લખાણ પર જાઓ

પી. સી. વૈદ્ય

વિકિપીડિયામાંથી
પી. સી. વૈદ્ય
જન્મ૨૩ મે ૧૯૧૮ Edit this on Wikidata
મૃત્યુ૧૨ માર્ચ ૨૦૧૦ Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • મુંબઈ વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયભૌતિકશાસ્ત્રી Edit this on Wikidata
સંસ્થા

ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્ એવા પ્રહલ્લાદભાઈ ચૂનીલાલ વૈદ્ય, જેઓ પી. સી. વૈદ્ય તરીકે જાણીતા હતા, નો જન્મ જુનાગઢ જિલ્લાના શાહપુર ગામે ૨૩ મે ૧૯૧૮ના રોજ થયો હતો.

જન્મ અને ભણતર

[ફેરફાર કરો]

શૈશવકાળથી જ તેમણે પોતાની ગણિતક્ષેત્રે આગવી પ્રતિભા બતાવી હતી. મોટા ભાગનો શાળાકિય અભ્યાસ ભાવનગરમાં લઇને તેઓ મુંબઇ ઉચ્ચ અભ્યાસ માટે જતા રહ્યા. ત્યાં ઇસ્માઇલ યુસુફ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં જોડાણા. ત્યાં તેઓને ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં સ્નાતકની ઉપાધી મળી. વળી ત્યાં આગળ ભણતા તેઓ વ્યવહારુ ગણિત (Applied Mathematics) વિષય સાથે અનુસ્નાતક ની પદવી પ્રાપ્ત કરી.

૧૯૪૨માં પી. સી. વૈદ્યને સાપેક્ષવાદના સિદ્ધાંતનો અભ્યાસ કરવાની ઇચ્છા થઇ. આ અનુસંધાને તેમણે વિખ્યાત ભૈતિક વિજ્ઞાની શ્રી જ્યંત નરલિકર ના પિતા વિ. વિ. નરલિકરને પત્ર લખ્યો. વિ.વિ. નરલિકરએ તેમને સંશોધન માટે આમંત્ર્યા અને તુરંત તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસી જવા રવાના થયા. ત્યાં તેઓ એ ૧૦ મહિના સુધી સાપેક્ષવાદનો અભ્યાસ કર્યો. આ ગાળા દરમિયાન સ્વાતંત્ર ચળવળ જોર-શોરથી ચાલતી હતી અને બીજું વિશ્વયુદ્ધ પણ ચાલી રહ્યું હતું. આવા સમયે તઓ ને પોતાનો, પત્ની અને છ મહિનાની પુત્રીનો નિર્વાહ કરવા માટે ફક્ત ભૂતકાળની બચત સિવાય કશો આધાર નહોતો. આ પરિસ્થિતિમાં સ્પેઇસટાઇમ જ્યોમિટ્રિ ની પરિક્પના તેમના મનમા ઘડાઇ અને ફક્ત એક જ અઠવાડિયામાં વૈદ્ય મેટિક્સ શોધાયું. ૧૯૪૯માં તેમણે ગણિતમાં પીએચ.ડી. ની ઉપાધી મેળવી લીધી.

