લખાણ પર જાઓ

ગોપીનાથ બોરદોલોઈ

વિકિપીડિયામાંથી

ગોપીનાથ બોરદોલોઈ
પ્રથમ આસામના મુખ્યમંત્રી
પદ પર
૧૧ ફેબ્રુઆરી ૧૯૪૬ – ૬ ઑગસ્ટ ૧૯૫૦
ગવર્નરસર એન્ડ્ર્યુ ગૌર્લે ક્લો
મોહમ્મદ સાલેહ અકબર હૈદરી
રોનાલ્ડ ફ્રાન્સીસ લૉજ (કાર્યકારી)
શ્રી પ્રકાશ
જયરામદાસ દૌલતરામ
પુરોગામીનવનિર્મિત પદ
અનુગામીવિષ્ણુરામ મેઢી
આસામના પૂર્વોત્તર સરહદી આદિવાસી વિસ્તારો તથા બહિષ્કૃત અને આંશિક રીતે બહિષ્કૃત ક્ષેત્રોની ઉપસમિતિના અધ્યક્ષ
નેતાવલ્લભભાઈ પટેલ
પુરોગામીનવનિર્મિત પદ
અંગત વિગતો
જન્મ(1890-06-06)6 June 1890 [૧]
રહા, આસામ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ5 August 1950(1950-08-05) (ઉંમર 60)
ગુવાહાટી, આસામ, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીસુરાવાલા બોરદોલોઈ
માતૃ શિક્ષણસંસ્થાકોટોન યુનિવર્સિટી
કલકત્તા વિશ્વવિદ્યાલય
વ્યવસાયરાજનેતા, લેખક
પુરસ્કારોભારત રત્ન (૧૯૯૯) (મરણોપરાંત)

ગોપીનાથ બોરદોલોઈ (૬ જૂન ૧૮૯૦ – ૫ ઓગસ્ટ ૧૯૫૦) એ ભારતીય રાજનેતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા.

બાળપણ[ફેરફાર કરો]

એમનો જન્મ આસામ પ્રાંતમાં આવેલા રોહા ખાતે ૬ જૂન, ૧૮૯૦ના રોજ થયો હતો. એમના પિતાનું નામ બુદ્ધેશ્વર બોરદોલાઈ અને માતાનું નામ પરમેશ્વરી બોરદોલાઈ હતું. ગોપીનાથ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે જ એમના માતાનું અવસાન થયું હતું.

શિક્ષણ[ફેરફાર કરો]

ગોપીનાથ બોરદોલાઈ મેટ્રિક પાસ કર્યા બાદ ઈ. સ. ૧૯૦૭માં કોટન કોલેજમાં જોડાયા હતા. અહીંથી ઇ. સ. ૧૯૦૯માં એમણે 'આઇ. એ.' પરીક્ષા પ્રથમ વર્ગ મેળવી ઉત્તીર્ણ કરી હતી. ત્યારબાદ એમણે સ્કોટીશ ચર્ચ કોલેજ, કોલકાતા ખાતે પ્રવેશ મેળવ્યો હતો અને અહીંથી ઇ. સ. ૧૯૧૧માં તેઓ સ્નાતક થયા હતા. ત્યાર પછી ઇ.સ. ૧૯૧૪માં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમણે અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ એમણે વકીલાત માટેનું શિક્ષણ મેળવવાનું શરુ ર્ક્યું હતું. અહીંથી તેઓ સંજોગવશાત ત્રણ વર્ષ પછી બાકીનો અભ્યાસ અધૂરો છોડી આસામ પરત ફર્યા હતા. ત્યાર બાદ તરુણ રામ ફુકનની ભલામણથી તેમણે સોનારામ હાઈસ્કૂલના હેડમાસ્ટર તરીકે કામચલાઉ નોકરી મેળવી.[૨] તે સમયગાળા દરમિયાન તેમણે કાયદાની પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરી ૧૯૧૭માં ગુવાહાટીમાં પ્રેક્ટિસ શરૂ કરી.[૨]

રાજકીય જીવન[ફેરફાર કરો]

આ સમયગાળા દરમિયાન આસામ એસોસિએશન આસામનું એકમાત્ર રાજકીય સંગઠન હતું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની શાખા તરીકે આસામ કોંગ્રેસની રચના કરવામાં આવી હતી. ગોપીનાથ બોરદોલોઈ તે જ વર્ષે સ્વયંસેવક તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમનું રાજકીય જીવન શરૂ થયું. તેમણે સ્વતંત્રતાની લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ૧૯૨૨માં અસહકાર ચળવળમાં સક્રિય ભાગીદારીને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને એક વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ચૌરી ચૌરાની ઘટનાને પગલે જ્યારે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું ત્યારે તેમણે ફરીથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. ૧૯૩૦ થી ૧૯૩૩ સુધી તેમણે પોતાની જાતને તમામ રાજકીય પ્રવૃત્તિથી દૂર રાખી હતી અને ગુવાહાટી મ્યુનિસિપલ બોર્ડ અને લોકલ બોર્ડના સભ્ય બન્યા બાદ વિવિધ સામાજિક કાર્યોમાં સામેલ થયા હતા.

