ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભીમો ગરણિયો માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૨] એ વાર્તા અનુસાર આશરે બસો વર્ષ પૂર્વે આ ગામ ભાવનગર અને પાલીતાણા રજવાડાઓની સીમા પર હતું અને પાલીતાણાના રાજા પ્રતાપસંગજી આ ગામને અડીને એક નવું ગામ વસાવવા માંગતા હતા. રોજનો ટંટો કંકાસ ટાળવાના હેતુથી ગામના મહેસૂલ અધિકારીએ વચમાં ગોંદરા જેટલી જગ્યા રાખીને નવા ગામનો પાયો ખોદવા સૂચવ્યું પણ પ્રતાપસંગને સમજાવવાની કોઈની હિંમત ન હતી. તે સમયે ભીમો ગરણિયો નામના એક આહીર વટેમાર્ગુએ રાજા સાથે મસલત કરી ધમકાવીને ત્યાં નવા ગામની રચના ટળાવી દીધી.[૩]