કોટેશ્વર (તા. લખપત)

વિકિપીડિયામાંથી
કોટેશ્વર (તા. લખપત)
—  ગામ  —
કોટેશ્વર (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°41′15″N 68°31′42″E / 23.687594°N 68.528219°E / 23.687594; 68.528219
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
દરિયાકિનારે આવેલું કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર
કોટેશ્વર મંદિર

કોટેશ્વર (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧]. ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ભારત - પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.

નામ[ફેરફાર કરો]

કોટેશ્વરનો અર્થ "એક કરોડ ભગવાન" થાય છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

આ બંદર પ્રસિદ્ધ ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે શોધ્યું હતું એમ મનાય છે. એ વખતે આ સ્થળે શૈવમંદિર અને પાશુપત સાધુઓ હોવાનું હ્યુ-એન-ત્સાંગના વણન ઉપરથી લાગે છે. આ બંદરની પ્રાચીન મહત્તા નાશ પામી છે. ગામથી કોટેશ્વરનું મંદિર એક માઈલ છેટે ટેકરા ઉપર આવેલું છે. દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સં. ૧૮૭૭માં બંધાયું છે. આ સ્થળનું પ્રાચીન મંદિર તદ્દન નાશ પામ્યું છે અને એની કશી નિશાનીઓ જળવાઈ નથી. અત્યારે કોટેશ્વર અને નીલકંઠ બે શૈવમંદિરો ફકત છે, પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતાં કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે અને એ મંદિરના પાશુપત આચાર્યોનું જોર હશે એમ લાગે છે. કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે પણ તૂટેલા મંદિરના અવશેષો વિખેરાયેલા જોવા મળે છે.

કથા[ફેરફાર કરો]

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.

પરિવહન[ફેરફાર કરો]

કોટેશ્વર ભૂજથી ૧૨૫ કિમી દૂર આવેલું છે અને અન્ય હિંદુ ધાર્મિક સ્થાન નારાયણ સરોવર માત્ર ૪ કિમી દૂર છે.[૩] કોટેશ્વર રોડથી જિલ્લા મથક ભુજ સાથે જોડાયેલું છે. ભુજથી બસ દ્વારા અને નારાયણ સરોવરથી ચાલીને પણ જઇ શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ 229–231.
  3. Krishna Gopal, Phal S. Girota (૧૮ ઓગસ્ટ ૨૦૦૯). Fairs and Festivals of India: Chhattisgarh, Dadra and Nagar Haveli, Daman. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન