લખાણ પર જાઓ

કોળિક્કોટ્

વિકિપીડિયામાંથી
(કોઝિકોડ થી અહીં વાળેલું)
કોળિક્કોટ્
Calicut
—  city  —

કોળિક્કોટ્નું
કેરળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો કોળિક્કોટ્
Mayor M. Bhaskaran
District collector P. B. Salim
વસ્તી

• ગીચતા

૪,૩૬,૫૫૬ (2001)

• 5,280/km2 (13,675/sq mi)

લિંગ પ્રમાણ ૧.૦૬૧ /
અધિકૃત ભાષા(ઓ) મલયાલમ,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

82.68 square kilometres (31.92 sq mi)

• 1 metre (3.3 ft)

કોડ
  • • પીન કોડ • 673 0xx
    • ફોન કોડ • +91 (0)495
    વાહન • KL 11
વેબસાઇટ www.kozhikodecorporation.org/

કોળિક્કોટ્(audio speaker iconઉચ્ચારણ ),કોઝિકોડ કે કાલિકટ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું એક શહેર છે. કેરળનું આ ત્રીજા ક્રમનું સૌથી મોટું શહેર છે અને તે કોઝિકોડ જિલ્લાનું મુખ્ય મથક છે. પરંપરાગત પ્રાચીનકાળ અને મધ્ય યુગ દરમિયાન, કાલિકટ પૂર્વના તેજાનઔના વેપારના મુખ્ય મથક તરીકેની પોતાની ભૂમિકાને કારણે "મસાલાનું શહેર" તરીકે ઓળખાતું હતું.[] તે કોળિક્કોટ્ નામે જ ઓળખાતા સ્વતંત્ર રજવાડાંની રાજધાની હતું અને ભૂતપૂર્વ માલાબાર જિલ્લાનું પાટનગર હતું.

૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે, કોઝિકોડ ૪,૩૬,૫૫૬ની વસ્તી ધરાવે છે, જેમાં આશરે ૯ લાખ લોકોની શહેરી વસતીનો પણ સમાવેશ થાય છે, જે તેને કેરળનું ત્રીજા ક્રમનું સૌથી વિશાળ શહેરી સમૂહ અને ત્રીજા ક્રમનું સૌથી વિશાળ શહેર બનાવે છે. આર્થિક સંશોધન સંસ્થા ઈન્ડિકસ એનાલિટીક્સે રહેઠાણ, આવક અને મૂડીરોકાણ અંગે સંપાદિત કરેલા આંકડા અનુસાર, કોઝિકોડ ભારતના રહેવાલાયક શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. ઈન્ડિકસે છ માનક - આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સુરક્ષા, જાહેર સુવિધાઓ અને મનોરંજનને વિચારણા હેઠળ લીધા હતા[]. 2007માં એસોચેમે હાથ ધરેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યા અનુસાર, નોકરીના સર્જનની દ્વષ્ટિએ ભારતના બીજા તબક્કાનાં શહેરોની યાદીમાં કોઝિકોડનો ક્રમ 11મો છે.[] 2004માં કોઝિકોડને ભારતનું સૌપ્રથમ ગંદકી-મુક્ત શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું.[] જાન્યુઆરી-2009માં 'ભુખ-મુક્ત કોઝિકોડ' યોજના શરૂ કરવામાં આવી હતી, જેના પગલે કોઝિકોડને ભારતનં સૌપ્રથમ ભુખ-મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.[] કેરળ સરકાર દ્વારા સાયબરપાર્કના વિકાસની સાથે કોઝિકોડમાં આઈટી ઉદ્યોગ ખીલે તેવી સંભાવના છે. તિરૂવનંતપુરમનાં ટેક્નોપાર્ક અને કોચીના ઈન્ફોપાર્કની જેમ રાજ્યમાં વિકસાવવામાં આવનારું આ ત્રીજું આઈટી કેન્દ્ર છે અને 2011ના મધ્યગાળામાં આ યોજના શરૂ થાય તેવી ધારણા છે.[]

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

પ્રોફેસર કે. વી. ક્રિષ્ના ઐયરે જણાવ્યા અનુસાર, કોઝિકોડ નામ, કોયિલ (મહેલ) + કોટા (કિલ્લો) પરથી ઉતરી આવ્યું હોય તેવું માનવામાં આવે છે, જેનો મતલબ 'કોટકિલ્લાથી સજ્જ મહેલ' એવો થાય છે. આ સ્થળનો ચુલ્લિક્કડ એટલે કે 'ઝાડવાંવાળું જંગલ' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો, કદાચ આ સ્થળની કળણવાળી જમીન માટે આ ઉલ્લેખ કરાતો હશે. ભાષાશાસ્ત્રની દ્વષ્ટિએ, મલયાલમમાં યા અને ઝા નું પરસ્પર અદલાબદલી કરી શકાય છે, અને કોડ શબ્દ કિલ્લા (કોટ્ટા) માટે વપરાય છે. અન્ય લોકો આ શહેરને જુદાંજુદાં નામે ઓળખતાં હતા. આરબો આ શહેરને કાલિકૂઠ , તમિલો આ શહેરને કલ્લિકોટ્ટઈ તરીકે ઓળખતા હતા, જ્યારે ચાઈનીઝ માટે આ શહેરનું નામ કેલિફો હતું, અને આ તમામથી ઉપર, મલયાલીઓ માટે આ શહેર કોઝિકોડ હતું. કાલિકટ શબ્દ પણ હાથથી વણેલાં સુતરાઉ કાપડનાં એક ઉત્કૃષ્ટ પ્રકાર પરથી ઉતરી આવ્યો હોય તેવું મનાય છે, કોઝિકોડ બંદર પરથી આ કાપડની નિકાસ કરવામાં આવતી હતી. હાલમાં, આ શહેરનું સત્તાવાર નામ કોઝિકોડ છે તેમ છતાં, આ શહેરને અંગ્રેજી ઉચ્ચારણ અનુસારના કાલિકટ નામથી સામાન્ય રીતે ઓળખવામાં આવે છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]
કાલિકટનું એક દૃશ્ય, જ્યોર્જ બ્રૌન અને ફ્રાન્સ હોજનબર્ગના એટલાસ સિવિટેટ્સ ઓર્બિસ ટેરારમ મુજબ ભારત, 1572

ઇ.સ. પૂર્વે 1034માં અરબી સમુદ્રના તટે ભેજવાળી જમીન ધરાવતા પ્રદેશમાં કોઝિકોડ શહેરની સ્થાપના કરવામાં આવી હતી []. શક્તિશાળી ચેરા સામ્રાજ્ય પડી ભાંગ્યા બાદ, તેના કેટલીક જાતિઓના નેતાઓએ આઝાદીની જાહેરાત કરી. નેદિયિરીપ્પુની ઈરેદી આ પૈકીની કેટલીક બહુ શક્તિશાળી જાતિઓ પૈકીની એક હતી[]. પોલેન્ડનાં પોર્લાથિરીસ સાથે લાંબા સમય સુધી યુદ્ધ ખેલ્યાં બાદ ઈરેદી જાતિએ આ શહેરની સ્થાપના કરી હતી. આ નગરને મરી, કાપડ, લાખ, આદુ, લવિંગ, માયરોબેલેન્સ અને ઝેદોઆરી જેવી વૈવિધ્યસભર ચીજવસ્તુઓ વડે છલકાતાં પૂર્વીય વિશ્વનાં એક મહત્ત્વનાં વ્યાપારિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં ઈરેદી સરદારને આ નગરનું સમુદ્રતટે રહેલું ભૌગોલિક સ્થાન સહાયભૂત થયું હતું. ઈરેદી સરદાર હવે સામૂથિરી (ઝામોરિન) તરીકે ઓળખાતા હતા. વિશ્વના ખૂણેખૂણાંમાંથી, જંક જેવા, વિવિધ કદનાં જહાજો કાલિકટનાં કિનારે આવતા[૧૦]. આશરે બે સદી બાદ, 1498ના મે મહિનામાં કાલિકટના કાંઠે પુર્તગાલનો સમુદ્રી કાફલો આવી પહોંચ્યો જેનો આગેવાન હતો વાસ્કો દી ગામા. અગાઉ કાલિકટ આવેલા સેંકડો લોકો કરતા આ લોકો સ્હેજ પણ જૂદા ન હતા.[૧૧] પોર્ટુગીઝો ઝામોરિન સાથે કોઈ મૂલ્યસભર સંધિ કરવામાં નિષ્ફળ નીવડ્યાં અને આરબ વેપારીઓ અને ખુદ ઝામોરિન સામે સંઘર્ષમાં ઉતર્યાં.[૧૨] 1604ના નવેમ્બર મહિનામાં સ્ટીવન વાન ડેર હેગનની આગેવાની હેઠળ ડચ નૌકાકાફલો આવ્યો અને તે રીતે ભારતીય સમુદ્રતટે ડચ લોકોની ઉપસ્થિતિની શરૂઆત થઈ. ડચ લોકો કાલિકટ સાતે વધુ ઈચ્છનીય સંબંધો ધરાવતા તા અને તેમને કાલિકટમાં ચાલતા વેપારમાં મોટી હિસ્સેદારી આપવામાં આવી હતી.[૧૨] 1615માં કેપ્ટન વિલિયમ કેલિંગની આગેવાની હેઠળ બ્રિટીશરો કાલિકટ આવ્યા.


1663 સુધીમાં, પોર્ટુગીઝોની સત્તાનાં વળતા પાણી થયાં અને પરિણામે તેમણે ભારતમાંથી વિદાય લીધી. વર્ષ 1795માં, ડચ લોકોનો પણ અસ્ત થયો જ્યારે નેપોલિયનના સમયના યુદ્ધોના ભાગ રૂપે, બ્રિટીશ દળોએ કોચિન ખાતે રહેલા ડચ લોકો ઉપર હુમલો કર્યો. 1766ના ફેબ્રુઆરી મહિનાથી હૈદર અલી અને ટીપુ સુલતાનની આગેવાની હેઠળ મૈસુર રાજ્યનાં હુમલાઓનો ગાળો શરૂ થયો. તેઓ વ્યૂહાત્મક હિતો માટે વેપાર વડે સમૃદ્ધ માલાબારનાં વ્યાપારિક બંદરો હાંસલ કરવા માટે તત્પર હતા.[૧૩] 1792માં બ્રિટીશ દળો સામે તેઓનો પરાજય થયા બાદ આ ગાળાનો અંત આવ્યો. મદ્રાસ રાજ્યમાં કોઝિકોડ માલાબાર જિલ્લાનું વડું મથક રહ્યું હતું. 1947માં ભારતની સ્વતંત્રતા બાદ, મદ્રાસ પ્રેસિડેન્સી મદ્રાસ રાજ્ય બની. 1956માં જ્યારે ભાષાના આધારે ભારતીય રાજ્યોની પુનઃરચના થઈ, ત્યારે માલાબાર જિલ્લો ત્રાવણકોર-કોચિન રાજ્ય સાથે જોડાયેલો રહ્યો અને 1 નવેમ્બર, 1956ના રોજ કેરળ રાજ્યની રચના થઈ ત્યારથી માલાબાર જિલ્લો કેરળ રાજ્યનો એક ભાગ છે. 1 જાન્યુઆરી, 1957ના રોજ માલાબાર જિલ્લાનું વિભાજન કરીને કન્નુર, કોઝિકોડ અને પલક્કડ જિલ્લાની રચના કરવામાં આવી.

વિદેશી નોંધોમાં પ્રારંભિક કાલિકટ

[ફેરફાર કરો]

આ શહેરનાં અત્યંત રસપ્રદ વૃત્તાંતનું વર્ણન અને તે સમયે પ્રવર્તતી પરિસ્થિતિની માહિતી આ તટીય શહેરની મુલાકાતે આવી ગયેલા વિવિધ પ્રવાસીઓની નોંધ પરથી એકત્ર કરી શકાય છે. આ સ્થળની છ વખત મુલાકાત લઈ ચૂકેલો ઈબ્ન બતુતા (1342-1347), આ શહેરની પૂર્વકાલીન ઝાંખી પૂરી પાડે છે. તેણે કાલિકટનું વર્ણન કરતા તેને "માલાબાર જિલ્લાનાં સૌથી મહત્વના બંદરો પૈકીનું એક" વર્ણવ્યું હતું જ્યાં "વિશ્વનાં તમામ ભાગોમાંથી આવતા વેપારીઓ જોવા મળે છે". ઈબ્ન બતુતા જણાવે છે કે, કાલિકટનો રાજા "એક નાસ્તિક છે જે પોતાની દાઢી રોમનાં હૈદરી ફકીરોની જેવી જ રાખે છે... આ સ્થળનાં મુહમ્મદી વેપારીઓનો એક મોટો હિસ્સો એટલો તો સમૃદ્ધ છે કે તેમના પૈકીનો એક વેપારી અહીં રાખવામાં આવેલા માલવાહક જહાજોનો સંપૂર્ણ કાફલો ખરીદી શકે છે અને અન્ય જહાજોને સજ્જ કરી શકે છે". ચેન્ગ હો ઝેન્ગ હીની હેઠળના ચીનનાં શહેનશાહના નૌકાકાફલાનો મુસ્લિમ નાવિક મા હુઆંગ (1403 એ.ડી.), આ શહેરને વિશ્વભરના વેપારીઓ દ્વારા અવારનવાર મુલાકાત લેવાતા વેપારનાં એક મહાન મથક તરીકે બિરદાવે છે.[૧૪] તેણે એવી નોંધ કરી છે કે આ શહેરમાં મુસ્લિમોની ધાર્મિક જરૂરિયાતો સંતોષવા માટે 20 અથવા 30 મસ્જિદો બાંધવામાં આવી છે. હુઆંગે વેપારીઓ દ્વારા ગણતરી માટે કરાતા પોતાની આંગળીઓ અને જીભનો ઉપયોગ અને માતૃવંશીય વારસા પદ્ધતિની પણ નોંધ કરી છે. પર્શિયાના સમ્રાટ શા-રોહકનાં રાજદૂત અબ્દુર રઝાક (1442-43)ને આ શહેરનું બંદર સચોટપણે સુરક્ષિત લાગ્યું હતું અને તેણે વિવિધ સાગરખેડું દેશો, ખાસ કરીને એબિસિનિયા, ઝિરબાદ અને ઝાંઝીબારથી આવતી કિંમતી ચીજવસ્તુઓની નોંધ કરી હતી. ઇટાલીનો નિકોલો દ' કોન્ટી (1445), કદાચ સૌથી પહેલો એવો ખ્રિસ્તી પ્રવાસી હતો કે જેણે કાલિકટની નોંધ લીધી હતી અને આ શહેરનું વર્ણન મરી, લાખ, આદું, વિપુલ પ્રકારના તજ, માયરોબેલેન્સ અને ઝેદારી વડે છલકાતાં શહેર તરીકે કર્યું હતું. તેણે આ શહેરને સમગ્ર ભારતનું એક ઉમદા બજાર ગણાવ્યું હતું, જે આઠ માઈલનો પરિઘ ધરાવે છે. રશિયાનો પ્રવાસી એથાનાસિયસ નિકિતન અથવા એફાનેસી નિકિતીન (1468-74) 'કાલેકટ'ને સમગ્ર ભારતીય સમુદ્ર માટેનું બંદર ગણાવે છે અને કાલિકટનું એક 'મોટું બજાર' ધરાવતા નગર તરીકે વર્ણન કરે છે. કાલિકટની મુલાકાતે આવનારા અન્ય પ્રવાસીઓમાં ઇટાલીના લુદોવિસો દી વારથેમા[૧૫] (1503-1508) અને ડ્યુઅર્ટ બાર્બોસા નો સમાવેશ થાય છે[૧૬].

આ પ્રવાસીઓનું વિગતવાર વૃત્તાંત વર્ણન સંશોધકો માટે અત્યંત મૂલ્યવાન છે કારણ કે આજે માર્ગો અને મોલ્સ નીચે દટાયેલાં આ શહેરના કિલ્લાઓ, મહેલો, સંગ્રહસ્થાનો અને વાણિજ્યિક કેન્દ્રો વિશે માહિતી મેળવવાનો તેઓ એકમાત્ર સ્રોત છે. કિલ્લાનું સ્થળ આજે જૂના બસ સ્ટેન્ડ (પલયમ), શાકભાજીની બજાર, ઓફિસો, કાચી દુકાનો વગેરે વડે ઘેરાઈ ગયું છે, જેનાથી બસ સ્ટેન્ડની નીચે શું છે તેની તપાસ કરવી અશક્ય થઈ ગયું છે.

કલ્લાઇ નદીનું દૃશ્ય

કોઝીકોડનું સ્થાન છે 11°15′N 75°46′E / 11.25°N 75.77°E / 11.25; 75.77એ.[૧૭] કોઝિકોડ સમુદ્ર સપાટીથી 1 મીટર (3 ફીટ)ની ઉંચાઇ પર વસેલું છે અને શહેરનો પૂર્વીય કિનારો સમુદ્રતટથી લગભગ 15 મીટરની ઊંચાઈ ધરાવે છે. શહેરનો સમુદ્રતટ રેતાળ છે અને લેટરાઈટિક મિડલેન્ડ ધરાવે છે. શહેરનો સમુદ્રતટ 15 કિ.મી. લાંબો છે અને પૂર્વીય તથા મધ્ય વિસ્તારોમાં નાની ટેકરીઓ આવેલી છે. કોઝિકોડ એ કેરળની પાંચ મહાનગરપાલિકા પૈકીની એક છે. 3 જુલાઈ, 1866ના રોજ કોઝિકોડ મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ હતી. આ પ્રદેશની જનસંખ્યા તે સમયે 36,602 લોકોની હતી, જે 28.48 ચોરસ કિ.મી. વિસ્તારમાં વસતી હતી. બાદમાં, 1962માં તેને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવ્યું. હાલમાં, આ કોર્પોરેશન 84.232 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે. આ શહેરની પશ્ચિમે અરબી સમુદ્ર અને આશરે 60 કિ.મી. ઉત્તરે સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે.

સમગ્ર શહેરમાં તળાવો, પાણીનો કાંસ, નદીના મુખ આગળની ખાડી અને ભેજવાળી જમીનનું માળખું જોવા મળે છે. આ પૈકીનું જાણીતું પાસું છે કનોલી કેનાલ જેને 1848માં ઉત્તરની કોરાપુઝા નદી અને દક્ષિણની કલ્લયી નદીને જોડવા માટે બનાવવામાં આવી હતી. વેટલેન્ડ (મેન્ગ્રોવ)ના વિશાળ જંગલોને લીધે આ શહેર કલ્લયી નદીથી ઉત્તરમાં ઈરાન્જીક્કલ સુધીનો ફેલાવો ધરાવે છે. આ પ્રદેશ શહેરની મહત્વની જીવાદોરી સમાન છે. આ સંદર્ભમાં કોતૂલ્લીની ભેજવાળી જમીનની નોંધ લેવા જેવી છે. જૈવિક વૈવિધ્ય, પર્યાવરણની સમતુલા, ભૂમિગત જળનું પ્રમાણ અને પૂર સમયે વ્યવસ્થા જાળવવામાં ભેજવાળી જમીન મહત્વની ભૂમિકા ભજવતી હોય છે તેમ છતાં, તેની સામે વ્યવસ્થાપનમાં ઉદાસિનતા અને સ્વાર્થી વ્યાપારિક હિતોને કારણે પડકાર ઊભો થયો છે. આ ઉપરાંત સ્થાનિક લોકોમાં ભેજવાળી જમીનનાં મહત્વ વિશેના અજ્ઞાનના પરિબળનો પણ સમાવેશ થાય છે. સહ્યાદ્રી પર્વતમાંથી ઉદભવતી સંખ્યાબંધ નદીઓ કોઝિકોડનાં સીમાડાંઓ પાસેથી થઈને વહે છે. આ નદીઓમાં ચેલૈયાર પુઝા, કલ્લયી પુઝા, કોરાપુઝા નદી, પૂન્નુર પુઝા (નદી), અને ઈરાવન્ઝી પુઝા નો સમાવેશ થાય છે. આ પૈકી, કલ્લયી નદી શહેરનાં દક્ષિણ ભાગમાં થઈને વહે છે. આ નદી સાંસ્કૃતિક અને ઇતિહાસની દ્વષ્ટિએ કોઝિકોડ માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે.

હવામાન

[ફેરફાર કરો]
ચોમાસાની મોસમ લીલોતરીને વૃદ્ધિ પામવાનો છૂટો દોર આપે છે.

આ શહેર ભારે ભેજવાળું ઉષ્ણકટિબંધની આબોહવા ધરાવે છે અને અહીં માર્ચથી મે દરમિયાન સૌથી વધુ તાપમાન નોંધાય છે. આ શહેરમાં એપ્રિલ દરમિયાન ચોમાસા પૂર્વેનો વરસાદ વરસે છે. જો કે, વરસાદનો મુખ્ય સ્રોત નૈઋત્યનું ચોમાસું જ છે જે જૂનનાં પ્રથમ સપ્તાહમાં બેસે છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે. અહીં ઇશાનનું ચોમાસું પણ નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ વરસાવે છે જે ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં બેસે છે અને નવેમ્બરના અંત સુધી ચાલે છે. અહીનો સરેરાશ વાર્ષિક વરસાદ 3,266 મિલિમીટર છે. વર્ષના અંતે ડિસેમ્બર અને જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી વાતાવરણ આદર્શ રહે છે. માર્ચ પછી આકાશ સાફ થાય છે અને હવા ઓછી ભેજવાળી બને છે. અહીંનો શિયાળો ભાગ્યે જ ઠંડો હોય છે. આબોહવાના ચાર્ટ અનુસાર, કોઝિકોડ કરતા ભારતના 12 સ્થળો વધુ ઠંડા છે, 26 સ્થળો વધુ ગરમ છે, 37 સ્થળો વધુ સુકાં છે અને માત્ર એક સ્થળ કોઝિકોડ કરતાં વધુ ભીનાશ[૧૮] ધરાવે છે. અહીં સહુથી ઊંચુ તાપમાન 1975ના માર્ચ મહિનામાં 39.4 સેલ્શિયસ નોંધાયું હતું. જ્યારે સહુથી નીચું તાપમાન 1975ની 26મી ડિસેમ્બરના રોજ 14 સેલ્શિયસ નોંધાયું હતું.

