બિધાન ચંદ્ર રોય
બિધાન ચંદ્ર રોય MD DSc MRCP, FRCS | |
---|---|
બિધાન ચંદ્ર રોય (૧૯૪૩) | |
પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી | |
પદ પર 23 January 1948 – 1 July 1962 | |
પુરોગામી | પ્રફુલ્લ ચંદ્ર ઘોષ |
અનુગામી | પ્રફુલ્લ ચંદ્ર સેન |
વિધાનસભા સદસ્ય (ધારાસભ્ય) | |
પદ પર 1952–1962 | |
પુરોગામી | નવ નિર્વાચન ક્ષેત્ર |
અનુગામી | બિજય સિંઘ નહાર |
બેઠક | બઉબાજાર |
પદ પર 1962–1962 | |
પુરોગામી | બિજય સિંઘ નહાર |
અનુગામી | સિદ્ધાર્થ શંકર રે |
બેઠક | ચૌરંગી |
કલકત્તાના ૬ઠ્ઠા મેયર | |
પદ પર 5 April 1931 – 9 April 1933 | |
અંગત વિગતો | |
જન્મ | બંકીપુર, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત | 1 July 1882
મૃત્યુ | 1 July 1962 કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત | (ઉંમર 80)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
માતા-પિતા | અઘોરે કામિની દેવી પ્રકાશ ચંદ્ર રોય |
નિવાસસ્થાન | કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત |
માતૃ શિક્ષણસંસ્થા | પ્રેસિડેન્સી કોલૅજ, કલકત્તા (ઇન્ટરમિડિએટ્સ ઓફ આર્ટ્સ) પટના વિશ્વવિદ્યાલય (બી.એ.) કલકતા મેડિકલ કૉલેજ (એમબીબીએસ, એમડી) રોયલ કૉલેજ ઓફ ફિઝિશિયન્સ (એમઆરસીપી) રોયલ કૉલેજ ઓફ સર્જન્સ (એફઆરસીએસ) |
ક્ષેત્ર |
|
પુરસ્કારો | ભારત રત્ન (1961) |
બિધાન ચંદ્ર રોય (૧ જુલાઇ ૧૮૮૨ – ૧ જુલાઇ ૧૯૬૨) એક પ્રખ્યાત ભારતીય ચિકિત્સક, શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક, સ્વાતંત્ર્યસેનાની અને રાજનેતા હતા. તેઓ પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી હતા અને ૧૪ જાન્યુઆરી ૧૯૪૮ થી તેમના મૃત્યુ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા. પાંચ પ્રતિષ્ઠિત શહેરો દુર્ગાપુર, કલ્યાણી, બિધાનનગર, અશોકનગર અને હાબરા ઉપરાંત કેટલીક અતિમહત્ત્વની સંસ્થાઓની સ્થાપનામાં તેમની ભૂમિકાને કારણે તેઓ આધુનિક બંગાળના નિર્માતા તરીકે ઓળખાય છે.[૧] ભારતમાં દર વર્ષે ૧ જુલાઈને તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૪ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]
પરિવાર
[ફેરફાર કરો]બિધાનચંદ્ર રોયના દાદા પ્રણકલી રોય પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરામપુર ખાતે કલેક્ટરને અધીન કામ કરતા હતા. તેમના પિતા પ્રકાશચંદ્ર રોયનો જન્મ અહીં બહરામપુર ખાતે જ થયો હતો. બિધાનચંદ્રના માતા અઘોરકામિની દેવી બહેરામપુરના જમીનદારની પુત્રી હતા.[૩]
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]બિધાનચંદ્ર રોયનો જન્મ ૧ જુલાઈ ૧૮૮૨ના રોજ બિહારના પટના જિલ્લાના બાંકીપોર ખાતે એક બંગાળી પરિવારમાં થયો હતો જ્યાં તેમના પિતા પ્રકાશચંદ્ર રોય આબકારી અધિકારી તરીકે કાર્યરત હતા. તેમની માતા અઘોરકામિની દેવી એક ધર્મપરાયણ મહિલા અને સમર્પિત સામાજીક કાર્યકર હતા.[૪] બિધાન તેમના પાંચ ભાઈબહેનોમાં સૌથી નાના હતા. તેમના માતાપિતા બ્રહ્મસમાજના ચુસ્ત અનુયાયી હતા તથા પોતાના અનુશાસિત જીવન દ્વારા તેમણે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને સર્વધર્મની સેવા માટે સમય અને ધન સમર્પિત કર્યા હતા.[૫]