વ્યવસાયિક જીવન

[ફેરફાર કરો]
ગુજરાતી વિશ્વકોશ ભવનનું ખ્યાત મુહ્રુત કરી રહેલા પી. સી. વૈદ્ય

શ્રીવૈદ્યની જળહળતી કાર્યકીર્દીએ તેમને ભારત તથા દુનિયાના અન્ય દેશોમાં પસંદગીના શિક્ષક તરીકે નામના અપાવી. તેમની બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતેની શોધ બાદ તેઓ અનેક જગ્યાએ ગણિત ભણાવવા માટે આમંત્રણ મેળવતા. ખાસ કરીને સુરત, મુંબઇ, રાજકોટ વગેરે. ૧૯૪૭-૧૯૪૮ વચ્ચે ટુકાગાળા માટે તેઓ ટાટા ઇન્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાતે જોડાયા. ત્યાં તેઓ હોમી ભાભાના સંપર્કમાં આવ્યા કે જેઓ ભારતના અણુ કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે. મુંબઇમાં વસવાટની સમસ્યાને લીધે તેઓ ગુજરાત પાછા ફર્યા. ત્યાં આવી તેઓએ વી.પી. કોલેજ - વલ્લભ વિદ્યાનગર, ગુજરાત કોલેજ - અમદાવાદ, એમ.એન. કોલેજ - વિસનગર અને યુનિવર્સિટી ઓફ સાયન્સ - ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં સેવા આપી.

તેમના સુયશ અને પ્રતિભાને જોઇ ૧૯૭૧માં તેમને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા. ત્યાર બાદ તેઓએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં પણ સભ્યપદ મેળવી ૧૯૭૭-૧૯૭૮ ના ગાળામાં કેન્દ્ર સરકારની સેવા કરી. ૧૯૭૮-૧૯૮૦ દરમિયાન તેઓએ ગુજરાત યુનિવર્સિટી ના ઉપ-કુલપતિ તરીકે ફરજ બજાવી. પોતાની જૈફ વયે પણ તેઓ જ્યારે પોતાની મોટી સાઇકલ પર ગાંધી ટોપી પહેરી નિકળતા ત્યારે તેમનો પ્રભાવ વિધ્યાર્થીઓમાં એક આગવી છાપ છોડતો. આ ગાળા દરમિયાન તેમણે તેમનું ધ્યાન સંશોધનને બદલે ગુજરાત તેમજ ભારતનું શિક્ષણ વધુ સુસજ્જ અને વ્યવસ્થિત બને તેમાં આપ્યું.

વિદેશમાં યોગદાન

[ફેરફાર કરો]

૧૯૬૪ થી ૧૯૭૩ના ગાળા દરમિયાન તેઓ એ અનેક વિદેશી સંસ્થાઓમાં મુલાકાતી (વિઝિટિંગ) પ્રોફેસર તરીકે સેવા આપી જેની યાદી નીચે મુજબ છે.

  • મુલાકાતી (વિઝિટિંગ) પ્રોફેસર -- વોશિંગટન સ્ટૅટ યુનિવર્સિટી, પુલમાન, વોશિંગટન, અમેરિકા
  • મુલાકાતી (વિઝિટિંગ) પ્રોફેસર -- લંડન યુનિવર્સિટી, ક્વિન એલિઝાબેથ કોલેજ, યોર્ક યુનિવર્સિટી અને ન્યુકાસેલ યુનિવર્સિટી, બ્રિટન
  • મુલાકાતી (વિઝિટિંગ) વૈજ્ઞાનીક -- ડબ્લીન યુનિવર્સિટી ઓફ એડવાન્ય સ્ટડિઝ, ડબ્લીન, આયર્લેન્ડ
  • મુલાકાતી (વિઝિટિંગ) વૈજ્ઞાનીક -- ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થીયોરેટિકલ ફિઝિક્સ, ટ્રેસ્ટે, ઈટલી

ઉપરાંત આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિક સમુદાયમાં તેઓ નિયમિત યોગદાન આપતા. જુન ૧૯૭૧માં ઇન્સ્ટિટ્યુટ હેનરિ પોઇન્કેર, પેરિસ ખાતે તેઓએ અત્યંત માહિતીપ્રદ અભ્યાસક્રમ લીધો. વળી કોપનહાગન ખાતે સામાન્ય સાપેક્ષતા અને ગુરુત્વાકર્ષણ પર મળેલી છઠ્ઠિ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આજ ગાળા દરમિયાન ભાગ લીધો.

