સભ્ય:Vyom25/કોરેગાંવની લડાઈ

વિકિપીડિયામાંથી
કોરેગાંવની લડાઈ
ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ
નો ભાગ

ભીમા કોરેગાંવ ખાતે સ્થિત વિજય સ્તંભ
તિથિ ૧ જાન્યુઆરી ૧૮૧૮
સ્થાન કોરેગાંવ (આધુનિક મહારાષ્ટ્ર, ભારત)

18°38′44″N 074°03′33″E / 18.64556°N 74.05917°E / 18.64556; 74.05917Coordinates: 18°38′44″N 074°03′33″E / 18.64556°N 74.05917°E / 18.64556; 74.05917
પરિણામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય
યોદ્ધા
ઇસ્ટ ઇન્ડિયા કંપની
મરાઠા સંઘના પેશવા જૂથ
સેનાનાયક
કેપ્ટન ફ્રાન્સીસ એફ સ્ટાઉન્ટન
પેશવા બાજી રાવ બીજા
બાપુ ગોખલે
અપ્પા દેસાઈ
ત્રિંબકજી ડેંગલે
શક્તિ/ક્ષમતા
૮૩૪ જેમાં આશરે ૫૦૦ પાયદળ, ૩૦૦ અશ્વદળ અને ૨૪ તોપચીઓ અને બે તોપોનો સમાવેશ
૨૮,૦૦૦ જેમાં આશરે ૨૦,૦૦૦ અશ્વદળ અને ૮,૦૦૦ પાયદળ (તેમાંથી ૨,૦૦૦ સૈનિકોએ લડાઈમાં બે તોપો સહિત ભાગ લીધો)
મૃત્યુ અને હાની
૨૭૫ મૃત, ઘાયલ અથવા ગુમ
૫૦૦-૬૦૦ મૃત અથવા ઘાયલ (અંગ્રેજોનો અંદાજ)

કોરેગાંવની લડાઈ એ જાન્યુઆરી ૧, ૧૮૧૮ના રોજ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્યના પેશવા જૂથના સૈનિકો વચ્ચે લડવામાં આવી હતી. આ લડાઈ કોરેગાંવ ભીમા ખાતે લડાઈ હતી.

પેશવા બાજી રાવ બીજા જ્યારે ૨૮,૦૦૦ સૈનિકોનું સૈન્ય લઈ અને કંપનીના કબ્જા હેઠળના પુના તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે તેઓ અણધાર્યા પુના તરફ જ કૂચ કરી રહેલ ૮૦૦ સૈનિકો ધરાવતા કંપનીના સૈન્ય સામે આવી ગયા. પેશવાએ આશરે ૨,૦૦૦ સૈનિકોને કંપનીના સૈનિકો પર હુમલો કરવા આદેશ આપ્યો જેમણે કોરેગાંવ નામના ગામમાં રક્ષણાત્મક હરોળ રચી હતી. કેપ્ટન ફ્રાન્સીસ સ્ટાઉન્ટનના નેતૃત્વ હેઠળ કંપનીના સૈનિકોએ આશરે ૧૨ કલાક સુધી રક્ષણાત્મક લડાઈ લડી. ત્યારબાદ વધુ મોટી અંગ્રેજ સેના આવવાના ભયને કારણે મરાઠા સૈનિકોએ પીછેહઠ કરી.

આ લડાઈના સ્મારક સ્વરુપે કોરેગાંવ ખાતે વિજય સ્તંભ ઉભો કરવામાં આવ્યો છે.

પશ્ચાદભૂ[ફેરફાર કરો]

