર્મસભા કેમ કહેવાય ? હે રાજન ! તમારા રાજ્યમાં જ યુધિષ્ઠિર અને પાંડવો પર અત્યાચાર થયો છે, અન્યાય થયો છે, અરે તેમને લાક્ષાગૃહમાં બાળી દેવાનો પ્રયત્ન પણ સર્વ વિદિત છે. તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો પણ તેઓ પરત તમારી જ શરણમાં આવ્યા છે. તમે તેમને અહીંથી ઈન્દ્રપ્રસ્થ કાઢી મૂક્યા, તો તેમણે તેમના પરાક્રમથી આસપાસના રાજાઓને વશમાં કર્યા પણ કદી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. આવા સાધુ સ્વભાવવાળા યુધિષ્ઠિરનું ધન હરી લેવા સુબલપુત્ર શકુનિએ જુગારના બહાને કપટ કર્યું અને પાંડવો તેનો ભોગ બન્યા. તેમની પત્નીને દયનીય અવસ્થામાં અહીં લાવવામાં આવી અને તેને તિરસ્કાર સાથે અપશબ્દો બોલવામાં આવ્યા, છતાં યુધિષ્ઠિર પોતાના ક્ષત્રિય ધર્મથી વિચલિત નથી થયા. હું તમારા અને પાંડવોના હિતાર્થે જ કહી રહ્યો છું કે તમારા લોભી પુત્રોને વશમાં લો, યુધિષ્ઠિર તમારી સેવા પણ કરવા તૈયાર છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. માટે આપને જે માર્ગ યોગ્ય લાગે તે સ્વીકારો. આ સાંભળીને સભામાં સોપો પડી ગયો અને કોઈની વાણીમાં એવી હિંમત નહોતી કે આનો કોઈ જવાબ આપી શકે. તેથી મુનિ શ્રી પરશુરામે નીચે મુજબ દૃષ્ટાંત સહિત પોતાની વાત કહી.


પૂર્વકાળમાં દમ્ભોદ્ભવ નામનો પ્રસિદ્ધ રાજા આ સમસ્ત અખંડ ભૂભાગનો સમ્રાટ હતો. તે દરરોજ પ્રાતઃકાળે નિત્યકર્મથી પરવારીને બ્રાહ્મણો અને ક્ષત્રિયોને પૂછતો હતો કે શું આ પૃથ્વી પર મને હરાવી શકે તેવો કોઈ પરાક્રમી છે ? બ્રાહ્મણોએ તેમને આવું ન કરવા ઘણીવાર સમજાવ્યા પણ તે અહંકારથી અંધ નરેશે એમ કરવાનું બંધ ન કર્યું. છેવટે એકવાર બ્રાહ્મણોએ કહ્યું કે બે જણ એવા મહારથી છે કે તમે તેમની તોલે આવી શકો તેમ નથી. વિપ્રોએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તેઓ નર અને નારાયણ નામ વાળા મહાત્મા છે અને ગન્ધમદન પર્વત પર તેઓ તપસ્યા કરી રહ્યા છે. રાજા ત્યાં જાય છે. ત્યાં તપસ્યાના કારણે કૃશકાય નર અને નારાયણ તેને મળે છે. તે યુદ્ધ માટે ઉશ્કેરે છે પરંતુ નર નારાયણ શાંતિનો આગ્રહ રાખે છે. દમ્ભોદ્ભવ માનતો નથી છેવટે નરના એક જ પ્રહારમાં તેને નર નારાયણની શક્તિનો ખ્યાલ આવી જાય છે. ત્યાર બાદ યુદ્ધ આગળ વધે છે. અને દમ્ભોદ્ભવ તેમના ચરણમાં પડી જાય છે. ત્યારે નર નારાયણ તેમને માફ કરીને કહે છે કે હવે અભિમાન ન કરતો અને બ્રાહ્મણોને સતાવતો નહીં. આમ, દમ્ભોદ્ભવ તેમને પ્રણામ કરીને પોતાની રાજધાની પરત જતો રહે છે.


આ દૃષ્ટાંત સંભળાવીને શ્રી પરશુરામે કહ્યું કે, આમ પૂર્વકાળમાં નરે ખૂબ મહાન કાર્ય કર્યું હતું અને ભગવાન નારાયણ તો તેનાથી પણ વધુ શ્રેષ્ઠ છે. માટે હે રાજન ! ગાંડિવ પર દિવ્યાસ્ત્રોનું સંધાન થાય તે પહેલાં જ અભિમાન છોડીને અર્જુન સાથે મળી જાવ. જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, માત્સર્ય અને અહંકાર એમ આઠ દોષ છે, તેમ તેનાથી ગ્રસિત વ્યક્તિને મારવા કાકુદિક, શુક, નાક, અક્ષિસંતર્જન, ત્રાસન, સંતાન, નર્તક, ઘોર અને આસ્યમોદક એ આઠ શસ્ત્રો છે જેનાથી મનુષ્યોનો સંહાર થાય છે. હે રાજન ! સંપૂર્ણ લોકનું નિર્માણ કરનાર નારાયણ જેના સહાયક છે, તે નર સ્વરૂપ અર્જુન યુદ્ધમાં અજિત છે. જે નર અને નારાયણના નામે પ્રસિદ્ધ છે, તે જ અર્જુન અને શ્રીકૃષ્ણ છે. જો તમને મારામાં થોડો પણ વિશ્વાસ હોય તો શ્રેષ્ઠ બુદ્ધિ વાપરીને પાંડવો સાથે સંધિ કરી લો. ત્યાર બાદ કણ્વ મુનિએ પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે જેમ લોક પિતામહ બ્રહ્માજી અક્ષર છે, તેવી જ રીતે નર અને નારાયણ પણ અક્ષર છે. તેમણે ઇન્દ્રના સારથિ માતલિ, તેમના પુત્રી ગુણકેશી, માતલિએ નારદજી સાથે નાગલોકમાં જઈને પોતાની પુત્રીના વર તરીકે પસંદ કરેલ નાગ સુમુખ, ગરુડ, ઇન્દ્ર અને વિષ્ણુ ભગવાનની કથા દ્વારા સમજાવે છે કે દુર્યોધનનું અભિમાન વિનાશ લાવશે તે વાતમાં કોઈ શંકા નથી. આમ છતાં દુર્યોધન પોતાની વાત પર કાયમ રહે છે. ત્યાર બાદ મહર્ષિ વેદવ્યાસ, ઇત્યાદિ પણ દુર્યોધનને યથા યોગ્ય રીતે સમજાવે છે. દેવર્ષિ નારદ યયાતિ પતન અને પુનઃ સ્વર્ગારોહણની કથા દ્વારા દુર્યોધનને સમજાવે છે, પરંતુ દુર્યોધન માનતો નથી. આ સૌના ઉપદેશ પશ્ચાત્ ધૃતરાષ્ટ્ર શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે હે કેશવ મારો પુત્ર જે કરી રહ્યો છે તેનાથી હું પણ રાજી નથી પણ તે કોઈની વાત માનતો નથી, માટે આપ જ તેને સમજાવો. તેથી શ્રીકૃષ્ણ તેને વિસ્તારથી સમજાવે છે. પછી, ભીષ્મ, દ્રોણાચાર્ય, વિદુર સૌના સમજાવવાથી પણ દુર્યોધન પોતાની જીદ છોડતો નથી.


સૌને સાંભળીને દુર્યોધન કહે છે, કે હે મધુસૂદન તમે સદાની જેમ અર્જુનના જ વખાણ કરો છો, તમને મારો જ દોષ દેખાય છે પરંતુ હું સૂક્ષ્મ દૃષ્ટિએ જોઉં, તો પણ મને મારામાં કોઈ દોષ દેખાતો નથી. મેં તો તેમને જીતેલી પુરી સંપત્તિ પરત કરી દીધી હતી, તેમ છતાં તેઓ તે સંપત્તિ ફરીથી હારી ગયા અને છેવટે વનવાસ સ્વીકાર્યો. આમાં તો તેઓ જ દોષી છે. વળી, તમે અર્જુનની બીક મને બતાવો છો, પણ ક્ષત્રિય તરીકે મારે ઇન્દ્ર સાથે લડવાનું આવે તો પણ મને ભય નથી લાગતો. રણભૂમિમાં બાણોની શૈયા પર સૂઈ જવું તે તો ક્ષત્રિયનો પરમ ધર્મ છે, વળી તેનાથી તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માટે હે કેશવ આ ભૂમિમાંથી એક સોયની અણી જેટલી ભૂમિ પણ હું તેમને નહીં આપું.આ સાંભળીને શ્રીકૃષ્ણ કહે છે કે તારી વીરગતિની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. પરંતુ તારું કહેવું છે કે તેં કદી ખોટું કર્યું નથી તો સાંભળ. સૌ પ્રથમ તો પાંડવોની કીર્તિ અને વૈભવથી ઈર્ષા પામીને તેં શકુનિ સાથે મળીને દ્યૂતક્રીડા માટે ષડ્યંત્ર રચ્યું તે ખોટું કર્મ છે. તારાથી વધુ અધમ કોણ હશે કે જેણે પોતાના મોટા ભાઈની પત્નીને સભામાં લાવીને તેની સાથે અનુચિત વર્તન કર્યું. તેં જ વારણાવ્રતમાં પાંડવોને તેમની માતા સહિત સળગાવી દેવાનું કાવતરું કર્યું હતું, જે નસીબજોગે સફળ ન થયું. ત્યારે લાંબા સમય સુધી પાંડવો તેમની માતા સહિત એક બ્રાહ્મણને ત્યા આશ્રિત બની રહ્યા હતાં. તેં જ ભીમસેનને ઝેર આપીને, નાગ દંશથી અને હાથ પગ બાંધીને પાણીમાં ડુબાડી દેવાના પ્રયત્નો પણ કર્યા હતા. આ બધું કરવા છતાં તું કેવી રીતે વિચારી શકે કે તારો દોષ નથી ? પાપાચારી, યાચના કરવા છતાં તું જે ભૂભાગ તેમને આપવાની ના પાડે છે, તે તારે રણભૂમિમાં ધરાશયી થઈને આપવો પડશે. ત્યાં વચ્ચે દુઃશાસન કટાક્ષમાં બોલી ઊઠ્યો કે હે દુર્યોધન, મને એવું લાગે છે કે જો તમે પાંડવો સાથે સંધિ નહીં કરો, તો આપણા કુરુ વડીલો, (ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર અને બહ્લિક) બાંધીને તમને યુધિષ્ઠિરને સોંપી દેશે. આ સાંભળીને કોપિત દુર્યોધન સભાત્યાગ કરીને ત્યાંથી જતો રહ્યો. તેની સાથે અન્ય ભાઈઓ પણ જતા રહ્યા. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ધૃતરાષ્ટ્રને કહ્યું સૌ કૌરવો મળીને તમારા આ પાપાત્માને સમજાવો અને ન માને તો તેને બંદી બનાવીને યુધિષ્ઠિરને સોંપીને તેમની સાથે સંધિ કરો. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે વિદુરને કહ્યું કે તું જઈને ગાંધારી અને દુર્યોધનને બોલાવી લાવ. ગાંધારી અને કુપિત દુર્યોધન આવતાં જ ગાંધારીએ દુર્યોધનને વડીલોની વાત માની લેવા કહ્યું. માતાની નીતિપૂર્ણ વાતો સાંભળીને દુર્યોધન મામા શકુનિ, કર્ણ તથા અન્ય સાથે ગુપ્ત મંત્રણા કરવા જતો રહ્યો. શકુનિએ તેને દુર્બુદ્ધિ આપતાં કહ્યું કે, આ લોકો આપણને બંદી બનાવીને યુધિષ્ઠિરને સોંપી દે, તેના પહેલાં જ આપણે દેવકીનંદનને બંદી બનાવી લઈએ. આ કાવતરાંની ગંધ વિદ્વાન સાત્યકિને આવી ગઈ. તેમણે કૃતવર્માને સૂચના આપી કે તે કવચ ધારણ કરીને સભાખંડના દ્વાર પર સેના સહિત તૈયાર રહે અને પોતે સભાગૃહમાં જઈને સભાને જાણ કરી. આ સાંભળીને વિદુરે ધૃતરાષ્ટ્રને સમજાવતાં કહ્યું કે તમારા પુત્રને સમજાવો, જો તેમનો કાળ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમ તણખલું આંધીના વશમાં હોય છે તેમ તમારા સો પુત્રો દેવકીનંદનની આંધી સામે ટકી નહીં શકે. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે, રાજન જો કોપિત દુર્યોધન જો મને કેદ કરવા માંગતો હોય, તો તેને તમે મને પકડવાની આજ્ઞા આપી દો, પછી તમે જુઓ કે તે મને પકડે છે કે હું તેને. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે વિદુરને મોકલીને દુર્યોધનને સભાગૃહમાં બોલાવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું દુર્ઘષ શ્રીકૃષ્ણને કેદ કરવાની યોજના બનાવી રહ્યો છે, જાણે કોઈ બાળક ચંદ્રને પકડવાનો પ્રયત્ન કરે. વિદુરે પણ તેને કહ્યું કે જો તું આમ કરવાની ચેષ્ટા પણ કરીશ તો પળભરમાં નષ્ટ થઈ જઈશ. કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે મૂર્ખ તું મને એકલો ધારીને પકડવા વિચારતો હોય, તો સમજી લેજે કે અહીં અંધક તથા વૃષ્ણિવંશના વીર યોદ્ધાઓની સેના અહીં જ હાજર છે. હે મૂઢ તું જો કે આદિત્યગણ, રુદ્રગણ, તથા મહર્ષિઓ સહિત વસુગણ પણ અહીં જ છે. આમ કહેતાં જ શ્રીકૃષ્ણનું શરીર તેજોમય થઈ ગયું અને તેમના અટ્ટહાસ્ય સાથે જ તેમના અંગોમાં લોકપાલ, વસુ, રુદ્રગણ સૌ દૃષ્ટિમાન થઈ ગયા. તેમની ભુજાઓમાં ગાંડિવધારી અર્જુન અને બલરામ પ્રકટ થયા. તેમના પૃષ્ઠભાગમાં ભીમ, યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ તથા અગ્રભાગમાં વૃષ્ણિવંશી અને અંધકવંશી યાદવ યોદ્ધાઓ દૃષ્ટિગોચર થતા હતા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, શાંગધનુષ્ય, હળ તથા નનંદક નામનું ખડગ તેમની ભૂજાઓમાં પ્રકટ થયાં. તેમનાં નેત્રોમાંથી નાસિકામાંથી અને કાનમાંથી બહાર ધધકતી ધૂમ્રયુક્ત અગ્નિ જવાળાઓ દેખાતી હતી. તેમનું આ સ્વરૂપ જોઈને ભયભીત સૌ રાજા સહિત સર્વ સભાસદો ભયભીત થઈ ગયા. ભીષ્મ, દ્રોણાચાર્ય, મહાત્મા વિદુર તથા સંજય એ સૌને શ્રીકૃષ્ણે દિવ્ય દૃષ્ટિ આપી હતી, તેમના સિવાય સૌની આંખો અંજાઈને બંધ થઈ ગઈ. દેવતાઓએ દુંદુભિ વગાડીને પુષ્પવર્ષા કરી ભગવાન શ્રીકૃષ્ણનું અભિવાદન કર્યું. ત્યારે કુરુનંદન ધૃતરાષ્ટ્રે ભગવાનને વિનંતી કરી કે મને પણ તમારા આ રૂપના દર્શન કરવાની દૃષ્ટિ આપો. શ્રીકૃષ્ણએ તેમને અદૃશ્ય દૃષ્ટિ આપી, તેથી ધૃતરાષ્ટ્રને પણ તેના દર્શન થયા. ત્યારબાદ ભગવાને તેમનું વિશ્વરૂપ સંકેલીને સામાન્ય રૂપે પ્રકટ થયા અને ઋષિઓની આજ્ઞા લઈને સાત્યકિ અને કૃતવર્મા સાથે સભાગૃહમાંથી પ્રસ્થાન કર્યું. ત્યારબાદ શ્રીકૃષ્ણ કુંતીને મળવા જાય છે અને સભાગારમાં બનેલી ઘટનાનું તાદૃશ વર્ણન કરે છે. તેઓ કહે છે હવે હું યુધિષ્ઠિર પાસે જઈશ માટે તમારો સંદેશ યુધિષ્ઠિરને પહોંચાડીશ. તેથી કુંતી કહે છે, કે યુધિષ્ઠિરને કહેજો કે તે ક્ષત્રિય ધર્મનું પાલન કરે. તેને કહેજો કે તારો પૈતૃક ભાગ દુશ્મનોના હાથમાં પડીને ક્ષીણ થઈ રહ્યો છે, તો તું તેનો ઉદ્ધાર કર. કુંતી શ્રીકૃષ્ણને પ્રાચીનકાળમાં વિદુલા નામની ક્ષત્રિયાણી યુદ્ધમાં હારીને આવેલા તેના પુત્રને ફરી યુદ્ધમાં પ્રવૃત્ત થવા જે વાત કરે છે તેની કથા સંભળાવીને કહે છે કે તે યુધિષ્ઠિરને આ વાત જરૂર કહે કે તેનો ધર્મ યુદ્ધમાં પ્રવૃત્ત થવાનો છે. તમે અર્જુનને કહેજો કે જ્યારે તે મારા ગર્ભમાં હતો, ત્યારે આકાશવાણી દ્વારા મેં સાંભળ્યું હતું કે તારો આ પુત્ર ઇન્દ્ર સમાન પરાક્રમી થશે અને ભીમસેન સાથે રહીને તે સમસ્ત કૌરવોને જીતી લેશે. તારો આ પુત્ર શ્રીકૃષ્ણ સાથે રહીને સમગ્ર ભૂમંડળ જીતી લેશે. તમે ભીમસેનને કહેજો કો ક્ષત્રાણી જે ક્ષણ માટે પુત્રને જન્મ આપે છે, તે ક્ષણ આવી પહોંચી છે. તમે માદ્રી કુમારોને કહેજો કે પ્રાણની બાજી લગાવીને પરાક્રમથી પૈતૃક ભાગ મેળવીને તેનો ઉપભોગ કરે. હે કૃષ્ણ પાંડવોને કહેજો કે મને રાજ્ય ગુમાવવાનું અને દ્યૂતમાં તેમની હારનું એટલું દુઃખ નથી જેટલું મારી પુત્રવધૂના ભરી સભામાં થયેલા અપમાનનું છે. તે દિવસે દ્રૌપદી રજસ્વલા હતી, તો પણ તેની આમન્યા કોઈએ ન કરી. તે પાંચ નાથની વચ્ચે પણ અનાથની જેમ અસુરક્ષિત હતી. માટે હે કેશવ ! તમે અર્જુનને કહેજો કે તે પાંચાલીના કહેલા માર્ગ પર ચાલીને તેના અપમાનનો બદલો અવશ્ય લે. હે જનાર્દન ! મારા તરફથી દ્રૌપદીને તેના પુત્રો સહિત કુશલ સમાચાર પૂછજો અને મારી પણ સકુશળતા કહેજો. શ્રીકૃષ્ણ ત્યાંથી કર્ણની સાથે રથમાં સવાર થઈને સાત્યકિ સાથે વિદાય થાય છે. તે હસ્તિનાપુરની બહાર જતાં જતાં કર્ણને સમજાવે છે કે તે પાંડવ પક્ષે રહીને યુદ્ધ કરે.


ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે શ્રીકૃષ્ણ અને કર્ણ વચ્ચે શો સંવાદ થયો ? ત્યારે સંજય કહે છે, કે શ્રીકૃષ્ણએ કર્ણને કહ્યું કે (કુંવારી) કન્યાને ગર્ભ રહે અને તેનો જન્મ જો લગ્ન પહેલાં થાય તો તેને કાનીન કહે છે અને જો લગ્ન બાદ થાય તો તેને સહોઢ઼ કહે છે. તું પણ કાનીન છે અને તેથી તારા પિતા પાંડુ જ ગણાય. આમ તું પાંડવ પક્ષેથી યુદ્ધ કરીને જીતીશ, તો રાજા તું જ બનીશ. પિતા પક્ષે સૌ પાંડવો તારી સાથે છે અને માતૃપક્ષે સૌ વૃષ્ણિવંશી તારી સાથે છે. આજે મારી સાથે આવીશ, તો પાંડવોને પણ ખબર પડી જશે કે તું કુંતીપુત્ર અને તે સૌનો જયેષ્ઠ ભાઈ છો. વીર પાંડવો, વીર અભિમન્યુ તથા પાંડવોના પુત્રો અને તેમની સહાયે આવેલા સૌ રાજા તારા ચરણો પખાળશે. યુધિષ્ઠિરના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. ત્યારે કર્ણ કહે છે કે મને ખબર છે કે મારી જન્મદાત્રી કુંતી છે અને સૂર્યદેવના નિયોગથી મારી ઉત્પત્તિ થઈ છે. જન્મ થતાં જ મારાં માતાએ મને જળમાં વહાવી દીધો અને તે રીતે હું અધિરથ નામના સૂતને મળ્યો અને મને જોતાં જ તેમનાં પત્ની રાધાના સ્તનમાં દુધ ઉભરાયું આમ તેમણે મને માતા પિતાનો સ્નેહ આપી મને અંગ દેશનો રાજા બનાવ્યો. અનેક સૂત કન્યાઓ સાથે મારા વિવાહ કરાવ્યા અને તેમના દ્વારા મારે પુત્રો અને પૌત્રો પણ છે. તદુપરાંત મારા સખા દુર્યોધનના અનેક ઉપકારો અને સહાયથી મેં આટલાં વર્ષો સુધી રાજ્યનું સુખ ભોગવ્યું છે. હવે હું મારી માતા, ભાઈઓ બદલીને મારી નિષ્ઠાનો ત્યાગ કરું તેમાં ધર્મની હાનિ સિવાય કાંઈ નથી. આમ હું તો દુર્યોધન પક્ષે જ લડીશ. પણ મારી એક વિનંતી છે કે અર્જુનથી આપણી આ મંત્રણા ગુપ્ત રાખજો અને તેને યુદ્ધપર્યંત કદી કહેશો નહીં કે હું જ તેમનો જયેષ્ઠ ભાઈ છું. શ્રીકૃષ્ણ કર્ણને કહે છે કે તો હસ્તિનાપુર જઈને કહેજે કે આજથી સાત દિવસ બાદ મૃગશીર્ષ માસની અમાવાસ્યા છે, તે દિવસથી યુદ્ધ ચાલુ કરીશું. આમ બન્ને વચ્ચે સંવાદ બાદ બન્ને એકબીજાને પ્રેમથી આલિંગન આપી છૂટા પડે છે. શ્રીકૃષ્ણ ઉપપ્લવ્ય નગરમાં છાવણી નાખીને બેઠેલી પાંડવ સેના પાસે જાય છે. આ તમામ વૃત્તાંત સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું અને તમામ પક્ષેથી શાંતિ સ્થાપનાની અસફળતા જોઈને વિદુર કુંતિના નિવાસસ્થાને ગયા. તેમની સાથે વાત કરીને કુંતીને લાગે છે કે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ જો ટાળી શકાતું હોય, તો તેમ કરવા પોતે કર્ણને વિનંતી કરશે. આમ નિશ્ચય કરીને કુંતી બીજી સવારે ગંગા કિનારે જાય છે, જયાં કર્ણ પૂજા કરતો હોય છે. કર્ણની પૂજા પુરી થતાં તે ફરે છે અને કુંતીને જુએ છે. તે કુંતીને વંદન કરીને કહે છે, કે હું રાધા અને અધિરથના પુત્ર કર્ણ આપને પ્રણામ કરું છું. તમે અહીં આવવાનું કષ્ટ શું કામ કર્યું દેવી ? ત્યારે કુંતી કહે છે, કે તું રાધાનો નહીં પણ કુંતીપુત્ર છો. તારા પિતા અધિરથ નહીં પણ સૂર્ય છે. તું જે ભાઈઓથી અપરિચિત રહીને દુર્યોધનની સેવા કરી રહ્યો છું, તે ત્યાગીને પાંડવોનો પક્ષ લે. ત્યારે સૂર્યમંડલમાંથી સ્વયં સૂર્યદેવનો અવાજ સંભળાયો, કે હે નરશ્રેષ્ઠ, તું તારી માતાની આજ્ઞાનું પાલન કર એમાં જ તારું શ્રેય છે. જો કે આમ સાંભળવા છતાંય ધૈર્યબુદ્ધિ કર્ણ વિચલિત ન થયો અને પોતાના નિર્ણયમાં અડગ રહ્યો. તેણે કહ્યું હે રાજપુત્રી તમે જે કહો છો તેના પર મને શ્રદ્ધા નથી, તમે જે મારા પર અત્યાચાર કર્યો છે તેનાથી મેં કીર્તિ અને યશ ગુમાવી દીધા છે, હું ક્ષજ્ત્રિય સંસ્કારથી વંચિત થઈને સૂતપુત્ર કહેવાયો. આનાથી વધુ અત્યાચાર કોઈપણ દુશ્મન શું કરી શકશે. આજે તમને મારા ક્ષત્રિય ધર્મની યાદ આવી ? ધૃતરાષ્ટ્ર પુત્રોએ મને સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકું તે માટે તમામ ઇચ્છિત વસ્તુઓ આપી છે. આજે જો હું પાંડવો સાથે મળી જાઉં તો હું કૃતઘ્ની ગણાઉં, અને સંસાર આખો અર્જુનના ડરથી કાંપે છે, તે મને પણ કહેશે કે હું અર્જુનથી ભયભીત થઈને તેમની સાથે મળી ગયો. આમ તમારી વાત હિતકર અને ધર્મપ્રદ હોવા છતાં હું તમારી વાત ન માનવા માટે વિવશ છું. પરંતુ તમારું અહીં આગમન વ્યર્થ નહીં જાય. હું વચન આપું છું કે હું સંજોગો આવે અને તમારા ચાર પુત્રો (યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ અને સહદેવ) યુદ્ધમાં મારા વશમાં આવશે તો પણ તેમનો વધ નહીં કરું. હું ફક્ત અર્જુનની સાથે જ નિર્ણાયક યુદ્ધ કરીશ. જો હું તેના હાથે વીરગતિને પ્રાપ્ત થઈશ કે તે મારા દ્વારા હણાશે, એ બન્ને સ્થિતિમાં તમારા પાંચ પુત્રો જીવિત રહેશે તે મારું વચન છે. આ તરફ શ્રીકૃષ્ણ ઉપપ્લવ્ય નગર આવીને હસ્તિનાપુરમાં બનેલી સર્વ ઘટનાઓથી યુધિષ્ઠિરને અવગત કરાવે છે અને કહે છે કે હવે યુદ્ધનો કોઈ વિકલ્પ બચ્યો નથી.


