દિવાળીબેન ભીલ

વિકિપીડિયામાંથી
દિવાળીબેન ભીલ
જન્મની વિગત
દિવાળીબેન પુંજાભાઇ ભીલ
દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા

(1943-06-02)June 2, 1943
મૃત્યુMay 19, 2016(2016-05-19) (ઉંમર 72)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપાર્શ્ચ ગાયિકા, લોકગીત ગાયિકા
પ્રખ્યાત કાર્યભજન અને લોકગીતો
માતા-પિતા
  • પુંજાભાઈ (પિતા)
  • મોંઘીબેન (માતા)

દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા[૧] (૨ જૂન ૧૯૪૩ – ૧૯ મે ૨૦૧૬) એ ગુજરાતની કોયલ તરીકે જાણીતા લોકગાયિકા અને પાર્શ્વગાયિકા હતા. ૧૯૯૦માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.[૨] તેમની મૂળ અટક લાઠીયા હતી.[૩] માતાથી પ્રેરિત થઈને તેમણે નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.[૪] તેમણે પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડ્યું હતું. નવ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. નવ વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોને કારણે એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું. તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નહિ.[૫] વીસ વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને દસ વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાટર્સમાં ઘરેલુ સહાયક (રસોઈ બનાવનાર) તરીકે કામ કર્યું હતું.[૩]

કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૬૪માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોકસંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં જીવંત સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું. જેસલ તોરલ (૧૯૭૧) તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત "પાપ તારૂં પ્રકાશ જાડેજા…" ખૂબ લોકપ્રિય બન્યું હતું.[૩] તેમણે લોકગીતોના કાર્યક્રમો માટે ભારત અને વિદેશની મુસાફરી કરી હતી. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.[૫]

દિવાળીબેને સંગીતમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું.[૨] તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન અને ગુજરાતી ફિલ્મના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી.[૩] ૨૦૦૧માં બહાર પડેલ સંગીત આલ્બમ મનના મંજીરા દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી. "મારે ટોડલે બેઠો મોર", "સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા", "વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે", "રામના બાણ વાગ્યા; હરિના બાણ વાગ્યા રે", "હાલોને કાઠિયાવડી રે", "કોકિલકંઠી", "હું તો કાગળિયાં લખી લખી થાકી", "વરસે વરસે અષાઢી કેરે મેઘ" અને ગુજરાતી ફિલ્મ, હાલો ગામડે જઈયેનું "ચેલૈયા કુંવર ખમ્મા ખમ્મા રે" આલ્બમના અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા.[૪][૬]

તેમણે હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, કરસન સાગઠિયા, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી, ઉષા મંગેશકર, દમયંતિ બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું.

સન્માન[ફેરફાર કરો]

લંડનની ગુજરાતી સોસાયટી એ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું.[૩] ૧૯૯૦માં એમને ભારત સરકારના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬] ગુજરાત સરકારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો.

મૃત્યુ[ફેરફાર કરો]

૧૯ મે ૨૦૧૬ના રોજ લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Padma Shree Award Winner Diwaliben Bhil Is No More - www.divyabhaskar.co.in". ૨૦ મે ૨૦૧૬. મૂળ સંગ્રહિત માંથી 2016-05-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ મે ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ "Gujarat: Popular folk singer passes away at 75". The Indian Express (અંગ્રેજીમાં). ૨૦ મે ૨૦૧૬. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ મૂળે, બાલકૃષ્ણા માધવરાવ (2002). "ભીલ, દિવાળીબહેન". ગુજરાતી વિશ્વકોશ. XVI (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 862–863.
  4. ૪.૦ ૪.૧ "Gujarat's renowned folk singer Diwaliben Bhil passed away in hometown Junagadh". The Times of India. 20 May 2016. મેળવેલ 5 February 2017.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "'હું તો કાગળિયા લખી લખી…',પદ્મ શ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલનું અવસાન". દિવ્ય ભાસ્કર. ૧૯ મે ૨૦૧૬. મૂળ સંગ્રહિત માંથી 2016-05-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
  6. ૬.૦ ૬.૧ "Popular Gujarati folk singer Diwaliben Bhil passes away at 83". મિડ ડે. ૧૯ મે ૨૦૧૬. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.