લખાણ પર જાઓ

પાલનપુરનો ઇતિહાસ

વિકિપીડિયામાંથી

પાલનપુરનો ઇતિહાસ પરમાર વંશ દ્વારા શાસિત ઐતિહાસિક નગર ચંદ્રાવતી સાથેના સંબંધથી શરૂ થાય છે. ૧૩મી સદીમાં ચૌહાણો દ્વારા નગર ફરી વસાવવામાં આવ્યું હતું. સત્તરમી સદીની શરૂઆતમાં પાલનપુર રાજ્યનું શાસન ૧૩૭૩માં જાલોરમાં પ્રસ્થાપિત પશ્તુન લોહાણી જાતિના શાસન હેઠળ આવ્યું હતું. આ વંશ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યની પડતી પછીના ૧૮મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન ઐતિહાસિક પ્રાધાન્ય ધરાવતો હતો. ત્યાર પછી નગર મરાઠા શાસન હેઠળ આવ્યું હતું. તે સમયના પ્રવાહને અનુસરી લોહાણીઓએ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આશ્રય માગ્યો હતો અને છેવટે ૧૮૧૭માં પાલનપુર એજન્સી હેઠળ પાલનપુર અન્ય પડોશી રાજ્યો સાથે બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું હતું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૯માં રાજ્ય ભારત સંઘમાં બૃહદ મુંબઈ રાજ્યમાં ભળી ગયું હતું. છેવટે પાલનપુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રારંભિક ઇતિહાસ[ફેરફાર કરો]

પલ્લવીયા પાર્શ્વનાથ મોટા દેરાસર, પાલનપુર ખાતે આવેલી રાજા પ્રહલાદનની મૂર્તિ.

પ્રાચીન સમયમાં પાલનપુર પ્રહલાદન પાટણ અથવા પ્રહલાદનપુર નામે જાણીતું હતું એમ મનાય છે. જૈન ગ્રંથોમાં પરમાર વંશજ આબુના ધારાવર્ષના ભાઇ પ્રહલાદનનો ઉલ્લેખ કરે છે, જેણે ઇ.સ. ૧૨૧૮માં પ્રહલાદનપુરની સ્થાપના કરી હતી અને પલ્લવિયા પાર્શ્વનાથને સમર્પિત પ્રહલાદન-વિહારનું બાંધકામ કર્યું હતું.[૧] તેના પછી નગરને પાલનશી ચૌહાણ દ્વારા ફરી સ્થપાયું હતું, જેના પરથી હાલનું નામ પડ્યું છે. અન્ય મત મુજબ પાલનપુરની સ્થાપના પાલ પરમારે કરી હતી, જેના ભાઇ જગદેવે જગાણા ગામની સ્થાપના કરી હતી. એવું શક્ય છે કે ઇ.સ. ૧૩૦૩માં દેવરા ચૌહાણોના આબુ અને ચંદ્વાવતીના આક્રમણ પછી પાલનશીએ શહેરને ફરીથી વસાવ્યું હોય. સ્થાનિક વાયકા શહેરના ઇતિહાસને પાંચમી સદી જૂનો માને છે અને ચૌહાણોએ ૧૪મી સદીના મધ્ય સુધી શહેર પર મુસ્લિમ આક્રમણ થયું ત્યાં સુધી શાસન કર્યું તેમ માને છે.[૨] પરમાર વંશના સ્થાપત્યની એકમાત્ર નિશાની ૮મી સદીમાં બંધાયેલી મીઠી વાવ હાલમાં બાકી રહી છે.

