બહિણાબાઈ

વિકિપીડિયામાંથી
બહિણાબાઈ
જન્મની વિગત૧૬૨૮
દેવગાંવ, ભારત (હાલ મહારાષ્ટ્રના ઈલોરા નજીક)
મૃત્યુ૧૭૦૦
દફન સ્થળશિવુર,વૈજાપુર, ઔરંગાબાદ, ભારત
નોંધપાત્ર કાર્ય
આત્મમનિવેદન, અભંગ અને પુંડલિક માહાત્મ્ય
સન્માનોસંત

બહિણાબાઈ (જ. ૧૬૨૮ અ. ૧૭૦૦) અથવા બહિણા અથવા બહિણીમહારાષ્ટ્ર, ભારતની એક વારકરી સંપ્રદાયના કવિ-સંત છે. તેમને અન્ય વારકરી કવિ-સંત તુકારામની શિષ્યા ગણવામાં આવે છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા બહિણાબાઈએ નાની ઉંમરે એક વિધુર સાથે લગ્ન કર્યા હતા અને તેમના બાળપણનો મોટાભાગનો સમય તેમના પરિવાર સાથે મહારાષ્ટ્રની આસપાસ ભટકવામાં વિતાવ્યો હતો. તેમણે તેમની આત્મકથા આત્મમનિવેદનમાં એક વાછરડા સાથેના તેમના આધ્યાત્મિક અનુભવો અને વારકરી સંપ્રદાયના ઇષ્ટદેવ વિઠોબા અને તુકારામના દર્શનનું વર્ણન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમના પતિએ મૌખિક અને શારીરિક શોષણ કર્યું હતું અને તેમના આધ્યાત્મિક વલણને ધિક્કાર્યું હતું પરંતુ આખરે તેમના પસંદ કરેલા ભક્તિ માર્ગનો સ્વીકાર કર્યો હતો. ઇતિહાસમાં નોંધાયેલ મોટાભાગના સ્ત્રી-સંતોએ લગ્ન કર્યા નથી અથવા ભગવાન માટે તેમના લગ્નજીવનનો ત્યાગ કર્યો છે જ્યારે બહિણાબાઈ તેમના સમગ્ર જીવન પરણિત રહ્યા હતા.

મરાઠીમાં લખાયેલી બહિણાબાઈની અભંગ રચનાઓ તેમના મુશ્કેલીમાં મુકાયેલા વૈવાહિક જીવન અને સ્ત્રી તરીકે જન્મ્યાના અફસોસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બહિણાબાઈ હંમેશા તેમના પતિ પ્રત્યેની તેમની ફરજો અને વિઠોબા પ્રત્યેની તેમની ભક્તિ વચ્ચે અસમંજસ અનુભવતી હતી. તેમની કવિતા તેમના પતિ પ્રત્યેની ફરજો અને ભગવાન પ્રત્યેની ભક્તિ વચ્ચેના સમાધાનને પ્રતિબિંબિત કરે છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

બહિણાબાઈએ આત્મમનિવેદન અથવા બહિનીબાઈ ગાથા નામની આત્મકથા લખી છે, જ્યાં તેણીએ માત્ર તેમના વર્તમાન જન્મનું જ નહીં પરંતુ અગાઉના બાર જન્મોનું પણ વર્ણન કર્યું છે.[૧][૨][૩] કુલ ૪૭૩ માંથી પ્રથમ ૭૮ પંક્તિઓ તેના તેમના જીવનને વર્ણવે છે. જણાવ્યા મુજબ, તેમનો જન્મ ઉત્તર મહારાષ્ટ્રમાં ઇલોરા અથવા વેરુલ નજીક આવેલા દેવગાંવ (રંગરી)માં થયો હતો. અહીં તેમણ બાળપણ વીતાવ્યું હતું. તેમના પિતા આઊદેવ કુલકર્ણી અને માતા જાનકી હિંદુ બ્રાહ્મણ પુજારી હતા તેઓ તેમના પ્રથમ સંતાન બહિણાબાઈને તેમનું સદનસીબ માનતા હતા. બહિણાબાઈએ નાનપણથી રમતા રમતા ભગવાનના નામનો પાઠ કરવાનું શરૂ કર્યું હતું.[૧][૪] આઊદેવ મહેસૂલ-અધિકારી હતા દેવું કરવાના કારણે જેલમાં ગયેલા. એક રાત્રે તેઓ જેલમાંથી ભાગી ગયા અને રહિમતપુરમાં બે વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા. ત્યારબાદ પરિવાર સાથે કાયમ માટે કોલ્હાપુર રહેવા જતા રહ્યા.[૫]

