જામ્બવતી

વિકિપીડિયામાંથી
જામ્બવતી
અષ્ટભાર્યાના સભ્ય
જામ્બવતી અને કૃષ્ણની અન્ય અષ્ટભાર્યા, મૈસૂર ચિત્રકારી.
અન્ય નામોનરેન્દ્રપુત્રી
જોડાણોઅષ્ટભાર્યા
રહેઠાણોદ્વારકા
ગ્રંથોવિષ્ણુ પુરાણ, મહાભારત, હરિવંશ, શ્રીમદ્ ભાગવતમ્
વ્યક્તિગત માહિતી
જીવનસાથીકૃષ્ણ
બાળકોસામ્બ, સુમિત્રા, પુરુજીત, શતજીત, સહસ્રજીત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ, અને ક્રતુ
માતા-પિતા
  • જામ્બવન (પિતા)
કુળયદુવંશ (લગ્ન પછી)

જામ્બવતી (સંસ્કૃત: जाम्बवती) અથવા જાંબવતી, હિંદુ ભગવાન કૃષ્ણની મુખ્ય આઠ પત્ની, અષ્ટભાર્યામાં અનુક્રમે બીજા ક્રમે આવતી પત્ની છે. તે રીંછ-રાજા જામ્બવનની એકમાત્ર પુત્રી હતી. [૧] ચોરાયેલા સ્યામંતક રત્નની શોધ અભિયાન દરમ્યાન શ્રી કૃષ્ણે તેમના પિતા જામ્બવનને હરાવ્યા અને તેમની પુત્રી જામ્બવતી સાથે લગ્ન કર્યા. [૨]

નામકરણ[ફેરફાર કરો]

જાંબવતીના લગ્નનું કલાત્મક નિરૂપણ, જ્યાં તેણીને માનવ-રીંછ તરીકે દર્શાવવામાં આવી છે.

આશ્રયદાત્રી જામ્બવતી એટલે જાંબવનની પુત્રી. ભાગવત પુરાણના ભાષ્યકાર શ્રીધર તેમની ઓળખ, કૃષ્ણની પત્ની રોહિણી તરીકે કરે છે. જો કે, અન્ય ટીકાકાર, રત્નાગર્ભા આથી અસંમત છે. [૩] અલબત્ હરિવંશ પણ સૂચવે છે કે રોહિણી જામ્બવતીનું વૈકલ્પિક નામ હોઈ શકે છે. [૪] જામ્બવતીને નરેન્દ્રપુત્રી અને કપિન્દ્રપુત્રાના ઉપનામો પણ આપવામાં આવ્યા છે. [૪]

દંતકથા[ફેરફાર કરો]

મહાકાવ્ય મહાભારતમાં, જામ્બવનને જામ્બવતીના પિતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. [૪] ભાગવત પુરાણ અને હરિવંશ તેમને રીંછોના રાજા કહે છે. [૪] [૫]

જામ્બવતી એ કૃષ્ણની અન્ય પત્નીઓ તેમજ અષ્ટભાર્યાઓની જેમ જ દેવી લક્ષ્મીનો અવતાર છે. [૬]

કૃષ્ણ સાથે લગ્ન[ફેરફાર કરો]

કૃષ્ણ સાથે જામ્બવતી અને સત્યભામાના લગ્ન સ્યામંતક રત્નની વાર્તા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, આ રત્નનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણમાં છે. આ કિંમતી રત્ન મૂળ રૂપે સૂર્ય-દેવનું હતું. સૂર્ય દેવે, તેમના ભક્ત, યાદવ ઉમરાવ, સાત્રજિતની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને આ રત્ન ભેટ તરીકે આપ્યું. જ્યારે સાત્રજિત રત્ન સાથે રાજધાની દ્વારકામાં પાછા ફર્યા, ત્યારે રત્નની ચમકથી અંજાઈ જતા લોકો સાત્રજીતને સૂર્ય સમજવા લાગ્યા. આ તેજસ્વી રત્નથી પ્રભાવિત થઈને કૃષ્ણે સાત્રજીતને આ રત્ન મથુરાના રાજા ઉગ્રસેનને (કૃષ્ણના દાદા) આપવા જણાવ્યું, પરંતુ સાત્રજિતે તેમની વાત માની નહીં. [૨]

ત્યારબાદ, સત્રજીતે સ્યામંતક રત્ન તેના ભાઈ પ્રસેનને આપ્યું. પ્રસેન, ઘણીવાર આ રત્ન પહેરતો હતો. એક દિવસ જંગલમાં શિકાર કરતી વખતે સિંહે તેના પર હુમલો કર્યો. તે ભીષણ યુદ્ધમાં પ્રસેન માર્યો ગયો, અને સિંહ રત્ન લઈને ભાગી ગયો. આ સિંહ રત્નને સાચવી શક્યો નહીં. યુદ્ધના થોડા સમય પછી, તેણે જામ્બવનની ગુફામાં પ્રવેશ કર્યો અને જામ્બવને તેને મારી નાખ્યો. સિંહના પંજામાંથી મળેલા રત્નને તેણે તેના પુત્રને રમવા માટે આપ્યું.

પ્રસેનના ગાયબ થયા પછી, દ્વારકામાં, એવી અફવા ફેલાઈ હતી કે કૃષ્ણની નજર સ્યામંતક રત્ન પર હતી અને તેમણે જ પ્રસેનની હત્યા કરી રત્ન ચોરી લીધું હતું. પોતાના પર લાગેલા આ ખોટા આરોપને દૂર કરવા કૃષ્ણે આ રત્નને શોધીને પોતાની નિર્દોષતા સાબિત કરવાનો નિર્ણય કર્યો અને પ્રસેનની શોધમાં અન્ય યાદવો સાથે નીકળ્યા. તેમણે પ્રસેન જે પંથ પર ગયો હતો તેને અનુસરી પ્રસેનના શબને શોધી કાઢ્યું. ત્યાર બાદ તેઓ સિંહનું પગેરું મેળાવતા જામ્બવનની ગુફામાં આવી પહોંચ્યા. અહીં મૃત સિંહ પડેલો હતો. કૃષ્ણ તેમના સાથી યાદવોને ગુફા બહાર રોકી ગુફામાં પ્રવેશ્યા. અંદર તેમણે એક નાના બાળકને આ અમૂલ્ય રત્ન સાથે રમતું જોયું. જેવા કૃષ્ણ જામ્બવનના પુત્રની નજીક પહોંચ્યા, ત્યાં બાળકની આયાએ ચીસ પાડી અને જામ્બવન ચેતી ગયા. ત્યારબાદ બંને વચ્ચી ૨૭-૨૮ દિવસ (ભાગવત પુરાણ મુજબ) અથવા ૨૧ દિવસ (વિષ્ણુ પુરાણ મુજબ) સુધી ઉગ્ર લડાઈ ચાલી. જેમ જેમ જામ્બવન ધીમે ધીમે થાકતો ગયો, તેમ તેમ તેને સમજાયું કે કૃષ્ણ અન્ય કોઈ નહીં પણ ત્રેતાયુગના તેમના ઉપકારી રામ હતા. રામના ભવે પોતાનો જીવ બચાવનાર કૃષ્ણ પ્રત્યે કૃતજ્ઞતા અને ભક્તિ બતાવતા જામ્બવને લડાઈ છોડી દીધી અને કૃષ્ણને રત્ન પરત કર્યું. જામ્બવને તેની પ્રથમ પુત્રી જામ્બવતીને કૃષ્ણ સાથે પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કૃષ્ણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને જામ્બવતી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેઓ દ્વારકા ગયા. [૨] [૭] [૮]

