લખાણ પર જાઓ

બાજરી

વિકિપીડિયામાંથી

બાજરો
સંકર બાજરો (હાઇબ્રિડ)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પ
(unranked): એકદળી
(unranked): કોમેલિનિડિસ
Order: પોએલ્સ
Family: પોએસી
Subfamily: પેનિકોઇડી
Genus: પેનિસિટમ (Pennisetum)
Species: ગ્લોકમ (P. glaucum)
દ્વિનામી નામ
પેનિસિટમ ગ્લોકમ (Pennisetum glaucum)
(લિનિયસ) રોબર્ટ બ્રાઉન
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum

બાજરો

બાજરો કે બાજરી (સંસ્કૃત: प्रियङ्गुः, અંગ્રેજી: Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસિક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે, માટે તે પહેલા તેણે આફ્રિકામાં અનુકુલન સાધેલું હશે. તેના મૂળ ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રિકાના 'સાહેલ' વિસ્તારમાં છે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. યુ.એસ.માં ૧૮૫૦માં આ જાતનાં બાજરાની ખેતી શરૂ થયાના અને બ્રાઝિલને આ પાકનો પરિચય ૧૯૬૦માં થયાના દસ્તાવેજો મળે છે.

બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકૂળ છે. વધુ ક્ષારવાળી કે ઓછી પી.એચ. ધરાવતી જમીનમાં પણ તેનું સારું ઉત્પાદન થાય છે. પોતાની પ્રતિકુળ સ્થિતિને અનુકૂલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવા કે મકાઈ અને ઘઉં ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે.

આજે આ બાજરો વિશ્વના લગભગ ૨,૬૦,૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં ઉગે છે. તેનો ફાળો કુલ બાજરાના વૈશ્વિક ઉત્પાદનમાં ૫૦% જેટલો છે.[]

અન્ય સામાન્ય નામ

[ફેરફાર કરો]
  • આફ્રીકા: મહાંગુ (mahangu), સાનિયો (sanio), ગેરો (gero), બાબલા (babala), ન્યોલોટિ (nyoloti), ડુક્કિન (dukkin), સૌના (souna), પેટિટ મિલ (petit mil), મેક્ષોઇરા (mexoeira) (મોઝામ્બિક), મશેલા (mashela) (ટિગ્રિન્યા), મહુન્ગા (mhunga) (શોના, ઝિમ્બાબ્વે)
  • ભારત: ಸಜ್ಜೆ (સાજ્જે કન્નડ ભાષામાં); கம்பு (કમ્બુ તમિલમાં); बाजरा (બાજરા હિંદી ભાષા અને પંજાબી ભાષા)માં, बाजरी (બાજરી મરાઠીમાં), సజ్జలు (સજ્જાલુ તેલુગુ ભાષામાં)
  • ઓસ્ટ્રેલિયા: બુલરશ મિલેટ (bulrush millet)
  • બ્રાઝિલ: મિલ્હેટો (milheto)
  • યુ.એસ.: કેટટેલ મિલેટ (cattail millet)
  • યુરોપ: પર્લ મિલેટ (pearl millet), કેન્ડલ મિલેટ (candle millet), ડાર્ક મિલેટ (dark millet)

જ્યાં બાજરો પારંપારિક રીતે ઉગાડવામાં આવે છે ત્યાં તેમાંથી રોટલા, પાંઉ, કાંજી, બાફીને ખાવા કે મદિરા બનાવવા માટે તે ઉપયોગી છે. પશ્ચિમ આફ્રિકાના સાહેલ ભાગમાં તેમાંથી 'કુસ્કસ' નામની વાનગી બનાવવામાં આવે છે. તેના ઠૂંઠાનો ઉપયોગ બાંધકામની સામગ્રી તરીકે, બળતણ તરીકે કે ચારા તરીકે થાય છે.

બાજરાની ચાર (બાજરાનું ચારા તરીકે ઉત્પાદન)

જ્યાં બાજરો અપરંપરાગત છે તે ક્ષેત્રોમાં જેમ કે યુ એસ એ કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને યુરોપ, એવા ક્ષેત્રોમાં બાજરાનો ઉપયોગ સાથી પાક(લીલું ખાતર બનાવવા) તરીકે અથવા ચારા કે કડબ તરીકે થાય છે.

