મોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ | |
---|---|
ભારતના ૪થા વડાપ્રધાન | |
પદ પર ૨૪ માર્ચ ૧૯૭૭ – ૨૮ જુલાઇ ૧૯૭૯ | |
રાષ્ટ્રપતિ | બાસપ્પા દાનપ્પા જત્તી (કાર્યકારી) નીલમ સંજીવ રેડ્ડી |
પુરોગામી | ઈન્દિરા ગાંધી |
અનુગામી | ચરણ સિંહ |
ગૃહ પ્રધાન | |
પદ પર ૧ જુલાઇ ૧૯૭૮ – ૨૮ જુલાઇ ૧૯૭૯ | |
પુરોગામી | ચરણ સિંહ |
અનુગામી | યશવંતરાવ ચવ્હાણ |
ભારતના નાયબ વડાપ્રધાન | |
પદ પર ૧૩ માર્ચ ૧૯૬૭ – ૧૬ જુલાઇ ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | વલ્લભભાઈ પટેલ |
અનુગામી | ચરણ સિંહ જગજીવન રામ |
નાણાં પ્રધાન | |
પદ પર ૧૩ માર્ચ ૧૯૬૭ – ૧૬ જુલાઇ ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | સચિન્દ્રા ચૌધરી |
અનુગામી | ઈન્દિરા ગાંધી |
પદ પર ૧૩ માર્ચ ૧૯૫૮ – ૨૯ ઓગસ્ટ ૧૯૬૩ | |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ |
પુરોગામી | જવાહરલાલ નેહરુ |
અનુગામી | ટી.ટી.ક્રિષ્નામાચારી |
અંગત વિગતો | |
જન્મ | ભડેલી, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ રાજ | 29 February 1896
મૃત્યુ | 10 April 1995 નવી દિલ્હી, દિલ્હી, ભારત | (ઉંમર 99)
રાજકીય પક્ષ | જનતા દળ (૧૯૮૮–૧૯૯૫) |
અન્ય રાજકીય જોડાણો | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૬૯ પહેલાં) ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (ઓર્ગ) (૧૯૬૯–૧૯૭૭) જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૮) |
માતૃ શિક્ષણસંસ્થા | વિલ્સન કોલેજ |
ક્ષેત્ર | સિવિલ સેવક ચળવળકાર |
સહી |
મોરારજી દેસાઈ (ફેબ્રુઆરી ૨૯, ૧૮૯૬ – એપ્રિલ ૧૦, ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા.[૧] તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત-પાકિસ્તાનનાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય. આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.
પ્રારંભિક જીવન
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા (જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે) માં થયું. ત્યાર બાદ તેઓએ બાઇ અવાં બાઇ હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્ર થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું.[૧][૨] ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.
રાજકીય જીવન
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે "મહાગુજરાત આંદોલન" શરૂ કર્યું. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ. ઇચ્છા વિરુદ્ધ દ્વિભાષીય રાજ્ય રચનાથી વિક્ષપ્ત મોરારજીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. યશવન્તરાવ ચવ્હાણે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળતા ૧૪મી નવેમ્બર ૧૯૫૬માં તેઓ જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં વેપારઉદ્યોગ ખાતના પ્રધાન તરીકે જોડાયાં. ૧૯૫૮માં મુંદડા-પ્રકરણને કારણે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં માર્ચ મહિનામાં નાણાખાતાનો પદભાર સંભાળ્યો. લાંબી મુદ્દતની લોનોનું આયોજન, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ, પરદેશી આર્થિક મદદની શરતોમાં હળવાશ વગેરે તેમનાં નાણાંપ્રધાન તરીકેનાં અગત્યના નિર્ણયો રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણી મોરારજીભાઇ નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. પરંતુ પાર્લામેન્ટરી બૉર્ડના પ્રમુખની ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજીએ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું. ડિસેમ્બર ૧૯૬૯માં ગાંધીનગર ખાતેના અધિવેશનમાં સંસ્થા કૉંગ્રેસ (કૉંગ્રેસ ઓ)ની સ્થાપનાના મુખ્ય સૂત્રધાર રહ્યાં.[૧]
ભારતનાં વડા પ્રધાન (૧૯૭૭-૭૯)
ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. ૨૪મી માર્ચે દેસાઈના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. દેસાઈની સરકારે દક્ષિણ એશિયાઈ પડોશી દેશો સાથેના સંબંધોને અગ્રતા આપી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરુઆત કરી તેમજ ૧૯૬૨નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. ચુંવાળીસમાં બંધરણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને ન્યાયિક કરવામાં આવ્યો. તેમ છતાં, જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગેના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. ચરણસિંહ પ્રકરણ અને અન્ય કટોકટીના કારણોસર ૧૫ જુલાઈ ૧૯૭૯ ના રોજ તેમણે વડાપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું.[૧]
નિવૃત્તિ અને મૃત્યુ
રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્રપરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. ૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે.[૧]
સામાજીક સેવા
મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.
