લખાણ પર જાઓ

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

વિકિપીડિયામાંથી
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
જન્મવિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી
(1899-07-04)4 July 1899
ઉમરેઠ, ગુજરાત
મૃત્યુ10 November 1991(1991-11-10) (ઉંમર 92)
ઉપનામપ્રેરિત
વ્યવસાયલેખક, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત કૉલેજ
નોંધપાત્ર સર્જનો
  • પરિશીલન (૧૯૪૯)
  • ઉપાયન (૧૯૬૧)
નોંધપાત્ર પુરસ્કારો
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓજયંત પાઠક

વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી, ઉપનામ ‘પ્રેરિત’ (૪ જુલાઈ ૧૮૯૯ ― ૧૦ નવેમ્બર ૧૯૯૧) એ ગુજરાતી વિવેચક હતા.

જન્મ વતન ઉમરેઠમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં. ૧૯૧૬માં નડિયાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. એ જ વર્ષે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. આનંદશંકર ધ્રુવના અધ્યાપને એમની અભ્યાસવૃત્તિ પોષાઈ. ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે પ્રથમ વર્ગમાં બી.એ. થઈ ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. ૧૯૨૧માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૨૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૬૧માં એમ.ટી.બી. કૉલેજમાંથી નિવૃત્ત. ૧૯૪૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૫-૧૯૪૯નો નર્મદ સુવર્ણ ચંદ્રક. ૧૯૬૨માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના અંધેરીમાં મળેલા અધિવેશનમાં ભાષાવિજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૪૯માં જૂનાગઢ અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. કલકત્તા ખાતે મળેલ સાહિત્ય પરિષદના અધિવેશનમાં ૧૯૬૧ના અધ્યક્ષ. ૧૯૭૧માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી. ૧૯૭૪માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ.

‘વિવેચના’ (૧૯૩૯) એમનો પ્રથમ વિવેચનસંગ્રહ. એ પછી એમની પાસેથી ‘પરિશીલન’ (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને ‘સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯) નામક વિવેચનસંગ્રહો મળ્યા છે. એમણે ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ (૧૯૫૦)માં ઉપલબ્ધ થયાં છે. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાં એમણે આપેલાં ગો. મા. ત્રિપાઠી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો ‘ગોવર્ધનરામઃ ચિંતક ને સર્જક’ (૧૯૬૩) નામે મળ્યાં છે.

એમની સાહિત્યરુચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી છે. ૧૯૨૪માં એમની પાસેથી પહેલો વિવેચનલેખ મળ્યો છે ‘સરસ્વતીચંદ્ર.’ છત્રીસ વર્ષ પછી, ૧૯૬૦માં ગોવર્ધનરામ પરની વ્યાખ્યાનમાળામાં એમનો ઉપક્રમ ‘સરસ્વતીચંદ્ર’નાં પ્રભાવક તત્વો શોધવા-સારવવાનો જણાય છે. ‘ગોવર્ધનરામની શૈલી’ વિશેના બે લેખોમાં એમણે એ શૈલીની ત્રણ ભૂમિકાઓની સોદાહરણ ચર્ચા કરી છે. અન્ય વ્યાખ્યાનલેખોમાં એમણે ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાની તપાસ કરી તેમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘સ્નેહમુદ્રા’ ની સર્જકતાનું મૂલ્યાંકન કર્યું છે તેમ જ ‘સરસ્વતીચંદ્ર’ નું રહસ્ય છતું કર્યું છે. ગોવર્ધનરામ વિષયક વિવેચનામાં એમની તત્વદર્શી ને સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનાં સુભગ દર્શન થાય છે.

