લખાણ પર જાઓ

કોચરબ આશ્રમ

વિકિપીડિયામાંથી
કોચરબ આશ્રમ
નકશો
સ્થાપના૧૯૧૫ (આશ્રમ), ૧૯૫૩ (સંગ્રહાલય)
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°00′57″N 72°34′00″E / 23.0158°N 72.5667°E / 23.0158; 72.5667Coordinates: 23°00′57″N 72°34′00″E / 23.0158°N 72.5667°E / 23.0158; 72.5667
પ્રકારસંગ્રહાલય
સંગ્રહમહાત્મા ગાંધીની તસવીરો, વસ્તુઓ, સામાન
મુલાકાતીઓ૧૯,૫૦૦ (૨૦૧૫)
માલિકગુજરાત સરકાર
જાહેર પરિવહન સગવડએ.એમ.ટી.એસ.
નજીકનું પાર્કિંગYes
ઇમારતની વિગતો
અન્ય નામોસત્યાગ્રહ આશ્રમ
સામાન્ય માહિતી
પ્રકારઘર
સ્થાપત્ય શૈલીયુરોપિયન સ્થાપત્યશૈલી
પુન:નિર્માણ૨૦૨૪
તકનિકી માહિતી
માળની સંખ્યા
માળ વિસ્તાર5,000 square metres (54,000 sq ft)

કોચરબ આશ્રમ, જે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે,[] એ અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલું એક ઐતિહાસિક સ્થળ અને સંગ્રહાલય છે. તે ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના નેતા મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો. ૨૫ મે, ૧૯૧૫ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી.[] તે ગાંધીજીના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા તેમને ભેટ આપવામાં આવ્યો હતો.[][] વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું.

૧૯૫૩માં મુંબઈ રાજ્ય દ્વારા આ સ્થળને સ્મારક સ્થળ જાહેર કરવામાં આવ્યું અને એક વર્ષ પછી તેને ગુજરાત વિદ્યાપીઠને સોંપવામાં આવ્યું હતું. તેના નવીનીકરણ અને સંગ્રહાલયમાં પુનર્વિકાસની કામગીરી ૨૦૨૪માં પૂર્ણ થઈ હતી. હાલમાં આ આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ વડે થાય છે.[]

આ સ્થળે એક વિશાળ બગીચામાં યુરોપિયન શૈલીના બે માળના બંગલા ઉપરાંત રસોડું અને ગતિવિધિ ભવનની અલગ ઇમારતો સામેલ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગોપાલ કૃષ્ણ ગોખલેએ મહાત્મા ગાંધીને સ્વરાજ ચળવળ માટે એક સમુદાયનું આયોજન કરવા દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરવા વિનંતી કરી હતી.[] ૧૯૧૫માં, દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી, ગાંધીજી વ્યક્તિગત વિકાસ, આત્મનિર્ભરતા અને સામુદાયિક સેવાને પ્રોત્સાહન આપવા માટે એક સહિયારી રહેવાની જગ્યા તરીકે એક આશ્રમની સ્થાપના કરવા માંગતા હતા. અમદાવાદ, કલકત્તા, રાજકોટ અને હરિદ્વાર સહિત અનેક શહેરોમાં આશ્રમની સ્થાપના માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી, ૧૯૧૫માં તેમની મુલાકાત દરમિયાન હરિપ્રસાદ દેસાઈ અને અન્યોએ ગાંધીજીને અમદાવાદની પસંદગી કરવા સમજાવ્યા હતા. ગાંધીજીના મતે, તેમને લાગતું હતું કે ગુજરાતી હોવાને કારણે તેઓ તેમની માતૃભાષામાં રાષ્ટ્રની વધુ સારી સેવા કરી શકે છે. તેમને આશા હતી કે તેઓ અમદાવાદના શ્રીમંત નાગરિકો પાસેથી નાણાકીય સહાય મેળવી શકશે અને વિશાળ કાપડ ઉદ્યોગ તથા હાથ વણાટનો ઇતિહાસ પણ તેમને હાથકાંતણના કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.[][][][] ૧૯૧૫ની ૧૧મી મેએ ગાંધીજીએ આશ્રમ માટે જરૂરી વસ્તુઓની યાદી મિલ માલિક મંગલદાસ ગિરધરદાસને આપી હતી અને વાર્ષિક ખર્ચ રૂ. ૬,૦૦૦નો અંદાજ મૂક્યો હતો.[]