૧૮૦૦ના દાયકા દરમિયાન મરાઠાઓએ સંઘીય ઢાંચો ઉભો કર્યો હતો જેમાં મુખ્ય સત્તાકેન્દ્રો પુનાના પેશવા, ગ્વાલિયરના સિંધિયા, ઈંદોરના હોલકર, વડોદરાના ગાયકવાડ અને નાગપુરના ભોંસલે હતા. અંગ્રેજોએ તમામને પોતાના કબ્જા હેઠળ લાવી અને શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરી તેમના દરબારમાં દૂત નિયુક્ત કર્યા હતા. જૂન ૧૩, ૧૮૧૭ના રોજ અંગ્રેજોએ પેશવા અને ગાયકવાડ રાજવંશ વચ્ચે મહેસુલની વહેંચણી બાબતના ઝઘડામાં મધ્યસ્થતા કરી. તેમણે પેશવાને ગાયકવાડ પરના મહેસુલના હક્કને જતો કરવા અને મોટા પ્રદેશો અંગ્રેજોને હવાલે કરવા સંધિ પર હસ્તાક્ષર કરવા ફરજ પાડી. આ પુનાની સંધિને કારણે પેશવાનો મરાઠા સરદારો પરનો હક્ક નાબુદ થયો અને મરાઠા સંઘનું વિઘટન થયું. તેના થોડા સમય બાદ જ પેશવાએ પુના ખાતેનો અંગ્રેજ દુતાવાસ બાળી મુક્યો પણ તેઓ પુના નજીક જ નવેમ્બર ૫, ૧૮૧૭ના રોજ લડાયેલ ખડકીની લડાઈમાં હારી ગયા.

પેશવા ત્યારબાદ સાતારા તરફ નાશી છૂટ્યા અને કંપનીના સૈન્યએ પુનાનો સંપૂર્ણ કબ્જો મેળવ્યો. પુના કર્નલ ચાર્લ્સ બાર્ટન બરના વહીવટ હેઠળ મુકવામાં આવ્યું જ્યારે જનરલ સ્મિથના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્યએ પેશવાનો પીછો કર્યો. સ્મિથને ભય હતો કે પેશવા કોંકણ તરફ નાશી છૂટશે અને ત્યાં રહેલ નાની અંગ્રેજ સૈન્ય ટુકડીને હરાવશે. આથી, તેમણે કર્નલ બરને કોંકણ તરફ વધુ સૈનિકો નિયુક્ત કરવા આદેશ આપ્યો અને કર્નલે શિરુરથી જરુર મુજબ સૈનિકો મોકલવા આદેશ આપ્યા. તે દરમિયાન પેશવા પીછો કરી રહેલ સ્મિથથી આગળ નીકળી જવામાં સફળ રહ્યા પણ જનરલ પ્રિટ્ઝલરના આગેવાની હેઠળ દક્ષિણમાં અંગ્રેજ સૈન્ય નિયુક્ત હોવાને કારણે તેમને આગળ વધવામાં અડચણો આવી. ત્યારબાદ પેશવાએ તેમની યોજનામાં ફેરફાર કરી પૂર્વ દિશામાં આગળ વધ્યા અને ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ તરફ વળી અને નાસિકની દિશામાં કૂચ કરી. જનરલ સ્મિથ માર્ગમાં તેમને આંતરવાની તૈયારી કરતા હોવાનો અંદાજ બાંધી અચાનક તેમણે દક્ષિણમાં પુના તરફની દિશા પકડી. ડિસેમ્બરના અંતમાં કર્નલ બરને ગુપ્ત ખબર મળ્યા કે પેશવા પુના પર હુમલો કરવા ધારતા હતા. તેથી તેમણે શિરુર ખાતે રહેલ અંગ્રેજ સૈન્યને સહાય માટે પુના આવવા આદેશ કર્યો. આ સૈન્યએ શિરુરથી પુના તરફ કૂચ શરુ કરી જેના માર્ગમાં તેઓને પેશવાના સૈન્યનો ભેટો થયો અને તે કોરેગાંવની લડાઈમાં પરિણમ્યો.

પેશવાનું સૈન્ય[ફેરફાર કરો]

પેશવાના સૈન્યમાં આશરે ૨૦,૦૦૦ અશ્વદળ અને ૮૦૦૦ પાયદળ સૈનિકો હતા. તેમાંથી આશરે ૨૦૦૦ સૈનિકોને લડાઈમાં નિયુક્ત કરાયા હતા અને તેમને લડાઈ દરમિયાન સતત સહાય આપવામાં આવી હતી. આ સૈન્ય ટુકડીને ૬૦૦ સૈનિકોની ત્રણ પાયદળ ટુકડીઓમાં વહેંચી અને કંપનીના સૈનિકો પર હુમલો કરવા આદેશ અપાયો હતો. આ સૈનિકો આરબ, ગોસાંઈ અને મરાઠા સમુદાયના હતા. મોટાભાગના આરબ ભાડુતી સૈનિકો હતા જેઓ પેશવાના શ્રેષ્ઠ સૈનિકો હોવાની ખ્યાતિ ધરાવતા હતા. તેમને અશ્વદળ અને બે તોપો વડે મદદ આપવામાં આવી હતી.