એમના પ્રત્યક્ષ સાહિત્યવિવેચનમાં નિબંધસાહિત્યનું એમણે કરેલું વિવેચન માર્મિક છે. આનંદશંકર વિષયક લેખોમાં તેમના ધર્મચિન્તનને અવલોકવાનો પ્રયાસ છે. ‘ઇતિહાસ દિગ્દર્શન’ ની સમીક્ષામાં એમણે બ. ક. ઠાકોરની દીર્ઘદ્રષ્ટિ અને દેશભક્તિ તરફ ધ્યાન ખેંચ્યું છે. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’ નાં પાંચ વ્યાખ્યાનોમાં સુધારા ઉપરના વિવેચનાત્મક અને ધર્મવિચારધારાઓ વિશેના ગદ્યની સોદાહરણ તપાસ છે.

કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં એમની વિષયપસંદગી સામાન્ય સ્તરની છે, છતાં તેમાં એમની કાવ્યસમજ નિહિત છે. દલપતરામ, ખબરદાર, ‘શેષ’ વગેરે કવિઓનું એમણે કરેલું મૂલ્યાંકન ઉલ્લેખનીય છે. ‘મત્સ્યગંધા અને બીજાં નાટકો’ તથા ‘રાઈનો પર્વત’ પરનાં એમનાં લખાણો એમની નાટ્યવિવેચનની સૂઝ પ્રગટ કરે છે. નવલકથામાં ‘સરસ્વતીચંદ્ર’ ઉપરાંત ‘ગુજરાતનો નાથ’ ની એમણે કરેલી સમીક્ષા નોંધપાત્ર છે.

એમણે ગ્રંથસમીક્ષાનું કાર્ય વર્ષો સુધી એકધારું કર્યું છે. કેટલીક ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક અભિગમ પણ જોવા મળે છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય હોવાને લીધે સાહિત્યકૃતિની મૂલ્યવત્તાને એમણે રસજ્ઞતાથી અને અભ્યાસશીલતાથી ગ્રાહ્ય કરી છે. એમનાં અનેક નિરીક્ષણો માર્મિક, વેધક અને જે તે સાહિત્યકૃતિના રહસ્યને અનાવૃત્ત કરનારાં છે. વિવેચનમાં વિવેચકના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થવી જોઈએ એવી માન્યતાને લીધે એમનાં ગ્રંથાવલોકનોમાં સંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એમની પાસેથી કૃતિનાં સર્વાશ્લેષી મૂલ્યાંકનો પ્રમાણમાં ઓછાં મળ્યાં છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતાં ગ્રંથાવલોકનોમાં સુશ્વિલષ્ટતાની ઊણપ ક્યારેક જોવા મળે છે.

પ્રત્યક્ષ વિવેચન કરતાં કરતાં એમણે સાહિત્યસિદ્ધાંતોની ફેરતપાસ નિમિત્તે, ક્યારેક તત્વચર્ચાના પ્રત્યાધાત રૂપે તો ક્યારેક કોઈ મુદ્દા પર ઊહાપોહ જગવવા સાહિત્યતત્વચર્ચા કરી છે. એમની કવિતાકળાવિષયક વિચારણામાં કવિ, કાવ્ય અને ભાવકના પરસ્પર સંબંધની ચર્ચા છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ એ લેખનો મોટો ભાગ કાવ્યની સ્વરૂપચર્ચામાં રોકાયેલો છે. તેઓ કલાકૃતિના સૌંદર્યાનુભવને ‘રમણીયતા’ તરીકે ઓળખાવે છે અને તેમાં મૂલ્યબોધનો સમાવેશ કરે છે. એમની આ વિચારણા પર મૅથ્યુ આર્નલ્ડ, ક્રોચે જેવા પાશ્ચાત્ય વિવેચકોનો પ્રભાવ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતાને એમણે પૂરતું મહત્વ આપ્યું નથી.

એમના મતે વિવેચકનું કર્તવ્ય કલાકૃતિની રમણીયતાને સમજવાનું દ્રષ્ટિબિંદુ નિર્ધારી આપવાનું છે. ‘વિવેચનનો ઉદભવ’ માં તેઓ કહે છે કે વિવેચને આનંદપર્યવસાયી બનવાનું નથી, મૂળ કલાકૃતિએ અનુભવાયેલી આનંદસમાધિનું સ્વરૂપ તપાસવાનું છે. વિવેચન વિશેનો એમનો દ્રષ્ટિકોણ કૌતુકરાગી છે અને વિવેચનને સર્જનાત્મક આવિષ્કાર માનવાનું એમનું વલણ છે. વિવેચકને તેઓ ‘જીવનફિલસૂફ અને કલાફિલસૂફ’ કહે છે.

એમણે સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની ચર્ચા પણ કરી છે. એમને રસસિદ્ધાંત અને સાધારણીકરણની સમગ્ર ચર્ચા સાંપ્રત સાહિત્યના સંદર્ભે અપર્યાપ્ત લાગી છે. એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓની પુનર્વિચારણા કરી તેની મર્યાદાઓ ચીંધી છે અને એ સંદર્ભે મૌલિક વિચારણા પ્રસ્તુત કરી છે.

‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ’ લેખમાં, કલકત્તા ખાતેના સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં તથા ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’માં એમણે વિભિન્ન નિમિત્તોએ હેમચંદ્રથી માંડી વર્તમાન સમય સુધીના ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોની ગતિવિધિનો આલેખ દોરી આપ્યો છે. એમણે કરેલી ગદ્યવિચારણા ગુજરાતી વિવેચનક્ષેત્રે આગવી ભાત પાડે છે.

એમની સમગ્ર વિવેચનામાં કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને મર્યાદાઓ દ્રષ્ટિગોચર થાય છે. ઊંડી સૂઝ, માર્મિકતા, રસાન્વિત સૌંદર્યદ્રષ્ટિ, અભિજાત રુચિનીસ્નિગ્ધતા અને નિરૂપણની તાજપ એ વિશેષતાઓ છે; તો સુશ્વલિષ્ટતાનો અભાવ, કૃતિનું ખંડદર્શન, વાગ્મિતા અને એખપક્ષી અભિનિવેશ એ મર્યાદાઓ છે. વાક્યાન્વયોના વિશિષ્ટ મરોડોમાં, લાક્ષણિક કાકુઓમાં, કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં અને અભિનિવેશોમાં પ્રગટતા ભાવોદ્રેકોમાં ઈષ્ટ અર્થપિંડને સાકાર કરતી એમની ગદ્યશૈલીની વિવિધ છટાઓ જોવા મળે છે.

એમણે વિવેચનની સાથે સાથે મુખ્યત્વે લેખન-કારકિર્દીના પ્રારંભે કવિતા, વાર્તા, સર્જનાત્મક નિબંધ પ્રકારની કેટલીક રચનાઓ કરેલી. ‘ભાવનાસૃષ્ટિ’ (૧૯૨૪)માં ફેન્ટસીઝ પ્રકારનાં ભાવનારંગી અને નિબંધ લખાણો ગ્રંથસ્થ થયાં છે. એના પર ન્હાનાલાલની ‘પાંખડીઓ’ નો પ્રભાવ વરતાય છે. ‘દ્રુમપર્ણ’ (૧૯૮૨)માં સાહિત્ય-શિક્ષણ-સંસ્કાર વિષયક નિબંધો અને ‘આશ્ચર્યવત્’ (૧૯૮૭)માં ચિંતનાત્મક લલિતનિબંધો સંગ્રહાયા છે.

પરિશીલન (૧૯૪૯) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા સંપાદિત વિવેચનસંગ્રહ. સાહિત્યિક સિદ્ધાંત તેમ જ પ્રત્યક્ષવિવેચનના આ લેખોમાં સાહિત્યરુચિની પરિષ્કૃતતા સ્પષ્ટ છે. ‘સાધારણીકરણ’ અને ‘આચાર્ય આનંદશંકરનું ધર્મચિંતન’ જેવા લેખો મૂલ્યવાન છે. ‘વિવેચનની પ્રતિષ્ઠા’ માં ભાષા અને છંદ વિશેના લેખકના અભિપ્રાયો તેમ જ વિવેચન વિશેનું મંતવ્ય વિવાદોત્તેજક છે.

