આશા પારેખ

વિકિપીડિયામાંથી
આશા પારેખ
જન્મ૨ ઓક્ટોબર ૧૯૪૨ Edit this on Wikidata
બેંગલુરુ Edit this on Wikidata

આશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતી હિન્દી ફિલ્મોની જાણીતી સફળ અભિનેત્રી છે.[૧] તે અભિનેત્રી ઉપરાંત કુશળ નૃત્યકાર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જેવી કે, અખંડ સૌભાગ્યવતી, કુળવધુ, વગેરે.

કારકિર્દી[ફેરફાર કરો]

આશાએ ૧૬ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને અભિનેત્રી તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ ગુંજ ઉઠી શહનાઈ (૧૯૫૯)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ દિલ દે કે દેખો (૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી.[૨]

ફિલ્મ દિલ દે કે દેખો થી જ શમ્મી કપૂર તેના પ્રિય અભિનેતા અને મિત્ર બન્‍યાં. તેમણે અન્ય 3 ફિલ્મોમાં પણ એક સાથે કામ કર્યું હતું તેમાંથી એક ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૬)માં ખૂબ જ હીટ રહી. રાજ ખોસલાની હિટ ફિલ્મ દો બદનમાં તેના કરુણરસવાળું પાત્ર ભજવતા પહેલાં ખાસ કરીને તેની છબી ગ્લેમરસ ડાન્સર તરીકેની હતી ગંભીર અભિનેત્રી તરીકેની નહીં. પરંતુ દો બદન બાદ બધા જાણી ગયા કે તેનાંમાં અનોખી અભિનય ક્ષમતા છે.

દો બદન ની વાર્તા આશા પર આધારિત હતી ખાસ કરીને નિર્દેશક રાજ ખોસલા જેણે તેને પોતાની વધુ ત્રણ ફિલ્મોમાં કામ આપ્યું હતું. આશા દ્વારા અભિનિત ફિલ્મ ઉપકાર (૧૯૬૭)ને બેસ્ટ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો આ સાથે જ આશાની જબ પ્યાર કિસીસી હોતા હૈ (૧૯૬૧), ઘરાના (૧૯૬૧), શિકાર (૧૯૬૮), અને આન મિલો સજના (૧૯૭૦) જેવી ફિલ્મોને બૉક્સ ઑફિસ પર લગાતાર સફળતા મળવાને કારણે તેણે 'જ્યુબિલી ગર્લ' તરીકે નામના મેળવી.

તેણે રાજ ખોસલાની ફ્લોપ ફિલ્મ ચિરાગ (૧૯૬૯) નો પણ સામનો કરવો પડ્યો, પરંતુ આ ફિલ્મે તેને પ્રથમ બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હોવાથી ખોસલાએ તેને આ ફિલ્મની નિષ્ફળતા અને વાસ્તવિકતાની જવાબદાર ન ગણી અને તેની આગલી હીટ ફિલ્મ મેરા ગાંવ મેરા દેશ (૧૯૭૧)માં તક આપી.

આશાને શક્તિ સાવંતની ફિલ્મ કટી પતંગ (૧૯૭૦) માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ ફિલ્મમાં તેણે સફેદ સાડીમાં એક વિધવાનું પાત્ર ભજવ્યું હતું, જેના ભેદી હાસ્યમાં તેનો દુઃખદ ભૂતકાળ છુપાયેલો હતો. હવે આશાએ નામ અને પ્રસિદ્ધિની ઊંચાઈને આંબી લીધી હતી, જો કે તે હવે ૩૦ વર્ષની આયુ પાર કરી ગઈ હતી તે ઉંમરે જ્યાં અભિનેત્રીઓ સામાન્ય રીતે પોતાની કારકીર્દી સમાપ્તિ કરી દેતી. પરંતુ નૃત્ય માટેની તેની લાલસા તેને ડાંસ શો કરવા માટે વિદેશોની લાંબી યાત્રાએ લઈ ગઈ અને પરિણામ સ્વરૂપ તે મહત્વપૂર્ણ ફિલ્મ ભૂમિકામાં પાછી વળી.

પરિણામ સ્વરૂપ ૧૯૭૩માં જ્યારે આશા પારેખે ફિલ્મ જગતમાં પુનરાગમન કર્યુ ત્યારે હેમા માલિની અને ઝીન્નત અમાન જેવી નવી અને લોકપ્રિય અભિનેત્રીઓની બોલીવુડમાં આગમન થઈ ચૂક્યું હતું. આશાએ ફિલ્મ ડિરેક્ટર નાસીર હુસૈન સાથેના સંબંધો જાળવીને તેમની ફિલ્મોમાં અભિનય કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ.

