શુકલતીર્થ

વિકિપીડિયામાંથીશુકલતીર્થ
—  ગામ  —
શુકલતીર્થનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′14″N 73°07′20″E / 21.753880°N 73.122178°E / 21.753880; 73.122178
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
વસ્તી ૭,૫૦૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી, કેળાં, શેરડી
કોડ
  • • પીન કોડ • ૩૯૨ ૦૩૦
    વાહન • જીજે - ૧૬

શુકલતીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. શુકલતીર્થ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત કેટલાક લોકો નાના પાયે વેપાર પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, શેરડી, કેળાં, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલીસ ચોકી, જિલ્લા પંચાયત વિરામ ગૃહ, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મહત્વ[ફેરફાર કરો]

અહીં શુકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભવ્ય મેળો ભરાય છે[૨], જેમાં દૂર દૂરથી લોકો મેળાની મઝા માણવા ઉમટી પડે છે. આ દિવસે ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે. આ શાહી સ્નાન માટે ભારતભરમાં આવેલા હિંદુ ધર્મના અખાડાઓમાંથી સાધુ - બાવાઓ પણ મોટી સંખ્યામાં પધરામણી કરે છે. આ ઉપરાંત ગામમાં ઓમકારેશ્વર, અંબામાતા, દત્તાત્રેય ભગવાન, ગોપેશ્વર, મહાભાગલેશ્વર, રણછોડરાયજી વગેરે મંદિરો આવેલાં છે. આ સમગ્ર તીર્થો થકી શુકલતીર્થ તીર્થક્ષેત્ર કહેવાય છે. અહીંથી થોડા જ અંતરે નર્મદા નદીમાંના રળિયામણા બેટ ખાતે કબીર મઢી અને કબીરવડ આવેલાં છે, જે સ્થળ પણ ગુજરાતભરમાં પ્રખ્યાત છે.

આ ગામ અગ્નિહોત્રી તેમ જ સામવેદી બ્રાહ્મણોની કર્મભૂમિ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે.

એક લોકવાયકા પ્રમાણે, પ્રખ્યાત સત્યનારાયણ દેવની કથાના એક અધ્યાયમાં સાધુ વાણીયાનો ઉલ્લેખ થયેલ છે. જેમાં વેપારી સાધુ વણીયાનું વિદેશથી આગમન સમયે માલ સામાનથી ભરેલું જહાજ થોડા સમય માટે લુપ્ત થયું હતું. જે આ ગામના નદી કિનારે બનેલી ઘટના છે.

શુકલતીર્થ પહોંચવા માટે[ફેરફાર કરો]

શુકલતીર્થ ગામ ભરૂચ શહેરની પૂર્વ દિશામાં આશરે ૧૫ કિલોમીટરના અંતરે તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે. આ ગામની સૌથી નજીકનું રેલ્વે મથક ભરૂચ છે અને સૌથી નજીકનું વિમાન મથક ઉત્તર દિશામાં વડોદરા તેમ જ દક્ષિણ દિશામાં સુરત ખાતે આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Shuklatirth Village Population, Caste - Bharuch Bharuch, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2018-08-17.[હંમેશ માટે મૃત કડી]
  2. "Thousands throng Shuklatirth fair - Times of India". The Times of India. મેળવેલ 2018-08-17.