આ દરમ્યાન, કૃષ્ણની સાથે ગુફામાં ગયેલા યાદવો કૃષ્ણને મૃત્યુ પામેલા માનીને દ્વારકા પાછા ફર્યા. રાજવી પરિવારના દરેક સભ્ય તેમના મૃત્યુ પર શોક કરવા માટે એકઠા થયા હતા. દ્વારકા પાછા ફર્યા પછી, કૃષ્ણે રત્નની પુનઃપ્રાપ્તિ અને જામ્બવતી સાથેના પોતાના લગ્નની વાત કહી. ત્યારબાદ તેમણે ઉગ્રસેનની હાજરીમાં સાત્રજીતને રત્ન પરત કર્યું. લોભીપણાને કારણે સત્રજીતે તેને લેવામાં સંકોચ અનુભવતો હતો. ત્યાર બાદ તેમણે પોતાની પુત્રી સત્યભામાને કૃષ્ણસાથે પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને સત્યભામાના કૃષ્ણ સાથે લગ્નમાં કિંમતી રત્ન ભેટ આપ્યો. કૃષ્ણે સત્યભામા સાથે લગ્ન કર્યા, પરંતુ રત્ન લેવાનો ઇનકાર કર્યો. [૨] [૭]

સામ્બનો જન્મ[ફેરફાર કરો]

જામ્બવતીના મુખ્ય પુત્ર સામ્બના જન્મની કથા મહાભારત અને દેવી ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે. કૃષ્ણની અન્ય તમામ પત્નીઓને ઘણા બાળકો હતા. જામ્બાવતી કૃષ્ણને કોઈ સંતાન ન આપી શકવાથી દુઃખી હતી. તેણે આનો ઉકેલ શોધવા માટે કૃષ્ણને વાત કરી અને કૃષ્ણ મુખ્ય પત્ની રુક્મિણીના પુત્ર પ્રધ્યુમ્ન જેવા સુંદર પુત્રની કામના કરી. આના ઉપાય માટે કૃષ્ણ હિમાલયમાં ઋષિ ઉપમન્યુના આશ્રમમાં ગયા અને ઋષિની સલાહ મુજબ, તેમણે ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેમણે છ મહિના સુધી વિવિધ મુદ્રામાં તપસ્યા કરી; એકવાર ખોપરી અને સળિયો પકડીને, પછીના મહિનામાં માત્ર એક પગ પર ઊભા રહીને માત્ર પાણી પર જ ગુજારો કર્યો, ત્રીજા મહિનામાં તેમણે અંગૂઠા પર ઊભા રહીને માત્ર હવા પર જ જીવી તપસ્યા કરી. આ તપસ્યાથી પ્રસન્ન થઈને, શિવ આખરે અર્ધનારીશ્વર તરીકે કૃષ્ણ સમક્ષ પ્રગટ થયા અને કૃષ્ણને વરદાન માંગવા કહ્યું. ત્યારે કૃષ્ણે જામ્બવતી સાથેના પુત્રની માંગણી કરી, તેમની ઇચ્છા પૂર્ણ થઈ. ટૂંક સમયમાં જ તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ સાંબ રાખવામાં આવ્યું, કારણ કે શિવ કૃષ્ણ સમક્ષ પ્રગટ થવા પછી તેનો જન્મ થયો હતો. [૯] [૧૦]

બાળકો[ફેરફાર કરો]

ભાગવત પુરાણ મુજબ, જામ્બવતીને સામ્બ, સુમિત્રા, પુરુજિત, શતજિત, સહસ્ત્રજીત, વિજય, ચિત્રકેતુ, વસુમન, દ્રવિડ અને ક્રતુ નામે સંતાનો હતા. [૧૧] વિષ્ણુ પુરાણ અનુસાર સામ્બના જન્મ પછી તેમને ઘણા પુત્રો થયા. [૩]

