લખાણ પર જાઓ

ઝીંઝુવાડા (તા. દસાડા)

વિકિપીડિયામાંથી
ઝીંઝુવાડા
—  ગામ  —
ઝીંઝુવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°19′27″N 71°49′49″E / 23.324081°N 71.830379°E / 23.324081; 71.830379
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો દસાડા
વસ્તી ૭,૫૯૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૫ /
સાક્ષરતા ૬૬.૨૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતતર માધ્યમિક શાળા, ઝીંઝુવાડા આર્ટસ કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ઝીંઝુવાડા (તા. દસાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા દસાડા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. ઝીંઝુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. મીઠું પકવવાનો મોટો ઉધોગ પણ અહીં વિકસ્યો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઝીંઝુવાડાના કિલ્લાનો દરવાજો, એક ચિત્ર સ્વરૂપે.
માડાપોળ દરવાજો, હાલમાં.

આઝાદી પહેલાં ઝીંઝુવાડા દેશી રજવાડું અને એજન્સીનું થાણું હતું. નગરના સંરક્ષણ માટે તે સમયે બંધાયેલા કિલ્લાના અવષેશો આજે પણ જોવા મળે છે. કિલ્લાના દરવાજાઓ શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. એક સમયે તે બંદર હતું તે વાતની ગવાહી પૂરતી દીવાદાંડી આજે પણ મોજુદ છે. લોકમાન્યતા મુજબ પ્રાચીન સમયમાં સરસ્વતી નદીનું એક વહેણ અહીંથી પસાર થતું હતું.

એક માન્યતા છે કે, ગામની સ્થાપના ઝુંઝા રબારીએ કરી હતી. દંતકથા પ્રમાણે ઝુંઝાએ રાજા કર્ણદેવ સોલંકીની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી મીનલદેવીને પુત્રનો જન્મ થયો જેને સિદ્ધરાજ જયસિંહ નામ આપ્યું. આમ સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે.[૨] બીજી લોકવાયકા પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું.[૨]

અમુક ગાથાઓમાં અને ઉલ્લેખોમાં ઝુંઝાને રબારી નહીં પણ ભરવાડ, ઝુંઝો ભરવાડ કે ઝુંઝા ભરવાડ, તરીકે ઓળખાવવામાં આવે છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

અહીં આઇ શ્રી રાજ રાજેશ્વરી માતાજીનું મંદિર, નળેશ્વર મહાદેવનું મંદિર, ઝિલ્કેશ્વર મહાદેવનું મંદિર જેવા મંદિરો આવેલા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Zinzuwada Village Population, Caste - Dasada Surendranagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ રાજગોર, શિવપ્રસાદ (જાન્યુઆરી ૨૦૧૪). "ઝીંઝુવાડા". ગુજરાતી વિશ્વકોશ. ૮.૦૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. મૂળ સંગ્રહિત માંથી ૨૮ મે ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૮ મે ૨૦૨૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]