બહિણાબાઈના લગ્ન ત્રણ વર્ષની ઉંમરે ગંગાધર પાઠક નામના ત્રીસ વર્ષના વિધુર સાથે થયા હતા, જેમને તેઓ એક વિદ્વાન અને "પુરુષના ઉત્તમ રત્ન" તરીકે વર્ણવે છે. પરંતુ રિવાજ મુજબ તે તરુણાવસ્થા સુધી પહોંચી ત્યાં સુધી માતા-પિતા સાથે રહી હતી. જ્યારે બહિણાબાઈ લગભગ નવ વર્ષની હતી, ત્યારે તેમણે તેમના માતા-પિતા અને પતિ સાથે, પારિવારિક વિવાદને કારણે દેવગાંવ છોડવું પડ્યું હતું. તેઓ ગોદાવરી નદીના કિનારે સાધુઓ માફક યાત્રાળુઓ સાથે ભટકતા હતા અને અનાજ માટે ભીખ માગતા હતા. આ સમયગાળામાં તેઓએ વિઠોબાનું મુખ્ય મંદિર જ્યાં છે તે પંઢરપુરની મુલાકાત લીધી. અગિયાર વર્ષની ઉંમર સુધીમાં, તેણી તેના પરિવાર સાથે આખરે કોલ્હાપુરમાં સ્થાયી થઈ.[૧][૪] આ ઉંમરે વિવાહિત જીવનની જરૂરિયાતને આધીન હતા પરંતુ તે તેમાં રસ ધરાવતા ન હતા.[૧][૪] ગુજરાતી વિશ્વકોશમાં તેમના પતિનું નામ રત્નાકર પાઠક જણાવ્યું છે. અહીં તેઓ એક બ્રાહ્મણના ઘરની ઓશરીમાં રહ્યા હતા.[૫]

પછીનું જીવન[ફેરફાર કરો]

બહિણાબાઈએ વારકારી દેવ વિઠોબાના દર્શન થયેલા જે ઉપરના ચિત્રમાં છે.

