પુષ્પાબેન મહેતા
પુષ્પા જનાર્દનરાય મહેતા, (૨૧ માર્ચ ૧૯૦૫ - ૨ એપ્રિલ ૧૯૮૮) જેઓ પુષ્પાબેન મહેતા તરીકે પણ ઓળખાય છે, ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી હતા. તેમણે અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક મહિલા અને બાળ કલ્યાણ સંસ્થાઓની સ્થાપના કરી અને તેમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ૧૯૫૨ થી ૧૯૬૨ દરમિયાન સતત સૌરાષ્ટ્ર, બોમ્બે અને ગુજરાત રાજ્યોના વિધાનસભાના સભ્ય તરીકે રહ્યા હતા. ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા. ૧૯૫૬માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]પુષ્પાબેનનો જન્મ ૨૧ માર્ચ ૧૯૦૫ના રોજ વેરાવળમાં (હાલ ગીર સોમનાથ જિલ્લામાં) જૂનાગઢ રાજ્યના અધિકારી હરપ્રસાદ દેસાઈ અને હેતુબાને ત્યાં થયો હતો.[૧] [૨] વેરાવળની સ્થાનિક કન્યા શાળામાં અભ્યાસ કર્યા બાદ, તેઓ ૧૯૧૫માં અમદાવાદની મહાલક્ષ્મી સ્ત્રી તાલીમ કોલેજની પ્રાયોગિક શાળામાં જોડાયા. અમદાવાદમાં પ્લેગને પગલે તેણીનો પરિવાર વેરાવળ પરત ફર્યો હતો.[૨]
તેમના લગ્ન ૨૫ જાન્યુઆરી ૧૯૨૦ ના રોજ વેરાવળમાં ભાવનગરના શિક્ષક જનાર્દન મહેતા સાથે થયા હતા. તેઓ તેમના લગ્ન પછી તેમના પતિ સાથે કરાચી ગયા, જ્યાં જનાર્દન BVS પારસી હાઈસ્કૂલમાં શિક્ષક હતા.[૨] જનાર્દનના અગાઉના લગ્નથી તેમને એક સાવકો પુત્ર હતો. ઉષા તેમની એકમાત્ર પુત્રી હતી, જેનો જન્મ ૧૯૨૨માં થયો હતો.[૧] [૨] ૧૯૩૦માં માં તેમણે મેટ્રિક કર્યું [૨] તેમના પતિ, ૨૭ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ તાવથી મૃત્યુ પામ્યા.[૧][૨] ત્યાર પછી તેઓ અમદાવાદ આવ્યા અને વડોદરામાંથી બી.એ. પૂર્ણ કર્યું. તેઓ અમદાવાદની મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બન્યા.[૨]
સામાજિક કલ્યાણ કારકિર્દી
[ફેરફાર કરો]તેમના કાર્યને મહાત્મા ગાંધીના આશીર્વાદ મળ્યા હતા[૩] અને તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. મૃદુલા સારાભાઈએ તેમને મહિલા અને બાળ કલ્યાણ માટે સ્થપાયેલી સારાભાઈ દ્વારા સ્થાપિત સંસ્થા જ્યોતિ સંઘમાં જોડાવા આમંત્રણ આપ્યું. નવેમ્બર ૧૯૩૪માં તેઓ જ્યોતિ સંઘના સચિવ બન્યા. જ્યોતિ સંઘમાં તેમના વર્ષો દરમિયાન, તેમણે નિરાધાર મહિલાઓ અને બાળકોનું પુનર્વસન કર્યું. તે મહિલાઓને આશ્રય આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેમણે ૧૯૩૭માં અમદાવાદમાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં વિકાસ ગૃહની સ્થાપના કરી. આ સંસ્થાનો વિકાસ કલ્યાણકારી, રહેણાંક અને વ્યાપારી સુવિધાઓ સાથે થયો. ૧૯૫૪માં, વિકાસ ગૃહની નવી ઇમારત ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.[૧][૩]
તેમણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી જેમાં ૧૯૪૪માં હળવદ ખાતે રેવાશંકર પંચોલી પ્રગતિ ગૃહ, ૧૯૪૫માં વઢવાણ ખાતે વિકાસ વિદ્યાલય, ૧૯૪૫માં રાજકોટ ખાતે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, ૧૯૪૭-૪૮માં જૂનાગઢ ખાતે શિશુ મંગલ, ૧૯૪૭-૪૮માં અમરેલી ખાતે મહા વિકાસ મંડળ, ૧૯૫૬માં જામનગર ખાતે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, ૧૯૬૦માં ભાવનગર ખાતે તાપીબાઈ વિકાસ ગૃહ અને ૧૯૭૯માં મોરબી ખાતે કલ્યાણ ગ્રામ-વિકાસ વિદ્યાલયનો સમાવેશ થાય છે. તેમણે સૌરાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ત્રણ આશ્રમશાળાઓ (રહેણાંક શાળાઓ) સ્થાપી.