હુમલાની દોરવણી બાપુ ગોખલે, અપ્પા દેસાઈ અને ત્રિંબકજી ડેંગલે આપતા હતા. આ ત્રિપુટીમાં ડેંગલે એકમાત્ર કોરેગાંવ ગામમાં હુમલા દરમિયાન પ્રવેશ્યા હતા. પેશવા અને અન્ય સરદારો ફુલશહેર (આધુનિક ફુલગાંવ) પાસે રહ્યા હતા. પેશવા સાથે ચિહ્ન સ્વરુપ મરાઠા છત્રપતિ સતારાના પ્રતાપ સિંઘ પણ સાથે હતા.

કંપનીના સૈનિકો[ફેરફાર કરો]

કંપનીએ શિરુરથી ૮૩૪ સૈનિકો રવાના કર્યા હતા જેમાં:

  • આશરે ૫૦૦ સૈનિકો ૨જી પલટણ, ૧લી રેજિમેન્ટ બોમ્બે સ્થાનિક પાયદળના હતા જેમનું નેતૃત્વ કેપ્ટન ફ્રાન્સીસ સ્ટાઉન્ટન કરી રહ્યા હતા. અન્ય અધિકારીઓ લેફ્ટનન્ટ અને એડ્જ્યુટન્ટ પેટ્ટીસન, લેફ્ટનન્ટ જોન્સ અને મદદનીશ સર્જન વિન્ગેટ હતા.
  • લગભગ ૩૦૦ અશ્વદળ લેફ્ટનન્ટ સ્વાન્સ્ટનના નેતૃત્વ હેઠળ હતા.
  • ૨૪ યુરોપી અને ચાર સ્થાનિક મદ્રાસના તોપચી હતા જે બે તોપો સંભાળી રહ્યા હતા. તેનું સુકાન લેફ્ટનન્ટ ચિઝમના હાથમાં હતું અને મદદનીશ સર્જન વાઇલી પણ તેમના અધિકારી હતા.

કંપનીના સૈનિકો મહાર, મરાઠા, રાજપૂત, મુસ્લિમ અને યહૂદી ધર્મ સમુદાયના હતા.

લડાઈ[ફેરફાર કરો]

કોરેગાંવની લડાઈ દરમિયાન અંગ્રેજોની રક્ષણાત્મક યોજના

કંપનીના સૈનિકોએ ૩૧ ડિસેમ્બર ૧૮૧૭ના રોજ શિરુરથી કૂચ આદરી. સમગ્ર રાત કૂચ કરી અને તેમણે આશરે ૪૦ કિમીનું અંતર કાપ્યું અને તેઓ તલેગાંવ ઢમઢેરે પાસેના ઉંચાણ વાળા વિસ્તારમાં પહોંચ્યા. ત્યાંથી તેમણે ભીમા નદીને સામા કાંઠે પેશવાના સૈન્યને નિહાળ્યું. કેપ્ટન સ્ટાઉન્ટન કોરેગાંવ ભીમા ગામ જે નદીને કાંઠે હતું તેના સુધી કૂચ કરીને પહોંચ્યા. ગામ ફરતે નીચી માટીની દિવાલ હતી. સ્ટાઉન્ટને છીછરી ભીમા નદી પાર કરવાનો ઢોંગ રચ્યો. પેશવાના સૈન્યથી થોડી આગળ કૂચ કરી રહેલ ૫,૦૦૦ પાયદળની સેનાએ પેશવાને આ બાબતની જાણ કરવા પીછેહઠ કરી. તે દરમિયાન કંપનીના સૈનિકોએ નદી પાર કરવાને બદલે ગામમાં રક્ષણાત્મક સ્થિતિમાં પોતાને ગોઠવી દીધા. સ્ટાઉન્ટને બે તોપોને મજબુત રક્ષણાત્મક સ્થિતિમાં ગોઠવી જેમાં એક ભીમા નદીથી ગામ તરફના માર્ગ પર હતી અને બીજી શિરુર તરફના માર્ગના રક્ષણમાં હતી.

૫૦૦૦ પાયદળ સૈનિકો પાછા આવી ગયા બાદ પેશવાએ આરબ, ગોસાંઇ અને મરાઠા સૈનિકોની ત્રણ પાયદળ ટુકડીઓ રવાના કરી. દરેક ટુકડીમાં ૩૦૦-૬૦૦ સૈનિકો હતા. ત્રણે ટુકડીઓએ અલગ-અલગ સ્થળેથી ભીમા નદી ઓળંગી અને સાથે બે તોપો પણ સહાયમાં ગોઠવી. પેશવાના સૈનિકોએ શિરુરના માર્ગ પરથી પણ હુમલો કરવાનો ઢોંગ રચ્યો.

બપોર સુધીમાં આરબો ગામની સીમમાં સ્થિત મંદિરનો કબ્જો લઈ લીધો હતો. એક મંદિરને મદદનીશ સર્જન વાઇલીના નેતૃત્વ હેઠળની ટુકડીએ પુનઃકબ્જે કર્યું. આરબોએ નદીના રક્ષણ માટે નિયુક્ત અંગ્રેજ તોપને પણ કબ્જે કરી અને તેમ કરતાં લેફ્ટનન્ટ ચિઝમ સહિતના ૧૧ તોપચીઓને મારી નાંખ્યા. ભૂખ અને તરસને કારણે કંપનીના કેટલાક તોપચીઓએ શરણાગતિ માટે વાટાઘાટ કરવા પ્રસ્તાવ મૂક્યો. જોકે, સ્ટાઉન્ટને મચક આપવા ના કહી. લેફ્ટનન્ટ પેટ્ટીસનના નેતૃત્વ હેઠળની ટુકડીએ તોપ પર ફરી કબ્જો કર્યો અને લેફ્ટનન્ટ ચિઝમના માંથા વિનાના ધડને કબ્જામાં લીધું. કેપ્ટન સ્ટાઉન્ટને જાહેરાત કરી કે દુશ્મનના હાથમાં જનારના આ હાલ થશે. તેણે તોપચીઓને લડવા માટે પ્રેરિત કર્યા. કંપનીના સૈનિકોએ ગામમાં પોતાની રક્ષણાત્મક મોરચાઓનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું.

પેશવાના સૈનિકોએ ગોળીબાર બંધ કર્યો અને રાત્રિના નવ વાગ્યે જનરલ જોસેફ સ્મિથના સૈન્યના આગમનના ભયને કારણે પીછેહઠ કરી. રાત્રિ દરમિયાન કંપનીના સૈનિકોએ પાણીનો પુરવઠો મેળવવામાં સફળતા મેળવી. પેશવા બીજા દિવસે પણ કોરેગાંવની પાસે રહ્યા પણ તેમણે વધુ હુમલા ન કર્યા. કેપ્ટન સ્ટાઉન્ટનને જનરલ સ્મિથના આગમન વિશે કોઈ જાણકારી નહોતી આથી તેમણે અંદાજ બાંધ્યો કે પેશવા કોરેગાંવ પુનાના માર્ગ પર હુમલો કરશે. જાન્યુઆરી ૨ની રાત્રિએ સ્ટાઉન્ટને પુના તરફ કુચ કરવાનો ઢોંગ કરી અને શિરુર તરફ પુનઃ કૂચ કરી ગયા. તેઓ સાથે મોટાભાગના ઘાયલ સૈનિકોને લઈ જવામાં સફળ રહ્યા.

નુક્શાન[ફેરફાર કરો]

અંગ્રેજોના પક્ષે ૮૩૪ સૈનિકોમાં ૨૭૫ મૃત, ઘાયલ અથવા ગુમ હતા. મૃતમાં બે અધિકારી મદદનીશ સર્જન વિન્ગેટ અને લેફ્ટનન્ટ ચિઝમ હતા; લેફ્ટનન્ટ પેટ્ટીસન તેમના ઘાવોને કારણે પાછળથી શિરુર ખાતે મૃત્યુ પામ્યા. પાયદળમાં ૫૦ મૃત અને ૧૦૫ ઘાયલ, તોપખાનાંમાં ૧૨ મૃત અને ૮ ઘાયલ હતા. ભારતીય મૂળના મૃત કંપનીના સૈનિકોમાં ૨૨ મહાર, ૧૬ મરાઠા, ૮ રાજપુત, ૨ મુસ્લિમ અને ૧ યહુદી સમુદાયના હતા.