કોલ્હાપુરમાં બહિણાબાઈને-કીર્તનના ગીતો અને ભાગવત પુરાણની કથાઓ સાંભળવા મળી હતી.[૪] અહીં બહિણાબાઈના પતિને બ્રાહ્મણ દ્વારા એક ગાય ભેટમાં આપવામાં આવી હતી, જેણે ટૂંક સમયમાં એક વાછરડાને જન્મ આપ્યો હતો. બહિણાબાઈ વાછરડા સાથે આધ્યાત્મિક મુલાકાતનો અહેવાલ આપે છે. વારકરી સાહિત્યમાં વાછરડું એ વ્યક્તિનું પ્રતીક છે જેણે અગાઉના જન્મમાં યોગની સૌથી વધુ એકાગ્રતા પ્રાપ્ત કરી હોય, પરંતુ કોઈ ભૂલને કારણે તેને વાછરડા તરીકે જન્મ લેવો પડ્યો હોય.[૧][૫] બહિણાબાઈ જ્યાં પણ જતા ત્યાં વાછરડું તેમની પાછળ જતું. બહિણાબાઈએ વાછરડા સાથે પ્રખ્યાત સ્વામી જયરામના કીર્તનમાં પણ હાજરી આપી હતી. જયરામે વાછરડું અને બહિણાબાઈના માથા થપથપાવ્યા અને પ્રશંસા કરી. જ્યારે બહિણાબાઈના પતિને આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેણે બહિણાબાઈને તેના વાળથી ખેંચીને માર માર્યો અને તેને ઘરમાં બાંધી દીધી. આ પછી વાછરડું અને ગાયએ ખોરાક અને પાણી છોડી દીધું જેના કારણે વાછરડું મૃત્યુ પામ્યું. તેના દફન સમયે બહિણાબાઈ બેભાન થઈ ગઈ હતા અને દિવસો સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતા. તેઓ વારકરીના ભગવાન વિઠોબા અને બાદમાં તેમના સમકાલીન સંતકવિ તુકારામના પ્રથમ દર્શનથી ભાનમાં આવ્યા. આ ઘટના પછી તેમને આ જોડીનું બીજું દર્શન થયું જેણે તેને વાછરડાના મૃત્યુના દુઃખમાંથી મુક્ત કર્યા.[૬] આ દર્શનમાં તુકારામ તેમને અમૃતપાન કરાવતા અને "રામ-કૃષ્ણ-હરિ" મંત્ર શીખવતા.[૧][૫] ત્યારબાદ, બહિણાબાઈએ તુકારામને પોતાના ગુરુ જાહેર કર્યા.[૭] તેમના દર્શનમાં તુકારામે તેમને ભક્તિમાર્ગમાં પ્રવેશ કરાવ્યો હતો અને તેમને વિઠોબાના નામનો પાઠ કરવાની સૂચના આપી હતી.[૮] કેટલાક લોકો તેમના વર્તનને ગાંડપણની નિશાની માનતા હતા, જ્યારે અન્ય લોકો તેને સંતત્વની નિશાની માનતા.[૯]

બહિણાબાઈના પતિએ તેમને એમ કહીને મનાવવા પ્રયત્ન કર્યો કે તે બ્રાહ્મણ છે એટલે નીચલી જાતિના શૂદ્ર તુકારામની વાત ન સાંભળવી જોઈએ. જોકે બહિણાબાઈને કર્તવ્યનિષ્ઠ પત્નીના જીવનમાં સુખ ન મળ્યું પણ તે પતિની સેવાની સાથે સાથે ભક્તિ તરફ વળ્યા. જેમ જેમ તેમની પ્રસિદ્ધિ ફેલાતી ગઈ તેમ તેમ તેમના પતિને બહિણાબાઈથી ઈર્ષ્યા થતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમના ગુસ્સે ભરાયેલા પતિએ બહિણાબાઈને ગાળો આપી, માર માર્યો અને પશુવાડામાં કેદ કરી દીધી હોવાનું નોંધાયું છે. જ્યારે બધી જ પદ્ધતિઓ તેમને રોકવામાં નિષ્ફળ ગઈ, ત્યારે તેણે બહિણાબાઈને છોડવાનું નક્કી કર્યું, જે સમયે તે ત્રણ મહિનાની ગર્ભવતી હતી.[૯][૧૦] જો કે, તેઓ આમ કરી શક્યા ન હતા કારણ કે જે દિવસે તેને છોડવાના હતા તે દિવસથી તેમને એક મહિના હાથ-પગમાં બળતરા થયા કરી અને મરણપથારીએ આવી ગયા. છેવટે તેમણે પસ્તાવો કર્યો અને બહિણાબાઈની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિથી સહમત થયા.[૧૧][૫] તે જ સમયે, બહિણાબાઈને તેમના પતિની ઉપેક્ષા સમજાઈ અને નક્કી કર્યું કે "ભગવાનને સમર્પિત કરવા કરતાં તેમની સેવા કરવી વધુ મહત્વપૂર્ણ છે". બહિણાબાઈ લખે છે:[૧૨]

હું મારા પતિની સેવા કરીશ-તે મારો ભગવાન છે....
મારા પતિ મારા ગુરુ છે મારા પતિની મારી રીત
આ મારા હૃદયનો સાચો સંકલ્પ છે.
જો મારા પતિ દુનિયા છોડીને ચાલ્યા જાય,
પાંડુરંગ (વિઠોબા) મને પુરુષો વચ્ચે રહેવાથી શું ફાયદો થશે? ...
મારા પતિ આત્મા છે હું શરીર છું.
મારા પતિ પાણી છે હું તેમાં માછલી છું.
હું કેવી રીતે જીવી શકું?...
પથ્થરના દેવ વિઠ્ઠલ (વિઠોબા)
અને સ્વપ્ન સંત તુકા (તુકારામ)
મને જે સુખ જાણે છે તેનાથી મને શા માટે વંચિત રાખવો જોઈએ?