હવામાન માહિતી કોળિક્કોટ્
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ મહત્તમ °C (°F) 28.9
(84.0)
29.8
(85.6)
31.6
(88.9)
32.4
(90.3)
32.8
(91.0)
30.5
(86.9)
29.8
(85.6)
27.9
(82.2)
29.5
(85.1)
31
(88)
30.2
(86.4)
29.8
(85.6)
30.5
(86.9)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 21.7
(71.1)
22.5
(72.5)
23.8
(74.8)
24.4
(75.9)
25.1
(77.2)
24.8
(76.6)
24.5
(76.1)
23.9
(75.0)
22.8
(73.0)
22.2
(72.0)
21.8
(71.2)
21.3
(70.3)
23.3
(73.9)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 2.7
(0.11)
3.4
(0.13)
1.5
(0.06)
31.1
(1.22)
78.9
(3.11)
818.2
(32.21)
૧,૨૩૦.૩
(48.44)
764.4
(30.09)
132.1
(5.20)
46.6
(1.83)
12.2
(0.48)
8.8
(0.35)
૩,૧૩૦.૨
(123.24)
સ્ત્રોત: IMD[૧૯]

નાગરિક વહીવટ

[ફેરફાર કરો]

આ શહેરનો વહીવટ કોઝિકોડ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. શહેરના મેયર તેના વડાં હોય છે, આ કોર્પોરેશનનું વડુંમથક કોઝિકોડમાં છે.

કોઝિકોડ શહેરનાં પદાધિકારીઓ
મેયર
શ્રી એમ. ભાસ્કરન
જિલ્લા કલેક્ટર
શ્રી પી.બી. સલીમ

કોઝિકોડ બે વિધાનસભા મતવિસ્તાર ધરાવે છેઃ કોઝિકોડ ઉત્તર અને કોઝિકોડ દક્ષિણ, આ બન્ને વિસ્તારો કોઝિકોડ (લોકસભા મતવિસ્તાર)નો ભાગ છે.[૨૦]

પરિવહન

[ફેરફાર કરો]

શહેરની અંદર, બહાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કોઝિકોડ સુવિકસિત માળખું ધરાવે છે. શહેરની અંદરનું પરિવહન સેવાનું સંચાલન ખાનગી બસ સંચાલકો દ્વારા કરવામાં આવે છે. આ કહેવાતી 'સિટી બસો' લીલા રંગ વડે રંગવામાં આવી છે અને કોર્પોરેશનનાં સમગ્ર વિસ્તારમાં તેની નિયમિત સેવા મળે છે. મેડિકલ કોલેજ, બેપોર, ફેરોક, ઇલાથુર, કાક્કોડી વગેરે જેવા વિસ્તારોના મુખ્ય રૂટ મનચિરા ખાતે ભેગા થાય છે. અહીં સિટી બસો માટે કોઈ સ્ટેન્ડ નથી. જો કે, આ શહેરમાં ત્રણ બસ સ્ટેન્ડ છે. કોઝિકોડના ઉપ-નગરો અને નજીકનાં નગરોએ જતી તમામ ખાનગી બસો પલયમ બસ સ્ટેન્ડથી આવજા કરે છે. પલક્કડ, થ્રિસૂર, કન્નુર, કેસરગોડ, એર્નાકુલમ, સુલ્થાન બથેરી, મલાપ્પુરમ વગેરે જેવા નજીકનાં જિલ્લાઓ અને શહેરો માટેની ખાનગી બસોનું મથક ઈન્દિરા ગાંધી રોડ (મવ્વુર રોડ) પરનું નવું બસ સ્ટેન્ડ છે. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (કેએસઆરટીસી) દ્વારા સંચાલિત બસો ઈન્દિરા ગાંધી રોડ (મવ્વુર રોડ) પરનાં કેએસઆરટીસી બસ સ્ટેન્ડ પરથી આવ-જા કરે છે. એર્નાકુલમ, કોટ્ટયમ, પેથાનામથીટ્ટા, તિરૂવનંતપુરમ, કોઇમ્બતુર, ઊટી, મદુરાઈ, બેંગલોર, મૈસોર વગેરે જેવા નજીકના શહેરો અને નગરોએ જવા માટે કેએસઆરટીસીની નિયમિત બસ સેવા ઉપલબ્ધ છે. બેંગલોર, ઊટી, મદુરાઈ વગેરે સ્થળોએ જવા માટે ખાનગી ટૂર સંચાલકો નિયમિત લક્ઝરી બસ સેવા ચલાવે છે અને મોટાભાગે તેઓ પલયમ વિસ્તારમાંથી બસ સેવાનું સંચાલન કરે છે.

માલાબારમાં રેલવેનો ઇતિહાસ 1861માં શરૂ થાય છે જ્યારે તિરૂર અને બેપોર વચ્ચે સૌપ્રથમ રેલવે ટ્રેક બિછાવવામાં આવ્યા હતા[૨૧]. આજે કોઝિકોડ દક્ષિણમાં તિરૂવનંતપુરમ, એર્નાકુલમ, કોઇમ્બતુર, ચેન્નાઈ અને ઉત્તરમાં મેંગલોર, મુંબઈ, નવી દિલ્હી જેવા મહત્વના શહેરો સાથે કોઝિકોડ રેલવે દ્વારા જોડાયેલું છે. કાલિકટ અને કન્નુર વચ્ચેનું ટ્રેક ડબલીંગનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે કાલિકટ અને શોરાનુર વચ્ચેનું કામ ચાલુ છે. કોઝિકોડથી 22 કિ.મી. દૂર કન્દોટ્ટી (મલાપુરમ જિલ્લો) નજીકનાં કરીપુર ખાતે કાલિકટ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક આવેલું છે. અહીંથી ચેન્નાઈ, કોઈમ્બતુર, ગોવા, કોચી, મુંબઈ અને તિરૂવનંતપુરમ જવા માટેની નિયમિત સ્થાનિક સેવાઓનુ સંચાલન એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિયન એરલાઈન્સ, જેટ એરવેઝ અને કિંગફિશર દ્વારા કરવામાં આવે છે. આબુ ધાબી, અલ-આઇન, બહેરીન, દોહા, દુબઈ, મસ્કત, સલાલાહ, શારજાહ, દમ્મામ, જેદ્દાહ, કુવૈત અને તેલ અવીવ જવા માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ, ઇન્ડિયન એરલાઇન્સ, એર ઇન્ડિયા, જેટ એરવેઝ, ઓમાન એર, કતાર એરવેઝ, બહેરીન એર, નાસ એર, સાઉદી અરેબિયન એરલાઇન્સ અને એતિહાદ એરવેઝની આંતરરાષ્ટ્રીય સેવાઓ ઉપલબ્ધ છે.