અંગત જીવન અને કુટુંબ
મોરારજી દેસાઈને એક પુત્ર કાંતિ દેસાઈ, બે પૌત્ર ભરત અને જગદીપ દેસાઈ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે માત્ર મધુકેશ્વર દેસાઈ જ સક્રિય છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈના પુત્ર છે.[૩] તેઓ પોતાનાં દાદામહ જેવી છાપ ઉભી કરવા માટે સક્રિય છે.[૪] મધુકેશ્વર દેસાઈ ભારતીય જનતા યુવા મોર્ચાનાં રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે, જે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ છે.[૫]
વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે, લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા છે.[૬] તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા છે[૭] હાલમાં તેઓ મુંબઈ ખાતે તેમની પોતાની ફિલ્મ નિર્માણ સંસ્થા, 'અ થાઉઝન્ટ ફેસીસ પ્રોડક્શન્શ', ચલાવી રહ્યા છે.[૮]
૧૯૭૮માં, વડાપ્રધાન મોરારજી દેસાઇ, કે જેઓ લાંબા સમયથી સ્વમૂત્ર ચિકિત્સા અજમાવી રહ્યા હતા, એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા ફાયદા વિશે ચર્ચા કરી હતી. મોરારજીએ કહ્યું હતું કે સ્વમૂત્ર ચિકિત્સાએ આરોગ્ય સુવિધા ન પરવડી શકે એવા લાખો ભારતીયો માટે ઉત્તમ ચિકિત્સા છે. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા.[૯]
લેખન
'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે. [૧]
સંદર્ભ
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ શાહ, પ્રકાશ ન. (૧૯૯૭). "દેસાઈ, મોરારજી રણછોડજી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૩૫-૪૩૯. OCLC 248969185.
- ↑ Ajay Umat & Harit Mehta (૧૦ જુન ૨૦૧૩). "શું નરેન્દ્ર મોદી મોરારજી દેસાઈના પગલે ચાલી શકશે?". The Economic Times. મેળવેલ ૧૦ જુન ૨૦૧૩. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ Khanna, Summit (૧૧ એપ્રિલ ૨૦૧૦). "મોરારજીના પ્રપૌત્ર રાજકારણમાં પ્રવેશવા તૈયાર". Daily News and Analysis (DNA). Ahmedabad. DNA. મેળવેલ ૪ ફેબ્રુઆરી ૨૦૧૨.
- ↑ Yagnik, Bharat (૧૧ એપ્રિલ ૨૦૧૦). "પ્રપૌત્રે રાજ્યમાં મોરારજી દેસાઈનો વારસો સજીવન કર્યો". The Times of India. TNN. મેળવેલ ૪ ફેબ્રુઆરી ૨૦૧૨."Morarji's great grandson to revive legacy".
- ↑ "મોરારજી દેસાઈના પ્રપૌત્ર ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાં ઉપ પ્રમુખ તરીકે જોડાયા". The Economic Times. ૩૦ મે ૨૦૧૩. મૂળ માંથી 2013-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-05.
- ↑ "A lightly carried legacy". The Afternoon. મૂળ માંથી 2018-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-05.
- ↑ "જવા માટે તૈયાર". The Afternoon. મૂળ માંથી 2014-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-05.
- ↑ "હા, અમે કેન્સ". Mid Day.
- ↑ Chowdhury, Prasenjit (૨૭ જુલાઇ ૨૦૦૯). "Curative Elixir: Waters Of India". The Times of India.