રતાળુ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રતાળુ ભારતમાં લગભગ સર્વત્ર થાય છે. ચીનમાં પણ રતાળાનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. રતાળુ ગુજરાતમાં સુરત જિલ્લામાં ખૂબ વધારે થાય છે.અમેરિકા અને એશિયા ખંડના વિષુવવૃતીય પ્રદેશોમાં રતાળાના વર્ગની વનસ્પતિઓ ખોરાક તરીકે મહત્વની ગણાય છે. એ વનસ્પતિઓમાં ખોરાક તરીકે મહત્વની ગણાય છે . એ વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે. તેની જાતો વચ્ચે મૂળ,કંદ અને રંગ પરત્વે ઘણો તફાવત પડે છે. કેટલાકનો રંગ સફેદ હોય છે, તો કેટલાકનો પીળો, કેટલીક જાંબલી ગરવાળી જાતો દક્ષિણ ભારતમાં વધુ લોકપ્રિય છે. રતાળુ એ જમીનમાં થનારું કંદ છે . તેના વેળા થાય છે। રતાળાના પાક માટે ઊંડી ફળદ્રુપ,ભરભરી અને સારા નિતારવાળી જમીન ઉત્તમ ગણાય છે. રેતાળ બેસર કે બેસર જમીન તેને વધારે માફક આવે છે . જમીન જેમ પોચી અને ખાતર બરદાસ્ત વધારે તેમ રતાળા સારા થાય છે. ચૈત્ર-વૈશાખમાં માંડીને અષાડ માસ સુધી રતાળાની વાવણી થાય છે. સારી આંખોવાળા તેના કાંદાના કકડા કરીને રોપાય છે. તેના બે છોડ વછે ત્રણ-ત્રણ ફૂટનું અંતર રાખી ક્યારાની પાળી ઉપર તેને રોપવામાં આવે છે . તેના પાનનો આકાર કંઇક અંશે નાગરવેલના પાનને મળતો આવે છે . રતાળાના વેલા જમીન પર પથરાય છે, પણ માંડવા ઉપર ચડાવવાથી વધુ સારું રહે છે. મહાફાગણ માસમાં તેને કાઢવામાં આવે છે. એક એકરમાં આશરે ચારસો મણ જેટલા રતાળા થાય છે. રતાળા બે જાત ના થાય છે: લાલ અને સફેદ.રતાળામાં લાંબુ અને ગોળ એવા બે ભેદ છે . સફેદ કે ધોળા રતાળાને ગરાડું કહે છે. ગરાડું રતાળુ છોલ્યા પછી સફેદ દેખાય છે. ગરાડું રતાળા પણ લાંબા અને ગોળ એમ બે જાત થાય છે. ગરાડું કરતા લાલ રતાળુ વધારે મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને તેનો ભાવ પણ વધારે હોય છે. રતાળાને છોલીને તેનું શાક બનાવવામાં આવે છે. તેની પૂરી,ભજીયા,ખીર વગેરે પણ થાય છે. ઉપવાસના દિવસે ફળાહાર તરીકે બહુ છૂટથી વપરાય છે. રતાળાને બાફી-સૂકવીને બનાવેલો લોટ બીજા લોટ વગેરેમાં ભેળવવામાં આવે છે. રતાળાના વેળાના પાનનું પણ શાક થાય છે. શાક કરતાં પહેલાં પાનને તવા પર શેકી લેવા પડે છે. રતાળુ બળ આપનાર છે,સ્નિગ્ધ,ભારે,હૃદયના કફનો નાશ કરનાર અને ઝાડને રોકનાર છે. તેને જો તેલમાં તળ્યું હોય તો બહુ જ કોમલ અને રુચિપ્રદ નીવડે છે . સફેદ રતાળું મધુર,શીતળ,વૃષ્ય અને ભારે અને પૌષ્ટિક છે. એ શ્રમ, દાહ અને પિત્તનો નાશ કરે છે . સુશ્રુત રતાળુ ને કફ કરનાર,ભારે અને વાયુનો પ્રકોપ કરનાર ગણે છે. વાગ્ભટ તેને તીખું,ગરમ,તેમજ વાયુ તથા કફને મટાડનાર ગણે છે. એકંદરે રતાળુ બળ આપનાર,સ્નીગ્ધ,ભારે,હ્રદયના કફનો નાશ કરનાર તથા ઝાડાને રોકનાર છે. રતાળાના વેલાનાં પાન વાટી વીંછીના ડંખ પર ચોપડવાથી વીંછી ઊતરે છે. સુકાયેલું રતાળું પણ ઘસીને વીંછીના ડંખ પર ચોપડાય છે . [શ્રમ-મહેનત કરનાર માણસોને રતાળુ જલ્દી પચે છે અને માફક આવે છે. પરંતુ નબળા તથા બેઠાડું લોકોને તે માફક નથી આવતું . સામાન્ય રીતે રતાળુ વાયુ કરે છે.]