ઉલ્લેખનીય છે કે નાસીર હુસૈને આશા પારેખને છેક ૧૯૬૭માં તેમની ફિલ્મ બહારો કે સપનેંમાં અભિનયની તક આપી હતી. ત્યાંથી શરૂ થયેલા આશા અને નાસીર વચ્ચેના વ્યાવસાયિક સંબંધો આશરે ૨૧ વર્ષ સુધી લંબાયા હતા. ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે.

દરમિયાન આશાના નૃત્ય પ્રત્યેના પ્રેમમાં જરાય ઓટ આવી નહીં, જેના લીધે જાણીતા નાટક ચૌલાદેવીના પ્રસિદ્ધ નૃત્યના પ્રદર્શનથી તેણે લોકોના મન જીતી લીધાં. ૧૯૭૬માં ઉધાર કા સિંદુર ફિલ્મમાં ધારદાર અભિનય દ્વારા આશા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડની દાવેદાર બની, તો ૧૯૭૮માં રાજ ખોસલાની સુપરહિટ ફિલ્મ મૈં તુલસી તેરે આંગન કીમાં આશાના અભિનયે તે ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. ત્યાર બાદ આશાએ ટીવી સીરીયલોના નિર્માણ તરફ નજર દોડાવી.

૧૯૯૦નાં દાયકાની શરૂઆતમાં આશાની સીરીયલ કોરા કાગઝ ઘણી જ લોકપ્રિય સાબિત થઈ. ત્યારબાદ ૧૯૯૫માં આશાએ અભિનયને હંમેશા માટે તીલાંજલિ આપવાનું નક્કી કર્યુ.

૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતી.

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સીરીયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની સફળ શરૂઆત કરી. તેની પ્રોડક્શન કંપની આકૃત્તિએ અત્યાર સુધી પલાશ કે ફૂલ, બજે પાયલ, કોરા કાગઝ અને દાલ મેં કાલા જેવી અનેક સીરીયલોનું નિર્માણ કર્યુ છે.

આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૬૩માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને ગુજરાતી પ્રજા દ્વારા તે ફિલ્‍મને પસંદ કરવામાં આવી હતી.

અંગત જીવન[ફેરફાર કરો]

આશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.

આશા હવે તેનો બધો જ સમય સમાજસેવાના કાર્યોમાં પસાર કરે છે,એના ખુદ ના નામથી જ ઓળખાતી 'આશા પારેખ હોસ્પિટલ' સાંતાક્રુઝ મુંબઈ માં ચલાવવાની સાથે સાથે આકૃત્તિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સીરીયલોના નિર્માણમાં વ્યસ્ત છે. તેણે 'કલા ભવન'નાં નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી છે, જેણે ઘણાં પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે.

આશા આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ સાધના, વહીદા રહેમાન અને વૈજયંતી માલાને નિયમિતપણે મળતી રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેના ઘરે આવતી જતી રહે છે.

દો બદન (૧૯૬૬), ચિરાગ (૧૯૬૯), કટી પતંગ (૧૯૭૦), પગલા કહીં કા (૧૯૭૦) અને મૈં તુલસી તેરે આંગન કી (૧૯૭૮) તેની પસંદગીની ફિલ્મો છે. મેરે સનમ (૧૯૬૫) ફિલ્મનું ગીત 'જાઈએ આપ કહાં જાઓગે' તેનું સૌથી ફેવરીટ ગીત છે. નાસીર હુસૈન સિવાય અન્ય જાણીતા ડાયરેક્ટરોએ તેમની ફિલ્મોમાં આશાને એકથી વધુ વખત તક આપી હતી. આ ડાયરેક્ટરો હતાં પ્રમોદ ચક્રવર્તી, વિજય આનંદ, રાજ ખોસલા, રઘુનાથ ઝાલાની, મોહન સેહગલ, શક્તિ સામંત અને જે.પી. દત્તા છે.

પુરસ્કાર[ફેરફાર કરો]

૨૦૦૨માં આશાના અભિનય જગતમાં આપેલ યોગદાન બદલ ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો.[૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Screen The Business Of Entertainment-Films-Happenigs". Screenindia.com. મૂળ માંથી ૯ ફેબ્રુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓક્ટોબર ૨૦૦૮.
  2. "Interview". Thirtymm.com. મૂળ માંથી 2011-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧.
  3. "Search Awardees – Padma Awards – My India, My Pride – Know India: National Portal of India". India.gov.in. મૂળ માંથી 2009-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૧.
  4. "Asha Parekh: Recall value". Deccan Herald. India. ૨૦ જૂન ૨૦૦૯. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૧.

બાહ્ય કડી[ફેરફાર કરો]