અર્થતંત્ર

[ફેરફાર કરો]

કાલિકટ એ કેરળનાં મુખ્ય વાણિજ્યિક શહેરો પૈકીનું એક છે.અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે વેપારલક્ષી છે. પુરૂષોની વસતીનો વિશાળ હિસ્સો મધ્ય પૂર્વીય દેશોમાં નિયુક્ત છે, અને તેઓ પોતાના ઘરે જે પૈસા મોકલાવે તે કોઝિકોડના સ્થાનિક અર્થતંત્રના એક મહત્વના હિસ્સારૂપ છે. તાજેતરના વર્ષોમાં કાલિકટમાં બાંધકામ ક્ષેત્રે તેજી જોવા મળી હતી. તાજેતરના વર્ષોમાં બંધાયેલા મોલ્સની સંખ્યા આ બાબતની સચોટ સાબિતી આપે છે. આયોજિત કરાયેલી અન્ય યોજનાઓમાં બિરલા આઈટી પાર્ક (મવ્વુર ખાતે), સાયબર પાર્ક અને મલેશિયન સેટેલાઈટ સિટી (કિનાલૂર ખાતે)નો સમાવેશ થાય છે. કેઆઈએનએફઆરએ એક 400 એકરનો ઔદ્યોગિક પાર્ક સ્થાપવાની યોજના ધરાવે છે.

વસ્તી-વિષયક માહિતી

[ફેરફાર કરો]

As of 2001ભારતની વસતી ગણતરી અનુસાર,[૨૨] કોઝિકોડ 436,530 લોકોની વસતી ધરાવતું હતું અને તે કેરળનું ત્રીજા ક્રમનું સૌથી વિશાળ શહેર છે. વર્ષ 2010 સુધીમાં આ શહેરની વસતી 440,367 થાય એવો અંદાજ છે. કોઝિકોડમાં જાતિયતાનો દર પ્રત્યેક 1,000 પુરૂષો સામે 1,055 સ્ત્રીઓનો છે. પુરુષોની વસતી 49% અને સ્ત્રીઓની વસતી 51 ટકા છે. કોઝિકોડનો સરેરાશ સાક્ષરતા દર 92.24%નો (રાષ્ટ્રીય સરેરાશઃ 59.5%) છે, જે પૈકી પુરૂષોમાં સાક્ષરતા દર 96.6% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર 90.6% છે. શહેરની કુલ વસતીનો 11% હિસ્સો 6 વર્ષથી ઓછી વયના બાળકોનો છે.

પ્રારંભિક મધ્યયુગીય સમયગાળાથી કોઝિકોડ એક અનેક સમુદાય અને અનેક ધર્મોને અનુસરતું શહેર રહ્યું છે. અહીં હિંદુ ધર્મના લોકોની બહુમતી છે, ત્યારપછી અનુક્રમે મુસ્લિમ અને ખ્રિસ્તી લોકો આવે છે.[૨૩]

હિંદુઓમાં ઈશ્વરવાદ અને નિરીશ્વરવાદની તમામ પ્રકારોની માન્યતાઓ પ્રવર્તે છે. હિંદુઓ દ્વારા બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને હિંદુ ધર્મના અન્ય દેવ અને દેવીઓની પૂજા થાય છે. ઘણાં સ્થળોએ સ્થાનિક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાં દેવીના મંદિરો વધારે છે. આ મંદિરોનાં મંચ ઉપર થૈય્યમ, થિરા જેવા ઉત્સવો ઉજવાય છે તથા ઓટ્ટમથુલ્લાલ, કથકલી જેવા કલાસ્વરૂપો ભજવવામાં આવે છે. ઘણાં મંદિરોમાં વેલિચપ્પડ તરીકે ઓળખાતા પૂજારી (કે જે દેવી-દેવતા વતી પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપે છે) હોય છે. સર્પની ભક્તિ અને વડીલોની ભક્તિની રસમ પણ ચાલુ છે. કોઝીકોડનાં મુસ્લિમો માપ્પીલા તરીકે ઓળખાય છે અને કોઝીકોડની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે, આ પૈકીના મોટાભાગના મુસ્લિમો સુન્ની છે, ત્યારપછી અનુક્રમે શફી વિચારધારાના મુસ્લિમો આવે છે.[૨૩] મુસ્લિમોમાં દાઉદી વહોરા જેવી નાની જ્ઞાતિઓ પણ છે.[૨૪] આ શહેરના ઐતિહાસિક હિસ્સામાં રહેતા ઘણા મુસ્લિમો માતૃવંશને અનુસરે છે અને તેઓ પોતાની ધર્મનિષ્ઠા માટે જાણીતા છે.[૨૫] કેરળમાં ખ્રીસ્તીધર્મનો પ્રવેશ 52 સી.ઈ.માં થયો હોવાનું માનવામાં આવે છે, અલબત્ત 15મી સદીના અંતમાં પોર્ટુગીઝોનાં આગમન બાદ જ આ ધર્મના લોકોની સંખ્યા વધવાનું શરુ થયું. ત્રાવણકોર અને કોચીનનાં કેટલાક ખ્રિસ્તીઓએ અમુક સમય બાદ આ જિલ્લાના પર્વતીય પ્રદેશમાં સ્થળાંતર કર્યું અને ત્યાં સ્થાયી થયા.[૨૫]

પૂર્વ-આધુનિક સમયગાળામાં જ કોઝિકોડ વિવિધ સમાજ અને ધર્મના લોકો વડે ઉભરાવા લાગ્યું હતું. આ પૈકીની મોટાભાગની જ્ઞાતિઓએ 20મી સદી સુધી પોતાના પરંપરાગત વ્યવસાયો અને રીતીરીવાજોને અનુસરવાનું ચાલુ રાખ્યું હતું. આ જ્ઞાતિઓમાં કોસવન (કુંભાર), મન્નાન અથવા વન્નન (ધોબી), પુલયાન (ખેત મજુર), ચેલીયન (વણકર), ચેટ્ટી (વેપારી), થીય્યા (તાડના ઝાડ ઉગાડનારનો મદદનીશ), ગનકા (જ્યોતિષી), વેત્તુવન (મીઠાનો ઉત્પાદક), પન્નાન (જાદુ ટોણો કરનાર ભૂવો), એરાવાલ્લન (બળતણ માટેના લાકડા અને ઘાસ ઉપાડનાર મજુર), કમ્માલાસ, પરાયાન વગેરેનો સમાવેશ થાય છે.[૨૬]. આ શહેરમાં ઘણા બ્રાહ્મણો પણ રહે છે, તેઓ મોટાભાગે હિંદુ મંદિરોની આસપાસ રહે છે. વિવિધ સમયગાળા દરમિયાન તમિલ બ્રાહ્મણ, ગુજરાતીઓ અને મારવાડી જૈનો પણ આ શહેરનો ભાગ બન્યા. તેઓએ પોતાના ધર્મ સ્થાનોની આસપાસ વસવાટ કર્યો. કોઝીકોડની કથામાં તમામ સમાજ-સંપ્રદાયની વાત આવે છે. જો કે, નૈયર અને માપ્પીલા સામાજિક જૂથોનો કાલિકટનાં ઇતિહાસ ઉપર મોટો પ્રભાવ રહેલો છે.

કાલિકટનાં શાસકો, યોદ્ધાઓ અને જમીનદાર સરદારો નૈયર હતા. ઝામોરિન દસ હજાર બળવાન નૈયર અંગરક્ષકો ધરાવતો હતો જેઓ કોઝીક્કોત્તું પથીનાયીરમ (કોઝીકોડના દસ હજાર) તરીકે ઓળખાતા હતા. તેઓએ રાજધાનીનું રક્ષણ કર્યું હતું અને નગરનાં વહીવટમાં મદદરૂપ થયા હતા. ઝામોરિન જયારે ઈર્નાદનો રાજકુમાર હતો ત્યારે પણ તે 30,000 નૈયરનું વિશાળ દળ ધરાવતો હતો જે કોઝીકોત્તું મુપ્પાતીનાયીરમ (કોઝિકોડનાં ત્રીસ હજાર) તરીકે ઓળખાતા હતા. નૈયરોનો આત્મઘાતી દળ (ચેવર)માં પણ સમાવેશ થતો હતો. સમૃદ્ધ નૈયરો રાજધાનીની અંદર તથા તેની આસપાસ તેમના તરવાડ તરીકે ઓળખાતા ઘરો ધરાવતા હતા. નગરમાં વસતા ઘણા નૈયર લોકો વેપારી પણ હતા. ગૌહત્યા અને રાજાની આલોચના જેવા ગંભીર ગુન્હાઓને બાદ કરતા, બાકીના ગુન્હાઓમાં નૈયરોને કેદ અથવા બંધનમાં જકડી શકાતા નહોતા.[૨૭] કોઝિકોડની માપ્પીલા જાતિએ આ નગરની લશ્કરી, આર્થિક અને રાજકીય બાબતોમાં મહત્વના આધાર તરીકેની ભૂમિકા ભજવી હતી. તેઓ મુખ્યત્વે કુટ્ટીચીરા અને ઇદીયાન્ગરામાં સ્થાયી થયા હતા. તેમના વૈભવી રહેઠાણો નૈયરો અને થૈયરોનાં થરાવાદ ઘરોને મળતા આવતા હતા. બે ગાઝીને તેમનાં ધાર્મિક નેતા તરીકે માન્ય કરવામાં આવ્યા હતા. બાર્બોસા જેવા મુસાફરોને આ લોકોમાં એટલો રસ પડ્યો કે તેઓ માપ્પીલા જાતિના લોકોના સ્થાનિક સમાજમાં મિશ્ર થઈ ગયા હતા, તેઓ સમાન ભાષા બોલતા હતા અને અન્ય કોઈ નૈયરની (ગોળાકાર ટોપ અને લાંબી દાઢી સિવાય) જેવા દેખાતા હતા.[૨૬]

તમિલ બ્રાહ્મણો (પત્તાર) મુખ્યત્વે તાલિ શિવ મંદિરની આસપાસ સ્થાયી થયા હતા. તેઓ નગરના સરદારોના આશ્રિત તરીકે કાલિકટ આવ્યા હતા અને રસોઈયા, સંદેશવાહક, કાપડના વેપારી તથા નાણાં ધિરનાર તરીકે કામ કરતા હતા[૧૨]. તેમણે પોતાની તમિલ ભાષા અને ઉચ્ચારણો તેમજ પોતાની જ્ઞાતિના રિવાજો યથાવત રાખ્યા હતા. ગુજરાતી સમાજના લોકો મુખ્યત્વે મોટા બજાર (વેલ્લીયાંગદી)ની અંદર તથા તેની આસપાસના વિસ્તારમાં જૈન મંદિરની આસપાસ સ્થાયી થયા. તેઓ વિશાળ સંખ્યામાં સંસ્થાઓ ખાસ કરીને કાપડ તથા મિઠાઈની દુકાનોની માલિકી ધરાવતા હતા. તેઓ 14મી સદીના પ્રારંભથી કાલિકટમાં આવ્યા હોવા જોઇએ. તેઓ હિંદુ અથવા જૈન સમાજ સાથે સંબંધિત છે. કાલિકટમાં કેટલાક મારવાડી કુટુંબ પણ જોવા મળે છે જેઓ મૂળ નાણાં ધિરધારનું કામ કરતા હતા.

આકર્ષક સ્થળો અને ઐતિહાસિક મહત્વ

[ફેરફાર કરો]
દક્ષિણના છેડાથી કાલિકટ બીચનું એક દૃશ્ય

કોઝિકોડનો સમુદ્રતટ સમુદ્રતટ એકાંતવિહાર માટે સ્થાનિક લોકોમાં સૌથી વધુ લોકપ્રિય છે. સમુદ્રતટનું સૌંદર્ય નિખારવા માટેની કામગીરી અને બેદરકારીભર્યું સંચાલન હોવા છતાં, આ સમુદ્રતટ બહુ લોકોના ધ્યાનમાં આવ્યો નથી અને અહીંનું દ્વશ્ય આહ્લલાદક છે. આ સમુદ્રતટ કેટલીય ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે, જેમાં બેઉપક્ષે વ્યૂહરચના સાથે લડાયેલાં દરિયાઈ યુદ્ધો અને દૂરના પ્રદેશોમાંથી જહાજોનાં આગમનનો સમાવેશ થાય છે. ઝામોરિનનાં દરબારનાં સંસ્કૃત કવિ ઉદ્દાન્દાએ જણાવ્યું હતું કેઃ "આ સમુદ્ર એ સમૃદ્ધિની દેવીનો પિતા છે (ઈન્દિરા એ લક્ષ્મીનો સમાનાર્થી શબ્દ છે) જે પોતાની પુત્રીને કુક્કાતાક્રોદા (કોઝિકોડ માટેનો સંસ્કૃત શબ્દ)માં સ્થાયી થયેલી નિહાળી રહ્યો છે અને આ સ્થળને આલિંગન આપી રહ્યો છે તથા આ સ્થળને ઝવેરાતની ભેટ આપી રહ્યો છે".[૨૮] મહાત્મા ગાંધી, ખાન અબ્દુલ ગફાર ખાન, ઈન્દિરા ગાંધી અને ક્રૃષ્ણ મેનન જેવા વિવિધ રાષ્ટ્રીય નેતાઓએ અહીં લોકોને સંબોધન કર્યું હતું. 1934માં મહાત્મા ગાંધીની મુલાકાત બાદ 'બીચ રોડ'નું નામ ઈવાન'સ રોડથી બદલીને ગાંધી રોડ કરવામાં આવ્યું હતું. સમુદ્રમાં પુલના બે થાંભલાઓ જીર્ણશીર્ણ અવસ્થામાં ઉભેલા જોઇ શકાય છે. અંતમાં 'ટી' આકારનો ભાગ ધરાવતા 'આયર્ન સ્ક્રૂ-પાઈલ' થાંભલાનું નિર્માણ 1871માં કરવામાં આવ્યું હતું400 ft long (120 m). આ થાંભલાઓ પરની સંખ્યાબંધ ક્રેન્સ મસાલાં અને અન્ય ચીજવસ્તુઓ જહાજોમાં લાદતી હતી જેઓ એડન, જીનેવા, ઓસ્લો, લંડન, બ્રેમેન, હેમ્બર્ગ, ન્યૂ યોર્ક વગેરે જેવા વિદેશી બંદરોએ આ વસ્તુઓ લઈ જતા. ઉત્તરીય થાંભલાની નજીક એક પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, આવેલો છે જેની જાળવણી લાયન્સ ક્લબ કરે છે. આ સિવાય અહીં દરિયાખેડુંઓના સ્મારક સાથેની દિવાદાંડી તથા માછલીઘર આવેલાં છે. લાયન્સ' પાર્કની વધુ ઉત્તરે એક ગંદો માછીમારીનો વિસ્તાર આવે છે જ્યાં કોઇ સમયે ફેક્ટરીઓ અને ફ્રેન્ચ વસાહત સહિત એક ફ્રેન્ચ લોજ હતી. દક્ષિણ થાંભલા નજીકનું સ્થળ 'ઘોડાઓને કૂદવા માટેની જગ્યા' તરીકે ઓળખાય છે જ્યાં ગુજરાત અને અરેબિયાથી લાવવા આવતા ઘોડાઓને પાણીમાં કુદકો મરાવવામાં આવતો હતો, ઘોડાઓ પાણીમાં તરીને સમુદ્રતટે બહાર નીકળી આવતા અને તેને વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવતા. માછીમારો જ્યારે તેમની નાની હોડીઓ સાથે સમુદ્રમાં પ્રવેશે, મોજાંઓ સામે ટક્કર લેતા હોય અને માછલીઓ પકડીને પરત ફરતા હોય તે સમયે આ સમુદ્રતટ ઉપરોક્ત દ્વશ્યોનો આનંદદાયક નજારો પૂરો પાડે છે.

"વેલિયાંગદી" (મોટું બજાર)

વેલિયાંગદી એ કોઇને મુલાકાત લેવું ગમે એવું પરંપરાગત આકર્ષણનું સ્થળ નથી. આ સાંકડી ગલીનો ઘોંઘાટ, ધસારો અને ગરમી કોઇપણ મુલાકાતીની કસોટી થઇ જાય એવા છે. 600 વર્ષનો ઇતિહાસ ધરાવતી હોય[] તેમ છતાં તે શહેરના મુખ્ય વાણિજ્યિક કેન્દ્ર તરીકે ધમધમતી રહી હોય તેવી શેરીઓ ઘણી નથી. પાછલા 100 વર્ષોમાં થયેલી પ્રગતિ અહીં ધીમેધીમે પહોંચી રહી હોય તેવા સંકેતો જોવા મળે છે, તેમ છતાં શહેરનો આ ગીચ ભાગ મધ્યયુગીન કાલિકટના વાણિજ્યિક કેન્દ્રનું રોજબરોજનું જીવન નિહાળવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. મુસ્લિમ, જૈન, હિંદુ શેઠિયાઓ , ગુજરાતી અને મારવાડી નાણાં ધિરનારાઓ અને તમિલ તથા આન્ધ્રના ચેટ્ટીઓ સદીઓથી રહેતા આવ્યા છે તે રીતે વેપારમાં વ્યસ્ત જોવા મળે છે. ઝેન્ગ હીનાં નૌકાકાફલાનાં નાવિક મા હુઆન્ગે નોંધ્યા તે પ્રમાણે વેપારીઓ અને હિસાબનીશો હજુ પણ ગણતરી માટે આંગળીના વેઢાંની અનોખી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક એવી દંતકથા છે કે ઝામોરિનનાં સૌપ્રથમ સચિવ મંગત આચને લાંબી તપસ્યાં કરતાં લક્ષ્મી દેવીએ તેમને દર્શન આપ્યા હતા. ત્યારબાદ તેમણે લક્ષ્મીજી પાસે પ્રતિક્ષા કરવાનું વચન માંગ્યું અને ઘરે પરત ફર્યાં અને આત્મહત્યા કરી લીધી. લક્ષ્મીજી પોતાનું વચન તોડી શકે નહીં, તેથી એવું કહેવાય છે કે, લક્ષ્મીજી વેલિયાનંગદીમાં હંમેશા માટે રહી ગયા છે.

માનનચિરા અને નજીકની સંસ્થાઓ
મનાચિરા સ્ક્વેરનો મુખ્ય દ્વાર
કોમટ્રસ્ટથી મનાચિરાનું દૃશ્ય

માનનચિરાએ શહેરની મધ્યમમાં આવેલું એક વિશાળ તળાવ છે. માનનચિરા અથવા માના વિક્રમન તળાવ (માનન અથવા માના વિક્રમન એ ઝામોરિન રાજાઓનાં રાજ્યાભિષેકના નામો છે) સમગ્ર મહેલ સંકુલનો પીવાના પાણીનો મુખ્ય સ્રોત હોય એમ જણાય છે (કોટ્ટાપેરુમ્બુ મહિલા અને બાળકોની હોસ્પિટલ છે ત્યાં અગાઉ મહેલ હતો). માનનચિરાની ફરતે વિવિધ મહત્વની સંસ્થાઓ આવેલી છે. 1891માં ટાઉન હોલનું બાંધકામ મીઠાંના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું (આ હોલને અગાઉ સોલ્ટ આબકારી ટાઉન હોલ તરીકે ઓળખવામાં આવતો હતો) અને સ્વાધિનતા સંગ્રામ તથા તેના પછીની વિવિધ લોકપ્રિય ચળવળો અને સમારોહમાં આ હોલના મંચનો ઉપયોગ થયો હતો. પેટ્ટાલાપલ્લી અથવા 'લશ્કરી મસ્જિદ'નું બાંધકામ મૂળ મૈસોરના એ સૈનિકો માટે કરવામાં આવ્યું હતું જેમણે 'મૈસોર આક્રમણ' દરમિયાન મહેલને ઘેરી લીધો હતો. 1884માં જર્મનીથી આવેલા બેઝલ મિશને કોમટ્રસ્ટ ટેક્સટાઈલ ફેક્ટરી (જે અગાઉ કોમનવેલ્થ વિવિંગ ફેક્ટરી તરીકે ઓળખાતી હતી)ની સ્થાપના કરી હતી. માનનચિરાની પશ્ચિમ બાજુએ સીએસઆઈ ચર્ચ, બેઝલ મિશન સંકુલ અને બીઇએમ (બેઝલ ઇવાન્ગેલિકલ મિશન) ગર્લ્સ' સ્કૂલ (1848) આવેલી છે. એક સમયે ઝામોરિન રાજાના મહેલના પટાંગણ રહેલું, માનનચિરા મેદાન અને જૂના અન્સારી પાર્ક (જેનું નામ સ્વાતંત્ર્ય સેનાની અન્સારીના નામ પરથી રાખવામાં આવ્યું છે) તેને એક સુસ્થાપિત બગીચા તરીકે વિકસાવવામાં આવ્યો છે જેને 'માનનચિરા સ્ક્વેર' તરીકે ઓળખવામાં આવે છે. આ પાર્કમાં લેટેરાઈટ-સ્કલ્પ્ટેડ દિવાલોની ફેન્સીંગ સાથેની ગ્રીન કારપેટ લોન છે. સમગ્ર સંકુલની ગોળ ફરતે 'કોલોનીઅલ' શૈલીમાં ગોઠવવામાં આવેલા 250 લેમ્પ પોસ્ટ મૂકવામાં આવ્યા છે. આ 'સ્ક્વેર'માં એક કુત્રિમ નદી, એક સંગીતમય ફુવારો, એક ઓપન-એર થિયેટર અને એક મ્યુઝિક સ્ટેજ છે.