૭. સૈન્યનિર્યાણપર્વ (અધ્યાય: ૧૫૧–૧૫૯)[૧][૪]
યુદ્ધ અનિવાર્ય છે તેમ લાગતાં યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું કે આપણી પાસે સાત અક્ષૌહિણી સેના છે, સાતેયના સેનાપતિ તરીકે દ્રુપદ, વિરાટ, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સાત્યકિ, ચેકિતાન અને ભીમસેન છે. હવે નિર્ણય એ કરવાનો છે કે સાતેયના નેતા તરીકે કોની વરણી કરીશું. સૌ પોતાના મત રજૂ કરે છે, આખરે શ્રીકૃષ્ણ ધૃષ્ટદ્યુમ્નના નામનો પ્રસ્તાવ મૂકે છે અને સૌ તેનો સ્વીકાર કરી તેમને પ્રધાન સેનાપતિ બનાવે છે. જે સૈનિક અસ્વસ્થ હોય, ઘરડા હોય તે સૌને ઉપપ્લવ્ય નગરમાં જ રોકાવાનું કહી, સૌ સૈનિકો સહિત સેનાની સાથે પાંડવો, શ્રીકૃષ્ણ સૌ સેનાપતિઓએ કુચ કરી. દ્રૌપદી તથા અન્ય સ્ત્રીઓ થોડે સુધી તેઓની સાથે ગયાં પછી તેઓ ઉપપ્લવ્ય નગર પરત ફર્યા. સેનાએ કુરુક્ષેત્ર પહોંચી પોતાનો પડાવ નાખ્યો. પાંડવોનો તથા તેમના પક્ષે લડવાવાળા દરેક રાજાનો અંગત શિબિર બનાવવામાં આવ્યો. હિરણ્વતી નદીના કાંઠે શ્રીકૃષ્ણએ ખાઈ ખોદાવડાવી જેથી કોઈ તે તરફથી તેમની છાવણી તરફ આવી ન શકે. દરેક શિબિરમાં પૂરતા પ્રમાણમાં ધનુષ્ય, પ્રત્યંચા, અસ્ત્ર, શસ્ત્ર, કવચ, તરકસ ઇત્યાદિનો પૂરતો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વૈદ્ય, વિદ્વાનો, શિલ્પ કારીગરો સૌની વ્યવસ્થા કરવામાં આવી હતી.


દુર્યોધનની સેના પણ કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે. કૌરવો પાસે અગિયાર અક્ષૌહિણી સેના હતી. તેના જુદા જુદા વિભાગ કરીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, શલ્ય, જયદ્રથ, કમ્બોજરાજ સુદક્ષિણ, કૃતવર્મા, કર્ણ, ભૂરિશ્રવા, સુબલપુત્ર શકુનિ તથા મહાબલિ બહ્લિકની એક એક વિભાગના સેનાપતિ તરીકે નિયુક્તિ કરી. ત્યારબાદ દુર્યોધન ભીષ્મને વિનંતી કરે છે કે તેઓ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ બનીને માર્ગદર્શન કરે. ત્યારે ભીષ્મ કહે છે કે હું અવશ્ય તારા પક્ષે લડાઈ કરીશ પણ જો પાંડવો મારી પાસે કોઈ પણ પ્રશ્ન લઈને આવશે, તો હું તેમના હિતની વાત તેમને જણાવીશ કારણકે મારા માટે કૌરવો અને પાંડવો એક સમાન છે. મને મારી સમકક્ષ અર્જુન સિવાય આ ભૂતલ પર કોઈ દેખાતું નથી. એટલે મને કોઈ મારી શકશે નહીં અને અર્જુન પ્રત્યક્ષ રીતે મારી સામે લડશે નહીં. વળી, હું દરરોજ તેમની સેનાના દસ હજાર સૈનિકોનો વધ કરીશ પરંતુ હું પાંડવોને જાતે નહીં મારું. વળી, સેનાપતિ બનવા માટેની મારી એક શરત છે કે કાં તો પહેલા કર્ણ યુદ્ધ કરી લે અને હું શાંત રહું અથવા હું યુદ્ધ કરું ત્યાં સુધી કર્ણ યુદ્ધ નહીં કરે. કારણકે કર્ણ મારી સતત પ્રતિસ્પર્ધા કરે છે. આ સાંભળીને કર્ણ બોલ્યો કે હું ભીષ્મના રહેતાં યુદ્ધ નહીં કરું. પણ ભીષ્મ વીરગતિને પ્રાપ્ત થયા બાદ હું અર્જુનની સાથે યુદ્ધ કરીશ. ત્યાર બાદ દુર્યોધને ભીષ્મનો પ્રધાન સેનાપતિ તરીકે અભિષેક કર્યો.


આ સમયે રોહિણીનંદન બલરામજી અન્ય યદુવંશી સાથે પાંડવ છાવણીમાં આવ્યા. તેમની સાથે ગદ, સામ્બ, ઉદ્ધવ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, તથા આહુકપુત્ર ઇત્યાદિ યાદવો હતા. તે સૌનું પાંડવો તેમજ શ્રીકૃષ્ણએ સ્વાગત કર્યું. બલરામજી એ કહ્યું કે અહીંનો માહોલ જોતાં લાગે છે કે અહીં દારુણ નરસંહાર નિશ્ચિત છે. મેં મધુસૂદનને કેટલું સમજાવ્યું કે આપણા માટે બન્ને બરાબર છે પરંતુ કેશવને અર્જુન ખૂબ વહાલો છે. ભીમ અને દુર્યોધન બન્ને મારા શિષ્યો છે અને મારા માટે બન્ને શિષ્યો સરખા જ છે. આમ હું તો સરસ્વતી કિનારે તીર્થાટનમાં જઈ રહ્યો છું, કારણકે તમે જીતવાના છો તે નક્કી છે અને હું કુરુવંશને નષ્ટ થતું મારી નજરે જોઈ નહીં શકું. આમ કહીને તેઓ તીર્થયાત્રા પર જવા વિદાય થયા.


આ સમયે એક અક્ષૌહિણી સેના સાથે રુક્મી પાંડવોની છાવણીમાં આવ્યા. તેમની પાસે ઇન્દ્ર પાસેથી મેળવેલું વિજય નામનું ધનુષ હતું. દેવતાઓમાં ત્રણ ધનુષ દિવ્ય મનાય છે. એક શારંગ ધનુષ, જે શ્રીકૃષ્ણ પાસે હતું, ગાંડિવ જે અર્જુન પાસે હતું અને વિજય ધનુષ જે રુક્મી પાસે હતું. રુક્મી શ્રેષ્ઠ ધનુર્ધર હતો પરંતુ તેને પોતાની ધનુર્વિદ્યાનું ખૂબ અભિમાન હતું. જ્યારે શ્રીકૃષ્ણએ રુક્મિણી હરણ કર્યું હતું, ત્યારે તેણે અભિમાનમાં જ પ્રતિજ્ઞા કરી હતી કે હું વૃષ્ણિવંશના શ્રીકૃષ્ણની હત્યા નહીં કરું ત્યાં સુધી મારા નગર કુણ્ડિનપુરમાં પાછો નહીં આવું. પણ તે શ્રીકૃષ્ણ સામે હારી જાય છે તેથી તે કુણ્ડિનપુર પાછાં જવાના બદલે ત્યાં જ ભોજકટ નામનું શહેર વસાવ્યું હતું. રુક્મીના આવવાની ખબર પડતાં યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. આવીને રુક્મીએ અર્જુનને કહ્યું કે હે વીર તારે મારાથી ડરવાની જરૂર નથી હું તારી સામે લડવા નથી આવ્યો પણ તારી મદદનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. તમે મને શત્રુઓનો જે ભાગ સોંપી દેશો, તેનો હું એકલા હાથે વધ કરીને તમને પૃથ્વીનું રાજ્ય સોંપી દઈશ. ભલે મારા હિસ્સામાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આવે અને તમારા પક્ષેથી લડતા તમામ રાજાઓ ઉભા રહેશે ને હું તેમનો વધ કરીને તમને સહાય કરીશ. આ સાંભળતાં જ અર્જુને કહ્યું, કે મારી પાસે શસ્ત્રવિદ્યા છે, ગાંડિવ છે, અક્ષય બાણોથી ભરેલું તરકસ છે અને સૌથી મહત્વની વાત કે મારી પાસે શ્રીકૃષ્ણ છે, પછી હું તમારાથી કેમ ડરું ? હે વીર, ન તો હું ભયભીત છું કે ન મારે તમારી સહાયની જરૂર છે. આ સાંભળીને રુક્મી પોતાની વિશાળ સેના સાથ દુર્યોધનની છાવણીમાં ગયો. ત્યાં પણ તેણે પોતાની બડાઈની વાતો કરી, તેથી દુર્યોધને પણ તેની સહાય સ્વીકારવાની ના પાડી. આમ કુરુક્ષેત્રના યુદ્ધમાં બલરામ અને રુક્મી સિવાયના તમામ રાજાઓએ ભાગ લીધો. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે સંજય બન્ને સેનાઓ પડાવ પર પહોંચી પછી શું થયું તે મને જણાવ.


૮. ઉલુકદૂતાગમનપર્વ (અધ્યાય: ૧૬૦–૧૬૪)[૧][૩]
સંજય કહે છે કે પાંડવોએ છાવણી નાખી પછી દુર્યોધને પણ પોતાની છાવણી નાખી. પછી દુર્યોધને શકુનિ, કર્ણ અને દુઃશાસન સાથે મંત્રણા કરીને શકુનિના પુત્ર ઉલુકને પાંડવોની છાવણીમાં સંદેશો લઈને મોકલે છે. તેને કહે છે કે તું પાંડવોની છાવણીમાં જઈને શ્રીકૃષ્ણ ની હાજરીમાં આ સંદેશ પાંડવોને કહેજે. ઉલુક તે મુજબ જઈને સૌની હાજરીમાં પાંડવો અને શ્રીકૃષ્ણને કહે છે, કે વર્ષોથી જેનો વિચાર કરતા હતા તે સર્વ જગતને માટે ભયંકર એવું કૌરવ પાંડવ યુદ્ધ આવીને ઊભું છે. હે કુન્તીપુત્ર ! શ્રીકૃષ્ણની સહાયતાના કારણે તમે સિંહગર્જના કરીને સંજય સામે મોટાં મોટાં બણગાં ફૂંક્યાં અને સંજયે તેમાં ઉમેરો કરીને ધૃતરાષ્ટ્રની સભામાં તમારી બડાઈ કરી. હવે સમય આવ્યો છે, કે તમે તેને સાબિત કરો અને તમે લીધેલી પ્રતિજ્ઞાઓ પણ પુરી કરો. તમે તો મોટા ધર્માત્મા હોવાનો દાવો કરો છો, છતાં અધર્મ જ આચરો છો. આમ તો તમે જગતના બધા જ જીવોને અભયદાન આપવાની વાત કરો છો, પણ મનમાં તો જગતના વિનાશની જ ઇચ્છા રાખીનો યુદ્ધ કરવા તત્પર છો. પૂર્વકાળમાં એક બિલાડો તપસ્વીનો સ્વાંગ સજીને મૂષકોને છેતરીને ખાઈ જતો હતો તેની જેમ જ હે દુષ્ટાત્મા તમે પણ બિલાડા વ્રત ધારણ કર્યું છે, ધર્માચારી બનવાના ઓઠા હેઠળ અધર્મ આચરો છો. તમારું વેદાધ્યયન પણ પાખંડ છે. જો તમારામાં થોડો પણ ધર્મ હોય તો આ પાખંડ છોડીને ક્ષત્રિય ધર્મ નિભાવો. તમારી માતા કેટલાય વર્ષથી દુઃખ ભોગવે છે તો લડાઈ કરીને જીતીને તેમને સુખ અર્પણ કરો. તમે પાંચ ગામ માગ્યા હતાં પણ અમે એટલાં માટે ન આપ્યાં કે તમારી સાથે યુદ્ધ કરવાનો મોકો મળે. ત્યારબાદ તે શ્રીકૃષ્ણને કહે છે, કે હે જનાર્દન, તમે માયા દ્વારા સભામાં જે વિકટ રૂપ ધર્યું હતું, તે ધરીને પાંડવોની સહાય કરીને અમારી સાથે યુદ્ધ કરો. તમારી જેમ અમને પણ માયાવી રૂપ ધારણ કરતાં આવડે છે પણ તેમાં અમે શ્રેય સમજતા નથી. સમાજમાં તમારી મહાનતા અને યશ ફેલાયેલા છે તે વૃથા છે, જે તમારા પૂજક છે કે પુરુષના વેશમાં કાપુરુષ છે. ત્યાર બાદ તે ભીમને સંબોધીને કહે છે કે તું રસોયો બન્યો તે પણ મારી કૃપા છે, તેં દુઃશાસનનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરી છે તે હિંમત હોય તો પુરી કર. તું ખાવામાં શુરોપુરો છે, નહીં કે શૂરાતનમાં. આમ તે એક પછી એક સૌ વીરોને કટુ વચન કહે છે. તે સૌને કહે છે, કે અમે આટલી વખત દ્રૌપદીનું અપમાન કર્યું તેને સભાગૃહમાં જલીલ કરી, છતાં તમારું પુરુષત્વ ન જાગ્યું. હવે તો તમે તમારી વીરતા બતાવો. અમારી સેના ચારેય દિશાથી સુરક્ષિત એક સમુદ્ર જેવી વિશાળ છે, તેમાં કામ્બોજ, શક, ખશ, શાલ્વ, મત્સ્ય, કુરુ,મ્લેચ્છ, પુલિન્દ, દ્રવિડ, આન્ધ્ર, કાંચી અને મધ્યપ્રદેશના સૈનિકો છે, અને તમે કુવાના દેડકાની જેમ પુરી જોઈ પણ નથી શકતા.


સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોએ આનો જવાબ પણ ઉલુક મારફતે મોકલાવ્યો. પહેલા તો શ્રીકૃષ્ણએ તેને કહ્યું, કે જુગારી શકુનિના પુત્ર તું જઈને દુર્યોધનને કહી દે કે પાંડવોએ તારા સંદેશને સમજી લીધો છે. તારી સાથે તું ઇચ્છે છે એવું યુદ્ધ તેઓ અવશ્ય કરશે. ત્યારબાદ ભીમસેન ઉગ્રતાથી ઉલુકને કહે છે, ઓ મૂર્ખ ! તુ દુર્યોધનને જઈને કહેજે કે અમે અમારા જયેષ્ઠ ભાઈની ખુશી માટે તારા બધા જ અત્યાચાર સહન કરી લીધા. વળી, કૌરવોના હિત માટે જ શ્રીકૃષ્ણ શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા પણ તમારો કાળ આવી ગયો છે તેથી તમે તેને સ્વીકાર્યો નથી. હે પાપી ! તારો વધ કરવાની અને દુઃશાસનના લોહીની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે અવશ્ય પુરી થશે. પછી સહદેવ પણ કહે છે, કે તું તારા પિતાને જઈને કહી દેજે, કે જો તારો સંબંધ કૌરવો સાથ ન હોત તો અમારા અને કૌરવો વચ્ચે કદી કુસંપ ન થાત. તું કૌરવ કુળના નાશ કરવા જ જન્મ્યો છે. ઉલુક ! તારા પિતાએ જ અમારી સાથે ક્રૂર વર્તન કરવા દુર્યોધનને પ્રેર્યો છે, માટે તેના દેખતાં જ હું તારો વધ કરીશ પછી શકુનિને મારીશ. ત્યારબાદ અર્જુન, યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ પણ ઉલુકને યોગ્ય સંદેશ આપે છે. ત્યારબાદ ધૃષ્ટદ્યુમ્નના નેતૃત્વમાં પાંડવ સેનાએ યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું.


૯. રથાતિરથસંખ્યાનપર્વ (અધ્યાય: ૧૬૫–૧૭૨)[૧][૩]
ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ઉલુક પાસેથી પાંડવોનો સંદેશ સાંભળીને મારા મૂર્ખ પુત્રોએ શું કર્યું અને પરમ બુદ્ધિમાન ગંગાપુત્રે સેનાપતિ બન્યા બાદ શું કર્યું તે મને કહે. મને તો કેશવની સહાય જેને છે તેવા અર્જુનની ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા સાકાર થતી દેખાય છે. સંજય તેમને જણાવે છે કે ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ થાય છે. દુર્યોધન પોતાની સેનાની પ્રબળ શક્તિ અને યોદ્ધાઓ વિષે ગંગાપુત્ર ભીષ્મને પૂછે છે. ભીષ્મ તેને કૌરવ સેનાના પ્રમુખ રથી, મહારથી, અતિરથી, યૂથપતિ અને તેમના કૌશલ્યોનું વર્ણન કરે છે. પરંતુ કર્ણની વાત કરતાં તેઓ કહે છે કે કર્ણ તારો પ્રિય મિત્ર છે જે તને પાંડવો સાથે યુદ્ધ કરવા સતત પ્રેરણા આપતો રહ્યો છે. તે આત્મપ્રશંસામાંથી કદી ઉપર ઉઠતો નથી, તે નીચ અને કટુભાષી છે. તે અભિમાની અને તારો આશ્રય મેળવીને ઉચ્ચ સ્થાને પહોંચી ગયો છે. મારી દૃષ્ટિએ તે અતિરથી કે મહારથી તો શું પણ રથી કહેવડાવવાને યોગ્ય પણ નથી. હવે તો તેના કવચ કુંડલ પણ તેની પાસે નથી. પરશુરામના શ્રાપથી તેનામાં બધા જ ગુણો નાશ પામ્યા છે. તે અર્ધરથી છે. દ્રોણાચાર્ય પણ તેમાં સુર પુરાવે છે. તેથી કર્ણ વ્યથિત થઈને ભીષ્મને કહે છે કે મેં તમારું કાંઈ અહિત કર્યું નથી છતાં તમે મને ચોટ પહોંચાડવાની એક પણ તક જવા દેતા નથી. તમે મને અર્ધરથી કહો છો, તો જગત તે માની લેશે કારણકે તેઓ એમ માને છે કે તમારી વાત મિથ્યા હોય જ નહીં, પણ તમે કૌરવોનું સદા અહિત જ કરો છો એ વાત દુર્યોધન કદાપિ સમજશે નહીં. અત્યારે યુદ્ધનો અવસર છે ત્યારે તમે કૌરવો પર જ ભેદ (ફુટ) નીતિ અપનાવી આપણા જ પક્ષનો ઉત્સાહ નષ્ટ કરો છો તે યોગ્ય નથી. કોઈ વયોવૃદ્ધ હોય, પોતાના ભાઈઓનો બહોળો પરિવાર હોય, ધનનો કોઈની પાસે સંચય હોય તેનાથી તે મહારથી નથી બની જતો, પરંતુ ક્ષત્રિયમાં બળ અને હિંમત હોય, તો તે મહારથી બની શકે. માટે હે દુર્યોધન ! તમે વિચાર કરીને જુઓ ભીષ્મ દુર્ભાવથી આ કહી રહ્યા છે તેમનો ત્યાગ કરી દો. હું એકલો જ પાંચાલો અને પાંડવો માટે પર્યાપ્ત છું. હું તેમની સેનાને આગળ વધતી રોકી દઈશ. એક તરફ હું યુદ્ધમાં પારંગત અને તમારી સાથે ગુપ્ત મંત્રણામાં પણ તમને યોગ્ય બુદ્ધિ આપનાર અને બીજી તરફ કાલપ્રેરિત મંદ બુદ્ધિ ભીષ્મ જેમની આયુ હવે ખતમ થઈ ગઈ છે. ભીષ્મ કહે છે કે મારે પરસ્પર ભેદ નથી કરવો તેથી તો તું હજુ જીવે છે, નહીં તો મેં જ તારો ક્યારનો વધ કરી નાખ્યો હોત. જમદગ્નિ પુત્ર પરશુરામ અનેકવિધ શસ્ત્રો વાપરીને પણ મને જરા પણ કષ્ટ આપવામાં નિષ્ફળ રહ્યા હતા તો તું તો હજુ બાળક છે. ત્યારે દુર્યોધન બન્નેને શાંત કરીને ભીષ્મને શત્રુ સેનાનું વર્ણન પૂછે છે. ભીષ્મ પાંડવોની સેનાનું વર્ણન કરે છે. તે કહે છે કે આ સૌને હું યુદ્ધમાં રોકીશ પરંતુ દ્રુપદના પુત્ર શિખંડી જો મારી સામે બાણ ચડાવશે, તો પણ હું તેની સામે યુદ્ધ નહીં કરું. તને ખબર છે કે શિખંડી પહેલાં સ્ત્રી તરીકે જ જન્મ્યો હતો અને પછીથી પુરુષ બન્યો છે, હું કોઈ સ્ત્રી કે અર્ધ સ્ત્રીની સામે શસ્ત્ર ઉગામતો નથી તે જગવિખ્યાત છે. આમ હું શિખંડીની સામે કદી શસ્ત્ર નહીં ઉગામું.


૧૦. અમ્બોપાખ્યાનપર્વ (અધ્યાય: ૧૭૩–૧૯૬)[૧]
આ પર્વમાં ભીષ્મને મળેલા એક શ્રાપની અને શિખંડીના પૂર્વ જન્મની વાત છે. ભીષ્મ જ્યારે કહે છે કે તે શિખંડી સામે શસ્ત્ર નહીં ઉગામે, ત્યારે દુર્યોધન તેનું કારણ પૂછે છે. ત્યારે ભીષ્મ શિખંડીના જન્મ અને તેના પૂર્વજન્મની વાત કરે છે. માતા સત્યવતીના મારા પિતા શંતનુ સાથે લગ્નની એક શરત હતી કે માતા સત્યવતીના પુત્રને જ વારસો મળે. પરંતુ હું મારા પિતાના પૂર્વ વિવાહથી થયેલો પુત્ર હોવાથી સત્યવતી અને તેમના પિતાને વિશ્વાસ નહોતો કે હું મારા પિતાના રાજ્યનો નિસર્ગ દત્ત વારસો જતો કરીશ. માતા સત્યવતીને નિશ્ચિંત કરવા મેં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. મારા પિતાના મૃત્યુ બાદ મેં મારા નાના ભાઈ અને માતા સત્યવતીના પુત્ર ચિત્રાંગદને રાજગાદી પર અભિષિક્ત કર્યો. પરંતુ તેનું મૃત્યુ થતાં મેં તેના ભાઈ વિચિત્રવીર્યને રાજા બનાવ્યો. તે નાના હોવાથી રાજકાજમાં હંમેશા મારા પર નિર્ભર હતા. ત્યારે મેં તેમના લગ્ન માટે યોગ્ય કન્યા મેળવવાનો નિર્ણય કર્યો. તે જ વખતે કાશીરાજની ત્રણ કન્યાઓ અનુક્રમે અમ્બા, અમ્બિકા અને અમ્બાલિકાનો સ્વયંવર હતો. તેના સમાચાર મળતાં હું વિચિત્રવીર્ય માટે તેમની વરણી કરવા સ્વયંવર સ્થળે ગયો. ત્યાં હાજર સર્વ રાજાઓને યુદ્ધ માટે લલકારીને મેં ત્રણેય રાજકુમારીઓને મારા રથમાં બેસાડી દીધી. તેમણે ચારે તરફથી મને ઘેરીને મારી સાથે યુદ્ધ કર્યું પણ તેમને પરાજિત કરીને હું ત્રણેયને લઈને હસ્તિનાપુર આવ્યો અને માતા સત્યવતીને આ રાજકુમારીઓ સોંપી દીધી. તેમના વિવાહ વિચિત્રવીર્ય સાથે કરતી વખતે સૌથી મોટી રાજકુમારી અમ્બાએ કહ્યું કે મેં શાલ્વરાજનું વરણ પહેલાં જ કરી લીધું છે અને તેમણે પણ એકાન્તમાં મારું વરણ કરી લીધું છે. તમે કુરુવંશી છો, તમે મારા જેવી કન્યાને કેવી રીતે તમારી કુળવધૂ બનાવી શકો ? આ સાંભળીને મેં તેને એક બ્રાહ્મણ સાથે શાલ્વરાજ પાસે મોકલી દીધી. પરંતુ શાલ્વરાજે કહ્યું કે જે બીજાની થઈ ચૂકી હોય તેનો હું સ્વીકાર કેવી રીતે કરી શકું. આમ તેમણે અમ્બાનો સ્વીકાર ન કર્યો. અમ્બા પોતાના ભાગ્યને દોષ દેતી વિચારે છે કે આ તમામનું કારણ ભીષ્મ છે. તેથી યુદ્ધ અથવા તપસ્યા દ્વારા હું ભીષ્મ સાથ બદલો લઈશ. આમ નક્કી કરીને તે એક મુનિ આશ્રમમાં જાય છે. સંજોગવશાત્ તેના નાના હોત્રવાહન જે સન્યાસી જીવન જીવતા હોય છે, તેમનો સંપર્ક ત્યાં થાય છે. સૃંજયવંશી હોત્રવાહન તેને મહેન્દ્ર પર્વત નિવાસી પરશુરામને મળીને તેમને આ વાત કરવાનું કહે છે. પરંતુ તે જ વખતે પરશુરામના પ્રિય સેવક અકૃતવ્રણ ત્યાં આવે છે. તે સર્વ વાત સાંભળીને કહે છે, કે પરશુરામજી કાલે આવશે અને અવશ્ય તારી મદદ કરશે. તને કષ્ટ આપનાર બે જણ છે, એક ભીષ્મ અને એક શાલ્વરાજ. તું કહે તારે બેમાંથી કોની સાથે તારે બદલો લેવો છે ? ત્યારે અમ્બા કહે છે કે હું તે નક્કી કરી શકતી નથી. ત્યારે અકૃતવ્રણ કહે છે કે જો ભીષ્મ તને હરીને લઈ ગયા ન હોત તો શાલ્વ અવશ્ય તારો સ્વીકાર કરત. પરંતુ તેને સંશય એટલે છે કે ભીષ્મ તને લઈ ગયા. આમ ભીષ્મ સાથે જ બદલો લેવો તારા માટે ઉચિત છે. બીજે દિવસે પરશુરામજી ત્યાં આવે છે. ત્યારબાદ પરશુરામજી હસ્તિનાપુરની સીમા પર આવ્યા અને મને સંદેશ મોકલ્યો કે હું તેમનું પ્રિય કાર્ય કરૂં. હું સહર્ષ તેમનું સ્વાગત કરવા ગયો. જ્યારે તેમણે મને અમ્બાની વાત કરી તો મેં કહ્યું કે તેણે મારી પાસે શાલ્વરાજની વાત કરી તેથી તેને મેં જવા દીધી. હવે હું મારા ભાઈ સાથે તેના વિવાહ ન કરી શકું અને હું પ્રતિજ્ઞાબદ્ધ છું, તેથી હું તેની સાથે વિવાહ ન કરી શકું. ત્યારે પરશુરામે મને કહ્યું કે જો હું તેમનું કહ્યું નહીં માનું તો તેઓ મારો વધ કરશે. આ સાંભળીને મેં તે બ્રાહ્મણ શિરોમણિને વંદન કરીને કહ્યું કે મારા બાલ્યકાળમાં તેમણે જ મને ચારેય પ્રકારના ધનુર્વેદની શિક્ષા આપી હતી, હવે શા માટે તેમણે મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. પણ પરશુરામજી માન્યા નહીં. છેવટે ગંગાએ પણ મધ્યસ્થી કરી પણ તેમાં નિષ્ફળતા જ મળી. આમ હું અને પરશુરામજી બન્ને કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે મળ્યા. યુદ્ધમાં પહેલા ત્રણ વાર પરશુરામે મારા પર પ્રહાર કર્યો. ત્યારબાદ હું રથ પરથી ઊતરીને તેમને પગે લાગ્યો અને તેમની પાસે આ યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ માંગ્યા. મારા આ કૃત્યથી તેઓ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હું તને વિજયના આશીર્વાદ તો નહીં આપું પણ જા અને મારી સાથે યુદ્ધનો આરંભ કર. અમારી વચ્ચે ઘોર યુદ્ધ દિવસો સુધી ચાલ્યું પરશુરામજીએ ચલાવેલા દિવ્યાસ્ત્રોનું પણ મેં નિવારણ કર્યું પરંતુ ઘણા દિવસ બાદ તેમણે મારા સારથિને મારી નાંખ્યો અને તેમના એક બાણથી હું ઢળી પડ્યો પરંતુ અચાનક આઠ બ્રાહ્મણોએ મને એ મને ધરતી પર પડવા ન દીધો, મને હાથમાં ઉઠાવીને હવામાં જ રાખ્યો. મેં જોયું તો મારા માતા ગંગાદેવી મારા રથના ઘોડાની લગામ હાથમાં લઈને બેઠાં હતાં. બ્રાહ્મણોએ મને જળ છાંટીને અચેત થતો રોક્યો. હું ત્વરાથી ઊઠ્યો અને માતાને પ્રણામ કરીને મેં તેમને વિદાય કર્યા અને યુદ્ધમાં પ્રવૃત્ત થઈ ગયો. પછી મેં એક બાણ એવું છોડ્યું કે પરશુરામજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. તે સાંજે ફરી યુદ્ધ સમાપ્ત થયું પણ રાત્રે મને ચિંતા થઈ કે આમ કેટલાં દિવસ સુધી યુદ્ધ ચાલશે. પરમ પ્રતાપી ગુરુ પરશુરામજીને હરાવવા મારા માટે શક્ય હોય, તો દેવોએ મારા સ્વપ્નમાં આવીને કહેવું જોઈએ. અને સાચે જ તે રાત્રે મને એ જ બ્રાહ્મણો સ્વપ્નમાં આવ્યા જેમણે સમરભૂમિમાં મને પડવા નહોતો દીધો. તેમણે મને પ્રસ્વાપ નામનું શસ્ત્ર આપીને કહ્યું કે આ શસ્ત્રની શોધ વિશ્વકર્માજીએ કરી છે અને તેના સ્વામી ખુદ પ્રજાપતિ છે. તમારા પૂર્વજન્મમાં આ શસ્ત્ર તમારી પાસે હતું, તેથી તેનો ઉપયોગ તમે જાતે જ શીખી જશો. પરશુરામજી આ શસ્ત્રથી અજાણ છે. આ શસ્ત્રનું સ્મરણ કરશો એટલે એ તરત જ તમારી સેવામાં હાજર થઈ જશે. આના પ્રયોગથી પરશુરામજીનો નાશ નહીં થાય પણ તે ચૂપચાપ સૂઈ જશે. ત્યારબાદ તમે તેમને સંબોધન કરીને ફરી જગાડશો. મરેલો વ્યક્તિ અને સૂતેલો વ્યક્તિ એક સમાન હોય છે. માટે તમે વિજયી થશો. બીજે દિવસે પણ અમારી વચ્ચે ઘોર યુદ્ધ થયું. અમે બન્નેએ એકમેક પર શક્તિ પ્રયોગ કર્યા. પછી મેં પ્રસ્વાપ શસ્ત્રનો પ્રયોગ કરવા તેનું સ્મરણ કર્યું, શસ્ત્ર હાજર થતાં મેં તેને ધનુષ પર ચડાવ્યું અને આકાશમાંથી અવાજ આવ્યો. નારદજીએ મને કહ્યું કે ભીષ્મ આ શસ્ત્ર ન ચલાવશો. મેં આકાશમાં જોયું તો જે આઠ બ્રાહ્મણો એ મને સ્વપ્નમાં આવીને આ શક્તિ આપી હતી તે આઠ વસુ સામે દેખાયા. તેમણે કહ્યું કે તમે નારદજી કહે છે તેમ જ કરો. તેથી મેં પ્રસ્વાપ ધનુષ પરથી ઉતારી લીધું અને તે જોઈને પ્રસન્ન થયેલા પરશુરામજીએ કહ્યું કે ભીષ્મે મને જીતી લીધો. ત્યારે આકાશમાં જમદગ્નિ સહિત પરશુરામના પિતરૌએ એકઠા થઈને પરશુરામને કહ્યું ક શસ્ત્રો ક્ષત્રિયની શોભા છે, તમારે શસ્ત્ર ઉઠાવવા જોઈતા ન હતા. છતાં તમે ઘણા સમય સુધી શસ્ત્રોનો સહવાસ કર્યો હવે શસ્ત્રો ત્યાગી દો. ભીષ્મ સાક્ષાત્ વસુ છે. હજુ સુધી તમે જીવિત છો તે માટે ભાવિનો ઉપકાર માનો. પ્રાચીન સનાતન દેવતા નર ઇન્દ્ર પુત્રના રૂપે અર્જુન નામે પૃથ્વી પર અવતરશે અને સ્વ્યસાચીના નામે જગતમાં પ્રખ્યાત થશે. તેમના હાથે ભીષ્મનું મૃત્યુ નિર્માણ થયું છે.ત્યારે પરશુરામે કહ્યું કે હું યુદ્ધમાંથી પીછેહઠ નહીં કરું. તમે પહેલા ભીષ્મને કહો કે તે પીછેહઠ કરે. ત્યારે સૌએ મને કહ્યું કે તમે આ યુદ્ધ છોડી દો. મેં કહ્યું કે હું ક્ષત્રિયનો સનાતન ધર્મ પરથી વિચલિત નહીં થાઉં તમે પરશુરામજીને મનાવો. ત્યારે સૌ પિતરૌએ તેમને મનાવીને શસ્ત્રો મૂકાવી દીધાં. પછી મેં પણ તેમ કર્યું અને પરશુરામજીના ચરણોમાં વંદન કર્યા. ત્યારબાદ તેઓ અમ્બા પાસે જઈને બોલ્યા કે સૌ જુએ છે કે મેં તારા માટે પુરી શક્તિથી લડાઈ કરી પરંતુ ભીષ્મને હું કાંઈ કરી ન શક્યો. ત્યારે અમ્બાએ કહ્યું કે તમે મારા માટે ઘણું કર્યું પણ દેવતાઓ પણ ભીષ્મને હરાવી શકે તેમ નથી. હવે હું ત્યાં જઈશ જ્યાં હું એવી બની શકું કે હું જાતે સમરાંગણમાં ભીષ્મને હરાવું. તેમ કહી તે જતી રહી અને પરશુરામજી મહેન્દ્ર પર્વત પર જતા રહ્યા. મેં તે કન્યા પાછળ મારા ગુપ્તચર લગાવી દીધા. તેથી મને ખબર પડી કે તેણે યમુના કિનારે એવી કઠોર તપસ્યા કરી જે સામાન્ય માનવીના વશમાં નથી. તે ખૂબ તપ કરે છે ત્યારે મારાં માતા ગંગાદેવી પ્રકટ થઈને તેને તપનું પ્રયોજન પૂછે છે. ત્યારે તે કહે છે કે મારે ભીષ્મ સાથે બદલો લેવો છે. ત્યારે ગંગા કહે છે કે તે શક્ય નથી. તું તપ કરતાં દેહ ત્યાગ કરીશ તો એક વાંકીચૂંકી નદી તરીકે તારો જન્મ થશે અને ફક્ત ચોમાસામાં જ તારી અંદર પાણી રહેશે બાકીના આઠ મહીના તું નદી જ નહીં કહેવાય. આમ તે તપસ્યાના પ્રતાપે તેનું અડધું શરીર નદી બની ગયું અને બાકીનું અડધું શરીર વત્સદેશની એક કન્યા તરીકે જન્મી. તે જન્મમાં પણ તે તપસ્યા કરે છે ત્યારે તપસ્વી મહાત્માઓ તેનું પ્રયોજન પૂછે છે, ત્યારે તે કન્યા પોતે ભીષ્મ સાથે બદલો લેવાની વાત કરે છે. ત્યારે સાક્ષાત્ ભગવાન શિવે પ્રકટ થઈને તેને વરદાન માંગવાનું કહ્યું તો તેણે મારા પરાજયનું વરદાન માંગ્યું. શિવ ભગવાને તેને કહ્યું કે તું અવશ્ય ભીષ્મનો વધ કરીશ. ત્યારે તેણે કહ્યું કે હું તો સ્ત્રી છું તો કેવી રીતે તેમનો વધ કરીશ. ત્યારે શિવ ભગવાને તેને કહ્યું કે તું દ્રુપદના ઘેર પુત્રી બનીને આવીશ અને તને આગળના જન્મનું બધું જ યાદ રહેશે. ત્યારબાદ તું પુરુષ થઈ જઈશ અને ભીષ્મના વધનું કારણ બનીશ. ત્યારબાદ શિવ અંતરધ્યાન થઈ ગયા. તે કન્યાએ અગ્નિસ્નાન કરી લીધું. રાજા દ્રુપદે પણ ભીષ્મને મારવા માટે શિવનું તપ કરીને પુત્ર માંગ્યો ત્યારે શિવ ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તને પુત્ર નહીં પણ પુત્રી થશે જે કાળક્રમે પુરુષ બની જશે અને તે ભીષ્મને પરાજિત કરશે. આમ શિખંડી એ જ પૂર્વ જન્મની અમ્બા છે. આ વાત મને નારદજીએ કહી છે. દ્રુપદે પોતાની પુત્રીનો સમાજમાં પુત્ર તરીકે જ ઉછેર કર્યો હતો. કદી કોઈને ખબર પડવા દીધી નહોતી. પરંતુ યુવાન થતાં જ પિતાને ચિંતા થઈ કે હવે ઉપાંગોના વિકાસથી તે પુત્રીની વાત કેમ કરીને છુપાવી શકશે ? પરંતુ તેમને શિવના વરદાન પર વિશ્વાસ હતો. તેથી તેમણે પુત્રીને પુત્ર તરીકે ગણીને તેના માટે કન્યાનું વરણ કરવા દર્શાણદેશના રાજા હિરણ્યવર્માની પુત્રીનું માંગું નાખ્યું. હિરણ્યવર્માએ તેનો સ્વીકાર કર્યો. પરંતુ તેમને ખબર નહોતી કે જેને પોતાની પુત્રી પરણાવે છે તે પુરુષ નહીં પણ સ્ત્રી છે. લગ્ન બાદ હિરણ્યવર્માની પુત્રીએ જોયું કે પોતાનો પતિ તો સ્ત્રી છે. તે પોતાના પિતાની પાસે એ વાત પહોંચાડે છે. હિરણ્યવર્મા દ્રુપદને યુદ્ધની ધમકી આપે છે. દ્રુપદને પોતે ખોટું કર્યું છે તેનો અહેસાસ તો હોય જ છે. તેમની પત્ની પણ કહે છે, કે આ શિખંડી નહીં પણ શિખંડીની નામની પુત્રી છે. તેમાં આ યુદ્ધની વાત આવી તેથી તે ખૂબ જ ચિંતિત થઈ જાય છે. શિખંડીની આ જોઈને ગાઢ જંગલમાં જતી રહે છે. મહાદેવના વરદાન મુજબ યક્ષ સ્થુણાકર્ણ તેની રક્ષા કરતો હોય છે. તેનું મોટું ભવન ત્યા હોય છે. રાજકુમારીને સતત ઉપવાસ કરીને શરીર ક્ષીણ કરતાં જોઈને યક્ષ તેનું કારણ પૂછે છે. શિખંડીની સર્વ વૃત્તાંત યક્ષને કહે છે અને કહે છે કે મારા કારણે મારા માતા પિતા હિરણ્યવર્માથી અસુરક્ષિત છે માટે તમે તેમની રક્ષા કરો. યક્ષ વિચારમાં પડી જાય છે અને કહે છે કે તને મદદ કરતાં હું મુશ્કેલીમાં મૂકાઈશ. પરંતુ હું તારી સહાય કરીશ. હું તારું સ્ત્રીત્વ લઈને તને મારું પૌરુષત્વ આપીશ પરંતુ તારે તે કાયમ માટે નહીં હોય. તારે તે મને થોડા સમય બાદ પાછું આપવું પડશે. શિખંડીની શિખંડી બની જાય છે અને યક્ષ એક સ્ત્રી. શિખંડી પોતાના નગર પાછો જઈને પિતાને તે વાત કરે છે. દ્રુપદ તે સંદેશ હિરણ્યવર્માને કહે છે. તે સુંદર સ્ત્રીઓને મોકલીને શિખંડીના પુરુષાતનની પરીક્ષા કરે છે અને જ્યારે તેને ખબર પડે છે કે શિખંડી પુરુષ છે, ત્યારે પોતાના જમાઈ તરીકે તેને ખૂબ ભેટ સોગાદ આપે છે અને પોતાની પુત્રીએ પોતાને ગેરમાર્ગે દોર્યો છે તેમ માની તેના પર ગુસ્સે થાય છે. બીજી તરફ કુબેર ફરતાં ફરતાં આકાશમાર્ગે સ્થુણાકર્ણના ભવન પરથી પસાર થતાં જુએ છે કે પોતાનો યક્ષ તેનું પુરુષત્વ શિખંડીનીને આપીને તેનું સ્ત્રીત્વ લઈને રહે છે. તેથી તે કોપાયમાન થઈને યક્ષને સદાકાળ સ્ત્રી બનીને રહેવાનો શાપ આપે છે. જ્યારે સ્થુણાકર્ણએ ખૂબ યાચના કરી ત્યારે તેનું અનુગમન કરનાર સૌ યક્ષોને કુબેરે કહ્યું કે જ્યારે શિખંડીનું મૃત્યુ થશે ત્યારે આને તેનું પુરુષત્વ પરત મળશે. જ્યારે શિખંડી પોતાના વચન મુજબ યક્ષ પાસે પાછો આવે છે ત્યારે યક્ષ સઘળી વાત તેને કરે છે. આમ શિખંડી મૂળતઃ સ્ત્રી છે પરંતુ તેની પાસે આજીવન પુરુષત્વ છે. આમ તે પુરુષ થયા બાદ દ્રુપદે તેને દ્રોણાચાર્યને સોંપી દીધો જેમણે તેને ધનુર્વિદ્યા શીખવી. આમ ભીષ્મની વાત સાંભળીને દુર્યોધને માન્યું કે ભીષ્મ શિખંડીની સામે યુદ્ધ ન કરે તે જ ઉચિત છે.


ત્યારબાદ પાંડવોની સેના જોઈને દુર્યોધન ભીષ્મને પૂછે છે કે આ સેનાનો સામનો કેવી રીતે કરવાની યોજના છે ? ત્યારે ભીષ્મ કહે છે કે દરરોજ હું એક દિવસમાં દશ હજાર સૈનિકો તથા એક હજાર રથીઓનો સમૂહ હણી શકું તેથી વધુ નહીં. આમ જો હું એકલો જ બધાને મારું તો એક મહીનામાં આ સેનાનો નાશ હું કરી શકું. ત્યારબાદ તે જ પ્રશ્ન યુધિષ્ઠિર દ્રોણાચાર્યને પૂછે છે. દ્રોણ પણ એટલો જ સમય પોતાના માટે કહે છે. કૃપાચાર્ય બે મહીનામાં આખી સેનાનો ધ્વંસ કરવાની શક્તિ ધરાવે છે તેમ કહ્યું. કર્ણ કહે છે કે હું પાંચ જ દિવસમાં આખી પાંડવ સેનાનો નાશ કરી શકીશ. ત્યારે ભીષ્મ કહે છે કે જ્યાં સુધી તું શ્રીકૃષ્ણ અને અર્જુનને એક સાથ તારી સામે આવતાં ન જુએ ત્યાં સુધી આવી બડાઈ મારી લે.


