શરીફા વીજળીવાળા
શરીફા વીજળીવાળા | |
---|---|
શરીફા વીજળીવાળા ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, જાન્યુઆરી ૨૦૨૨ | |
જન્મ | 4 August 1962 |
વ્યવસાય | અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી. ફાર્મ., એમ.એ.(ગુજરાતી), પીએચ.ડી. |
માતૃ શિક્ષણ સંસ્થા | મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાના સન્દર્ભે કથાસાહિત્યની એક મહત્ત્વની રચનારીતિગત પ્રયુક્તિ તરીકે કથનકેન્દ્રનો આલોચનાત્મક અભ્યાસ (૧૯૯૩) |
માર્ગદર્શક | શિરિષ પંચાલ |
શરીફા વીજળીવાળા (જ. ૪ ઓગસ્ટ ૧૯૬૨) ગુજરાત ભારતના અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક છે.
જીવન
[ફેરફાર કરો]શરીફા વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે હાજરાબેન અને કાસમભાઈને ત્યાં થયો હતો.[૧] ૧૯૭૮માં એસ.એસ.સી. અને ૧૯૮૧માં એચ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી ૧૯૮૫માં મ.સ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાંથી બેચલર ઑફ ફાર્મસીની પદવી મેળવી.[૨] પાંચ વર્ષ દવા ઉત્પાદક કંપનીમાં ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરી. સાહિત્યમાં અભિરુચિને કારણે નોકરીની સમાંતરે ૧૯૮૬માં ગુજરાતી વિષય સાથે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૯૦માં તેમણે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવી કાંટાવાલા સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી મેળવી.[૧] અભ્યાસ દરમિયાન જ તેમણે યુજીસી-નેટ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને જુનિયર રિસર્ચ ફેલોશિપ મેળવી. આમ, ૧૯૯૦માં ફાર્મસી ક્ષેત્ર છોડી તેઓ અધ્યાપનક્ષેત્રે કાર્યરત થયા.[૨] ૧૯૯૪માં તેમણે શિરિષ પંચાલના માર્ગદર્શન હેઠળ પોઇન્ટ ઑફ વ્યુ ઇન શોર્ટ સ્ટોરીઝ: અ ક્રિટીકલ સ્ટડી વીથ રેફરન્સ ઓફ સમ ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ શોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.[૧][૩] ૧૯૯૧ થી ૨૦૧૩ સુધી તેઓએ સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપન કાર્ય કર્યું[૨] અને ૨૦૧૩થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગના વડા અને પ્રાધ્યાપક છે.[૪]
સર્જન
[ફેરફાર કરો]શરીફા વીજળીવાળા ગુજરાતી ભાષાના અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક છે.[૫] તેમણે પોતાનો પહેલો લેખ મારા બાપુ લખ્યો હતો, જે ૧૯૮૮માં જોસેફ મેકવાન દ્વારા સંકલિત પિતૃતર્પણ પુસ્તકમાં પ્રકાશિત થયો હતો.[૧] ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર (૨૦૦૦) એ તેમનો પહેલો વિવેચન ગ્રંથ હતો. વાર્તાસંદર્ભ (૨૦૦૧), સંપ્રત્યય (૨૦૦૩), નવલવિશ્વ (૨૦૦૬), અને વિભાજનની વ્યથા (૨૦૧૪) એ તેમના અન્ય વિવેચન ગ્રંથો છે.[૬]