બહિણાબાઈનો પરિવાર તુકારામના વતન દેહૂ ગયો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. અહીં, બ્રાહ્મણ બહિણાબાઈ દ્વારા નીચલી જાતિના શૂદ્ર તુકારામને તેમના ગુરુ તરીકે સ્વીકારવાથી સ્થાનિક બ્રાહ્મણો ઉશ્કેરાયા હતા, જેના કારણે પરિવારને હેરાન કરવામાં આવ્યા હતા અને બહિષ્કારની ધમકી આપવામાં આવી હતી. દેહુમાં બહિણાબાઈએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેમણે કાસીબાઈ રાખ્યું. તે વ્યથિત હતા અને તેમણે આત્મહત્યાના વિચાર કર્યા. તુકારામ તેમને દર્શનમાં આવી રોક્યા અને તેમને કાવ્યરચનાની શક્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે તેમને એક પુત્ર હશે જે તેમના અગાઉના જન્મમાં સાથી હતા, આમ બહિણાબાઈએ કવિતાની રચના શરૂ કરી હોવાનું માનવામાં આવે છે. તેમની પ્રથમ કવિતા વિઠોબાને સમર્પિત હતી.[૧૩] બાદમાં, તેમને એક પુત્ર થયો, જેનું નામ તેમણ વિઠોબા રાખ્યું, તેના જન્મનો ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી, પરંતુ તેમની આત્મકથાના પછીના ભાગમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૫]

છેવટે પરિવાર શિરુર રહેવા ગયો, જ્યાં બહિણાબાઈએ થોડા સમય માટે મૌન વ્રત રાખ્યું હતું. ૧૬૪૯માં તુકારામના મૃત્યુ પછી, બહિનાબાઈએ દેહુની ફરી મુલાકાત લીધી અને અઢાર દિવસ સુધી ઉપવાસ કર્યો, જ્યાં પરંપરાગત અહેવાલ મુજબ, તેમને ફરીથી તુકારામના દર્શન થયા. ત્યારબાદ તેમણે સંત રામદાસ મુલાકાત લીધી અને ૧૬૮૧માં તેમના મૃત્યુ સુધી તેમની સાથે રહ્યા. ત્યારબાદ તે શિરુર પરત આવ્યા હતા.[૧૪]

પોતાની આત્મકથાના છેલ્લા વિભાગોમાં બહિણાબાઈ કહે છે કે તેમણે "તેમનું મૃત્યુ જોયું છે".[૧૫] તેમણે તેમના મૃત્યુની ભવિષ્યવાણી કરી અને તેના પુત્ર વિઠોબાને પત્ર લખ્યો, જે તેની પત્નીની અંતિમ વિધિ કરવા માટે શુકેશ્વર ગયો હતો. તેમના મૃત્યુના સમયે બહિણાબાઈએ વિઠોબાને કહ્યું કે તેઓ તેમના અગાઉના બાર જન્મો દરમિયાન અને તેમના વર્તમાન (તેરમા જન્મ) માં પણ તેમના પુત્ર હતા, જે તેઓ માનતા હતા કે તેમનો છેલ્લો જન્મ હતો. વધુમાં, તેમણે તેમના અગાઉના બાર જન્મની વાર્તા વર્ણવી હતી, જે તેમની આત્મકથામાં નોંધાયેલી છે.[૧૬] તેમનું ૧૭૦૦માં ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.[૧૧][૧૬]

