લાલા લાજપતરાય
લાલા લાજપતરાય | |
---|---|
જન્મની વિગત | ધુડિકે, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત | 28 January 1865
મૃત્યુ | 17 November 1928 લાહોર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત | (ઉંમર 63)
વ્યવસાય | લેખક, રાજનેતા, સ્વાતંત્ર્ય સેનાની |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
લાલા લાજપત રાય ( ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ – ૧૭ નવેમ્બર ૧૯૨૮) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબ કેસરી તરીકે પણ જાણીતા છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૨૮માં સાયમન કમિશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.
જીવન પરિચય
[ફેરફાર કરો]લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના રોજ જૈન પરીવારમાં થયો હતો.[૧] તેમના પિતા મુન્શી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દૂ અને ફારસી ભાષાના શિક્ષક હતા. ૧૮૭૦માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. ૧૮૮૦માં તેમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિંદુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા. ઉપરાંત લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા.[૨] કાયદાના અભ્યાસ દરમિયાન એ વિચાર તેમના માનસમાં દૃઢ બનતો રહ્યો કે રાષ્ટ્રીયતાથી ઉપર હિન્દુ ધર્મ ભારતીય જીવનશૈલીનું કેન્દ્રબિંદુ હતો. તેમના મતે ધર્મ અને રાષ્ટ્રવાદી વિચારોને એકસૂત્ર કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે. હિંદુ મહાસભા સાથેના તેમના સંબંધો અંગે નૌજવાન ભારત સભા દ્વારા આલોચના કરવામાં આવી કારણ કે મહાસભા સાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હતી જે કોંગ્રેસ દ્વારા નિર્ધારીત પ્રણાલીને અનુરૂપ ન હતી.[૩]
૧૮૮૪માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. ૧૮૮૬માં હિસારમાં વકીલાત શરૂ કરી. અહીં તેમણે બાબુ ચૂડામણિ સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી. બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી. ૧૮૮૮ અને ૧૮૮૯માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. ૧૮૯૨માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા. સ્વતંત્રતા પ્રાપ્તિ માટે દેશની રાજનૈતિક વિચારોને આકાર આપવા માટે તેમણે પત્રકારિતાનો અભ્યાસ કર્યો તથા ધ ટ્રીબ્યન (ચંદીગઢ) સહિત ઘણા સમાચારપત્રોમાં નિયમિત યોગદાન આપતા રહ્યા. ૧૮૮૬માં તેમણે લાહોર ખાતે દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલ નામની રાષ્ટ્રવાદી શાળાની સ્થાપના માટે લાલા હંસરાજની મદદ
રાષ્ટ્રભક્તિ
[ફેરફાર કરો]ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવા બદલ લાલા લાજપતરાયને ૧૯૦૭માં કોઇ પણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. પરંતુ સરકાર ઉથલાવી દેવાના પ્રયાસોમાં તેમના વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર ૧૯૦૭માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી. લાજપતરાયના સમર્થકોએ ૧૯૦૭ના સુરત અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમના નામનો ચૂંટણી પ્રચાર કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેઓ ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં (વિશેષ સત્ર) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા.[૪] ૧૯૨૧માં લાહોર ખાતે સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની સ્થાપના કરી. વિભાજન બાદ સંગઠનને દિલ્હી ખાતે સ્થળાંતરીત કરાયું અને દેશભરમાં તેની શાખાઓ ખોલવામાં આવી. [૫]
અમેરિકા પ્રવાસ
[ફેરફાર કરો]લાજપતરાયે ૧૯૦૭માં અમેરિકાનો પ્રવાસ કર્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પાછા ફર્યા. આ દરમિયાન તેમણે પશ્ચિમી તટ પરના શીખ સમુદાય ઉપરાંત અલબામાની તસ્કેગી વિશ્વવિદ્યાલય તથા ફિલિપાઇન્સના શ્રમિકો સાથે મુલાકાત કરી. અમેરિકા રોકાણ દરમિયાન તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયન હોમરૂલ લીગ તેમજ યંગ ઇન્ડિયા માસિક અને હિંદુસ્તાન ઇન્ફોર્મેશન સર્વિસીઝ એસોશીયનની સ્થાપના કરી. તેમણે ભારતમાં બ્રિટીશ રાજની કુપ્રશાસનની જ્વલંત છબી રજૂ કરતાં અમેરિકી સંસદની વિદેશી બાબતની સેનેટ સમિતિ સમક્ષ એક અરજી દાખલ કરી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયના નૈતિક સમર્થનની પૂરજોર માંગ કરવાની સાથે ભારતીય લોકોની સ્વતંત્રતા પ્રાપ્તિ માટેની આકાંક્ષાઓને દૃઢતાથી રજૂ કરી. રાતોરાત તૈયાર કરાયેલી આ ૩૨ પાનાની અરજી પર ઓક્ટોબર ૧૯૦૭માં અમેરિકી સેનેટમાં ચર્ચા કરવામાં આવી.
સાયમન કમિશનનો વિરોધ
[ફેરફાર કરો]૧૯૨૮માં બ્રિટીશ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જ્હોન સાઇમનના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ આયોગની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું. પ્રદર્શનમાં સાઇમન ગો બેકના નારા સાથે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા. પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે પોલીસને લાઠીચાર્જનો આદેશ આપ્યો જેમાં પ્રદર્શનકારીઓ અને ખાસ કરીને લાજપતરાય પર પ્રહાર કર્યો.[૬] લાઠીચાર્જથી ઝખ્મી થયેલા લાજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, "હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો પ્રહાર બ્રિટીશ રાજના કોફીન પરનો અંતિમ ખીલો બની રહેશે."[૭]
અવસાન
[ફેરફાર કરો]લાઠીચાર્જથી ગંભીર રીતે ઘવાયેલા લાજપતરાયનું ૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ અવસાન થયું.[૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Ganda Singh, સંપાદક (1978). Deportation of Lala Lajpat Rai and Sardar Ajit Singh. Punjabi University. પૃષ્ઠ iii. OCLC 641497600.
- ↑ Ahluwalia, Kewal (February 2010). "Lala Lajpat Rai". aryasamaj.com.
- ↑ Habib, Irfan (1979). "Towards Independence and Socialist Republic: Naujawan Bharat Sabha, Part Two". Social Scientist. 8 (3). doi:10.2307/3520389. JSTOR 3520389. Unknown parameter
|pst1=
ignored (મદદ) - ↑ Lala Lajpat Rai. congresssandesh.com
- ↑ "Head Office". Servants of the People Society. મેળવેલ 27 May 2014.
- ↑ ૬.૦ ૬.૧ Rai, Raghunath (2006). History For Class 12: Cbse. India. VK Publications. પૃષ્ઠ 187. ISBN 978-81-87139-69-0.
- ↑ Friend, Corinne (Fall 1977). "Yashpal: Fighter for Freedom – Writer for Justice". Journal of South Asian Literature. 13 (1): 65–90. JSTOR 40873491. (લવાજમ જરૂરી)