તેમણે ઘણી સાહિત્યિક કૃતિઓના અનુવાદ કર્યા છે. તેઓ ઉત્તમ અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સાહિત્યિક અનુવાદની તેમની યાત્રાની શરૂઆત ૧૯૯૪માં પશ્ચિમી સાહિત્યની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓના અનુવાદ સાથે થઈ હતી. અનન્યા (૧૫ વિદેશી વાર્તાઓ), અનુસંગ (૧૦ વિદેશી વાર્તાઓ), ત્રણ કથાઓ (શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓ), વચન (કન્નડ વચનો, સહ-અનુવાદક), ગાંધીની કેડીએ (સરલાબહેનની આત્મકથાનો સંક્ષિપ્ત અનુવાદ) તેમના અનુવાદો છે. ભારત વિભાજન પર આધારિત સાહિત્યના અનુવાદક તરીકે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. મન્ટોની વાર્તાઓ (૨૦૦૩), વિભાજનની વાર્તાઓ (૨૦૦૫), ઇંતિઝાર હુસૈનની વાર્તાઓ (૨૦૦૮), જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી (અસગર વજાહતનું હિન્દી નાટક) (૨૦૧૧), સુકાતો વડ (મંઝૂર એહતેશામની હિન્દી નવલકથા) (૨૦૧૬), પિંજર (અમૃતા પ્રિતમની નવલકથા) એ તેમના ભારત વિભાજન સંબંધિત અનુવાદો છે.[૬] યુજીસી, નવી દિલ્હી દ્વારા વિભાજન વિષય પર આધારિત વિભાજન સાહિત્યનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ સંશોધન પ્રકલ્પ બે વર્ષના ટૂંકા ગાળામાં (નવે. ૨૦૦૯ થી નવે. ૨૦૧૧) તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.[૩] જાણીતા ગુજરાતી લેખક હિમાંશી શેલત તેમના અનુવાદો સંદર્ભે જણાવે છે કે; “સ્ત્રોત ભાષાની સોડમ ગુમાવ્યા વિના શરીફા વિજળીવાળાની અનુવાદિત કૃતિઓ લક્ષ્ય ભાષાની સ્પષ્ટતા જાળવવાનો ઉદ્દેશ રાખે છે. તેઓ તેમના અનુવાદોમાં ઉત્કૃષ્ટતાના ઉચ્ચ ધોરણો હાંસલ કરવા માટે ખંતપૂર્વક કામ કરે છે.”
બાની વાતું (૧૯૯૯), બકુલેશની વાર્તાઓ (૨૦૦૪), ૨૦૦૦ની વાર્તાઓ, શતરૂપા (૨૦૦૫), જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિ (૨૦૦૯), જયંત ખત્રીનો વાર્તાવૈભવ (૨૦૧૦), વાર્તાવિશેષ: હરીશ નાગ્રેચા (૨૦૧૦), વાર્તાવિશેષ: સરોજ પાઠક (૨૦૧૨), વાર્તાવિશેષ: હિમાંશી શેલત (૨૦૧૨), રતિલાલ અનિલના ઉત્તમ ચાંદરણા (૨૦૧૪), વિભાજનની ગુજરાતી વાર્તાઓ (૨૦૧૮), હિમાંશી શેલત અધ્યયન ગ્રંથ (૨૦૧૮), ભગવતીકુમાર શર્માનો વાર્તાવૈભવ (૨૦૧૯), શિરિષ પંચાલ અધ્યયન ગ્રંથ (૨૦૨૦), ઉમાશંકર જોશીનો વાર્તાવૈભવ (૨૦૨૦), પન્નાલાલ પટેલનો વાર્તાવિશેષ (૨૦૨૦), મેઘાણીનો વાર્તાવૈભવ (૨૦૨૧), વર્ષા અડાલજાનો વાર્તાવૈભવ(૨૦૨૧), ઘનશ્યામ દેસાઈનો વાર્તાવૈભવ (૨૦૨૩), મોહન પરમારનો વાર્તાવૈભવ (૨૦૨૩) એ તેમની સંપાદન કૃતિઓ છે.
આ ઉપરાંત, સંબંધોનું આકાશ (૨૦૧૧) એ તેમનાં સંસ્મરણો છે. સમ્મુખ (૨૦૧૪) અને વ્યથાની કથા (૨૦૧૪) એ તેમના મુલાકાત ગ્રંથો છે. તેમના અન્ય સર્જનોમાં મન્ટોની વાર્તાસૃષ્ટિ - પરિચય પુસ્તિકા (૨૦૦૨), કોમી સમસ્યાની ભીતરમાં (૨૦૧૦), એસએમએસ (૨૦૧૨) અને હાર્મની (૨૦૧૮)નો સમાવેશ થાય છે.