જાલોરી શાસન[ફેરફાર કરો]

પાલનપુરના શાસકોનું વંશવૃક્ષ

જાલોરી વંશ[ફેરફાર કરો]

પાલનપુર રાજ્ય પર શાસન કરતા વંશની સ્થાપના ઇ.સ. ૧૩૭૩માં થઇ હતી[૩] અને તેના શાસકો લોહાણી પુશ્તુન જાતિના હતા. તેઓ મૂળ ૧૨મી સદી દરમિયાન બિહારમાં સ્થાયી થયા હતા અને ત્યાં સૂબા તરીકે શાસન કર્યું હતું. પાલનપુરમાં વંશની શરૂઆત કરનાર મલિક ખુર્રમ ખાને બિહાર ઇ.સ. ૧૩૭૦માં છોડ્યું હતું. બિહારના હોવાથી તેઓ બિહારી-વિહારી પઠાણ તરીકે ઓળખાતા હતા. તે માંડોરના વિશળદેવના દરબારમાં આવ્યો હતો. તેના પુત્ર મલિક યુસુફે જાલોર અથવા સોનગડના ગવર્નર તરીકે સ્થાયી થયા બાદ માંડોરના રાજાના મૃત્યુ બાદ સર્જાયેલી અંધાધૂંધીનો લાભ લઇને તેણે વિશળદેવના પુત્ર વિરમદેવ અથવા વિશળદેવની વિધવા રાણી પોપાબાઇના હાથમાંથી સત્તાનો દોર સંભાળ્યો હતો.[૪] તેના એક વંશજ મલિક ગઝની ખાન બીજાએ અકબરની દત્તક પુત્રી સાથે લગ્ન કર્યા હતા અને પાલનપુર અને તેની આજુબાજુનો પ્રદેશ દહેજમાં મેળવ્યો હોવાનું કહેવાય છે.[૨][૫]

મલિક યુસુફે તેના મૃત્યુ પર્યંત (ઇ.સ. ૧૩૯૫) ૨૨ વર્ષ શાસન કર્યું અને તેના પછી તેનો પુત્ર મલિક હસન ગાદી પર આવ્યો અને તેણે તેનું રાજ્ય વિસ્તાર્યું અને જાલોરના બાદશાહ તરીકે ઓળખાયો. તઘલખ વંશ (૧૩૨૫ - ૧૪૦૩‌‍) દરમિયાન જાલોરીઓ લગભગ સ્વતંત્ર હતા પરંતુ તેઓ અણહિલવાડ પાટણના સુબેદારની દેખરેખ હેઠળ હતા. ઇ.સ. ૧૩૯૯માં તૈમુરના આક્રમણ વખતે દિલ્હીના શાસકોએ દૂરના પ્રદેશો પરની પકડ ગુમાવી દીધી અને જાલોરીઓ સ્વતંત્ર બન્યા. પરંતુ ઇ.સ. ૧૪૨૨માં ગુજરાત સલ્તનતના મુઝ્ઝફર પહેલાએ ફરીથી તેમને ખંડિયા શાસકો બનાવ્યા અને તેઓ ૭૦૦૦ ઘોડાઓ સાથે તેના દરબારમાં સેવા આપતા હતા.[૨][૫]

૪૫ વર્ષના શાસન પછી મલિક હસનનું મૃત્યુ ઇ.સ. ૧૪૪૦માં થયું હતું. તેને ત્રણ પુત્રો મલિક સાલાર, મલિક ઉસ્માન અને હેતમ ખાન હતા. સૌથી મોટા પુત્રે મલિક સાલારે ૨૧ વર્ષ સુધી સત્તા સંભાળી અને ઇ.સ. ૧૪૬૧માં મૃત્યુ પામ્યો. તેના પછી તેનો ભાઇ મલિક ઉસ્માન ગાદી પર આવ્યો, જે મલિક જબ્દાલ તરીકે પણ ઓળખાતો હતો. તેણે માહદવીઆ પંથનો સ્વીકાર કર્યો, જે ત્યારબાદ જાલોરીઓનો પંથ રહ્યો હતો.[૨] એવું કહેવાય છે કે પંથના સ્થાપક મહમદ જૌનપુરી જાલોરમાં ચાર મહિના રહ્યા હતા અને તેમણે મલિક જબ્દાલને પંથ સ્વીકાર કરાવ્યો હતો. મલિક ઉસ્માનના ૨૨ વર્ષના શાસન પછી તેનો ભત્રીજો મલિક બુધાન, સાલાર ખાનનો પુત્ર ગાદી પર આવ્યો. કેટલાક સ્ત્રોતો મુજબ મલિક જબ્દાલ પછી તેનો ભાઇ હેતમ ખાન ગાદી પર આવ્યો હતો.[૬][૫]