ગુપ્તચરો દ્વારા ઉપરોક્ત સંવાદ સાંભળીને યુધિષ્ઠિર પોતાના અનુજોને આ પ્રશ્ન કરે છે. ત્યારે અર્જુન કહે છે મારી પાસે કિરાત યુદ્ધ ઉપરાંત આવેલા શસ્ત્રોનો જવાબ કૌરવ સેનામાં કોઈની પાસે નથી. માટે તમે નચિંત રહો. હું શ્રીકૃષ્ણની સાથે રહીને પલક ભરમાં ત્રિલોકનો નાશ કરી શકવાની શક્તિ ધરાવું છું, આપ મારી આ વાત ઉપર વિશ્વાસ કરો, પરંતુ દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરીને સાધારણ માણસોને મારવા ઉચિત નથી માટે આપણે તેમને યોગ્ય જ યુદ્ધ કરીશું.
ત્યારબાદ બન્ને સેનાઓ યુદ્ધ માટે આગળ વધી.


આ પણ જુઓ[ફેરફાર કરો]

References[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ Rai, Tribhuvan. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस. गोरखपुर प्रेस, गोरखपुर. પૃષ્ઠ 2265.
  2. ૨.૦ ૨.૧ van Buitenen, J.A.B. (1978) The Mahabharata: Book 4: The Book of the Virata; Book 5: The Book of the Effort. Chicago, IL: University of Chicago Press
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Ganguli, K. M. (1883–1896) "Udyoga Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Calcutta
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ Dutt, M.N. (1896) The Mahabharata (Volume 5): Udyoga Parva. Calcutta: Elysium Press
  5. van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476
  6. Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp. xxiii–xxvi
  7. Rosen, Steven (2006). Essential Hinduism. London: Praeger Publishers. પૃષ્ઠ 89. ISBN 0-275-99006-0.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ K. T. Telang in Max Müller (Editor), Volume 8, 2nd Edition, The Bhagavadgîtâ with the Sanatsugātiýa and the Anugītā ગુગલ બુક્સ પર.
  9. "Mahābhārata (Table of Contents)". The Titi Tudorancea Bulletin. મેળવેલ 2021-03-01.
  10. Rai, Tribhuvan. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस. गोरखपुर प्रेस, गोरखपुर. પૃષ્ઠ 2285.
  11. Rai, Tribhuvan. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस. गोरखपुर प्रेस, गोरखपुर. પૃષ્ઠ 2315.
  12. Paul Cotton (1918), Readings from the Upanishads, The Open Court, Volume 32, Number 6, pages 321–328

External links[ફેરફાર કરો]