તેમનાં કેટલાંક પુસ્તકો ભાવનગર યુનિવર્સિટી અને દ.ગુ. યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયેલાં છે.[૫]
પુરસ્કાર
[ફેરફાર કરો]વીજળીવાળાને ઘણા શૈક્ષણિક તેમજ સાહિત્યિક પુરસ્કારો મળ્યા છે[૩] ૧૯૮૮માં, તેમને પ્રાણજીવન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાઇઝ મળ્યું હતું. ૧૯૯૦માં તેમણે સમગ્ર મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવી કાંટાવાલા સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.[૧] વિવેચન અને અનુવાદ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. અનન્યા (૨૦૦૦), બા ની વાતું (૨૦૦૦),[૧] વાર્તાસંદર્ભ (૨૦૦૨), સંપ્રત્યય (૨૦૦૩) અને મંટોની વર્તાઓ (૨૦૦૩)ને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. વીજળીવાળાને તેમના સંશોધનપત્ર ધ સ્ટડી ઑફ સમ સ્ટોરીઝ થ્રો ફેમિનીસ્ટિક પોઇન્ટ ઑફ વ્યૂ ઇન ગુજરાતી લેન્ગવેજ માટે એસ.પી.યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ સંશોધનપત્ર પુરસ્કાર (૧૯૯૯) એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમના શોધનિબંધને રમણલાલ જોશી વિવેચન પુરસ્કાર (૨૦૦૨) એનાયત કરવામાં આવ્યો છે.[૫] તેમને જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો નથી નાટ્ય અનુવાદ માટે વર્ષ ૨૦૧૫નો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર અને ભારત વિભાજન સંબંધિત વિવેચન પુસ્તક વિભાજનની વ્યથા માટે વર્ષ ૨૦૧૮નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.[૭][૮] આ ઉપરાંત, તેમને નવનીત સમર્પણ, ભારતીય વિદ્યા ભવન દ્વારા સોહમ ઍવોર્ડ અને મહુવા ખાતેના સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા મોરારીબાપુના હસ્તે સદ્ભાવના પુરસ્કાર (૨૦૧૭)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ શર્મા, રાધેશ્યામ (2005). સાક્ષરનો સાક્ષાત્કાર: ૮ (1st આવૃત્તિ). અમદાવાદ: રન્નાદે પ્રકાશન. પૃષ્ઠ 62-73.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ વીજળીવાળા, શરીફા (June 1999). ત્રિવેદી, હર્ષદ (સંપાદક). તપસીલ : સહિત્યકારો સાથે મુલાકાત. 8. 2. અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 313–316. ISBN 81-7227-046-1.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "Dr. Sharifa K. Vijaliwala" (PDF). www.vnsgu.ac.in. મૂળ (PDF) માંથી 2021-08-03 પર સંગ્રહિત.
- ↑ Mehta, Yagnesh Bharat (12 August 2019). "Sahitya Akademi winner victim of VNSGU's whim". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 3 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2021.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (June 2013). ત્રિવેદી, શ્રદ્ધા; શાહ, ડૉ. કિર્તિદા; શાહ, ડૉ. પ્રતિભા (સંપાદકો). ગુજરાતના સારસ્વતો-૨. મ-હ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય સભા. પૃષ્ઠ 180–181.
- ↑ ૬.૦ ૬.૧ શાહ, દિપ્તી (March 2009). ગુજરાતી લેખિકાસૂચિ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 73.
- ↑ @chitralekhamag (December 5, 2018). "વર્ષ ૨૦૧૮ના સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત..." (ટ્વિટ) – ટ્વિટર વડે.
- ↑ "Sahityotsav : Festival of Latters (Daily News Bulletin)" (PDF). www.sahitya-akademi.gov.in.