લખાણ પર જાઓ

શામળાજીનો મેળો

વિકિપીડિયામાંથી

શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો મેળો છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે, આ લોકો શામળાજી (બળીયા બાવજી) માં ખૂબ શ્રદ્ધા ધરાવે છે.[] ગુજરાતના વિવિધ પ્રદેશો તેમજ રાજસ્થાન રાજ્યમાંથી પણ લોકો આ મેળામાં આવે છે.[]

અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદી અને પિંગળા નદી ના સંગમ સ્થાન કાંઠે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં આ મેળો ભરાય છે.[]

શામળાજીનો મેળો દેવઊઠી અગિયારસથી પૂનમ સુધી ભરાય છે, જે ગુજરાતનો સૌથી લાંબા સમય સુધી ચાલતો મેળો છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

શામળાજીનું મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ શામળાજીની આજુબાજુના વિસ્તારમાંથી મળેલા અવશેષોના આધારે પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ આ મંદિર ઈ.સ. ૪૦૦ થી ઈ.સ. ૫૦૦ ના અરસામાં બંધાયેલ હોવાનું અનુમાન છે.[][]

શામળાજીના નિર્માણ પાછળ ત્રણ દંતકથાઓ પ્રચલિત છે:

(૧) એક મત મુજબ એક વખત બ્રહ્મા પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ તીર્થની શોધ કરતા કરતા શામળાજી આવી પહોંચ્યા અને ત્યાં રોકાઈ તેમણે તપ અને યજ્ઞ પ્રારંભ કર્યા. પરિણામે ભગવાન વિષ્ણુ શામળાજી સ્વરૂપે પ્રગટ થયા અને ત્યાં સ્થાપિત થયા.

(૨) અન્ય એક દંતકથા મુજબ દેવોના સ્થપતિ વિશ્વકર્માએ આ મંદિરને એક રાતમાં બાંધ્યું હતું.

(૩) ત્રીજી દંતકથા મુજબ એક આદિવાસી ખેડૂતને ખેતી કરતી વખતે અહીંથી શામળાજીની મૂર્તિ મળી હતી. ત્યાં વૈષ્ણવ ભક્તો દ્વારા મંદિર બંધાવવામાં આવ્યું.[]

શામળાજીના મેળામાં બ્રાહ્મણો,વાણિયાઓ,રાજપૂતો અને પાટીદારો ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પણ શ્રદ્ધાળુ લોકો આ મેળામાં દર્શન કરવા અને મેળાને માણવા આવે છે. બે લાખથી વધુ લોકો આ મેળામાં દર્શન કરવા છે. આ મેળામાં મંત્ર-તંત્રની સાધના કરવા ભૂવાઓ-બાવાઓ પણ મોટી સંખ્યામાં આવતા જણાય છે.[][]

મેળામાં દૂરથી રંગબેરંગી વસ્ત્રો પહેરી આવેલા અસંખ્ય લોકોમાં મુખ્યત્વે ‘ગરાસિયા’ કોમના લોકો વિશેષ જોવા મળે છે. શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ મહત્વ છે.[]

શામળાજીના મેળામાં આદિવાસી પ્રજા પોતાના પરંપરાગત પહેરવેશ અને આભુષણથી શોભતા અને ગીતો ગાતા મેળામાં નજરે પડે છે. મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે!' [] યુવક યુવતીઓ પોતાના મનમાં માનેલા જીવનસાથીને મળતા હોય છે. મેળામાંથી વડેલા, કાનકુલ, મડળીયા, હાથવાળા, અમ્બળો જવાળાં, રમજા કે ઝાંઝર વગેરે ચાંદીના ઘરેણાની ખરીદી કરે છે. આદિવાસી સ્ત્રીઓ છુંદણાંની ખુબ શોખીન હોય છે. તેઓ મેળામાં છુંદણાં છુંદાવે છે. આ મેળામાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ પોતાની દુકાનો ચાલુ કરે છે.[]

મેળામાં આવતા લોકોને રહેવા માટેની પણ ધર્મશાળાઓ પણ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ સેદાણી, હસુતાબેન શશીકાંત (૨૦૧૫). ગુજરાતની લોકસંસ્કૃતિ. અમદાવાદ: યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૮૫. ISBN 97-89-381265-97-0.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૨૫.
  3. ૩.૦ ૩.૧ કાલરીયા, અશોક (૨૦૧૯). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૨૮-૨૯.
  4. ૪.૦ ૪.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૮-૪૦.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]