અંગ્રેજોના અંદાજ અનુસાર પેશવાએ આશરે ૫૦૦થી ૬૦૦ સૈનિકો ગુમાવ્યા અથવા ઘાયલ થયા હતા.

બે દિવસ બાદ જાન્યુઆરી ૩, ૧૮૧૮ના રોજ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને કોરેગાંવની મુલાકાત લીધી હતી અને નોંધ્યું કે ઘરો બળી ગયાં હતાં, શેરીઓ ઘોડા અને માણસોનાં શરીરોથી ભરાઈ ગઈ હતી. ગામમાં આશરે ૫૦ મૃતદેહો હતા જેમાં મોટાભાગના પેશવાના આરબ સૈનિકોનાં હતાં. ગામની બહાર છ મૃતદેહો હતા. વધુમાં કંપનીના ૫૦ સ્થાનિક, ૧૧ યુરોપી અને બે મૃત અધિકારીઓને છીછીરી કબરમાં દફનાવાયા હતા.

પ્રત્યાઘાત[ફેરફાર કરો]

લડાઈના ટૂંક સમય બાદ યુદ્ધક્ષેત્રની મુલાકાત દરમિયાન એલ્ફિન્સ્ટને નોંધ્યું કે કંપનીના સૈનિકોનું મનોબળ તૂટી ગયું હતું અને તેઓના વખાણ તેઓ માનવા તૈયાર નહોતા.

જનરલ સ્મિથ કોરેગાંવ ખાતે જાન્યુઆરી ૩ ના રોજ આવી પહોંચ્યા, પણ તે દરમિયાન પેશવા આ વિસ્તાર છોડી જતા રહ્યા હતા. જનરલ પ્રિટ્ઝલરે પેશવાનો પીછો ચાલુ રાખ્યો જે મૈસૂર તરફ ભાગી રહ્યા હતા. સ્મિથે પ્રતાપ સિંઘની રાજધાની સાતારાને કબ્જે કર્યું. સ્મિથે પેશવાને ફેબ્રુઆરી ૧૯, ૧૮૧૮ના રોજ અશ્ટિ પાસે આંતર્યા જ્યાં લડાઈમાં બાપુજી ગોખલે માર્યા ગયા. પેશવા ત્યારબાદ ખાનદેશ તરફ ભાગ્યા અને તેમના જાગીરદારોએ કંપનીના પ્રભુત્વનો સ્વીકાર કર્યો. હતાસ પેશવા જ્હોન માલ્કમને જુન ૨, ૧૮૧૮ના રોજ મળ્યા અને પોતાના શાહી હક્કની શરણાગતિ સ્વીકારી જેના બદલામાં બિથુર ખાતે રહેઠાણ અને વાર્ષિક સાલિયાણું મેળવ્યું. ત્રિંબકજી ડેંગલે નાશિક નજીક પકડાયા અને તેમને ચુનારના કિલ્લામાં કેદ કરાયા.

કોરેગાંવની લડાઈમાં શૌર્ય દર્શાવવા માટે ૨જી પલટણ ૧લી બોમ્બે સ્થાનિક પાયદળ રેજિમેન્ટને ગ્રેનેડિયર્સ જાહેર કરવામાં આવી અને તેને ૧લી ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ બોમ્બે સ્થાનિક પાયદળ નામ આપવામાં આવ્યું. પુના ખાતેના અંગ્રેજ દુતના સત્તાવાર આહેવાલ અનુસાર સૈનિકોએ વીરતા અને દૃઢ મનોબળ સાથે શિસ્તબદ્ધ નિડરતા અને પ્રશંસાપાત્ર સાતત્યતા તેમજ સંનિષ્ઠ બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.

કેપ્ટન સ્ટાઉન્ટનને ભારતના ગવર્નર જનરલના માનનીય પરિસહાયક અધિકારીના હોદ્દા પર નિયુક્ત કરાયા. કંપનીના નિર્દેશક નિગમે તેમને તલવાર અને ૫૦૦ સોનામહોર ભેટ સ્વરુપે આપ્યા. ૧૮૨૩માં તેઓ મેજર બન્યા.

જનરલ થોમસ હિઝલોપ અનુસાર લડાઈ સૈન્યના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી વીરતા ભરી અને શ્રેષ્ઠ સિદ્ધિ છે. નારવણે અનુસાર મોટા મરાઠા સૈન્ય વિરુદ્ધ લડતાં કંપનીના નાના સૈન્યએ કરેલા રક્ષણને કંપનીના સૈન્ય ઇતિહાસમાં શ્રેષ્ઠ સિદ્ધિ ગણવી અસ્થાને નહોતું.

નિર્ણાયકતા[ફેરફાર કરો]

લડાઈમાં એકપણ પક્ષે ચોખ્ખો વિજય નહોતો મળ્યો. લડાઈ બાદ માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને તેને પેશવા માટે નાનો વિજય ગણાવ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના સૈનિકોના વખાણ કર્યાં હતાં.

આ લડાઈ ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધની આખરી લડાઈઓમાંની એક હતી. યુદ્ધમાં પેશવાની હાર બાદ આ લડાઇને કંપનીના વિજય તરીકે ગણાવવામાં આવે છે.

વારસો[ફેરફાર કરો]

સ્મારક[ફેરફાર કરો]

મૃત સૈનિકોના સન્માનમાં કંપનીએ કોરેગાંવ ખાતે વિજય સ્તંભ ઉભો કર્યો. તેના પર અંકિત શિલાલેખ અનુસાર કેપ્ટન સ્ટાઉન્ટનના સૈન્યએ પૂર્વમાં અંગ્રેજ સૈન્યની સૌથી ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી હતી.

મહાર સમુદાય માટે મહત્ત્વ[ફેરફાર કરો]

કોરેગાંવ ખાતેનો સ્તંભ માર્યા ગયેલા ૪૯ કંપનીના સૈનિકોના નામ ધરાવે છે. જેમાં ૨૨ નામ પાછળ અનુગ -નાક લાગેલ છે જે મુખ્યત્ત્વે મહાર સમુદાય દ્વારા લગાવાતો. ભારતની સ્વતંત્રતા સુધી વિજય સ્તંભ મહાર રેજિમેન્ટના ચિહ્નનો ભાગ હતો. તે અંગ્રેજોએ ઉભો કર્યો હોવા છતાં આધુનિક સમયમાં તે મહાર સમુદાયના લોકો માટે સ્મારક બની રહ્યો છે.

તત્કાલીન જાતિવાદી સમાજમાં મહાર સમુદાયના લોકો અસ્પૃશ્યતાનો ભોગ બન્યા હતા. પેશવા જે બ્રાહ્મણ જ્ઞાતિના હતા તેઓ અસ્પૃશ્યતાનો ભોગ બનેલા લોકો સાથે દુર્વવ્યવહાર કરવા માટે બદનામ હતા. આ કારણોસર સ્વતંત્રતા બાદ દલિત લોકોએ કોરેગાંવના વિજય સ્તંભને તેમના કહેવાતા ઉચ્ચ જ્ઞાતિઓ પરના વિજયના ચિહ્ન તરીકે જોયો. દલિત નેતા બાબાસાહેબ આંબેડકર એ જાન્યુઆરી ૧, ૧૯૨૭ના રોજ વિજય સ્તંભની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની યાદગીરીરુપે હજારો મુલાકાતી નવા વર્ષે આ સ્થળની મુલાકાત લે છે. આ સ્થળ પર સંખ્યાબંધ મહાર સમુદાયના કાર્યક્રમો પણ યોજાય છે. જાન્યુઆરી ૧, ૨૦૧૮ના રોજ હિંદુ જૂથો અને દલિત જૂથો વચ્ચે આ સ્થળ પર અથડામણ થઈ હતી. તેને કારણે હિંસક આંદોલન થયાં અને મુંબઈ અને મહારાષ્ટ્રમાં બે દિવસ રમખાણો થયાં.

હાલમાં લડાઈને નીચલી જાતિના ઉચ્ચ જાતિ પરના વિજય તરીકે જોવામાં આવે છે પણ પેશવા શાસકો માટે પણ ભૂતકાળમાં મહાર સમુદાયના લોકો લડ્યા છે.

નોંધ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

પુસ્તક[ફેરફાર કરો]