સામ્બ મોટો થઈ કૃષ્ણના યાદવ કુળ માટે ઉપદ્રવ સમાન બન્યો. દુર્યોધને (કૌરવોના રાજા) તેનું અપહરણ કરી પોતાની પુત્રી લક્ષ્મણા સાથે સામ્બના લગ્ન કરાવ્યા. આખરે તેને કૃષ્ણ અને તેના ભાઈ બલરામ દ્વારા બચાવી લેવામાં આવ્યો. સામ્બએ એકવાર ઋષિઓની ટીખળ કરવા ગર્ભવતી સ્ત્રી હોવાનો વેશ લીધો અને તેના મિત્રોએ કેટલાક ઋષિઓને પૂછ્યું કે આ કોનું બાળક હશે. આવા તોફાનથી ક્રોધે ભરાયેલા ઋષિમુનિઓએ તેને શ્રાપ આપ્યો કે તેના પેટે લોખંડના દસ્તાનો જન્મ થશે, અને તે યાદવોનો નાશ કરશે. આ શ્રાપ સાચો પડ્યો, જેના કારણે મૌસાળ પર્વમાં કૃષ્ણના કુળનું મૃત્યુ થયું. [૧૦]

મૃત્યુ[ફેરફાર કરો]

કૃષ્ણના ગુમ થયા પછી થયેલા યદુ હત્યાકાંડ બાદ, રુક્મિણી સાથે જામ્બાવતી અને અન્ય કેટલીક મહિલાઓ સતિ થઈ. [૧૨]

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

ભાગવત પુરાણ, મહાભારત, હરિવંશ અને વિષ્ણુ પુરાણ જેવા પૌરાણિક સાહિત્યમાંમાં જામ્બવતી એક મહાકાવ્ય પાત્ર છે. સ્યામંતક રત્ન પર જામ્બવન અને કૃષ્ણ વચ્ચેની લડાઈની દંતકથા આમાં મુખ્ય રૂપે દર્શાવવામાં આવી છે. [૪] [૧૩] વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે જામ્બવ કલ્યાણમ્ નામનું નાટક રચ્યું હતું. એકરમંથાએ જાંબવતી પરિણયમ્ (અર્થ: જાંબવતીના લગ્ન) વિષય પર એક કવિતા લખી હતી. [૧૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Books, Kausiki (2021-07-09). Brahma Vaivartha Purana: 7 Sri Krishna Janana Khanda Part 4: English Translation only without Slokas: English Translation only without Slokas (અંગ્રેજીમાં). Kausiki Books.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Chapter 56: The Syamantaka Jewel". Bhaktivedanta VedaBase: Śrīmad Bhāgavatam. મૂળ માંથી 28 September 2011 પર સંગ્રહિત. મેળવેલ 27 February 2013.
  3. ૩.૦ ૩.૧ Horace Hayman Wilson (1870). The Vishńu Puráńa: a system of Hindu mythology and tradition. Trübner. પૃષ્ઠ 79–82, 107.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Edward Hopkins Washburn (1915). Epic mythology. Strassburg K.J. Trübner. પૃષ્ઠ 13. ISBN 0-8426-0560-6.
  5. Srimad Bhagavatam Canto 10 Chapter 83 Verse 9 સંગ્રહિત ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. Vedabase.net. Retrieved on 2013-05-02.
  6. Bhagavata Purana 10.83.10 સંગ્રહિત ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ વેબેક મશિન. Vedabase.net. Retrieved on 2013-05-02.
  7. ૭.૦ ૭.૧ "Draupadi Meets the Queens of Krishna". Krishnabook.com. મેળવેલ 3 February 2013.
  8. Vishnu Purana. Sacred-texts.com. Retrieved on 2013-05-02.
  9. Swami Parmeshwaranand (2004). Encyclopaedia of the Śaivism. Sarup & Sons. પૃષ્ઠ 62. ISBN 978-81-7625-427-4.
  10. ૧૦.૦ ૧૦.૧ Vettam Mani (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. પૃષ્ઠ 342, 677. ISBN 978-0-8426-0822-0.
  11. Bhgavata Purana સંગ્રહિત ૩૦ એપ્રિલ ૨૦૦૮ ના રોજ વેબેક મશિન. Vedabase.net. Retrieved on 2013-05-02.
  12. "The Mahabharata, Book 16: Mausala Parva: Section 7".
  13. ૧૩.૦ ૧૩.૧ M. Srinivasachariar (1974). History of Classical Sanskrit Literature. Motilal Banarsidass. પૃષ્ઠ 85. ISBN 978-81-208-0284-1.