મલિક બુધાને ૨૨ વર્ષ અને ૭ મહિના શાસન કર્યું અને ઇ.સ. ૧૫૦૫માં મૃત્યુ પામ્યો અને તેના પછી તેનો પુત્ર મલિક મુજાહિદ ખાન ગાદી પર આલ્યો. એક વખત શિકાર કરતી વખતે મલિક મુજાહિદ ખાનને યુક્તિથી બંદી બનાવી દેવાયો અને સિરોહી લઇ જવામાં આવ્યો. ત્યાં તેને પૂરતી દરકાર અને જાહોજલાહી સાથે મહેલમાં રાખવામાં આવ્યો. તેના બંધનનો બદલો લેવા માટે મલિક મિના અને પિઆરાએ આગેવાની લઇ સિરોહી પર આક્રમણ કર્યું પરંતુ તેમણે મલિકને ત્યાં દરબારમાં આનંદ કરતો પામ્યો અને તેણે પાછા ફરવાની ના પાડી. તેના થોડા સમય પછી તેમણે સિરોહીના કુંવર મંદનને બંધી બનાવ્યો અને તેના શક્યત: ઇસ્લામ અંગીકરણથી ડરેલા સિરોહીના રાવે મલિક મુજાહિદને મુક્ત કર્યો અને સાથે વિરગામ વિસ્તાર પણ તેમને સોંપ્યો. મલિક મુજાહિદ પાંચ વર્ષ રાજ કર્યા પછી ઇ.સ. ૧૫૦૯માં મૃત્યુ પામ્યો. તે જ્યારે બંદી હતો ત્યારે મલિક હેતમ ખાને જાલોરની ગાદી સંભાળી હતી. મુજાહિદના મૃત્યુ પછી સુલતાન મહમદ બેગડાએ જાલોર અને સાંચોરનું શાસન બાલુ ખાનના પુત્ર શાહ જીવાને આપ્યું. ઇ.સ. ૧૫૧૨માં તેના મૃત્યુ પછી બુધાન ખાન જાલોરીનો પુત્ર મલિક અલી શેર ગાદી પર આવ્યો. મલિક અલી શેરના શાસન સમયે માંડોવરના રાઠોડે જાલોર પર હુમલો કર્યો અને ઘેરો નાખ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધ પછી મુશ્કેલીથી તે પાછો હટ્યો હતો.[૭][૫]

અલી શેરનું ઇ.સ. ૧૫૨૫માં મૃત્યુ થતાં તેનો પુત્ર મલિક સિકંદર ખાન ગાદી પર આવ્યો અને તે સમય દરમિયાન રાજ્ય પર હિંદુ રાજ્યોના આક્રમણો થયા હતા. ઇ.સ. ૧૫૪૨માં જોધપુર રાજ્યના રાવ માલદેવ રાઠોડે જાલોર પર આક્રમણ કર્યું અને તેના પછીના વર્ષે તેણે સાંચોર પર આક્રમણ કર્યું. ઇસ. ૧૫૪૮માં મલિક સિકંદરનું મૃત્યું થયું અને તેના પછી હેતમ ખાનનો પુત્ર મલિક ગઝની ખાન ગાદી પર આવ્યો જેના શાસનના બે વર્ષો દરમિયાન જાલોરી વંશનું શાસન પુન:સ્થાપિત થયું હતું. મલિક ખાનજી તેના પછી આવેલો શક્તિશાળી શાસક હતો. ગઝની ખાનના મૃત્યુના પાંચ વર્ષ પછી ઇ.સ. ૧૫૫૫માં તેરાવાડા અને રાધનપુરનો બલોચ ફતેહ ખાન જાલોર પર આક્રમણ દોરી લાવ્યો. મલિક ખાનજી અને ખુર્રમ ખાને જાલોર તરફથી યુદ્ધની આગેવાની લીધી. બહાદુરીથી યુદ્ધ લડવા છતાં બલોચે જાલોર પર કબ્જો કર્યો અને ખુર્રમ ખાન માર્યો ગયો. બલોચે ૧૫ વર્ષ સુધી જાલોર પર શાસન કર્યું. ત્યાર પછી ઇ.સ. ૧૫૭૦માં મલિક ખાનજીએ તેના સરદારોની મદદથી સેના ભેગી કરી જાલોર પર આક્રમણ કર્યું અને જીતી લીધું.[૭][૫]