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

તેમની આત્મકથા ઉપરાંત, બહિણાબાઈએ અભંગની રચના કરી હતી, જે ભગવાન વિઠોબાની સ્તુતિ, આત્મા, સદ્ગુરુ, સંતત્વ, બ્રાહ્મણત્વ અને ભક્તિ જેવા વિવિધ વિષયો સંબંધિત છે.[૧૭] બહિણાબાઈની અભંગ રચનાઓ તેમના પતિ સાથેના તેમના મુશ્કેલીભર્યા સંબંધો, પતિ અને પત્ની વચ્ચેના સંઘર્ષ અને અમુક હદ સુધી તેના સમાધાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ તેમના પતિની પ્રતિકૂળ લાગણીઓને સહાનુભૂતિ સાથે પણ ચિત્રિત કરે છે.[૧૫] તે સમયગાળાની ઘણી સ્ત્રી-સંતોથી વિપરીત બહિણાબાઈએ પોતાનું આખું જીવન પરણિત રાખ્યું, કર્તવ્યનિષ્ઠાપૂર્વક પોતાના પતિની સેવા કરી, પોતાની પતિવ્રતા (એક સમર્પિત પત્ની) અને વિરક્તા (અલગ પત્ની) ભૂમિકાઓ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું. બહિણાબાઈ સામાજિક પરંપરાઓ સામે બળવો કરતી નથી અને વિશ્વની નિંદા એ સ્ત્રીની પીડાનો ઉકેલ નથી એમ માનતા હતા. તેમની કવિતા તેમના પતિ અને તેમના ભગવાન વિઠોબા પ્રત્યેની ભક્તિ વચ્ચેના સમાધાનને પ્રતિબિંબિત કરે છે.[૧૮]

બહિણાબાઈ પરિણીત સ્ત્રીની ફરજો પર પણ ટિપ્પણી કરે છે. કેટલાક અભંગ પતિવ્રતના ગુણની પ્રશંસા કરે છે, જ્યારે અન્ય અભંગભગવાનગવાન પ્રત્યે શુદ્ધ ભક્તિની હિમાયત કરે છે જે સમાજના રોષ પણ નોતરી શકે છે. અન્ય અભંગ આ બંને વચ્ચે સમાધાનની હિમાયત કરે છે. તેઓ માનસ અર્થાત્ મનની બે પત્નીઓ સ્વરૂપે પ્રવૃતિ અને નિવૃતિ ની પણ વાત કરે છે, જે બંને પોતાની શ્રેષ્ઠતા પર દલીલ કરે છે, ચર્ચામાં એક વખતે કોઈ એક પક્ષ જીતી જાય છે, પણ અંતે બંને પક્ષ સમાધાન કરે છે અને સાથે મળીને મનને તેના અંતિમ લક્ષ્ય તરફ દોરી જાય છે. પોતાના જીવનમાં પણ બહિણાબાઈએ આ બે વચ્ચે સંતુલન કરવાનો પ્રયાસ કર્યો હતો.[૧૯]

બહિણાબાઈ કેટલીકવાર એક સ્ત્રી તરીકે જન્મ લેવાના તેમના ભાગ્યને શ્રાપ આપે છે, જેને લેખક થારૂ "તેમનો સંશયવાદ, તેમની બળવાખોરી અને સત્ય માટેની તેમની મહત્વાકાંક્ષાને છોડી દેવાના તેમના આગ્રહપૂર્વકના ઇનકાર" તરીકે અર્થઘટન કરે છે. તેમને તેમના સ્ત્રીજન્મનો અફસોસ છે કારણ કે તેમને પુરુષ-પ્રભુત્વ ધરાવતા બ્રાહ્મણ સમાજ દ્વારા વેદો જેવા પવિત્ર ગ્રંથો અને મંત્રના જ્ઞાનથી દૂર રાખવામાં આવ્યા હતા.[૧૧] બહિણાબાઈ તેના અભંગમાં ગાય છે:[૨૦]

વેદો મોટેથી પોકાર કરે છે, પુરાણો પોકાર કરે છેઃ
"સ્ત્રીને કોઈ સારું ન આવી શકે".
હું સ્ત્રીના શરીર સાથે જન્મી છું
હું સત્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકું?
"તેઓ મૂર્ખ, મોહક અને ભ્રામક છે-
સ્ત્રી સાથે કોઈ પણ જોડાણ વિનાશક છે".
બહિના કહે છે, "જો સ્ત્રીનું શરીર એટલું હાનિકારક છે,
તો હું આ દુનિયામાં સત્ય સુધી કેવી રીતે પહોંચીશ?"