અમદાવાદમાં તેઓ તેમના મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈના ઘરે રોકાયા હતા, જેમની સાથે ગાંધીજીએ લંડનમાં અભ્યાસ કર્યો હતો. દેસાઈએ આશ્રમની સ્થાપના કરવા માટે અમદાવાદના સરહદ વિસ્તારમાં આવેલા કોચરબ ગામ ખાતેનું તેમનું રજાઓ ગાળવાનું મકાન વાર્ષિક રૂપિયાના ભાડા પેટે આપવાનો પ્રસ્તાવ મૂક્યો.[][][][] ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમણે અપનાવેલા અહિંસક પ્રતિકારના અભિગમ "સત્યાગ્રહ"ને ભારતમાં લાવવાના તેમના ઇરાદાને ઉજાગર કરવા માટે તેને "સત્યાગ્રહ આશ્રમ" નામ આપ્યું હતું. સાબરમતી આશ્રમ સાથેની મૂંઝવણ ટાળવા માટે, તે સામાન્ય રીતે કોચરબ આશ્રમ તરીકે ઓળખાય છે.[][][][] અન્ય સૂચવેલા નામોમાં તપોવન અને સેવાશ્રમનો સમાવેશ થાય છે.[]

૨૦ મે, ૧૯૧૫ના રોજ, ગાંધી અને અન્ય સભ્યોએ ઔપચારિક રીતે આ બંગલાનો કબજો લીધો અને "વાસ્તુ પૂજા" કરી. તેઓએ ૨૨ મે ૧૯૧૫ થી તેમાં વસવાટ કરવાનું શરૂ કર્યું. આ આશ્રમની સ્થાપના ૨૫ મે ૧૯૧૫ના રોજ કરવામાં આવી હતી.[][][][][] શરૂઆતમાં તેમાં લગભગ ૨૫ પુરુષો અને સ્ત્રીઓ રહેતા હતા, જેમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા ૧૩ તમિલ લોકોનો સમાવેશ થતો હતો.[][] મગનલાલ ગાંધી પ્રારંભિક સભ્ય હતા. મહાત્મા ગાંધીએ આશ્રમના સભ્યો માટે નિયમો અને પાલનનો સમૂહ બનાવ્યો હતો.[] અહીં તેમના રોકાણ દરમિયાન ખાદી અને આત્મનિર્ભરતા જેવા અનેક ગાંધીવાદી વિચારો અમલમાં મૂકવામાં આવ્યા હતા.[] તેમણે સભ્યોને બ્રહ્મચર્યનું પાલન કરવા, શારીરિક શ્રમ કરવા અને સ્વદેશી વસ્ત્રો પહેરવા વિનંતી કરી હતી. વિનોબા ભાવે અને કાકા કાલેલકર સહિત સભ્યોની સંખ્યા વધીને લગભગ ૧૦૦ લોકો સુધી પહોંચી ગઈ હતી.[]

સપ્ટેમ્બર ૧૯૧૫માં જ્યારે ગાંધીજીએ આશ્રમમાં દલિત પરિવારને પ્રવેશ આપ્યો તો તેના કારણે સભ્યોમાં વિવાદ થયો અને આશ્રમને આપવામાં આવેલું દાન પણ બંધ થઈ ગયું. ગાંધીજી પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને તેમને અંબાલાલ સારાભાઈએ અનામી રીતે મદદ કરી, જેમણે ૧૩,૦૦૦ રૂપિયાનું દાન આપ્યું અને આશ્રમને બંધ થતો બચાવ્યો હતો.[] પ્લેગને પગલે, ગાંધીજીએ આશ્રમના બાળકો માટે જોખમની નોંધ લીધી અને શહેરથી સુરક્ષિત અંતરે નવા આશ્રમમાં જવાનું નક્કી કર્યું. ગાંધીજી અને અન્ય સભ્યો ૧૭ જૂન, ૧૯૧૭ના રોજ નવા સાબરમતી આશ્રમમાં રહેવા ગયા.[][][૧૦][]

