લખાણ પર જાઓ

સોમનાથ

વિકિપીડિયામાંથી
(સોમનાથ મંદિર થી અહીં વાળેલું)
સોમનાથ મંદિર
સોમનાથ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગીર સોમનાથ
દેવી-દેવતાશિવ (સોમનાથ)
તહેવારમહાશિવરાત્રી
સંચાલન સમિતિશ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત
સ્થાન
સ્થાનપ્રભાસ પાટણ, વેરાવળ
રાજ્યગુજરાત
દેશભારત
સોમનાથ is located in ગુજરાત
સોમનાથ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ20°53′16.9″N 70°24′5.0″E / 20.888028°N 70.401389°E / 20.888028; 70.401389
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારચાલુક્ય શૈલી
પૂર્ણ તારીખ૧૯૫૧ (હાલનું મંદિર)

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામીક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

નામ ઉત્પત્તિ

[ફેરફાર કરો]

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બાંધ્યું હતું.

ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને "ચંદ્ર તારો ક્ષય થાય." એવો શ્રાપ આપ્યો.. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે

ઇતિહાસ

[ફેરફાર કરો]

મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.[]

૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.[]

૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. [] સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.[] અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. [] મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું.[][] ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.[]

સ્વતંત્ર ભારતમાં પુન:નિર્માણ

[ફેરફાર કરો]

ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી.[૧૦] શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.[સંદર્ભ આપો] સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

ચિત્રો

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jay Somnath". Official website of Somnath Temple. મૂળ માંથી 2011-10-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૫.
  2. Melton, J. Gordon (૨૦૧૪). Faiths Across Time: 5,000 Years of Religious History. ABC-CLIO. પૃષ્ઠ 516, 547, 587. ISBN 1610690265.
  3. વિવેકપ્રિયદાસજી, સાધુ (૨૦૧૦). આપણો સાંસ્કૃતિક વારસો ભાગ-૧. સ્વામિનારાયણ અક્ષરપીઠ. પૃષ્ઠ 70. ISBN 81-7526-059-9.
  4. દુર્ગાશંકર, શાસ્ત્રી. શૈવધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ. પૃષ્ઠ ૧૪૭, ૧૫૪.
  5. Yagnik & Sheth ૨૦૦૫, p. ૪૭.
  6. શંભુપ્રસાદ, દેસાઈ. પ્રભાસ અને સોમનાથ. પૃષ્ઠ ૨૬૩-૨૬૪.
  7. Satish Chandra, Medieval India: From Sultanat to the Mughals, (Har-Anand, 2009), 278.
  8. Yagnik & Sheth ૨૦૦૫, p. ૫૫.
  9. દુર્ગાશંકર, શાસ્ત્રી. ઐતિહાસિક સંશોધન. પૃષ્ઠ ૫૮૧.
  10. વિવેકપ્રિયદાસજી, સાધુ (૨૦૧૦). આપણો સાંસ્કૃતિક વારસો ભાગ-૧. સ્વામિનારાયણ અક્ષરપીઠ. પૃષ્ઠ ૭૨. ISBN 81-7526-059-9.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]