આંસોદર (તા. લાઠી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આંસોદર
—  ગામ  —

આંસોદરનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′18″N 71°23′08″E / 21.72167°N 71.38546°E / 21.72167; 71.38546
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો લાઠી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

આંસોદર (તા. લાઠી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા લાઠી તાલુકામાં આવેલું એક ગામ છે. આંસોદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગારીયાધારમાં નવઘણજી ગોહિલ રાજ કરતા હતા ત્યારે ખેરડી રજવાડાંના લોમા ખુમાણ અહીં થોડો સમય રહ્યા હતા. ખીમો ચાંડસર, જેઓ પણ કાઠી હતા, નવઘણજીના મંત્રી હતા. તેઓ લોમા ખુમાણના દૂરના સગા હોવાથી તેમને એક દિવસ આંસોદર આવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું. ગારીયાધારમાં શાકભાજી થતા હોવાથી લોમા ખુમાણે તે લેતા આવવા જણાવ્યું પણ ખીમાએ અભિમાનથી જવાબ મોકલ્યો કે નવઘણજી શાકભાજીવાળા નથી કે તેમણે લોમાને શાકભાજી મોકલવા જોઇએ. લોમાએ જવાબમાં કહેડાવ્યું કે તેઓ શાકભાજી માટે ઘોડાઓ મોકલશે અને તેમનું પશુધન પણ સાથે લઇ જશે. ખીમોએ જવાબ આપ્યો કે તેમને વળતો જવાબ અપાશે. લોમાએ બસ્સો પસંદગીના ઘોડેસવારોઓ લડવા મોકલ્યા અને તેઓ પશુધન ઉઠાવી લાવ્યા.[૧]

લડાઈ થતા નવઘણજી ગોહિલ શિહોરમાં ધુનોજી ગામ નાસી ગયા અને લોમા ખુમાણે ગારીયાધર કબ્જે કર્યું અને ત્યાં પોતાના પુત્ર કાંથડ ખુમાણને સૈન્યનો વડો બનાવ્યો. સાથે સાથે ધુનોજી પર હુમલાની તૈયારી પણ કરી. બંને સૈન્યો વાલાવાડ અને પછી ધુનોજી પાસે લડ્યા જેમાં ખીમાનું મૃત્યુ થયું. લોમા ખુમાણ ખેરડી પાછા ફર્યા જ્યાં તેમના કાકા નાગપાલ ખુમાણ રાજ કરતા હતા. લોમા ખુમાણની ગેરહાજરીનો લાભ લઈને બારિયાના કોળી અને સિહોરના અખેરાજજીની મદદથી છેતરીને નવઘણજી ગારીયાધારમાં દાખલ થયા અને તેને જીતી લીધું. તેઓએ કાંથડ ખુમાણને કેદ કરી લીધો અને મોતની સજા ફરમાવી. લોમા ખુમાણે પોતાના પુત્રને બચાવવા હુમલો કર્યો પણ જીતી શક્યો નહિ. ચારણ મોકાભાઈની મધ્યસ્થી દ્વારા નવઘણજી અને લોમા ખુમાણ વચ્ચે શાંતિ સ્થપાઈ અને તેઓએ સાથે બેસી કસુંબો પીધો. નવઘણજીએ તેમના પુત્રના મૃત્યુના વળતર રૂપે તેમને રાણીગામ લોમા ખુમાણને આપ્યું જે બ્રિટીશ રાજના સમયમાં પણ ખુમાણના વંશજોના કબજામાં હતું.[૧]

લોમા ખુમાણને નવાનગર રજવાડાં સાથે પણ વેર હતું. આ વેરની શરૂઆત એક ઘટનાથી થઇ. એક વાર નવાનગરના કુંવર અજોજી અને જુનાગઢના અમીન ખાન ઘોરી સાથે તેઓ કોડીનારના મિર્ઝા ખાન સાથે લડવા ગયા. આ સમયે જામ સતાજીના મંત્રી જસા લાધકે તેમને એક હાથી પાછો સોંપવા કહ્યું પણ તે ખુમાણ માન્યા નહિ. પછીથી જયારે ખુમાણ અમદાવાદના સુલતાન મુઝફ્ફરને ત્યાં ગયા હતા ત્યારે જસા લાધકએ ખેરડી પર હુમલો કર્યો અને તે હાથી પાછો લઇ ગયા. લોમા ખુમાણને આ માલુમ થતા એ ગુસ્સે થયા પણ જવાબ વાળ્યો નહિ. ત્યારબાદ જામને ખુમાણે ભૂચર મોરીના યુદ્ધમાં રેઢા મૂકી સાથ ન આપ્યો અને યુદ્ધમાં જસા લાધક અને કુંવર અજોજી મૃત્યુ પામ્યા. આ પછી લોમા ખુમાણ અને નવાનગર પછીના સંબંધો અત્યંત કડવા બન્યા અને લોમા ખુમાણે સીધા નવાનગર પર એના દરવાજે જઈને હુમલા કર્યા. એક વખત લોમા ખુમાણ એક વાર નવાનગર નજીકની રંગમતી નદીના કિનારે જામ જસાજી, તેમના ભાણીયા લાખોજી અને તેમના સેનાપતિ સરતાનજીને મળ્યા. જામે લોમા ખુમાણને ભાગી જવા કહ્યું અને હુમલાની ધમકી આપી. ખુમાણ ભાગ્યા નહિ અને તે બંને વચ્ચે લડાઈ થઇ. તેમાં જામ હાર્યા અને તેઓ નવાનગર પાછા ફર્યા. તેમન સેનાપતિ સરતાનજી અને લાખોજીનો ઘોડા લડાઈમાં મરી ગયા. જામે લોમા ખુમાણને આમંત્રણ આપી નવાનગર બોલાવ્યો અને દગો કરી પકડીને મારી નાખ્યો.[૧]

આ વિષે ચારણનો દોહો છે, જે નીચે મુજબ છે:[૧]

પશ્ચિમમાં હુંડો પાદશાહ જામ ખુટો જોરાવર,
લખી પાટીયા મોકલે અભંગ લોમા ઉપર.
અસર બોલે એમ તરત નગર તેડ્યો,
જામ કચેરી જેહ અભંગ મળવા આયો.
દાની પતિએ દીધો દગો જંજીર લઇ પગમાં જડ્યો,
સંવત સોળ એક્કદાહીએ[નોંધ ૧]
પરાજ થંભ લોમા પડ્યો.[નોંધ ૨]

આંસોદર ત્યારબાદ સાવરકુંડલાના કુંડલા ખુમાણો હેઠળ આવ્યું અને ત્યાર પછી કુંડલા પરગણાં સહિત ભાવનગરના વખતસિંહજી દ્વારા જીતી લેવાયું. ત્યાર પછી તે ચિતલના કુંપા વાળાએ તેને જીતી લીધું પરંતુ આશરે ૧૭૯૭માં ફરીથી ભાવનગરમાં સાલડી સહિત પાછું ગયું.[૧]

નોંધ અને સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. આ હાલારી સંવત છે, જે ઇ.સ.માં ૧૬૨૦ છે.
  2. પરાજ એ કાઠીઓનો બારોટ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૬૮-૩૬૯. Check date values in: |year= (મદદ)

PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે.: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૬૮-૩૬૯. Check date values in: |year= (મદદ)