૪ ઓક્ટોબર, ૧૯૫૩ના રોજ, આ આશ્રમને બૃહદ મુંબઇ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ સ્મારક જાહેર કર્યું હતું. ૧૯૫૪માં તેનો વહીવટ ગુજરાત વિદ્યાપીઠને સોંપવામાં આવ્યું, જેના પમુખ તે સમયે મોરારજી દેસાઈએ હતા. આશ્રમ હજી પણ રાજ્યની માલિકીનો છે.[][] ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં આ ઇમારતને નુકસાન થયું હતું. સરકારી ભંડોળથી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ગાંધીજીના ઓરડામાં ક્ષતિગ્રસ્ત કોટા પથ્થરના ભોંયતળિયાને નવા પોલિશ કરેલા પથ્થરોથી બદલવામાં આવ્યા હતા.[] આશ્રમ રોડના વિસ્તરણ માટે આશ્રમે પાછળની બાજુએ આપવામાં આવેલી જમીનના બદલામાં આગળની બાજુથી લગભગ ૧૫-૩૦ ફૂટ જમીન ગુમાવી હતી.[]

નવીનીકરણ અને પુનર્વિકાસ, ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન કરવામાં આવ્યો હતો, જેનું નેતૃત્વ આર્કિટેક્ટ (વાસ્તુકાર) સ્નેહલ શાહ અને પૂનમ ત્રંબાડિયાએ કર્યું હતું. ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ દાંડી કૂચની ૯૪મી વર્ષગાંઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પુનર્વિકસિત આશ્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.[]

સ્થાપત્યશૈલી અને સુવિધાઓ

[ફેરફાર કરો]

આ આશ્રમ ૫,૦૦૦ ચોરસ મીટર (૫૪,૦૦૦ ચોરસ ફૂટ)ના વિસ્તારમાં ફેલાયેલો છે.[] જેમાં એક મોટો બગીચા સાથેનો યુરોપિયન શૈલીનો બંગલો છે. બે માળના આ બંગલામાં ચૂનાના પત્થરોથી ઢંકાયેલી જાડી દીવાલો છે અને લાકડાના થાંભલાઓ પર ટેકવેલી લાકડાની છત છે.[] તેમાં ડઝન ઓરડાઓ અને એક ટાઇલવાળી છત છે.[] ભોંયતળિયે ગાંધીજી, કસ્તુરબા તથા અન્ય સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા ઓરડા ઉપરાંત ભંડારીયું (સ્ટોરરૂમ) અને બાથરૂમ (ન્હાવાની ઓરડી) છે. આ ઓરડાઓ વરંડાથી ઘેરાયેલા છે. પહેલા માળે નીચી બેઠકવાળો સંમેલન કક્ષ, એક પુસ્તકાલય અને એક મોટો ઝરૂખો છે. ઝરૂખામાં રાખેલા પિત્તળના ઘંટનો ઉપયોગ આશ્રમના સભ્યોને નિર્ધારિત પ્રવૃત્તિઓથી સૂચિત કરવા માટે કરવામાં આવતો હતો. ઉપરના માળે લાકડાની સીડી દ્વારા પહોંચવામાં આવે છે જેનું તળિયું લાકડાનું બનેલું છે.[][]

લેખન મેજ અને ચરખા જેવી વસ્તુઓ ઉપરાંત મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા છાયાચિત્રો (ફોટોગ્રાફ્સ) અને દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આશ્રમનો ઇતિહાસ તેમની આત્મકથા, સત્યના પ્રયોગોના અવતરણો દર્શાવતી ભીંત તકતીઓની શ્રેણી દ્વારા વર્ણવવામાં આવ્યો છે.[][] અહીં ગાંધીજી, અને કસ્તુરબા ઉપરાંત ગાંધીજીને પ્રભાવિત કરનારા લીઓ ટોલ્સ્ટોય, શ્રીમદ્ રાજચંદ્ર અને જ્હોન રસ્કિનના વિશાળ કદના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.[]

