આશા ભોંસલે (Marathi: आशा भोसले) (જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાંગલી, મહારાષ્ટ્ર, ભારત.) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.
સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે.