લખાણ પર જાઓ

સરદાર પટેલ પ્લેનેટેરીયમ

વિકિપીડિયામાંથી
સરદાર પટેલ પ્લેનેટેરીયમ
પ્લેનેટેરીયમની પિરામિડ આકારની ઇમારત
નકશો
સ્થાપના૧૨ જુલાઈ ૧૯૭૬
સ્થાનસયાજીબાગ, વડોદરા, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ22°18′34″N 73°11′22″E / 22.3094°N 73.1894°E / 22.3094; 73.1894Coordinates: 22°18′34″N 73°11′22″E / 22.3094°N 73.1894°E / 22.3094; 73.1894
પ્રકારપ્લેનેટેરીયમ
સ્થપતિપી. એસ. રંજન, પન્ના રંજન
માલિકવડોદરા મહાનગરપાલિકા

સરદાર પટેલ પ્લેનેટેરિયમ[upper-alpha ૧]ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરા જિલ્લાના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલું પ્લેનેટેરિયમ છે, જેનું ઉદ્‌ઘાટન ૧૯૭૬માં કરવામાં આવ્યું હતું. પિરામિડ આકારની આ ઇમારતમાં ચાર માળ છે જેમાં એમ્ફિથિયેટર, તારામંડળ કક્ષ, પ્રદર્શન સ્થાન અને વેધશાળા આવેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્લેનેટેરિયમનું નિર્માણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા મધ્યસ્થ ઉદ્યાન સયાજીબાગના મુખ્ય દરવાજા પાસે એક ખૂણામાં કરવામાં આવ્યું હતું.[૧][૨][૩][૪]

આ પ્લેનેટેરિયમનો પાયો ૩ નવેમ્બર ૧૯૭૪ના રોજ ભારત સરકારના નિર્માણ અને આવાસ રાજ્યમંત્રી મોહન ધારિયાએ નાખ્યો હતો. તેનું ઉદ્‌ઘાટન ૧૨ જુલાઈ, ૧૯૭૬ના રોજ અણુઊર્જા આયોગના ચેરમેન એચ. એન. શેઠનાએ કર્યું હતું.[૫][૬][૭] ભારતીય સ્વતંત્રતા કાર્યકર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દીની ઉજવણીના અંતર્ગત ઇમારતનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[૫] ઇમારત જર્જરિત થતાં તેનું નવીનીકરણ ₹૬.૦૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું અને ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ જાહેર જનતા માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.[૮][૯]

વાસ્તુકળા

[ફેરફાર કરો]

પ્લેનેટેરિયમની રચના પી.એસ. રંજન અને પન્ના રંજન દ્વારા કરવામાં આવી હતી જ્યારે વી.એમ. શાહ સંરચનાત્મક ડિઝાઇનર હતા. મોટાભાગના પ્લેનેટેરિયમમાં જોવા મળતી ગુંબજની પ્રમુખ લાક્ષણિકતા આ ઇમારતની ડિઝાઇનમાં ટાળવામાં આવી છે, જેની પાછળનો મુખ્ય હેતુ એવા સ્વરૂપની રચના કરવાનો હતો જે આકાશ તરફ જોવા માટે ઉત્તેજીત કરે, આમ તેઓએ ઢાળવાળી ઇમારતની રચના કરી.[૪]