જીવનના અંતીમ વર્ષોમાં, માંદગીને લીધે, તેમણે પોતાના અમદાવાદ ખાતેના સરદારનગર ઘરમાં પોતાનો સમય વિતાવ્યો. તેમને કિડનીનો રોગ થયો હોવાનું નિદાન થયેલ અને ૧૨ માર્ચ ૨૦૧૦ના રોજ તેઓ અવસાન પામ્યા. હાલ, તેમના પરિવારમાં ચાર પુત્રીઓ કુમુદ, સ્મિતા, દર્શના અને હિના છે.

આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણ બળને સમજવા માટે અનેક જટિલ ગાણિતીક સૂત્રો સમજવા પડે જે દરેક માટે સરળ નથી હોતું. તેમા દર્શાવેલ ગાણિતીક સૂત્રો જોતા તે વ્યવહારુક ઉપિયોગી કઇ રીતે છે તે સમજવું મુશ્કેલ જણાય છે. બસ આજ મુદ્દાને ધ્યાનમાં લઇ શ્રીપી. સી. વૈદ્યએ પરિશ્રમ આદર્યો અને તેના ફળ સ્વરુપ વૈદ્ય મેટ્રિક્સ શોધાયું.

પ્રોફેસર વૈદ્યએ ૧૯૪૨માં બનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે "સાપેક્ષતા ના સામાન્ય સિદ્ધાંત" પર અનુસંધાન શરૂ કર્યું. ત્યાં તેઓ પ્રાધ્યાપક વી.વી. નાર્લીકરએ શરુ કરેલા સાપેક્ષતાના વર્ગમાં જોડાયા. કેવલ દસ મહીના માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રહિને તેમણે સ્પેઇસ ટાઇમ જ્યોમેટ્રિ ની શોધ કરી. જેના ઉપીયોગ થી કિરણોત્સર્ગી તારાના ગુરુત્વાકર્ષણનું માપ કાઢિ શકાય.

વૈદ્ય મેટ્રિક અને શ્વાર્ઝશીલ્ડ સોલ્યુશન

[ફેરફાર કરો]

આઇન્સ્ટાઇનના સમીકરણોનો ઉપયોગ તારાઓને અને તેમની આસપાસ ના અવકાશની ભૂમિતિ કેવી છે તે સમજવા માટે થઇ શકે છે. આઇન્સ્ટાઇને તેમના સમીકરણો ૧૯૧૫ માં આપ્યા તે પછી ના વર્ષમાં શ્વાર્ઝશીલ્ડએ તેનો એક ઉકેલ કર્યો જે તારાની આજુબાજુની ભૂમિતિ સમજાવતો હતો. પણ તેમાં ધારણા એવી હતી કે તારાની આજુબાજુ શૂન્યાવકાશ છે. હવે ખરેખર તો દરેક તારાની આજુબાજુ પ્રકાશના કિરણો હોય છે. વૈદ્ય સાહેબે આવું વાસ્તવિક વર્ણન કરતો ઉકેલ શોધી કાઢ્યો, જેને વૈદ્ય મેટ્રિક અથવા વૈદ્ય ભૂમિતિ કહેવાય છે. તેમાં તેમનો મૂળ વિચાર પ્રકાશના કિરણને જ ભૂમિતિના એક યામ (કોઓર્ડીનેટ) તરીકે વાપરવાનો હતો. આ વિચાર ઘણો સફળ થયો, અને પછી તો ગુરુત્વાકર્ષણના આગળના સંશોધનોમાં પણ તેનો ઘણો ઉપયોગ થયો. વૈદ્યસાહેબના આ કાર્યનો ગુરુત્વના વિજ્ઞાનમાં આજે દુનિયાભરમાં સંદર્ભ અપાય છે.