ઇ.સ. મલિક ખાનજીનું મૃત્યુ થયું. તેને બે પુત્રો ગઝની ખાન અને ફિરોજ ખાન અને એક પુત્રી તારાબાઇ હતી. તેનો પુત્ર ગઝની ખાન ગાદી પર આવ્યો અને મિરાત-એ-અહમદી પ્રમાણે તેનું રાજ્ય ૭૦૦૦ ઘોડસ્વારો ધરાવતું હતું. ગુજરાત સલ્તનતના સુલ્તાન મુઝ્ઝફરના પક્ષમાં ઉત્તર ગુજરાત તરફથી મદદ કરવા માટે અકબરના હુકમથી તેને બંદી બનાવાયો હતો પરંતુ ૧૫૮૯-૯૦માં તે ફરી ગાદી પર આવ્યો હતો. સાત વર્ષ પછી ઇ.સ. ૧૫૯૭માં પાલનપુરની નોંધ મુજબ ગઝની ખાને અફઘાન જાતિઓના આક્રમણને ખાળી કાઢ્યું હતું અને દિવાન શિર્ષકનું માન લાહોરના શાસન ઇનામ સ્વરૂપે મેળવ્યું હતું.[૮][૫]

પાલનપુર રાજ્ય[ફેરફાર કરો]

પાલનપુર રાજ્યનો નકશો, ૧૯૨૨
જોરાવર પેલેસનો આકાશી દેખાવ, ૧૯૩૬

ગઝની ખાનના ભાઇ મલિક ફિરોઝે પાલનપુર અને ડીસા જીતી લીધા અને પોતાને પાલનપુરનો શાસક જાહેર કર્યો. ઇ.સ. ૧૬૧૪માં ગઝની ખાન મૃત્યુ પામ્યો અને ગાદી પર તેનો પુત્ર પહાર ખાન આવ્યો અને તેની માતાની હત્યાના ગુન્હામાં દોષિત ઠર્યો અને ઇ.સ. ૧૬૧૬માં બાદશાહના ફરમાન મુજબ તેને હાથીના પગ નીચે ચગદીને મારી નાખવામાં આવ્યો. પહાર ખાન પછી તેના કાકા મલિક ફિરોઝ ખાન અથવા કમાલ ખાન ગાદી પર આવ્યો, જે મલિક મુઝાહિદ ખાનનો પુત્ર હતો અને તેણે નવાબનું શીર્ષક ધારણ કર્યું.[૮][૫] તેણે રાણી માનબાઇ જાડેજાની યાદમાં ઇ.સ. ૧૬૨૮માં માન સરોવરનું નિર્માણ કરાવ્યું હતું.

