વર્ણવ્યવસ્થા
ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવેલ છે. એ ચાર વર્ણોના નામ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે. હિંદુ ધર્મ પ્રમાણે દરેક મનુષ્યને પોતાનો વર્ણ પોતાના ગુણો અને કર્મ પ્રમાણે મળે છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે, ચાતુર્વણ્ય્ મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગશઃ અર્થાત, ગુણ અને કર્મ પ્રમાણે મેં સ્વયં ચાર વર્ણોની વ્યવસ્થાવાળી આ સૃષ્ટિ રચી છે.
હિંદુ પુરાણો અને શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મ કર્મને પ્રાધાન્ય આપે છે અને પ્રત્યેક મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે આ ચારમાંનાં એક વર્ણમાં આવે છે. શિક્ષણને અને અધ્યાત્મને લગતા કાર્યો કરનારને બ્રાહ્મણ, સમાજની સુરક્ષાના કાર્યોમાં વ્યસ્ત લોકોને ક્ષત્રિય, વેપાર-ધંધામાં પ્રવૃત લોકો વૈશ્ય વર્ણના અને બાકીના કાર્યો કરનારને શૂદ્ર કહેવાય છે. રાજ્ય અને ઘન એ માનવજીવનનાં મુખ્ય ચાલક સત્તા સુત્રો છે. કોઇ એક જ હાથમાં ત્રણેનું એકિકરણ સમાજ માટે ખતરારૂપ ના બની જાય એ માટે એવી વર્ણ વ્યવસ્થાનું સર્જન કરવામાં આવ્યું કે જેમાં જ્ઞાન સંલગ્ન બાબતોમાં પ્રવૃત્ત લોકો રાજ્ય સંચાલન કે ધન સંચય ન કરે. રાજ્ય સંચાલન કરનારા શિક્ષણમાં અને અધ્યાત્મ જેવી બાબતોમાં દખલગીરી ના કરે અને જે લોકો વેપાર અને વાણિજ્ય દ્વારા ધન કમાય છે તે લોકો બાકીના કાર્યોમાં દખલગીરી ન કરે અને આને લીધે આ ત્રણ પાયાની બાબતો પર કોઈ એકહથ્થુ સત્તા ના બની બેસે એવો ઊમદા આશય આ વર્ણવ્યવસ્થા પાછળ હતો.