૧૯૩૫નો ભારત સરકાર અધિનિયમ કાયદો બ્રિટિશ ભારતની રચનાના હેતુથી રચવામાં આવ્યો હતો. કોંગ્રેસે ૧૯૩૬માં પ્રાદેશિક વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ૩૮ બેઠકો જીત્યા હતા અને વિધાનસભામાં બહુમતી સાથે પક્ષ બન્યા હતા, પરંતુ મંત્રીઓ અને મંત્રીમંડળની સત્તા ઘટાડવા માટેના શંકાસ્પદ કાયદાને કારણે તેઓએ સરકાર રચવાને બદલે વિપક્ષી પક્ષ તરીકે રહેવાનું નક્કી કર્યું હતું. ગોપીનાથ બોરદોલોઈ વિપક્ષી પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસ સિવાય અન્ય પક્ષોના સમર્થનથી મો.સદુલ્લાએ મંત્રી મંડળની રચના કરી હતી. આસામની મૂળભૂત સમસ્યાઓથી સરકાર અજાણ હોવાથી કોંગ્રેસ પક્ષને લોકોનું સમર્થન મળી રહ્યું હતું. મો. સદુલ્લા કેબિનેટે સપ્ટેમ્બર ૧૯૩૮માં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલે ગોપીનાથ બોરદોલોઈને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું અને તે મુજબ તેઓએ ૨૧ સપ્ટેમ્બરે શપથ લીધા હતા.[૩]

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં આ નવી સરકાર લાંબો સમય ટકી ન હતી. ગાંધીજીની અપીલ બાદ ગોપીનાથ બોરદોલોઈના મંત્રીમંડળે ૧૯૪૦માં રાજીનામું આપ્યું હતું. ડિસેમ્બર ૧૯૪૦માં તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે નાદુરસ્ત તબિયતને કારણે તેમને સજા પૂરી થવાના એક વર્ષ પહેલાં જ જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા. ઓગસ્ટ ૧૯૪૨માં જ્યારે ભારત છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને તેના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશરોને મદદ કરવાના વચન સાથે મો.સદુલ્લાએ સરકાર બનાવી અને ફરી કોમી પ્રવૃત્તિઓમાં સામેલ થયા. ગોપીનાથ બોરદોલોઈને ૧૯૪૪માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે સીધા જ અન્ય નેતાઓની મદદથી સરકારનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. બારડોલોઈના પ્રયાસોથી સદુલ્લા સરકારને તમામ રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની, સરઘસ અથવા બેઠક પરનો પ્રતિબંધ દૂર કરવાની, સ્થળાંતરીત મુસ્લિમોના પુનર્વસનની પ્રક્રિયાને સુધારવા સંબંધી સમજૂતી કરવી પડી હતી.

જુલાઈ ૧૯૪૫માં બ્રિટિશરોએ કેન્દ્રીય અને પ્રાદેશિક ચૂંટણી યોજ્યા બાદ ભારત માટે નવું બંધારણ રચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કોંગ્રેસે પણ ૧૯૪૬ માં ચૂંટણીમાં ભાગ લીધો હતો અને તેઓ ૧૦૮ માંથી ૬૧ બેઠકો સાથે વિધાનસભામાં મુખ્ય પક્ષ બન્યા હતા. તેઓએ સરકારની રચના કરી અને ગોપીનાથ બોરદોલોઈને સર્વસંમતિથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી[ફેરફાર કરો]

ભારતની આઝાદી બાદ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે મળીને એક તરફ ચીન સામે અને બીજી તરફ પાકિસ્તાન સામે આસામની સાર્વભૌમત્વ સુરક્ષિત કરવા માટે કામ કર્યું હતું. તેમણે ભાગલા પછી વ્યાપક હિંસા અને ધાકધમકીને કારણે પૂર્વ પાકિસ્તાનથી ભાગી ગયેલા લાખો હિન્દુ શરણાર્થીઓના પુનર્વસનનું આયોજન કરવામાં પણ મદદ કરી હતી. ગૌહાટી યુનિવર્સિટી, આસામ હાઈકોર્ટ, આસામ મેડિકલ કોલેજ, આસામ વેટરનરી કોલેજ વગેરેની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

સન્માન[ફેરફાર કરો]

૧૯૯૧ની ભારતીય ટપાલ ટિકિટ પર બોરદોલોઈ

એમને ઇ.સ. ૧૯૯૯માં મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪] ૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ સંસદ ભવનમાં બોરદોલોઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.[૫][૬]

અવસાન[ફેરફાર કરો]

૫ ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ તેમનું અવસાન થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lokpriya's 129th birth anniversary celebrated at Raha". The Assam Tribune.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ Yash, Mishra (23 February 2020). "Gopinath Bordoloi: Saving Assam, a Fight to the Finish". www.livehistoryindia.com (અંગ્રેજીમાં). Live History India. મૂળ માંથી 27 ફેબ્રુઆરી 2021 પર સંગ્રહિત. મેળવેલ 20 February 2021.
  3. Kuri Shatikar Kurijan Bishista Asamiya, Editors-Sharma, Dr. Pranati and Sharma, Anil. Journal Emporium, 1999
  4. "Padma Awards Directory (1954–2007)" (PDF). Ministry of Home Affairs. મૂળ (PDF) માંથી 10 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2010.
  5. "President unveils statues of eminent leaders". The Hindu. 1 October 2002. મૂળ માંથી 13 January 2016 પર સંગ્રહિત.
  6. "PARLIAMENT HOUSE ESTATE". parliamentofindia.nic.in. મૂળ માંથી 8 September 2007 પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]