ઇ.સ. ૧૬૫૪માં મુઘલ કુંવર મુરાદ બક્ષની સરદારી નીચે મુઝાહિદ ખાન અણહિલવાડ પાટણનો નિયુક્ત ફોજદાર હતો. ૨૦ વર્ષ પછી ઇ.સ. ૧૬૭૪માં તેના પિતા કમાલ ખાન, જેમને પાલનપુરની સરકારમાંથી દૂર કરવામાં આવ્યા હતા, સત્તા પર પરત ફર્યા. ઇ.સ. ૧૬૯૭માં મુઝાહિદ ખાનને પાલનપુર અને જાલોરમાં હિંદુઓ પર વેરો લેવા માટે મોકલવામાં આવ્યો. ઇ.સ. ૧૬૯૯માં જાલોર અને સાંચોરની સત્તા તેની પાસેથી લઇ લેવામાં આવી અને જોધપુરના અજિતસિંહ રાઠોડને સોંપવામાં આવી; તે પછી જાલોર ક્યારેય જાલોરીઓના હાથમાં ન આવ્યું અને કુટુંબનું કેન્દ્ર પાલનપુર રહ્યું. ઇ.સ. ૧૬૯૭માં રાણીઓનું નિવાસ સ્થાન રાજગઢી બાંધવામાં આવ્યું. મુઝાહિદ પુત્ર વગર મૃત્યુ પામ્યો અને તેના પછી તેનો ભાઇ સલીમ ખાન સત્તા પર આવ્યો અને ઇ.સ. ૧૭૦૦માં તેનો પુત્ર કમાલ ખાન ગાદી પર આવ્યો. કમાલ ખાને સત્તાની પ્રગતિ કરી અને તેના પછી તેનો પુત્ર ફિરોઝ ખાન જે ગઝની ખાન તરીકે પણ જાણીતો હતો, ઇ.સ. ૧૭૦૮માં સત્તા પર આવ્યો.[૮][૫]

લગભગ આઠ વર્ષ પછી ઇ.સ. ૧૭૧૬માં જોધપુરના અજિતસિંહ રાઠોડ ગુજરાતનો વાઇસરોય નિયુક્ત થયો અને તે જાલોરથી અમદાવાદ જતો હતો ત્યારે ફિરોઝ ખાન તેને મળવા ગયો અને તેની સેવાના બદલામાં તેણે દાંતાવાડાનો સિરોહી જિલ્લો મેળવ્યો. ઇ.સ. ૧૭૨૦ના સમયની અંધાધૂંધી વખતે જાલોરીએ સ્વતંત્રતા મેળવવાનું વિચાર્યું. ઇ.સ. ૧૭૨૨માં ફિરોઝ ખાનના મૃત્યુ સમયે તેના બે પુત્રો કમાલ ખાન અને કરિમદાદ ખાન વચ્ચે સત્તા માટે ખેંચતાણ થઇ. કરિમદાદ ખાન અંતમાં જીત્યો અને તેના ભાઇને મૃત્યુદંડ આપ્યો. તેણે અજીતસિંહ રાઠોડ અને જોધપુરના મહારાજા અભયસિંહ રાઠોડની સાથે મળીને સિરોહી વિરુદ્ધના યુદ્ધમાં પાલનપુર, ધાનેરા, મલાણા, સુરબક્રી, દાબેલા, રોહ અને સરોત્રા જીતી લીધા. ઇ.સ. ૧૭૩૦માં તેનું મૃત્યુ થતા તેનો પુત્ર પહાર ખાન ગાદી પર આવ્યો જેણે ૧૭૪૪ સુધી શાસન કર્યું અને તે કોઇ પણ પુત્ર વગર મૃત્યુ પામ્યો.[૯][૫]

મીરાં ગેટ, બહાદુર ખાન (૧૭૪૩ - ૧૭૬૮) દ્વારા બનાવેલ શહેરના કોટનો એકમાત્ર હયાત દરવાજો

પહાર ખાનના શાસન સમયે ઇ.સ. ૧૭૩૬માં કાંતાજી કદમ અને મલ્હાર રાવ હોલ્કરે ઉત્તર ગુજરાત પર ઓચિંતુ આક્રમણ કર્યું અને પાલનપુર પર હુમલો લાવ્યા અને £૧૦,૦૦૦ (રૂ. ૧,૦૦,૦૦૦)ની ખંડણી ઉઘરાવી. પહાર ખાનના મૃત્યુ પછી તેના કાકા બહાદુર ખાન, ફિરોજ ખાનનો પુત્ર, ગાદી પર આવ્યો અને ૧૭૬૮ સુધી સત્તા પર રહ્યો. ઇ.સ. ૧૭૫૩માં બહાદુર ખાનને પટેલ વિઠ્ઠલ સકદેવે વાર્ષિક £૧૦૦૦ (રૂ. ૧૦,૦૦૦), અને પાંચ વર્ષ પછી પેશ્વાના સરદાર સદાશિવ ભાઉએ £3500 (રૂ. ૩૫,૦૦૦)ની ખંડણી ચૂકવવાની ફરજ પાડી હતી.[૯][૫] ઇ.સ. ૧૭૫૦માં બહાદુર ખાને શહેરની ફરતે નગરકોટ બંધાવ્યો હતો. તે ૩ માઇલ પરિઘ અને ૧૭ થી ૨૦ ફીટ ઉંચાઇ તેમજ ૬ ફીટ પહોળાઇની દિવાલો સાથે ૭ પ્રહરી દરવાજાઓ ધરાવતો હતો. કોટમાં દિલ્હી દરવાજો, ગઠામણ દરવાજો, માલણ દરવાજો, મીરાં દરવાજો, વિરબાઇ દરવાજો, સલેમપુરા દરવાજો, સદરપુર દરવાજો અથવા શિમલા દરવાજો નામના દ્વારો હતા. હાલમાં માત્ર મીરાં દરવાજો હયાત છે.

તેના પછી સલીમ ખાન ગાદી પર આવ્યો. બહાદુર ખાને ઢીમાના ચૌહાણ જેતમલજીને થરાદ બહાર હાંકી કાઢ્યા અને રાધનપુરના નવાબ કમાલ-ઉદ્-દીન ખાન બાબી જેઓ જવાન મર્દ ખાન દ્વિતિય વડે જાણીતા હતા, દખલ સુધી ઢીમા પર કબ્જો જાળવ્યો. સલીમ ખાને ઇ.સ. ૧૭૮૧ સુધી શાસન કર્યું અને તેના પછી તેનો પુત્ર શેર ખાન ગાદી પર આવ્યો. તેણે પોતાના ભાઇઓની હત્યા સત્તા પડાવવાના ડરથી કરી હતી. શેરખાન ઇ.સ. ૧૭૮૮ અથવા ૧૭૮૯માં વારસ વગર મૃત્યુ પામ્યો. તેને કદાચ તેની બહેને ઝેર આપ્યું હોવાનું મનાય છે. તેના મૃત્યુ પછી બાબી કુટુંબમાં પરણેલી તેની બહેન સોના બુબુએ તેના પુત્ર મુબારીઝ ખાન પુખ્ત વયનો થાય ત્યાં સુધી ઉછેર્યો. તેની વર્તણૂકોથી નારાજ થયેલા દરબારીઓએ બળવો કર્યો અને મુબારીઝ ખાનને પદભ્રષ્ટ કર્યો અને શમશેર ખાનને ગાદી પર મૂક્યો. ફતેહ ખાનના પુત્ર અને ફિરોઝ ખાનના પૌત્ર ફિરોઝ ખાને હવે ગાદી પર પોતાનો દાવો વ્યક્ત કર્યો અને ઇ.સ. ૧૭૯૪માં ગાદી મેળવી. જ્યારે રાજ્યને ગાયકવાડી શાસનને £૪૩૭૫ (બાદશાહી રૂ. ૫૦,૦૦૧) ખંડણી ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે, ઇસ. ૧૮૦૯માં રાજ્ય બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંપર્કમાં આવ્યું. કેટલાક વર્ષો સુધી સત્તાનો દોર થોડા સિંધી જમાદારોના હાથમાં રહ્યો, જેમણે ૧૮૧૨માં પોતાની સત્તા પર કાપ મૂકાવાના ડરથી શિકાર પર ગયેલા ફિરોઝ ખાનની હત્યા કરી.[૯] તેમણે તેના એકમાત્ર ૧૩ વર્ષના પુત્ર ફતેહ ખાનને ગાદી પર લાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પોતાની માતાની સલાહથી ફતેહ ખાને આ વાતનો અસ્વીકાર કર્યો અને બ્રિટિશરો અને ગાયકવાડ પાસે મદદ માંગી અને પોતાના પિતાના હત્યારાઓથી રક્ષણ માંગ્યું. જમાદારોએ તેથી તેની ધરપકડ કરી બંદી બનાવ્યો અને તેના કાકા શમશેર ખાનને ગાદી પર લાવ્યા, જેઓ ડીસા અને ધાનેરા વિસ્તારોના વડા હતા.[૧૦][૫]

પાલનપુર એજન્સીનો નકશો
તાલે મહંમદ ખાન બહાદુર, પાલનપુરના નવાબ

બરોડા રજવાડાનો રેસિડેન્ટ બ્રિટિશ કેપ્ટન કાર્નાક બ્રિટિશ અને ગાયકવાડી સેના લઇને જનરલ હોમ્સના નેતૃત્વ હેઠળ પાલનપુર તરફ આગળ વધ્યો અને ફતેહ ખાન અને શમશેર ખાને સમર્પણ કર્યું અને જમાદારો શહેર છોડીને ભાગી ગયા. ૨૨ ડિસેમ્બર ૧૮૧૩ના રોજ ફતેહ ખાનને પાલનપુરનો શાસક બનાવાયો અને શમશેર ખાને તેને દત્તક લીધો અને ડીસા અને ધાનેરા પ્રદેશો સહિત બધો વિસ્તાર તેના ભવિષ્યના થનારા પુત્ર માટે અનામત રાખેલા થોડા પ્રદેશો સિવાય બાકીના બધા વિસ્તારો તેને સોંપ્યા. શમશેર ખાન રાજનો કારભાર ચલાવશે તેમજ પોતાની પુત્રીને ફતેહ ખાન સાથે પરણાવશે તેમ પણ નક્કી થયું. કાકા-ભત્રીજા વચ્ચે સતત ચાલતી ખેંચતાણને કારણે બ્રિટિશરોએ મધ્યસ્થી કરી પરંતુ જ્યારે બંને જણા એમાં અસમંત થયા ત્યારે ૧૦ ઓક્ટોબર ૧૮૧૭ના રોજ બ્રિટિશ સેનાએ કર્નલ એલરિંગટનના નેતૃત્વ હેઠળ પાલનપુર પર હુમલો કર્યો. પાલનપુરની સેનાએ શમશેર ખાનના નેતૃત્વ હેઠળ લડાઇ લડી અને કોટની અંદર નાનાં છમકલા પછી શહેર પર બ્રિટિશરોએ કબ્જો કર્યો. શમશેર ખાન અને ફતેહ ખાને નજીકની ટેકરી પર આશરો લીધો અને પછી પીછો કરાતા શમશેર ખાને નીમજમાં શરણ લીધું અને ફતેહ ખાન પાલનપુર આવ્યો અને બ્રિટિશ સત્તાને સ્વીકારી. ૧૮૧૭માં પાલનપુર બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. કેપ્ટન મિલ્સને પાલનપુર એજન્સીનો બ્રિટિશ રાજદ્વારી એજન્ટ નીમવામાં આવ્યો. ૧૮૧૯માં શમશેર ખાન શરણમાં આવ્યો અને તેને નવ ગામો આપવામાં આવ્યા. તે ૧૮૩૪માં મૃત્યુ પામ્યો.[૧૧][૫]

કીર્તિ સ્તંભ, ૧૯૧૮માં તાલે મહમદ ખાન દ્વારા બાંધવામાં આવેલો મિનારો.

ઇ.સ. ૧૮૨૨માં ફતેહ ખાન પોતાના વિસ્તારમાંથી અફીણની હેરાફેરી પર પ્રતિબંધ મૂકવા સંમત થયો. ઇ.સ. ૧૮૪૮માં ગાયકવાડના એજન્ટની નિમણૂક રદ કરવામાં આવી અને ૬ વર્ષ પછી ૧૮૫૪માં ફતેહ ખાન ચાર પુત્રો, શમશેર ખાનની પુત્રીથી જોરાવર ખાન, અહમદ ખાન અને બીજી પત્નિથી ઉસ્માન ખાન અને સિકંદર ખાનને મૂકીને અવસાન પામ્યો. જોરાવાર ખાને સત્તા પર આવીને ૧૮૫૭ના સ્વતંત્રતાના પ્રથમ સંગ્રામમાં બ્રિટિશરોની મદદ કરી હતી. ૨૮ ઓગસ્ટ ૧૮૭૮ના રોજ તે અવસાન પામ્યો અને તેનો પુત્ર શેર મહમદ ખાન સત્તા પર આવ્યો. ૧૯૧૦માં તેનું માનદ્ શીર્ષક નવાબ સાહેબ કરવામાં આવ્યું. તેણે દિલ્હીમાં રાજા જ્યોર્જ પાંચમાંના દરબારમાં હાજરી આપી અને ઇ.સ. ૧૯૧૩માં પાલનપુરમાં જ્યોર્જ ફિફ્થ ક્લબ બાંધી. ૧૯૧૮માં શેર મહમદ ખાનનું અવસાન થયું અને તાલે મહમદ ખાન ગાદી પર આવ્યો.[૧૨][૫] તેણે ઇ.સ. ૧૯૧૮માં રેલ્વે સ્ટેશનની નજીક કીર્તી સ્તંભ બનાવ્યો, જે તેના પિતા અને વંશના ઇતિહાસની ગાથા ધરાવતું લખાણ ધરાવે છે. ૧૯૨૨ અને ૧૯૩૬ની વચ્ચે બાલારામ પેલેસ અને જોરાવર પેલેસનું નિર્માણ થયું. ૧૯૩૯માં અગાઉ જહાંનારા બાગ તરીકે ઓળખાતો શશીવન બગીચો તેની બીજી પત્નિ જોન ફોલ્કિનેર માટે બાંધવામાં આવ્યો,[૧૩] જે ઓસ્ટ્રેલિયન વેપારીની પુત્રી હતી. તેમણે ૧૯૪૭, ભારતની સ્વતંત્રતા સુધી રાજ કર્યું.

સ્વતંત્રતા પછી[ફેરફાર કરો]

૧૯૪૯માં પાલનપુર રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું અને તેને બોમ્બે પ્રેસિડેન્સીમાં ભેળવી દેવાયું. પાલનપુર મુંબઈ રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું. મુંબઈ રાજ્યના જ્યારે ૧૯૬૦માં ભાષાવાર ભાગલા થયા ત્યારે તે ગુજરાતનો ભાગ બન્યું. છેલ્લાં કેટલાક વર્ષોમાં શહેરે વિસ્તાર અને વસ્તીમાં ઝડપી પ્રગતિ જોઇ છે. કાપડનો વ્યવસાય અને ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં સ્થાપિત મૂળ પાલનપુરના લોકોને કારણે અહીં વ્યવસાયોનો વિકાસ થયો. ઇ.સ. ૧૯૬૯માં અહીં સહકારી ડેરી બનાસ ડેરીની સ્થાપના થઇ.

પાલનપુરના છેલ્લા શાસક તાલે મહમદ ખાન ઇ.સ. ૧૯૫૭માં મૃત્યુ પામ્યા. તાલે મહમદ ખાનના પછી કુટુંબના વડા ઇકબાલ મહમદ ખાન અને ઇ.સ. ૨૦૧૦માં મુઝ્ઝફર મહમદ ખાન બન્યા.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. ઢાંકી, મધુસૂદન એ. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 81.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 318.
 3. "Princely States - Palanpur". મૂળ માંથી 2018-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-04.
 4. Royalark - Palanpur State
 5. ૫.૦૦ ૫.૦૧ ૫.૦૨ ૫.૦૩ ૫.૦૪ ૫.૦૫ ૫.૦૬ ૫.૦૭ ૫.૦૮ ૫.૦૯ ૫.૧૦ ૫.૧૧ ૫.૧૨ ૫.૧૩ "Palanpur". royalark.net. મેળવેલ 24 October 2015.
 6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 318-319.
 7. ૭.૦ ૭.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 319.
 8. ૮.૦ ૮.૧ ૮.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 320.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 321.
 10. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 321-322.
 11. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 321-323.
 12. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 323.
 13. Ghose, Anandita (2011-12-09). "Joan in India". Livemint. મેળવેલ 2017-11-18.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]