કેટલીકવાર બહિણાબાઈના અભંગ તેમના ભગવાન વિઠોબા(પાંડુરંગ, હરિ)ને તેમની બે ભૂમિકાઓને સંતુલિત કરવામાં મદદ કરવા માટે બોલાવે છે.[૧૧] બહિણાબાઈના જ્ઞાનનો સારાંશ તેમના શબ્દોમાં આ રીતે આપી શકાયઃ "સ્ત્રીનું શરીર કોઈ બીજા દ્વારા નિયંત્રિત શરીર છે. તેથી ત્યાગનો માર્ગ તેના માટે ખુલ્લો નથી".[૨૧] બહિણાબાઈની ફિલસૂફી સત્તરમી સદીની ભારતીય મહિલાની સામાજિક સ્થિતિ દર્શાવે છે, જેનું તેના પતિ સિવાય કોઈ અસ્તિત્વ નહોતું.[૧૭]

તેમણે પુંડલિક માહાત્મ્ય નામના ગ્રંથની પણ રચના કરી છે, જેમાં વિઠોબાની દંતકથા અને વારકરી પરંપરામાં કેન્દ્રિય વ્યક્તિ એવા ભક્ત પુંડલિકની વિગતો આપવામાં આવી છે.[૨૨]

પંચીકરણ મહાકાવ્યના રચયિતા દીનકવિ તેમના શિષ્ય હતા.[૫]

નોંધો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Tharu p. 108
  2. For account of her previous lives, see Feldhaus pp. 598–9
  3. For complete English translation of Bahinabai's abhangas see Bahinabai: A Translation of Her autobiography and Verses by Justin E. Abbot (Poona, Scottish Mission, 1929). Some verses are given in Tharu pp. 109–115
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Anandkar p. 64
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ "બહિણાબાઈ". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-03-31.
  6. Feldhaus pp. 595–6
  7. Anandkar pp. 66–7
  8. Anandkar p.121
  9. ૯.૦ ૯.૧ Anandkar p. 67
  10. Feldhaus p. 596
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Aklujkar p. 122
  12. Feldhaus pp. 596–7
  13. Anandkar pp. 68–9
  14. Anandkar p. 70
  15. ૧૫.૦ ૧૫.૧ Tharu p. 109
  16. ૧૬.૦ ૧૬.૧ Anandkar pp. 70–1
  17. ૧૭.૦ ૧૭.૧ Anandkar p. 71
  18. Pandharipande pp. 169–170
  19. Feldhaus p. 599
  20. Tharu p. 107
  21. Aklujkar p. 129
  22. Sand, Erick Reenberg (1990). "The Legend of Puṇḍarīka: The Founder of Pandharpur". માં Bakker, Hans (સંપાદક). The History of Sacred Places in India as Reflected in Traditional Literature. Leiden: E. J. Brill. પૃષ્ઠ 33–61. ISBN 90-04-09318-4. p. 56

સંદર્ભો[ફેરફાર કરો]

  • Feldhaus, Anne (December 1982). "Bahiṇā Bāī: Wife and Saint". Journal of the American Academy of Religion. Oxford University Press. 50 (4): 591–604. doi:10.1093/jaarel/l.4.591. JSTOR 1462944.
  • Pandharipande, Rajeshwari V. Janabai: A Woman Saint of India in Women Saints in World Religions By Arvind Sharma (editor) [૧]
  • Women Writing in India: 600 B.C. to the Present Vol. 1 By Susie J. Tharu, Ke Lalita [૨]
  • Aklujkar, Vidyut Ch. 5: Between Pestle and Mortar: Women in Marathi Sant tradition in Goddesses and women in the Indic religious tradition By Arvind Sharma (editor)[૩]
  • Anandkar, Piroj, Ch IX: Bahinabai in Women Saints of East and West pp. 64–72

ઢાંચો:Authority control

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]