પ્રકાશચંદ્ર રોય, જેસોર જિલ્લાના વિદ્રોહી હિન્દુ રાજા પ્રતાપ આદિત્યના વંશજ હતા પરંતુ તેમને પોતાના પૂર્વજોથી વિરાસતમાં વધુ સંપતિ મળી નહોતી. પોતાની આજીવિકાના માધ્યમથી જ તેમણે પોતાના બાળકોના શિક્ષણ અભ્યાસની સાથોસાથ અન્ય અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના ભરણપોષણની સામાજિક જવાબદારી ઉઠાવી. આમ, બાળપણથી જ બિધાન અને તેમના ભાઈબહેનોને સમાજ ઉપયોગી કાર્યો કરવાની પ્રેરણા મળી હતી.[૩]
બિધાને ૧૮૯૭માં પટના કોલેજીએટ સ્કુલ ખાતેથી મેટ્રીકનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તા ખાતેથી આઈ.એ.ની પદવી મેળવી. પટના કોલેજમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ કલકત્તા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. બિધાનના કૉલેજ અભ્યાસ દરમિયાન જ બંગાળ વિભાજનની ઘોષણા કરવામાં આવી. લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલ જેવા રાષ્ટ્રવાદી નેતાઓના નેતૃત્ત્વમાં બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલન ચલાવવામાં આવ્યું. જોકે, બિધાને ભાવનાત્મક નિર્ણય લેવાને બદલે પોતાની લાગણીઓને નિયંત્રિત કરી અભ્યાસ પર ધ્યાન આપ્યું. તેમનો સ્પષ્ટ મત હતો કે તેઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી રાષ્ટ્રની વધુ સારી સેવા કરી શકશે.[૬]
ચિકિત્સાક્ષેત્રમાં સ્નાતકોત્તર અભ્યાસ માટે બિધાન ફેબ્રુઆરી ૧૯૦૯માં ઇંગ્લૅન્ડ રવાના થયા. અહીં તેમણે બાર્થોલોમેવ હોસ્પિટલમાં પ્રવેશ અરજી દાખલ કરી. જોકે, હોસ્પિટલના વડાએ એશિયાઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો ઈનકાર કરી બિધાનની અરજી ફગાવી દીધી.[૭] તેમણે આ પરિસ્થિતિમાં હિંમત ન હારતા વારંવાર પ્રવેશ અરજીઓ દાખલ કરી અને છેવટે ૩૦મા પ્રયત્ને તેમની અરજી સ્વીકારવામાં આવી.[૮] બે વર્ષ અને ત્રણ માસના ટૂંકા ગાળામાં બિધાને સ્નાતકોત્તર અભ્યાસ પૂરો કરી મે ૧૯૧૧માં રોયલ કૉલેજ ઑફ ફીઝીશીયન તથા રોયલ કૉલેજ ઓફ સર્જનના સભ્ય બનવાની દુર્લભ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી. તેઓ ૧૯૧૧માં ઈંગ્લૅન્ડથી સ્વદેશ પરત ફર્યા.
કારકિર્દી
[ફેરફાર કરો]ઈંગ્લૅન્ડથી પરત ફર્યા બાદ તેમણે કલકત્તા મેડિકલ કૉલેજ ખાતે અધ્યાપન કાર્ય શરૂ કર્યું. બાદમાં કેમ્પબેલ મેડિકલ સ્કૂલ અને કારમાઈકલ મેડિકલ કૉલેજમાં પણ અધ્યાપન કાર્ય કર્યું.[૬]
ડૉ. રોયનું માનવું હતું કે જ્યાં સુધી લોકો તન અને મનથી સ્વસ્થ અને મજબૂત નહિ હોય ત્યાં સુધી સ્વરાજ એક સ્વપ્ન બની રહેશે. તેમણે ચિકિત્સા શિક્ષણના સંગઠનમાં યોગદાન આપ્યું તેમજ જાદવપુર ટી.બી. હૉસ્પિટલ, ચિતરંજન સેવાસદન, કમલા નહેરુ મેમોરિયલ હૉસ્પિટલ, વિક્ટોરિયા કોલેજ અને ચિતરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ડૉ. રોય ગાંધીજીના મિત્ર અને ચિકિત્સક હતા. ૧૯૩૩માં ગાંધીજીના પૂના ખાતેના ઉપવાસ સમયે ડૉ. રોય તેમની સેવામાં ઉપલબ્ધ હતા.[૯]
બિધાનચંદ્રએ ૧૯૨૫માં રાજનીતિમાં પ્રવેશ કર્યો. તેમણે બંગાળ વિધાન પરિષદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી તથા ગ્રાન્ડ ઑલ્ડ મેન ઑફ બંગાળ તરીકે જાણીતા સુરેન્દ્રનાથ બેનર્જીને હાર આપી. ૧૯૨૮માં તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી માટે ચૂંટાયા. ૧૯૨૯માં બંગાળમાં સવિનય અવજ્ઞા આંદોલનનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું. ૧૯૩૧-૩૩ દરમિયાન કલકત્તાના મેયર તરીકેના પોતાના કાર્યકાળમાં ડૉ. રોયે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, પાકા રસ્તા, વીજળી તથા પાણીની આપૂર્તિ માટે ઝડપથી કાર્ય કર્યું.
સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને બંગાળના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. ડૉ. રોય વ્યક્તિગત રીતે પોતાને ચિકિત્સાના વ્યવસાયમાં ઈચ્છતા હતા પરંતુ ગાંધીજીના આગ્રહ પર તેમણે ૨૩ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું. બંગાળ તે સમયે સાંપ્રદાયિક હિંસા, બેરોજગારી, ભૂખમરો તેમજ પૂર્વી પાકિસ્તાનના નિર્માણને કારણે શરણાર્થીઓથી અસરગ્રસ્ત હતું. આ વિષમ પરિસ્થિતિમાં પણ તેમણે યોજનાબદ્ધ રીતે શાંતિ અને ધીરજથી પ્રશાસન અને કાનૂન વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.[૧૦][૧૧]
૪ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. પોતાના ૮૦મા જન્મદિવસ પર ૧ જુલાઈ ૧૯૬૨ના રોજ તેમનું અવસાન થયું. તેમણે પોતાની માતા અઘોરકામિની દેવીના સ્મરણાર્થે નર્સિંગ હોમ ચલાવવા પોતાનું ઘર દાનમાં આપી દીધું હતું. ઉપરાંત સમાજસેવા માટે પટના ખાતે પોતાની સંપતિમાંથી એક ટ્રસ્ટની રચના પણ કરી હતી. પ્રખ્યાત રાષ્ટ્રવાદી ગંગાશરણ સિંહા તેના પ્રથમ ટ્રસ્ટી હતા.[૧૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Kalra, R. N. (3 July 2011). "A doctor par excellence". The Hindu. ISSN 0971-751X. મેળવેલ 27 August 2018.
- ↑ Dr Bidhan Chandra Roy: Vision for young India – The 15 'Gods' India draws inspiration from સંગ્રહિત ૨૬ નવેમ્બર ૨૦૦૯ ના રોજ વેબેક મશિન. News.in.msn.com (20 November 2009). Retrieved on 9 October 2013.
- ↑ ૩.૦ ૩.૧ 0OeXw4AYVusC.
- ↑ "Biography of Bharat Ratna "Dr. Bidhan Chandra Roy" complete biography for Class 10, Class 12 and Graduation and other classes". eVirtualGuru. 1 February 2018. મેળવેલ 1 September 2018.
- ↑ Thomas, K.P. (1955). Dr. B. C. Roy (PDF). Calcutta: Atulya Ghosh, West Bengal Pradesh Congress Committee. મૂળ (PDF) માંથી 2 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 1 September 2018.
- ↑ ૬.૦ ૬.૧ "Bidhan Chandra Roy Biography – Bidhan Chandra Roy Childhood, Life, Profile, Timeline". www.iloveindia.com. મેળવેલ 25 August 2018.
- ↑ "Dr Bidhan Chandra Roy -Biography and Life History | Great Rulers". greatrulers.com. મૂળ માંથી 28 August 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 August 2018.
- ↑ "When India's 'National Doctor' Was Denied Service By an American Restaurant". The Wire. મેળવેલ 28 August 2018.
- ↑ "Chronology 1933". gandhiserve.org. મૂળ માંથી 26 August 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 August 2018.
- ↑ "Bengal's physician chief minister – The Statesman". The Statesman. 30 June 2016. મૂળ માંથી 10 જુલાઈ 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 August 2018. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "New Incubators for Tomorrowís Leaders. Convocation Address by Prof. Samir K. Brahmachari, Director General, CSIR at Kalyani University" (PDF). CSIR Newsletter. 60: 258. November 2010. મૂળ (PDF) માંથી 2018-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-28.
- ↑ Choudhary, Valmiki (1984). Dr. Rajendra Prasad, Correspondence and Select Documents: 1934–1937. Allied Publishers. પૃષ્ઠ 133. ISBN 978-81-7023-002-1.