દહીપૂરી
દહીપૂરી | |
ઉદ્ભવ | ભારત |
---|---|
વિસ્તાર અથવા રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્ય સામગ્રી | સેવ, બાફેલા બટેટાં, મગની દાળ ,કોથમીર, મસાલા, ચટણી |
વિવિધ રૂપો | દહી બટાટા પૂરી |
|
દહીપૂરી (મરાઠી: दही पुरी), એ ભારતનાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વાનગી છે. આ એક ચાટ શ્રેણીની વાનગી છે તેનું ઉદગમસ્થાન મુંબઈ શહેર છે.[૧] આ વાનગીને પાણીપૂરી માટે વપરાતી પૂરીઓમાંથી બનાવવામાં આવે છે. પાણીપૂરી વેચતા ખૂમચાવાળા પાસે દહીપૂરી પણ મળે છે.
બનાવવાની રીત
[ફેરફાર કરો]ગોળ, કરકરી અને ચાવવામાં સરળ એવી પાણીપૂરીની ખાલી પૂરીમાં કાણું પાડીને તેમાં છૂંદેલા બટાકાં અને બાફેલા ચણાનો માવો ભરવામાં આવે છે. આ માવામાં મીઠું, મરચું (લાલ કે લીલું), સંચળ, વગેરે મેળાવેલું હોય છે. માવો ભર્યા પછી તેમાં આમલીની ગળી ચટણી અને કોથમીર-મરચાંની તીખી ચટણી ભરવામાં આવે છે. તેની ઉપર ફેંટેલું અને થોડું ગળચટ્ટું દહી ભરીને તેની ઉપર ઝીણી સેવ (અને ક્યારેક તળેલી મગની દાળ) અને કોથમીર ભભરાવવામાં આવે છે. ઘણા લોકો સંચળ કે ચાટ મસાલો પણ ભભરાવે છે.
સામગ્રી
[ફેરફાર કરો]- બાફેલા બટાકા
- નાની ડુંગળી સમારેલી
- ટામેટું સમારેલું
- દહીં
- લીલી ચટણી
- મીઠી ચટણી
- લાલ મરચાંની ચટણી
- ગોલગપ્પા પૂરી
- નાયલોન સેવ
- લાલ મરચું પાવડર
- ચાટ મસાલો સ્વાદાનુસાર
- શેકેલા જીરૂંનો પાવડર
- સંચળ સ્વાદાનુસાર
કૃતિ
[ફેરફાર કરો]સૌપ્રથમ તો બધી જ ચટણી તૈયાર કરી લેવી. ત્યાર બાદ બટાકા બાફી લેવા. હવે તેને છોલીને છુંદો કરીને ઠંડા થવા દેવા. ત્યાર બાદ ડુંગળી, ટામેટાં અને કોથમીરને ઝીણા સમારી લેવા. દહીંને વલોવી લો. હવે એક પ્લેટમાં ગોલગપ્પા પૂરી ગોઠવો. અંગૂઠાની મદદથી તેમાં કાણું પાડો. ત્યાર બાદ તેમાં સૌપ્રથમ બાફેલા બટાકાનો માવો ભરો. હવે તેમાં ડુંગળી અને ટામેટાં ઉમેરો. ત્યાર બાદ તેના પર મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ અને જીરૂં પાવડર છાંટો. ત્યાર બાદ તેના પર લીલી ચટણી, મીઠી ચટણી અને પછી લાલ મરચાંની ચટણી થોડી-થોડી મૂકો. હવે તેના પર અડધી-અડધી ચમચી દહીં મૂકો. છેલ્લે સેવ મૂકો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો ચટાકેદાર દહીપૂરી.
આ પણ જૂઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારતીય નાસ્તો". મૂળ માંથી 2004-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-07.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- દહીપુરી રીત સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૭ ના રોજ વેબેક મશિન