રસોડું પાછળની બાજુએ સ્થિત છે. તે એક માળની ઇમારત છે. જેમાં નળીયાવાળી છત તેમજ ભંડારિયું, શૌચાલય અને બાથરૂમ છે. પાંચ ઓરડીઓ એ એક વિસ્તૃત ઇમારત છે જેનો ઉપયોગ વણાટ અને સુથારીકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.[]

પ્રવૃત્તિ કક્ષ (એક્ટિવિટીઝ સેન્ટર), એક આધુનિક ઇમારત છેમ્ જે ૨૦૨૪માં બનાવવામાં આવી હતી. તેમાં ઉપરના માળે લગભગ ૧૦ ઓરડા છે, જેમાં ચાર ઓરડા વાતાનુકૂલિત છે. ઓરડાઓનું નામ આશ્રમના પૂર્વ સભ્યોના નામ પરથી રાખવામાં આવ્યું છે.[] તેમાં મુલાકાતીઓ માટે એક પુસ્તક અને સ્મરણિકા હાટ (સોવેનિયર શૉપ) છે.[][]

વર્ષ ૨૦૧૫માં ૧૯,૫૦૦ લોકોએ આશ્રમની મુલાકાત લીધી હતી.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ Chakraborty, Debdutta (12 March 2024). "Modi inaugurates redeveloped Kochrab Ashram in Gujarat, Gandhi's first home after returning to India". ThePrint (અંગ્રેજીમાં). મૂળ માંથી 13 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-08-09.
  2. ૨.૦ ૨.૧ ABPL. "ગાંધીજીના પ્રથમ સ્થાપિત કોચર". www.gujarat-samachar.com. મેળવેલ 2020-04-28.
  3. ગાંધીજીની આત્મકથા: સત્યના પ્રયોગો
  4. "આજે ઐતિહાસિક કોચરબ સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી". divyabhaskar. 2015-05-20. મેળવેલ 2020-04-28.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ ૫.૮ "ગાંધીજીના પ્રથમ સ્થાપિત કોચરબ આશ્રમને સરકારી વાર્ષિક સહાય માત્ર રૂ. ૧,૮૦,૦૦૦". Gujarat Samachar. 2016-08-15. મૂળ સંગ્રહિત માંથી 16 August 2022 પર સંગ્રહિત. મેળવેલ 2024-08-10.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ ૬.૬ "Kochrab Ashram". AMC Heritage City. મૂળ સંગ્રહિત માંથી 13 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-08-11.
  7. ૭.૦૦ ૭.૦૧ ૭.૦૨ ૭.૦૩ ૭.૦૪ ૭.૦૫ ૭.૦૬ ૭.૦૭ ૭.૦૮ ૭.૦૯ ૭.૧૦ ૭.૧૧ ૭.૧૨ ૭.૧૩ ૭.૧૪ Mishra, Leena; Sharma, Ritu (2024-03-17). "History Headline: Kochrab Ashram, where Gandhi became the Mahatma". The Indian Express (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 27 April 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-08-11.
  8. Guha, Ramachandra (2019). "1. The returning hero". Gandhi: The Years that Changed the World (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. પૃષ્ઠ 44. ISBN 978-93-5305-259-1. મૂળ સંગ્રહિત માંથી 17 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 13 August 2024.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ Guha, Ramachandra (2019-01-30). Gandhi: The Years that Changed the World (અંગ્રેજીમાં). Penguin Random House India Private Limited. પૃષ્ઠ 44. ISBN 978-93-5305-259-1. મૂળ સંગ્રહિત માંથી 13 August 2024 પર સંગ્રહિત. મેળવેલ 13 August 2024.
  10. "Mahatma Gandhi Ashram at Sabarmati, Ahmedabad, Gujarat". www.gandhiashramsabarmati.org (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2 June 2024 પર સંગ્રહિત. મેળવેલ 2024-08-11.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]