[૩] [૨] ૧૯૫૦માં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ દરમિયાન માલધારીઓની સમસ્યાના ઉકેલ માટે તેમણે માલધારી સંઘની સ્થાપના કરી હતી.[૧] તેઓ સમસ્ત ગુજરાત સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળના સ્થાપક અને પ્રમુખ હતા, જે ગુજરાતમાં લગભગ ૧૩૦ સામાજિક કલ્યાણ સંસ્થાઓનું સંઘ છે, જેની સ્થાપના ૧૯૪૫માં કરવામાં આવી હતી [૧][૩][૨]
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]પુષ્પાબેન આરઝી હકૂમતના કેબિનેટ સભ્ય હતા, જેણે ૧૯૪૭માં જૂનાગઢના જોડાણ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ૧૯૫૩થી ૧૯૬૨ સુધી સૌરાષ્ટ્ર, બોમ્બે અને ગુજરાત રાજ્યોની વિધાનસભાના સભ્ય હતા [૩][૪][૧][૫] તેઓ સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા.[૩] તેમણે ૧૯૫૪થી ૧૯૬૫ સુધી સૌરાષ્ટ્ર, બોમ્બે અને ગુજરાત રાજ્યોના સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.[૩][૧] તેઓએ ૩ એપ્રિલ ૧૯૬૬થી ૨ એપ્રિલ ૧૯૭૨ સુધી કોંગ્રેસ (O) નું પ્રતિનિધિત્વ રાજ્યસભાના સભ્ય તરીકે કર્યું હતું.[૬] [૩][૧]
૨ એપ્રિલ ૧૯૮૮ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૧]
પુરસ્કારો
[ફેરફાર કરો]૧૯૮૩માં તેમને મહિલા અને બાળ કલ્યાણ માટે જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને જાહેર બાબતોમાં યોગદાન માટે ૧૯૫૬માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.[૩][૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ શાહ, પ્રિતી (2002-01-01). "મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2022-02-17.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)CS1 maint: url-status (link) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ Desai 1981.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ "Smt. Pushpavati Janardanrai Mehta" (PDF). Jamanalal Bajaj Foundation.
- ↑ "સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા પુષ્પાબે મહેતા : ૧૧૧મી જન્મજયંતિ". Akila News. મૂળ માંથી 2022-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-17.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ જાની, શશીકાંત વિશ્વનાથ (2002-01-01). "આરઝી હકૂમત". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2022-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)CS1 maint: url-status (link) - ↑ "List of Former Members of Rajya Sabha (Term Wise)". Rajya Sabha. મેળવેલ 2022-02-17.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- દેસાઇ, ગિરા શંભુપ્રસાદ (૧૯૮૧-૧૨-૩૧). પુષ્પાબહેન મહેતા : એક સ્ત્રી નેતા અને સામાજિક સંસ્થાઓના સ્થાપક : જીવનવૃત્તાંતનો અભ્યાસ (૧૯૦૫-૧૯૮૮) (PhD thesis). અમદાવાદ: ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી. hdl:10603/47983 – શોધગંગા દ્વારા.
{{cite thesis}}
: Check date values in:|date=
(મદદ)