સંગરુર જિલ્લો
સંગરુર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
![]() | |
અક્ષાંશ-રેખાંશ: 30°14′N 75°50′E / 30.23°N 75.83°E | |
દેશ | ![]() |
રાજ્ય | પંજાબ |
ઊંચાઇ | ૨૩૨ m (૭૬૧ ft) |
વસ્તી (૨૦૧૦) | |
• કુલ | ૧૬,૫૪,૪૦૮ |
ભાષાઓ | |
• અધિકૃત | પંજાબી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૧૪૮૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૧૬૭૨ |
વેબસાઇટ | sangrur |
સંગરુર જિલ્લો ભારત દેશના પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે. પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક સંગરુર નગરમાં આવેલું છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પટિયાલા જિલ્લો, દક્ષિણે હરિયાણા રાજ્યની સીમા, પશ્ચિમે બથિંડા જિલ્લો તથા વાયવ્યમાં ફરીદકોટ જિલ્લો આવેલા છે. જિલ્લામથક સંગરુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.[૧]
ઈતિહાસ[ફેરફાર કરો]
આ જિલ્લાની રચના ૧૯૪૮માં પટિયાલા, નાભા, મલેરકોટલા અને જિંડનાં તત્કાલીન દેશી રાજ્યોમાંથી મલેરકોટલા, સંગરુર, સુનામ અને બરનાલા તાલુકાઓ બનાવીને કરવામાં આવી છે. જિલ્લાનું નામ જિલ્લામથક સંગરુર પરથી પાડવામાં આવ્યું છે. કહેવાય છે કે સંગુ નામના જાટે સંગરુરની સ્થાપના કરેલી. રાજા સંગતસિંહ દ્વારા ૧૯મી સદીના પહેલ ચરણમાં જિંડ ખાતેની રાજધાની ખસેડીને સંગરુર ખાતે લાવવામાં આવેલી, કારણ કે સંગરુર પટિયાલા અને નાભથી નજીક પડતું હતું.[૧]
ભૂપૃષ્ઠ[ફેરફાર કરો]
સંગરુર જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિસ્તારથી બનેલું છે. અહીં ટેકરિઓ કે નદિઓ આવેલી નથી. જિલ્લાની ભૂમિ પાવધ અને જાંગલ નામે ઓળખાતા બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલી છે. ખેડાણ માટે સમૃદ્ધ ગણાતી ઉત્તર તરફની મલેરકોટલા તાલુકાની જમીનો માટીવાળી ગોરાડુ પ્રકારની છે. અહિં સિંચાઈ મોતેભાગે કૂવાઓ દ્વારા થાય છે, અને ભૂગર્ભજળ ઓછી ઊંડાઈએથી મળી રહે છે. જાંગલ-વિભાગમાં આવતી સંગરુર તાલુકાની જમીનો રેતાળ ગોરાડુ પ્રકારની છે, અને અહીં સિંચાઈ નહેરો દ્વારા મળે છે.[૧]
જળપરિવાહ[ફેરફાર કરો]
આ જિલ્લામાંથી કોઈ મોટી નદી પસાર થતી નથી. ઘગ્ગર નદી જિલ્લાના થોડાક ભાગમાંથી પસાર થાય છે, પરંતુ જિલ્લા માટે તેનું કોઈ વિશેષ મહત્વ નથી. સરહિંદ નહેર અહીં સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેના બે ફાંટા પડે છે ઉત્તર તરફ બથિંડા ફાંટો અને મધ્યમાં કોટલા ફાંટો. ભાકરા નામની મુખ્ય નહેર પણ આ જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં થઈને જાય છે. જિલ્લામાંથી પસાર થતા બધા જ ફાંટા ઈશાનથી નૈઋત્ય તરફ જાય છે.[૧]
ખેતી-પશુપાલન[ફેરફાર કરો]
સંગરુર જોલ્લો મુખ્યત્વે કૃષિપ્રધાન છે અને જિલ્લાનુ અર્થતંત્ર કૃષિપેદાશો પર આધારિત છે. ઘઉં, શેરડી, મકાઈ, બાજરી, મગફળી અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી માટે બિયારણ, રાસાયણિક ખાતરો, કીટનાશકો તેમજ અદ્યતન કૃષિસાધનોનો ઉપયોગ થાય છે. નહેરો, નળકૂપ, પંપસેટ અને કૂવાઓનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગાયો, ભેંસો, બળદ, ઊંટ, ઘોડા, ટટ્ટુ, ગધેડા, ખચ્ચર, અને ઘેટાં-બકરા અહીંનાં મુખ્ય પશુઓ છે તેમજ દુધાળાં ઢોરની સંખ્યા અહીં વધુ છે. અહીં મરઘાં અને બતકાંનો ઉછેર પણ કરવામાં આવે છે. પશુઓ માટે અહીં દવાખાના તેમજ પશુઓ માટેની જાણકારી મેળવવા અહીં સંસ્થાઓ આવેલી છે.[૧]
વસ્તી[ફેરફાર કરો]
સંગરુર જિલ્લાની વસ્તી ૨૦૧૧ પ્રમાણે ૧,૬૫૫,૧૬૯ જેટલી છે, જેમાંથી ૮૭૮,૦૨૯ પુરુષો અને ૭૭૭,૧૪૦ સ્ત્રીઓની સંખ્યા છે.[૨] જિલ્લામાં હિન્દુઓ, શીખો અમે મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધોની વસ્તી ઓછી છે.[૧]
પરિવહન[ફેરફાર કરો]
આ જિલ્લાનું અર્થતંત્ર કૃષિ-આધારિત હોવાથી ગામડાંને શહેરો સાથે સડકમાર્ગોથી જોડવામાં આવ્યા છે. જિલ્લામાં ત્રણ રાજ્યધોરિમાર્ગો અને આઠ જિલ્લામાર્ગો આવેલા છે. અહીંના શહેરો આજુબાજુના જિલ્લાઓનાં શહેરો સાથે પાકા રસ્તાઓથી સંકળાયેલા છે. જિલ્લામાં ઉત્તર-દક્ષિણ દિશામાં તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં બ્રૉડગેજ રેલમાર્ગો પથરાયેલા છે. સંગરુર, સુનામ, મલેરકોટલા, બરનાલા, ધુરી વગેરે રેલમાર્ગો દ્વારા જોડાયેલા છે.[૧]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ પંડ્યા, ગિરીશભાઈ (૨૦૦૭). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પાનાઓ ૫૫૯-૫૬૨.
- ↑ "Sangrur District Population Census 2011, Punjab literacy sex ratio and density". census2011.co.in. મેળવેલ ૨૦૧૮-૦૩-૨૦.
![]() |
વિકિમીડિયા કોમન્સ પર Sangrur district સંબંધિત માધ્યમો છે. |
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- અધિકૃત વેબસાઈટ
- સંગરુર જિલ્લાનો ઈતિહાસ સંગ્રહિત ૨૦૧૮-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન