સોયાબીન

વિકિપીડિયામાંથી

સોયાબીન
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
Class: મેજ્ઞોલિઓપ્સિડા
Order: ફેબેલ્સ
Family: ફેબેસી (કઠોળ)
Subfamily: ફેબોઇડી
Genus: ગ્લાયસિન
Species: જી. મેક્સ
દ્વિનામી નામ
ગ્લાયસિન મેક્સ
(એલ.) મેરર.

સોયાબીન (અથવા સોયબીન) પૂર્વ એશિયાનો દાણાં પ્રકારના ફળ ધરાવતો છોડ છે. સોયાબીનનો છોડ ૨૦ સેમી થી ૨ મીટર ઊંચો થાય છે. સોયાબીન એકવર્ષાયુ વનસ્પતિ છે, એટલે કે એક સોયાબીન માત્ર ૧ વર્ષ જ જીવે છે. એવું માનવામાં આવે છે કે સોયાબીનનો છોડ પહેલાં વેલ હતો. આ છોડની રૂંછાંવાળી સીધી ડાળીઓ ઉપર પાંદડાં થાય છે. આ પાદડાં ત્રણ નાની પર્ણિકાઓમાં વહેંચાયેલાં હોય છે. ફૂલ જાંબૂડિયા રંગનાં નાનાં થાય છે. તેની શીંગ ખરબચડી હોય છે. તેમાં નાઇટ્રોજન ઉપરાંત બીજી પોષણ શક્તિ હોય છે. દાણો ચપટો અને ગોળ હોય છે.

વપરાશ[ફેરફાર કરો]

સોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. સોય ખોરાકમાં પ્રોટિન વધુ માત્રામાં હોય છે અને ઘણાં શાકાહારી લોકો તેના કારણે સોયાબીન ખાય છે. તેમાં કંઈક કડવો સ્વાદ હોવાથી તેની વાનીઓ એકલી ખાવા કરતાં ચણા, ઘઉં, મકાઈ, જુવાર કે ચોખાના લોટમાં ચોથા ભાગમાં નાખી ખાઈ શકાય છે. ચીનમાં તેની ભીંજવેલી દાળની ખીચડી રાંધી ખવાય છે. આખા બીજને ભીંજવી ફણગા ફૂટે ત્યારે કાઢી ધોઈ સાફ કરી ફણગા સહિત થોડાં થોડાં જરા નમક સાથે ખાવાથી શરીર ખૂબ પુષ્ટ બને છે. તેને વાટી રસ કાઢી બાળકોને પાવાથી દૂધ જેટલું પૌષ્ટિક કામ કરે છે. તેમાં સ્ટાર્ચ ઓછો હોવાથી મધુપ્રમેહને માટે તે સર્વોત્તમ ખોરાક છે. ખનીજ ક્ષારો વધુ હોવાથી મગજના જ્ઞાનતંતુના રોગમાં ફાયદાકારક છે. ફણગાવેલા બીજનું શાક બનાવાય છે.

સોયાબીનમાંથી બળતણ પણ બનાવાય છે. સોયાબીનનું તેલ દેશી સંચાકામમાં ઊંજવાના તેલ તરીકે વપરાય છે. તેલ કાઢયા પછી વધેલો ખોળ ઢોરના ખોરાક અથવા ખાતર તરીકે ઉપયોગી છે. દીવાબત્તીમાં ઘાસતેલની જગ્યાએ આ તેલ વાપરી શકાય છે. તે વોટરપ્રૂફ કપડું બનાવવામાં, કાગળની છત્રી, ફાનસ બનાવવામાં, વાર્નિશ અને છાપવાની શાહી બનાવવામાં ઉપયોગી છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૯૯૭માં, કુલ સોયાબીનના જથ્થાના ૮૧ ટકા સોયબીનના જનીન બદલાયેલ હતા. એનો અર્થ એ કે આ જનીનો સીધાં જ બદલાયા હશે.

ચીનમાં ચાઉ વંશ દરમિયાન સોયાબીન પાંચ સૌથી વધુ પવિત્ર ખોરાકમાંનું એક ગણાતું હતું. તે ચીન ઉપરાંત જાપાન, મંગોલિયા, શ્રીલંકા અને ઈન્ડોચાઈના ( વિયેતનામ વ.)માં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે.

ભારતમાં પંજાબમાં સૌ પ્રથમ વખત સોયાબીન વાવવાનો અખતરો કરાયો હતો. પછી તે સમયનાં વડોદરા રાજ્યમાં આના વાવેતરનો અખતરો કરાયો હતો. સોયાબીનનાં વાવેતરમાં ઈ. સ. ૧૮૭૩માં વિયેનામાં ભરાયેલ વર્લ્ડ એક્ઝિબિશન પછી લોકો વિશેષ રસ લેતાં શીખ્યાં. તે સમયે ચીન, જાપાન અને મંગોલિયામાંથી જુદી જુદી ૨૦ જાતનાં સોયાબીન આ પ્રદર્શનમાં ખુલ્લાં મુકાયાં હતાં. ત્યારબાદ જર્મની અને ફ્રાન્સમાં આ વનસ્પતિ ખોરાકની વિશેષ જાહેરાત થઈ. ત્યારપછી ઈ. સ. ૧૮૭૬માં ઓસ્ટ્રિયામાં ૧૪૮ ખેડુતોએ સોયાબીનનું વાવેતર કર્યું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "સોયાબીન". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. મૂળ માંથી ૧૮ જૂન ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જૂન ૨૦૧૫.

2. સોયાબીનની ખેતી અને ઉત્પાદન માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા સંગ્રહિત ૨૦૨૧-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન કૃષિ વેબ

આ પણ જુઓ[ફેરફાર કરો]