વૈજ્ઞાનિક સમુદાય માટે યોગદાન

[ફેરફાર કરો]

ફેબ્રુઆરિ ૧૯૬૯માં પ્રાધ્યાપક વી.વી. નાર્લીકરના હીરકોત્સવ(૬૦ વર્ષ પૂરાં થતાં ઉજવાતો મોટો ઉત્સવ) નિમિત્તે યોજાયેલ સમ્માન મહોત્સવ વખતે પી. સી. વૈદ્યએ ભારતીય સાપેક્ષવાદિઓ ની મંડળી સ્થાપવાની રજુઆત કરી. પરિણામ સ્વરુપ ઇન્ડિયન ઍસોસિયેશન ફોર જનરલ રિલેટીવિટી એન્ડ ગ્રેવિટેશન (IAGRG) નો ઉદય થયો અને પ્રાધ્યાપક વી.વી. નાર્લીકરને પ્રેસિડન્ટ પદ પર સ્થાપવામાં આવ્યા. તેમના સૂચનથી વિક્રમ સારાભાઈએ અમદાવાદ ખાતે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટિ સેન્ટરની સ્થાપના કરી જે ભારતભર માં વિખ્યાત છે. ઉપરાંત શ્રીવૈદ્યએ ગુજરાત મેથેમેટિક્સ સોસાઇટીની સ્થાપના પણ કરી.

જોડાણો

[ફેરફાર કરો]
  • ઇન્ડિયન ઍસોસિયેશન ફોર જનરલ રિલેટીવિટી એન્ડ ગ્રેવિટેશન (IAGRG) ના સ્થાપક સભ્ય.
  • ઇન્ડિયન અકાદમિ ઓફ સાયન્સ (F.A.Sc.) વિદ્વાનમંડળના સભ્ય.
  • ઇન્ડિયન નેશનલ સાયન્સ અકાદમિ (F.N.A) વિદ્વાનમંડળના સભ્ય.
  • બે વર્ષ માટે કલકત્તા મેથેમૅટિક્સ સોસાઇટી ના અધ્યક્ષ.
  • ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA), પુના ના માનદ સભ્ય.
  • ઇન્ડિયન મેથેમૅટિક્સ સોસાઇટી - (૧૯૭૬-૧૯૭૭) ના અધ્યક્ષ.
  • "જનરલ રિલેટીવિટી એન્ડ ગ્રેવિટેશન" નામની ઇન્ટરનેશનલ જરનલના સ્થાપક સભ્ય, તે સ્વિત્ઝરલેન્ડના બેર્ન શહેર માંથી પ્રકાશિત થાય છે.
  • ઇન્ડિયન નેશનલ કમિટિ ઓન એસ્ટ્રોનોમી - (૧૯૭૬-૧૯૭૯) ના સભ્ય.
  • યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન(U.G.C) કમિટિ ઓન રિલેટિવિટી એન્ડ કોસ્મોલોજી ના અધ્યક્ષ.
  • ગણિતના પાઠ્ય પુસ્તકો નો અભ્યાસક્રમ ઘડવાની અનેક બેઠકો માં ભાગ લીધો.
  • ૧૯૬૪માં ભાવનગર ખાતે "ગુજરાત ગણિત મંડળ"ની સ્થાપના કરી અને ૧૯૬૪ થી ૧૯૮૮ સુધી તેના અધ્યક્ષ રહી સમાજના દરેક સ્તરે ગણિતનો પ્રચાર કરવા ગામડાઓ તથા શહેરોમાં અનેક કાર્યક્રમો યોજ્યા.

લેખનકાર્ય

[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક પ્રકાશનો અને સામાયિકો પર શ્રીવૈદ્યના લેખન કાર્યની ઊંડી અસર જોવા મળે છે. તેમના જીવનકાળમાં તેઓ લગભગ ૩૦ જેટલા જનરલ રિલેટિવિટી અને ગુરુત્વાકર્ષણ પરના શોધ-લેખોના લેખક કે સહઃ-લેખક રહ્યા. આ લેખો આજે પણ ઘણા શોધ-લેખોના સ્ત્રોતની યાદીમાં જોવા મળે છે. તેઓએ ૧૯૬૦ના ગાળામાં ગણિત સામાયિક "સુગણિતમ"ની શરુઆત કરી. આ સામાયિક શાળાઓ તથા કોલેજોમાં અત્યંત પ્રસિદ્ધિ પામ્યું.