ઉપાયન (૧૯૬૧) વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પષ્ઠિપૂર્તિ અભિનંદનગ્રંથ. પહેલા ત્રણ ખંડોમાં લેખકનાં વિવેચનાત્મક લખાણોમાંથી પસંદ કરાયેલા લેખો છે; તો ચોથા ખંડમાં લેખકના જીવનકાર્યને મૂલવતા, વિવિધ સાથીઓ દ્વારા લખાયેલા લેખો છે. પહેલા ખંડ ‘અનુભાવના’ માં સિદ્ધાંતચર્ચાના લેખો છે. ‘દ્વિજોત્તમ જાતિની કવિતા’, ‘અનુભાવના’, ‘સૌંદર્યની ઉપાસના’ જેવા લેખોમાં કાવ્યપદાર્થ તરફ જોવાનું એમનું કૌતુકરાગી વલણ પ્રગટ થાય છે. આનંદ આપવા સિવાય સત્યનું દર્શન કરાવવું તેને એ ઉત્તમ કવિતાનું લક્ષણ માને છે. સંસ્કૃત કાવ્યસિદ્ધાંતો પ્રત્યેનું એમનું ચિકિત્સક વલણ ‘રસ, સૌન્દર્ય અને આનંદ’ ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, ‘સાધારણીકરણ’ જેવા લેખોમાં દેખાય છે. એમને લાગે છે કે રસસિદ્ધાંત આધુનિક સાહિત્યને મૂલવવા માટે અપર્યાપ્ત છે; તેથી રસને સ્થાને સૌંદર્ય-રમણીયતાને કાવ્યમૂલ્યાંકનમાં વધુ સ્વીકાર્ય માપદંડ એમણે ગણ્યો છે. ‘વિવેચનનો ઉદભવ’ ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, જેવા લેખો વિવેચનપ્રવૃત્તિ વિશેના એમના વિચારો પ્રગટ કરે છે. વિવેચન વિવેચકની વૈયક્તિક મુદ્રાથી અંકિત બને છે, એટલે વિવેચન પણ સર્જનાત્મક પ્રવૃત્તિ છે; -એટલી આત્યંતિકતાઓ એ ન ગયા હોય, પણ વિવેચન કળાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હોય તેને એ ઈષ્ટ જરૂર ગણે છે. બીજા ખંડમાં લેખકનાં ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ પરનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો મુકાયાં છે. નર્મદથી આનંદશંકર સુધી લખાયેલા ગુજરાતી ચિંતનાત્મક ગદ્યમાં વ્યક્ત થયેલા વિચારોની તેમાં તપાસ છે. ત્રીજા ખંડમાં લેખકની કૌતુકરાગી વિવેચનની વિશેષતાઓથી પ્રભાવિત કૃતિ-સમીક્ષાના લેખો ભલે બહુ સુગ્રથિત ન હોય, તૂટકછૂટક હોય, પરંતુ મર્માળાં અને ઊંડી સૂઝ તથા રસજ્ઞતાથી ભરેલાં નિરીક્ષણોવાળાં જરૂર છે.

અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦) વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર સુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તમ નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભોળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન્ત વગેરેનો ધર્મશોધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગોકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જેવો લેખ ગ્રંથને અંતે પૂર્તિ રૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતો લેખકનો લાક્ષણિક દ્રષ્ટિકોણ મહત્વનો છે.

ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક (૧૯૬૨)

[ફેરફાર કરો]

વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનો વિવેચનગ્રંથ. આમાં ‘ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યનમાળા’ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને આશ્રયે અપાયેલાં પાંચ વ્યાખ્યાનો સંગ્રહિત છે. એમાં ગોવર્ધનરામની તત્વવિચારણા અને સાહિત્યવિચારણાને તપાસવાનો ઉપક્રમ છે. ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’નાં મૂલ્યાંકનો પણ અહીં છે. અહીં નીતિગ્રાહી અને સત્યગ્રાહી વિવેચકની સૌન્દર્યદ્રષ્ટિનો પરિચય થાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]