વૌઠાનો મેળો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વૌઠાનો મેળો ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે.[૧][૨]

સ્થળ[ફેરફાર કરો]

અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ - સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે[૩][૧], હકીકતમાં, તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ અને શેઢી નદીઓ મળે છે, તેથી અહીં સાત નદીઓનો સંગમ થાય છે.[૪]

સમય[ફેરફાર કરો]

આ મેળો કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ (દેવ દિવાળી) સુધી ચાલે છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું મહત્વ પુરાણોમાં છે. મહાભારતના વિરાટનગર જે અત્યારણુ ધોળકામાં છે, જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા હતા. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિષે ઘણીબધી માન્યતાઓ પ્રવર્તે છે કે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે.[૪]

મહત્ત્વ[ફેરફાર કરો]

કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખુબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો અધ્યાત્મિક આનંદ અનુભવે છે.[૧] વૌઠાના આ મેળામાં અનેક નાની-મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો,નટ, ભવૈયા તેમજ સર્કસ,ચકડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે.[૧] રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.[૨]

ભાલ અને નળકાંઠાના તેમજ ઠાકોર, રાણા, દરબાર, કાછીયા પટેલ અને રાજપૂત કોમના લોકો ત્યાં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ માટે રોકાતા હોય છે.[૪]

ગધેડા નું બજાર[ફેરફાર કરો]

આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે, વણઝારાનો સમુદાય અહી ચાર હજાર કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવે છે. વૌઠાના મેળામાં ઊંટનો પણ વેપાર થાય છે. ગધેડાઓને લાલ, ગુલાબી અને કેસરી રંગ ગળા અને પીઠના ભાગ પર લગાડવામાં આવે છે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પાનું ૩૨૬-૩૨૭.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પાનાઓ ૮૪-૮૫. ISBN 97-89-381265-97-0.
  3. જાદવ, જોરાવરસિંહ (૨૦૧૦). ગુજરાતની લોકસંસ્કૃતિક વિરાસત. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પાનાઓ ૧૮૧.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પાનાઓ ૪૨-૪૩-.CS1 maint: date format (link)