ઉપરાંત તેઓએ અનેક વિજ્ઞાનના પુસ્તકો ગુજરાતને આપ્યા.

  • અખિલ બ્રહ્માંડમાં
  • દશાંશ પદ્ધતિ શા માટે?
  • દાદાજીની વાતો - બાળકો માટે વિજ્ઞાન વાર્તાઓ
  • આધુનિક ગણિત શું છે?
  • ગણિત દર્શન. આ પુસ્તક ૧૯૭૦-૭૧માં ગુજરાત રાજ્ય સરકાર તરફ થી સમ્માનવામાં આવ્યું.

આ સિવાય તેઓએ નિયમિત રીતે ગુજરાતી સામાયિકોમાં અનેક લેખો લખ્યા. દા.ત. કલાગુરુ શ્રી રવિશંકર રાવળ દ્વારા શરુ કરાયેલ કુમાર માસિક.

પ્રેરણાત્મક લાક્ષણિકતાઓ

[ફેરફાર કરો]

સાદગી અને ઈમાનદારી, એવા ઉચ્ચ ગાંધીવાદી સિદ્ધાંતોં માટે પ્રોફેસર વૈદ્ય ઓળખાતા. જૈફ વયે પણે તેઓ સાયકલ ફેરવતા. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે એક ગણિતજ્ઞ માટે તેનું મસ્તિષ્ક જ સૌથી સારું ઉપકરણ છે, આથી સંશોધન અને આવિષ્કારો સાધનો અને પૈસા પર બહુ ઓછા આધાર રાખે છે. તેમની ભણાવવાની સરળ કાર્ય-પદ્ધતિ વિદ્યાર્થિઓને હંમેશા વશીભૂત કરતી. તેઓ ફક્ત ઉપદેશ કે મત પ્રકટ કરતા નહીં પરંતુ તેમના સિદ્ધાંતો મુજબ જીવતા. સાર્વજનિક અને નિજી જીવનમાં ઈમાનદારી તેમની એક ઉલ્લેખનીય વિશેષતા હતી. તેમના જીવનના સૂવર્ણકાળ દરમિયાન પણ તેઓએ ક્યારેય પોતાના નીજી સ્વાર્થ માતે પોતાના હોદ્દાનો દુરઉપિયોગ કર્યો નહીં.

ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પાછલા વર્ષોમાં તેઓએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષણમાં ક્રાંતિકારી બદલાવ લાવવા પ્રયાસ શરુ કર્યા. તેઓ કહેતા "હું ગુજરાતનો સૌથી વધું પગાર ભોગવતો ગણિતનો શિક્ષક છું. આટલુ વળતર ફક્ત એમએસસી કક્ષાએં ભણાવવા માટે મર્યાદિત હોય શકે નહીં." વળી, એક દૂરદર્શી શિક્ષાવિદ્ હોવાથી તેમણે અનુભવ્યું કે ગણિત ભણાવવાની રીતમાં મૂળભૂત સુધારાઓ ની જરુર છે. આ માટે તેઓએ પ્રથમ શિક્ષકોને તાલિમ આપવાનું શરુ કર્યુ. તેઓ અવાર-નવાર પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ ને મળી તેમની જ્ઞાનપિપાસા અને તમની શિક્ષાગ્રહણ કરવાની પધતિ ચકાસતા. ૧૯૬૪માં ભાવનગર ખાતે "ગુજરાત ગણિત સમિતિ"ની સ્થાપનાનો ઉદ્દેશ આજ હતો. તેઓએ અંતરયાળ ગામડા સુધી પહોચી શિક્ષકોને તૈયાર કર્યા અને બાળકોનો શિક્ષણ પ્રત્યે નો ભય દુર કરવા મથતા રહ્યા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]