બ્રાઝિલના 'સૅર્રાડો' ક્ષેત્રમાં સોયાબીન પકવતા ક્ષેત્રોમાં સોયાબીન સાથે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા બાજરો ઉગાડવો અત્યંત આવશ્યક છે. તે નિંદામણનો વિકાસ પણ અટકાવે છે. પહેલાના સમયમાં ભલે તે સાથી પાક તરીકે ઉગાડવામાં આવતો પણ હવે તે મોટે ભાગે ચારા તરીકે કે અન્ન માટે વપરાય છે. કેનેડામાં બાજરી બટાટાની ખેતીમાં ફેર પાક તરીકે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે ઉગાડવામાં આવે છે. યુ.એસ.એ.માં તેનો ઉપયોગ હંગામી ઉનાળુ ચારા તરીકે થાય છે, કેમકે તેમાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે તે પાચક છે અને તે 'પ્રુસ્સિક ઍસિડ'(prussic acid) રહિત છે. તેનો ઉપયોગ ઘોડા, બકરી, ડુક્કર વિગેરે જાનવરોના ચારામાં ય થાય છે. આજ કાલ મોટા ભાગના બાજરાનો ઉપયોગ પક્ષીઓને ખવડાવવા, ખાસ કરીને મરઘાં ઉછેર કેન્દ્ર, બટેર(લેલાં), ટર્કી, તેતર અને જંગલી કબૂતર જેવા લડાકુ પક્ષીઓને ખવડાવવા થાય છે. બાજરી ખવડાવવાથી મરઘીના ઈંડાંંમાં 'ઓમેગા ૩' નામના ફેટી ઍસિડની માત્રા વધુ મળે છે. ઢોર, ડુક્કર અને અમુક કુતરાઓના ખાદ્ય પદાર્થ તરીકે પણ બાજરી વપરાય છે.

તેમાં રહેલી પ્રોટીનની વધુ માત્રા અને ઝડપથી આથો આવવાના લક્ષણને કારણે તેનો ઉપયોગ ઇથેનોલનાં ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. મકાઈ અને ચારો વાપરતાં કારખાનામાં બાજરી પણ તેટલી જ સરળતાથી વાપરી શકાય છે.

બાજરાનાં દાણા

યુ એસ એમાં બાજરી ભારતીય પદાર્થ વેચતી દુકાનોમાં મળે છે. અમેરિકામાં વસતા આફ્રિકનો અને ભારતીય ઉપખંડનાં લોકોમાં બાજરો પ્રખ્યાત અને પારંપારિક ખાદ્યાન્નનું સ્થાન ધરાવે છે. આ 'ગ્લુટેન'(ધાન્યોમાં રહેલું નત્રલ, ચિકાશ યુક્ત પદાર્થ) મુક્ત અનાજનો અમેરિકામાં ભિન્ન ખોરાક તરીકે પ્રસાર મર્યાદિત રહ્યો છે. પદાર્થના લેબલીંગમાં અસામાન્યતા મળે છે. ઘણા અન્ય ધાન્યો પણ બાજરાના નામે વેચવામાં આવે છે. આને લીધે બાજરીથી બનેલ ખાદ્ય પદાર્થમાં એકસ્તરતા નથી.

ગુણવત્તા

[ફેરફાર કરો]

બાજરાના દાણામાં અન્ય અનાજની સરખામણીએ પ્રોટીનની માત્રા અધિક હોય છે અને એમિનો એસિડનું સારું સમતોલન હોય છે. તેમાં 'લાયસિન' (lysine) અને મેથિઓનાઇન+સિસ્ટાઇનની(methionine + cystine) ઊંચી માત્રા હોય છે. ઘાસચારાની સરખામણીમાં તેમાં બમણું મેથોઈનાઇન(methionine) છે જે પ્રાકૃતિક પોલ્ટ્રી ઉત્પાદનમાં મહત્વનું છે.

ગમે તેટલા કપરા વાતાવરણમાં ઉગવા છતાં તેના દાણા 'અફ્લાટોક્સિનસ' અને 'ફ્યુમોનિસીન્સ'થી મુક્ત હોય છે. મકાઈને પ્રતિકૂળ વાતારણમાં ઉગાડતા તેમાં આ કેન્સરકારક માયકોટોક્સીન્સ ઘણી તકલીફ આપે છે. પારંપારીક રીતે બાજરો ઉગાડતા ક્ષેત્રોમાં સરકાર જે મકાઈ ઉગાડવા ઉત્તેજન આપે છે ત્યાંના લોકોમાં આને લીધે તબિયત સંબંધે ભય છે.

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. બાજરો સંગ્રહિત ૨૦૦૭-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સલાહકાર સમૂહ.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]