પારડી તાલુકોભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીનો એક એવો મહત્વનો તાલુકો છે. પારડી આ તાલુકાનું મુખ્ય મથક છે.
પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકાના મુખ્ય મથક પારડી ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ તેમ જ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા. ૯ સપ્ટેબર ર૦૧૩નાં જાહેરનામા અનુસાર પારડી તાલુકાના ૮૧ ગામોમાંથી ર૮ ગામોને છુટા પાડીને વાપી તાલુકો રચવામાં આવતાં[૧] પારડી તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૫૩ની થઈ. આ જ રીતે વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર તત્કાલિન પારડી તાલુકાની વસ્તી ૪,૯૩,૦૮૪ની હતી, જેમાંથી ૩,૦૭,૬૯૨ની વસ્તી ધરાવતાં ૨૮ ગામો (વાપીના શહેરી વિસ્તાર સહિત) નવરચિત વાપી તાલુકામાં ખસેડાતાં[૧] પારડીની વસ્તી ૧,૮૫,૩૯૨ની રહી.