તે ચાર માળ સાથે બહુઆયામી પિરામિડ જેવી ઇમારત છે.[૮][૪] ભોંયતળિયે પ્રવેશદ્વાર, એક પ્રવેશખંડ, કાર્યાલયની જગ્યા અને ખુલ્લું એમ્ફિથિયેટર[upper-alpha ૨] છે, જેમાં ૩૦૦ લોકોની બેઠક ક્ષમતા છે.[૪][૫] તેની સામેની બાજુએ મેઝેનાઇન[upper-alpha ૩] માળ પર કાફેટેરિયા અને વાંચનકક્ષ માટે જગ્યા પ્રદાન કરે છે.[૪] ત્રીજા માળે પ્લેનેટેરિયમ કક્ષમાં ૧૨.૫ મીટર (૪૧ ફૂટ) પહોળો ગુંબજ અને એક ખગોળીય પ્રકાશ પ્રક્ષેપક યંત્ર (પ્રોજેક્ટર) છે.[૧][૭] તે ૧૫૬થી ૨૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૪][૨][૭] પ્લેનેટેરિયમ કક્ષની મોટી પરસાળ પ્રદર્શનસ્થળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.[૪] વર્ષ ૨૦૧૭માં નવીનીકરણ બાદ નવા ખગોળીય મોડલ સ્થાપિત કરવામાં આવ્યા છે.[૮] ૨૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ પ્લેનેટેરીયમમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષામાં આપણા સૂર્યમંડળ તેમજ વિવિધ ગ્રહો, ચંદ્ર, તારાઓ જેવા અવકાશી પદાર્થો વિશે પ્રોજેક્ટર દ્વારા માહિતી આપવામાં આવે છે.[૨][૩] પ્લેનેટેરીયમમાં સૂર્યગ્રહણ તેમજ ચંદ્રગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ઇમારતની સંરચના વિકર્ણ જાળીદાર ગોઠવણી સાથે સુદૃઢ કોંક્રિટ માળખાનો ઉપયોગ કરે છે. જે ઉત્તર અને પશ્ચિમમાં ઢોળાવવાળી બાહ્ય બાજુઓ માટે વિકર્ણીય ટેકો આપે છે. આ ઢળતી સંરચના ત્રિકોણાકાર સ્તંભોને બહારની તરફ લંબાવીને બનાવવામાં આવી છે. ઇમારતની અંદરના માળ ઢાળવાળી છત પર અવલંબિત છે.[૪] બહારનો ભાગ કોટા પથ્થરથી ઢંકાયેલો છે.[૯]

આ ઇમારત ૨,૫૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા વિજ્ઞાન ઉદ્યાનથી ઘેરાયેલી છે, જેમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રને લગતા ૧૫ પ્રદર્શનો છે. તેની સ્થાપના રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદના સહયોગથી કરવામાં આવી હતી.[૫]

ચિત્રદીર્ઘા

[ફેરફાર કરો]

સૌર પ્રદર્શનનું સમયપત્રક

[ફેરફાર કરો]
સોમવારથી રવિવાર (દર ગુરૂવારે રજા)[૧૦] ભાષા
૧૬:૦૦ થી ૧૬:૩૦ ગુજરાતી
૧૭:૦૦ થી ૧૭:૩૦ અંગ્રેજી
૧૮:૦૦ થી ૧૮:૩૦ હિન્દી
 1. સત્તાવાર નામ સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટેરિયમ છે.
 2. ઊંચી બેઠકોવાળી ગોળાકાર રંગભૂમિ
 3. મેઝેનાઇન એ ઇમારતનો વચગાળાનો માળ છે, જે નીચે બે-ઊંચાઈની છતવાળા માળ માટે આંશિક રીતે ખુલ્લો હોય છે, અથવા જે ઇમારતના સમગ્ર ફ્લોરસ્પેસ પર વિસ્તરતો નથી, જે ઢોળાવ વગરની દિવાલો સાથેનો માળ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ Sthanapati, Jayanta (March 2016). "Planetariums in India: Domes By the Numbers". Planetarian. 45 (1): 54.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ "Planetarium". Vadodara Municipal Corporation. મેળવેલ 2024-04-23.
 3. ૩.૦ ૩.૧ Sethi, Anirudh (2019-10-04). Royal Family of Baroda: Gaekwad's (અંગ્રેજીમાં). Notion Press. ISBN 978-1-64587-979-4.
 4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ ૪.૭ Jain, Uttam C., સંપાદક (1977). Santosh Kumar. "Sardar Patel Planetarium, Baroda". Journal of the Indian Institute of Architects (અંગ્રેજીમાં). Architects Publishing Corportion of India, Indian Institute of Architects. 43 (1(January-March)): 6.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Sardar Patel Planetarium". www.baroda.com. મેળવેલ 2024-04-24.
 6. Snehrashmi (21 April 2019). "Inauguration plaque". Wikimedia Commons. મેળવેલ 2024-04-29.
 7. ૭.૦ ૭.૧ ૭.૨ Kulkarni, A. G. (June 1981). "Planetaria in India" (PDF). Planetarian. International Planetarium Society. 10 (2): 27.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ "Planetarium, city info centre to open today". The Times of India. 2017-10-24. ISSN 0971-8257. મેળવેલ 2024-04-22.
 9. ૯.૦ ૯.૧ "SP Planetarium set for Rs 1.29cr makeover". The Times of India. 2016-03-17. ISSN 0971-8257. મેળવેલ 2024-04-29.
 10. https://vmc.gov.in/PlanetariumDetail.aspx#