ખીમેશ્વર મહાદેવ મંદિર (કુછડી)

વિકિપીડિયામાંથી
ખીમેશ્વર મહાદેવ મંદિર સંકુલ

ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક ‍(S-GJ-145) જાહેર કરાયેલું છે[૧].

આ સંકુલમાં પુરાતત્વની દૃષ્ટિએ અગત્યનાં એવાં કુલ સાત મંદિરો આવેલાં છે:

  • જેમાં પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ ધીંગેશ્વર મહાદેવનું મંદિર જે ચૈતન્ય બારીના શિલ્પો ધરાવે છે.
  • પછી મુખ્ય ખીમેશ્વર મંદિર જે ચૈતન્ય બારીવાળું સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
  • બાજુમાં વલભી શીખર ધરાવતું નવદુર્ગા મંદિર છે જે પુરાતત્વ વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં અદ્વિતિય છે.
  • સામે પાર્વતીનું મંદિર છે જે ચૈતન્ય બારીવાળા બે ગવાક્ષો ધરાવતું સાતમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.
  • તેની બાજુમાં દ્રવિડશૈલીનું શિખર ધરાવતું સુર્ય રાંદલ મંદિર છે જે પણ સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
  • તેની સામે ચાડેશ્વર મહાદેવનું મંદિર છે જેના શિખરમાં ભુમીકા શિલ્પ છે. આ મંદિરનું નિર્માણ દસમી સદીમાં થયેલું છે.
  • બાજુમાં દુધેશ્વર મહાદેવનું પૂર્વાભિમુખ મંદિર છે. જે પણ ભુમીકા શિલ્પવાળું દસમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.

આ ઉપરાંત ખીમેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં ગણપતિની નાની દેરી છે જેનું શિખર પર હાથીના મસ્તક આકારનું શિલ્પ છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની આ એકમાત્ર મહાદેરી છે. આ ઉપરાંત મંદિર સંકુલમાં કાલ ભૈરવની નાની દેરી, મહાકાળીનું મંદિર, પટાંગણમાં મૈત્રીક ખાંડણીયો, માતૃકા મુર્તિઓ, દુધેશ્વરનું શિવલીંગ તથા પગથીયાવાળી કોતરેલી જુની વાવ અને અન્ય અનેક શિલ્પો પડેલાં છે.[૨]

ખીમેશ્વર મહાદેવ મંદિર[ફેરફાર કરો]

ઈ.સ.૪૬૮થી ઈ.સ.૭૮૮માં નિર્માણ થયેલું આ મૈત્રકકાળનું મંદિર પશ્ચિમ ભારતમાં અદ્વિતિય છે. આ એકમાત્ર એવું મંદિર છે જે કરિયામાં ગવાક્ષ સાથેની વલભી છત ધરાવે છે, જેને વક્રીય સ્કંધ આકારની રચના ટેકો પૂરો પાડે છે. એની અન્ય નોંધપાત્ર લાક્ષણિકતામાં છત નીચેની કાંગરી અને દંતાવલિ ઉપરાંત ગર્ભગૃહના દ્વારે સંલગ્ન દીવાલમાં ચૈત્ય પ્રકારની ભાત ગણાવી શકાય.

પૌરાણિક ઈતિહાસ-વાયકા[ફેરફાર કરો]

વાયકા પ્રમાણે આ મંદિરનું મૂળ નામ ભીમેશ્વર મહાદેવ હતું. કુંતી તથા પાંચ પાંડવો યાત્રાએ નિકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા. અર્જુનને એવું વ્રત હતું કે શિવપુજન કર્યા વગર અન્નપ્રાશન કરવું નહીં. એથી અર્જુન અને ભીમ શિવમંદિરની શોધમાં નીકળ્યા. બહુ રખડપટ્ટીના અંતે ભીમની ધીરજ ખુટી એથી એણે એક યુક્તિ રચી અને અર્જુનથી છાનું રાખી સમુદ્રકિનારે રેતીનો મોટો ઢગલો રચ્યો અને અર્જુનને બોલાવી શિવલિંગ મળ્યાની જાણ કરી. અર્જુને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું અને પોતાનું વ્રત સાચવ્યું. પણ ભીમને તો ખરી વાતની જાણ હતી જ, આથી તેને હસવું આવ્યું. ભીમને હસતો જોઈ અર્જુને કારણ પૂછ્યું ત્યારે ભીમે સાચી વાત જણાવી અને અર્જુનની હાંસી કરી. પણ અર્જુને કહ્યું કે મેં પૂજન કર્યું તે તો શિવલિંગ સમજીને જ કર્યું અને હવે આ રેતીનો ઢગલો નથી પણ ખરે જ શિવલિંગ છે. ભીમે તેને ખોટો ઠેરવવા પોતે બનાવેલા રેતીના ઢગને બે હાથો વડે છીન્નભિન્ન કરવા પ્રયાસ કર્યો પણ શિવલિંગ વિખાયું નહિ. પ્રયાસ દરમીયાન ભીમની આંગળીઓની છાપ તેમાં ઊંડે સુધી બેસી ગઈ જે આજે પણ શિવલિંગ પર જોવા મળે છે.

ત્યાર પછી ભીમે પણ અર્જુનની ભક્તિનો સ્વીકાર કર્યો અને અહીં સ્થપાયેલાં શિવલિંગ પર એક મંદિર બાંધવાનું નક્કી કર્યું. નાના ભાઈ નકુળની મદદથી અહીં મંદિરનું નિર્માણ થયું જે ભીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાયાનું પૌરાણિક કથાઓ અને વાયકાઓમાં કહેવાય છે.

જિર્ણોદ્ધાર[ફેરફાર કરો]

ઈ.સ.૧૮૨૩માં પોરબંદરના મહારાજા રાણા ખીમાજી જેઠવાના વખતમાં અહીં મઠનું નિર્માણ થયાની અને મંદિરોના જિર્ણોદ્ધારની નોંધ મળે છે. આમ જિર્ણોદ્ધાર કરનાર રાણા ખીમાજીની સ્મૃતિમાં આ મંદિરનું નામ ખીમેશ્વર પડ્યાનું મનાય છે. અન્ય એક માન્યતાનુસાર, આ મંદિરના મહંતો મુળ કાશીના ક્ષેમેશ્વરઘાટ પરથી આવેલા અને એ ક્ષેમેશ્વરનું અપભ્રંશ થઈ ખીમેશ્વર થયું હોય તેમ પણ બની શકે. આ મંદિર સંકુલની બાજુમાં એક વિરલ દંપતીનો પાળીયો મળી આવેલ છે. જેમાં પતિ-પત્ની સંયુક્ત હાથ જોડીને ઊભા હોય તેવી કોતરણી અને લખાણમાં સંવત ૧૩૬૭ના વર્ષનો ઉલ્લેખ છે. સંભવ છે કે એમણે મંદિર નિર્માણ કે અન્ય કોઈ ધર્મકાર્ય એ સમયે કર્યું હોય અને એની યાદમાં આવો પાળીયો મુકાયો હોય.

ચિત્રગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. પુરાતત્વ વિભાગની યાદીમાં ક્રમ-૬ ઉપર[હંમેશ માટે મૃત કડી]
  2. (વિગતો:વલ્લભીવંશ નામક ઈતિહાસ તથા પુરાતત્વ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ચોપાનિયાનાં આધારે)