વિક્રમ સારાભાઈ

વિકિપીડિયામાંથી
વિક્રમ અંબાલાલ સારાભાઈ
ડૉ. વિક્રમ સારાભાઈ
જન્મની વિગત(1919-08-12)August 12, 1919
મૃત્યુDecember 30, 1971(1971-12-30) (ઉંમર 52)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપીએચ.ડી.
વ્યવસાયવૈજ્ઞાનિક,
કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય
પ્રખ્યાત કાર્યભારતીય અંતરિક્ષ કાર્યક્રમ
મૂળ વતનઅમદાવાદ
જીવનસાથીમૃણાલિની સારાભાઈ
સંતાનોકાર્તિકેય - મલ્લિકા
માતા-પિતા
પુરસ્કારોપદ્મભૂષણ
પદ્મવિભૂષણ

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગસ્ટ ૧૯૧૯ – ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા.[૧] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

શરૂઆતના વર્ષો[ફેરફાર કરો]

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંનું ચોથું સંતાન હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદમાં છે.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલુરુમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું. [૩]તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મિક કિરણો પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપ્યાં. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-પી.આર.એલ.) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માં અવકાશમાં છોડવામાં આવેલા ભારતના ઉપગ્રહની ઘણી ખરી રચના અહીં થઈ હતી. ભારતીય પ્રબંધ સંસ્થાન, અમદાવાદ (ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ), લોક વિજ્ઞાન કેન્દ્ર (કોમ્યુનિટી સાયન્સ સેન્ટર), સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. [૪]

ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ ઉર્જા સંસ્થાન (ઍટોમીક એનર્જી કમિશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ[ફેરફાર કરો]

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંગત જીવન[ફેરફાર કરો]

વિક્રમ અને મૃણાલિની સારાભાઈ, ૧૯૪૮

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ તેમનું નિંદ્રામાં જ મૃત્યુ થયું હતું.

પુરસ્કાર અને માનદ સ્થાનો[ફેરફાર કરો]

ભારતીય ટપાલ ટિકિટ પર વિક્રમ સારાભાઇ (૧૯૭૨)
 • ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)[૫]
 • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
 • પદ્મભૂષણ (૧૯૬૬)
 • ઇન્ટરનેશનલ એટમિક એજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
 • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
 • પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર [૬]
 • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. [૭]

સ્થાપના[ફેરફાર કરો]

 • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
 • અટિરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.

અન્ય માનદો[ફેરફાર કરો]

દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "The Visionary- Vikram Ambalal Sarabhai". Vikram Sarabhai Space Centre. મૂળ માંથી 2018-05-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૫.
 2. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતિ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩
 3. વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૨૯૯.
 4. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩
 5. "Profile of the Awardee, Dr Vikram Ambalal Sarabhai". ssbprize.gov.in. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૬.
 6. "Padma Awards Directory (1954-2013)" (PDF). Ministry of Home Affairs, Government of India. ૧૪ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ (PDF) માંથી ૧૫ નવેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
 7. ફિલાઇન્ડિયા ગાઈડબુક, ફિલાટેલીઆ, ૨૦૦૮

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]