જલિયાંવાલા બાગ હત્યાકાંડ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ | |
---|---|
જલિયાંવાલા બાગના પ્રવેશદ્વાર તરફ લઈ જતો ઊંચી દિવાલો વચ્ચેનો સંકીર્ણ માર્ગ | |
Location of Amritsar in India | |
સ્થાન | અમૃતસર, પંજાબ, |
અક્ષાંશ-રેખાંશ | 31°37′13.87″N 74°52′49.55″E / 31.6205194°N 74.8804306°E |
તારીખ | ૧૩ એપ્રિલ ૧૯૧૯ ૦૫:૩૭ p.m (IST) |
લક્ષ્ય | જલિયાંવાલા બાગ, અમૃતસર ખાતે એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ અને વૈશાખી ઉત્સવના તીર્થયાત્રીઓ |
હુમલાનો પ્રકાર | હત્યાકાંડ |
શસ્ત્રો | લી-એનફીલ્ડ રાયફલ્સ |
મૃત્યુ | ૩૭૯ – ૧૬૦૦[૧] |
ઘાયલ | અંદાજે ૧,૧૧૫ |
અપરાધીઓ | બ્રિટીશ ઈન્ડિયન આર્મી, બીજી અને નવમી ગુરખા રાયફલ્સ, ૫૪મી શીખ અને ૫૯મી સિંધ રાયફલ્સ |
સાથીદારો | ૫૦ |
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.[૨] જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.[૩][૪]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪ - ૧૯૧૮)માં ભારતીય જનતા અને નેતાઓએ બ્રિટીશ સરકારને સમર્થન કર્યું હતું. ૧૩ લાખ ભારતીય સૈનિકો અને સેવકો યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં મોકલવામાં આવ્યા હતા. તે પૈકી ૪૩,૦૦૦ જેટલા ભારતીય સૈનિકો આ યુદ્ધમાં શહીદ થયા હતા. વિશ્વયુદ્ધની સમાપ્તિ પર ભારતીય નેતાઓ અને જનતાને બ્રિટીશ સરકારના સહયોગ અને નરમ વલણની અપેક્ષા હતી.[૨] પરંતુ યુદ્ધ પૂરું થતાં જ અંગ્રેજ સરકારે અપેક્ષાથી વિપરીત મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા લાગુ કરી દીધા.
રોલેટ એક્ટ
[ફેરફાર કરો]વિશ્વયુદ્ધ દરમિયાન જ પંજાબ પ્રાંતમાં બ્રિટીશ શાસનનો વિરોધ વધી ગયો હતો જેને ભારત પ્રતિરક્ષા અધિનિયમ (૧૯૧૫) લાગુ કરી દબાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૧૮માં બ્રિટીશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ભારત, ખાસ કરીને પંજાબ અને બંગાળના ક્ષેત્રોમાં અંગ્રેજ સરકાર પ્રત્યેના વધતા જતા વિરોધ પાછળ વિદેશી તાકતોનો હાથ રહેલો છે. સમિતિની દરખાસ્તોને સ્વીકારી ભારત પ્રતિરક્ષા અધિનિયમ (૧૯૧૫)નું રોલેટ એક્ટ તરીકે વિસ્તરણ કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં લાગુ કરાયેલ આ એક્ટ અંતર્ગત આઝાદીની ચળવળને દબાવી દેવા માટે બ્રિટીશ સરકારને અધિક સત્તાઓ આપવામાં આવી હતી. આ કાયદા મુજબ પ્રેસ પર સેન્સરશીપ લાગુ કરવામાં આવી હતી. પ્રાંતિક સરકાર કોઇ પણ પ્રકારના વોરન્ટ વગર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકતી હતી, નેતાઓને અદાલતી કાર્યવાહી વિના જ જેલમાં રાખી શકતી હતી. તેમના પર વિશેષ અદાલતો બંધ ઓરડામાં કેસ ચલાવી શકતી હતી. અદાલતે ફરમાવેલી સજા પર અપીલ કરવાની જોગવાઇ ન હતી.
સમગ્ર ભારતમાં આ કાયદાનો પ્રચંડ વિરોધ થયો. ગાંધીજીના આદેશથી ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯ના રોજ સમગ્ર દેશમાં સભા-સરઘસ, દેખાવો-પ્રદર્શનો અને હડતાળોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટીશ સરકાર દ્વારા વિરોધ આંદોલનને નિષ્ફળ બનાવવા મોટા નેતાઓની ધરપકડો કરવામાં આવી. પરિણામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો. રસ્તા, રેલવે તથા ડાક-સંચાર સેવાઓ ખોરવી નાખવામાં આવી. દિલ્હી, લાહોર, અમૃતસર, મુંબઈ જેવા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા. અમૃતસર અને પંજાબના અન્ય શહેરોમાં સરકારી મકાનો–સંપતિઓને નુકસાન પહોચાડવામાં આવ્યું. બેંકો લૂંટવામાં આવી. કેટલાક સ્થળોએ બે-ચાર અંગ્રેજોની હત્યા પણ કરવામાં આવી.[૨]
હત્યાકાંડ વિવરણ
[ફેરફાર કરો]૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં બાળકો અને સ્ત્રીઓ સહિત લગભગ ૫૦૦૦ જેટલા લોકો એકઠા થયા હતા. સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર ૯૦ જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના જ ગોળીબાર થતાં ઉપસ્થિત મેદનીમાં ભાગદોડ મચી ગઈ. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી હતી. બાગમાં લગાવેલી તકતી અનુસાર ૧૨૦ મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં ૪૮૪ શહિદોની સૂચિ છે, જ્યારે જલિયાંવાલા બાગમાં ૩૮૮ શહિદોની સૂચિ મૂકેલી છે. બ્રિટીશ રાજના અભિલેખમાં આ ઘટનામાં ૨૦૦ લોકો ઇજાગ્રસ્ત થયાનો તથા ૩૭૯ લોકો શહીદ થયાનો ઉલ્લેખ જોવા મળે છે.[૫]
તપાસ સમિતિ
[ફેરફાર કરો]હત્યાકાંડની વિશ્વવ્યાપી નિંદા થતાં તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ્સ એડવિન મોન્ટેગ્યુએ વિલિયમ લોર્ડ હંટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિ સમક્ષ જનરલ ડાયરે સ્વીકાર કર્યો હતો કે લોકો પર ગોળીબાર કરવાનો નિર્ણય તે પહેલેથી જ કરીને આવ્યો હતો તથા સાથે બે તોપ પણ લાવ્યો હતો પરંતુ સાંકડા રસ્તાને કારણે તે તોપ અંદર લાવી શક્યો ન હતો. હંટર સમિતિના અહેવાલ આધારે જનરલ ડાયરને બ્રિગેડિયરમાંથી કર્નલ તરીકે અવક્રમન કરી સક્રિય સરકારી સેવાઓમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.[૨]
વિરોધ
[ફેરફાર કરો]રવિન્દ્રનાથ ટાગોરે હત્યાંકાડના વિરોધમાં બ્રિટન દ્વારા અપાયેલ નાઈટહૂડનો ખિતાબ પરત કરી દીધો હતો.
સ્મારક
[ફેરફાર કરો]૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક પ્રસ્તાવ પસાર કરીને હત્યાકાંડના સ્થળ પર સ્મારક બનાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ૧૯૨૩માં ટ્રસ્ટે સ્મારક પરિયોજના માટે ભૂમિ ખરીદી હતી. અમેરિકન સ્થપતિ બેન્જામિન પોલ્ક દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્મારકનું ઉદઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ તેમજ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં ૧૩ એપ્રિલ ૧૯૬૧માં કરવામાં આવ્યું હતું.
ચિત્ર ઝરુખો
[ફેરફાર કરો]-
સ્મારક તકતી
-
સ્મારક તકતી
-
દિવાલ પર જોવા મળતા ગોળીઓનાં નિશાન
-
શહિદ કૂવો, જલિયાંવાલા બાગ
-
જલિયાંવાલા બાગની દિવાલ પર જોવા મળતા ગોળીઓનાં નિશાન
-
હત્યાકાંડના મહિનાઓ બાદ ૧૯૧૯નું જલિયાંવાલા બાગનું દૃશ્ય
-
જલિયાંવાલા બાગમાં આવેલો કૂવો જેમાં ગોળીબારથી બચવા લોકોએ છલાંગ લગાવી હતી
-
જલિયાંવાલા બાગ સ્મારક
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "1919 Jallianwalla Bagh massacre". Discover Sikhism. મૂળ માંથી 28 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 June 2016.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ધારૈયા, રમણલાલ ક. (૧૯૯૬). "જલિયાંવાલા બાગ હત્યાકાંડ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૨૯–૫૩૦. OCLC 248967600.
- ↑ Home Political Deposit, September, 1920, No 23, National Archives of India, नई दिल्ली; Report of Commissioners, Vol I, नई दिल्ली
- ↑ Brian Lapping, End of Empire, p. 38, 1985
- ↑ "Punjab disturbances, April 1919; compiled from the Civil and military gazette". Lahore Civil and Military Gazette Press. 9 April 2018 – Internet Archive વડે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Debate on this incident in the British Parliament
- A National Public Radio interview with Bapu Shingara Singh – the last known surviving witness.
- Churchill's speech સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન after the incident.
- Amritsar Massacre at Jallianwala Bagh સંગ્રહિત ૨૦૧૫-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન Listen to the Shaheed song of the Amritsar Massacre at Jallian Wala Bagh.
- Amritsar Massacre as a turning point in the British Raj સંગ્રહિત ૨૦૧૧-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન – Description and analysis of the Jallianwala Bagh Massacre.
- Singh, Gajendra: Amritsar, Massacre of, in: 1914-1918-online. International Encyclopedia of the First World War.