લખાણ પર જાઓ

અશોક

વિકિપીડિયામાંથી
અશોક
ચક્રવર્તી[][]
સમ્રાટ
અમરાવતી, આંધ્રપ્રદેશમાંથી મળેલી અશોકની ૧લી સદીની મૂર્તિ
૩જો મૌર્ય રાજા
શાસનc. ૨૬૮ – c. ૨૩૨ ઈસ પૂર્વે[]
રાજ્યાભિષેકઈ.સ. પૂર્વે ૨૬૮[]
પુરોગામીબિંદુસાર
અનુગામીદશરથ મૌર્ય
જન્મઈ.સ. પૂર્વે ૩૦૪
પાટલીપુત્ર, પટના
મૃત્યુઈ.સ. પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨)
પાટલીપુત્ર, પટના
Consortઅસાંધિમિત્રા
પત્નીઓ
  • દેવી
  • કૌર્વકી
  • રાણી પદ્માવતી
  • તિશ્યારક્ષા
વંશજ
  • મહેન્દ્ર
  • સંઘમિત્રા
  • તિવલા
  • કુણાલ
  • ચારુમતિ
વંશમૌર્ય વંશ
પિતાબિંદુસાર
માતાશુભાદ્રંગી

અશોક (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.

તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોકગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઈ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.

આરંભિક જીવન

[ફેરફાર કરો]

અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. એના કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.

અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુદ્ધ કળામાં પ્રવિણ હતો.

સામ્રાજ્ય વિસ્તાર

[ફેરફાર કરો]
અશોકનું સામ્રાજ્ય

અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશિલાનો પ્રાંતપાલ હતો. તક્ષશિલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશિલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યો હતો.

અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને દેશનિકાલ આપ્યો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.

આ દરમ્યાન ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી 'દેવી'નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે લગ્ન કરી લીધાં.

થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.

કલિંગનુ યુધ્ધ

[ફેરફાર કરો]

કલિંગનુ યુદ્ધ અશોકના જીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારથી તેમનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયા.

બૌદ્ધ ધર્મ અંગીકરણ

[ફેરફાર કરો]
ઇસ.પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવડાવેલો સાંચીનો સ્તૂપ, મધ્ય પ્રદેશ

કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેણે શિકાર તથા પશુહત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.

તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક નેપાળ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.

અશોકે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન ઇ.પૂ. ૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશનું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. લુમ્બિનીમાં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે.

ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Lars Fogelin (૧ એપ્રિલ ૨૦૧૫). An Archaeological History of Indian Buddhism. Oxford University Press. પૃષ્ઠ ૮૧–. ISBN 978-0-19-994823-9.
  2. Fred Kleiner (૧ જાન્યુઆરી ૨૦૧૫). Gardner’s Art through the Ages: A Global History. Cengage Learning. પૃષ્ઠ ૪૭૪–. ISBN 978-1-305-54484-0.
  3. ૩.૦ ૩.૧ Upinder Singh 2008, p. ૩૩૧.