લખાણ પર જાઓ

હિંદુ ધર્મ

વિકિપીડિયામાંથી
(હિંદુ ધર્મનો ઇતિહાસ થી અહીં વાળેલું)

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે.

હિંદુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમૂહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. ૯૨ કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અનેઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગના અનુયાયીઓ ભારત તેમજ નેપાળમાં વસે છે અને તે સિવાય બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, ફીજી, યુગાન્ડા, દક્ષિણ આફ્રીકા, ગુયાના, ટ્રિનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.

હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. પરંપરાગત દ્રષ્ટિએ આ ગ્રંથોમાંથી વેદ, તેમજ ઉપનિષદને સૌથી વધુ મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધિકારિક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને બધા વેદોનો સાર માનવામાં આવે છે.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

હિંદુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે. સિંધુ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસલમાન, આરબ, વગેરે સિંધુને હિંદુ તરીકે ઓળખતા. સિંધુ નદીની પૂર્વના પ્રદેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખાવવામાં આવ્યો.

ઇતિહાસ

[ફેરફાર કરો]

હિંદુ ધર્મના સૌથી પહેલા અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી (ઈ.પૂ. ૫૫૦૦-૨૬૦૦) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સૌથી જુના વેદ - ઋગ્વેદની રચના ઈ. પૂ. ૧૭૦૦ – ૧૧૦૦ વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પૂ. ૫૦૦-૧૦૦માં રામાયણ અને મહાભારત મહાકાવ્યોના આરંભિક વૃતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદના પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.

ભારતના બહોળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપનાને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિષદ, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધએ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરૂરી નથી. બૌદ્ધ ધર્મએ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પૂ. 3જી સદીમાં સમ્રાટ અશોકનાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પૂ. ૨૦૦ સુધી ભારતીય તત્વજ્ઞાન દર્શનની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પૂ. ૪૦૦થી ૧૦૦ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવ્યા, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.

આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ ૭મી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે ઔરંગઝેબએ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા બિનઈસ્લામિક પ્રજાનું દમન કર્યુ. જોકે ખૂબ જૂજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે બિનઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હતા. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મનો અંગીકાર કરાવવામાં આવ્યો. રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.

૧૯મી સદીમાં મેક્સ મુલર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય શાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાંત્રિક સાહિત્ય અને તત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન બ્રહ્મો સમાજ અને થિયોસોફીકલ સોસાયટી જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંકલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવેલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામકૃષ્ણ અને રમણ મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેવાકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભૂત સિધ્ધાંતોની પુનર્રચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આકર્ષિત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે સ્વામી વિવેકાનંદ, પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચિમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે તે સત્ય છે.