એસએમ સ્ટ્રીટ

માનનચિરા સ્ક્વેરની ઉત્તરે એસએમ સ્ટ્રીટ છે જે ખરીદી અને અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ વડે વ્યસ્ત રહેતી ગલી છે. સ્વીટમીટ નું નામ એક પ્રકારની મિઠાઈ (જેને સ્થાનિકપણે 'હલવા' તરીકે ઓળખવામાં આવે છે) પરથી ઉતરી આવ્યું હોય તેવું માનવામાં આવે છે જેને યુરોપીયન વેપારીઓ 'સ્વીટમીટ' તરીકે ઓળખતાં હતા.[૨૯] વેલિયાંગદીની ગલીઓની જેમ જ, એસએમ સ્ટ્રીટ આશરે 600 વર્ષ જૂની છે અને તેમાં ગુજરાતી મિઠાઈ ઉત્પાદકોની દુકાનો અને રહેઠાણ હોય તેવી શક્યતા વધુ છે. હાલમાં ત્યજી દેવાયેલી સ્થિતિમાં રહેલું અને અંજુમન તરીકે ઓળખાતું પારસી કબ્રસ્તાન અહીં આવેલું છે, જેને 17મી સદીમાં બાંધવામાં આવ્યું હોય તેવી શક્યતા છે તથા વિલિયન લોગનની મલબાર માં તેનો ઉલ્લેખ જોવા મળે છે.[૩૦]

સરોવરમ/ સરોવરમ પાર્ક

સરોવરમ એક ઇકો-ફ્રેન્ડલિ વિસ્તાર છે જે કેનોલી કેનાલને અડીને આવેલો છે. આ પ્રોજેક્ટને ઇકો-ફ્રેન્ડલિ થીમ સાથે વિકસાવવામાં આવ્યો છે અને તેનું બાંધકામ કેરળની પરંપરાગત શૈલીમાં કરવામાં આવ્યું છે. સાંજનો સમય વીતાવવા માટે શહેરના સૌથી લોકપ્રિય સ્થળોમાં આ સ્થળનો સમાવેશ થાય છે.

તાલિ શિવ મંદિર

તાલિ શિવ મંદિર ઝામોરિન રાજાનો આશ્રય પામેલાં બે બ્રાહ્મણ શૈલીના શાહી મંદિરો (બીજું મંદિર વલયાનાટ્ટુ કાવુ મંદિર છે) પૈકીનું એક હતું અને આજેપણ તે કોઝિકોડનાં સૌથી મહત્વનાં ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો પૈકીનું એક છે. આ મંદિરની સ્થાપનાની તારીખ ચોક્કસ નથી પરંતુ તે આ શહેરની સ્થાપના દરમિયાન 12 સદીમાં અથવા તે પૂર્વે નિર્માણ પામ્યું હોય તેવી મોટી શક્યતા છે. આ મંદિર 'એલિફન્ટ બેલિ' (અન્ના પલ્લા) પ્રકારની વિશાળકાય દિવાલો વડે ઘેરાયેલું છે. આ દિવાલોના પાયા વિસ્તૃત છે અને ઉપરથી તે સાંકડી છે. જમણી તરફ આ મંદિર સાથે જોડાયેલા બે તળાવો પૈકીનું એક તળાવ જોઈ શકાય છે. આ મંદિર રેવથી પેટ્ટાથાનમ તરીકે ઓળખાતી 'વિદ્વાનો માટેની સ્પર્ધા' યોજે છે જેમાં ભારતીય મિમાંસા, પ્રભાકરા મિમાંસા, વેદાંત મિમાંસા અને વ્યાકરણના ખ્યાતનામ વિદ્વાનો તથા ચિંતકો ઉપસ્થિત રહે છે. આ મંદિર એ જ સ્થળ છે કે જ્યાં 1911માં ક્રૃષ્ણા વકીલ (મિતાવાડી ના તંત્રી) અને વકીલ માંજેરી રામા ઐય્યર દ્વારા પ્રસિદ્ધ જાતિ-વિરોધી ચળવળ કરાઈ હતી. મંદિર અને તળાવ વચ્ચેના માર્ગનો ઉપયોગ કરવાના 'નીચી-જાતિ'ના લોકોના અધિકારના મુદ્દે આ ચળવળ થઇ હતી.

પન્નીયાંકરા "ભગવતી" મંદિર

કલ્લયી નદીની દક્ષિણ બાજુએ એક ટેકરી ઉપર ભગવતી મંદિર આવેલું છે અને ઇતિહાસકારોના મતે તે કાલિકટના અસ્તિત્વ પૂર્વેનાં બે મંદિરો પૈકીનું એક છે. આ મંદિર નગરની સ્થાપનાની આશરે બે સદી પૂર્વે બંધાયું હતું. સેરેમન પેરુમલના સત્તાકાળ દરમિયાન આ વિસ્તાર પોર્લાથિરીની હકુમતના વિસ્તાર હેઠળ આવતો હોવો જોઈએ. આ મંદિર ચેરા યુગનું પરંપરાગત બાંધકામ ધરાવે છે જેમાં એક ગર્ભગૃહ અને મંડપનો સમાવેશ થાય છે તથા કદાચ આ મંદિરમાં કુરામ્બલમ અને પ્રકારા (બાહ્ય દિવાલો) પણ હતી જે હવે હયાત નથી. તાજેતરમાં જ 10-11મી સદીના ગાળાના ગ્રેનાઈટના બે સ્લેબ મળ્યાં છે જેના ઉપર વેટ્ટેઝેન્થુમાં, જૂની મલયાલમ ભાષા, શિલાલેખ કોતરાયેલા છે. આ પૈકીનો એક લેખ ચેરા રાજવી રવિ કોટાએ જમીન આપ્યાનો પુરાવો છે. રવિ કોટાનો રાજ્યાભિષેક 1021માં થયો હતો.[૩૧] આ શિલાલેખમાં વર્ણવવામાં આવેલા કર્મચારીઓમાં અધિકારાર (અધિકારીઓ), અલ્કોયિલ (રાજાનાં પ્રતિનિધિ) અને પોડુવલ (મંદિરના સચિવ) તથા એવિરોધમ (સર્વાનુમતે ઠરાવની એક પદ્ધતિ) અને કલામ (એક જૂનું માપ) વગેરેનો સમાવેશ થાય છે. બીજો શિલાલેખ 883-913 એ.ડી.ના સમયગાળાનો છે જે 'પનરીયન્કરાઈ'નાં તાલિયાર અને તાલિ અધિકારીકલ દ્વારા લેવાયેલા એક નિર્ણયને નોંધવામાં આવ્યો છે. આ નિર્ણય પતારી (દેવી)ના મંદિરે સાત તિરુવક્કીરમ (પવિત્ર ઉપવાસ) કરવા અંગેનો છે. ત્રીજા શિલાલેખમાં ચેરામન પેરુમલની પટરાણીની દિકરીની માલિકીની અમુક જમીનને તિરુ અમ્રિતુ (પવિત્ર ઉપવાસ) કરવા માટે તબદિલ કરવા વિશે સર્વાનુમતે લેવાયેલા એક નિર્ણયની નોંધ કરવામાં આવી છે.

થિરુવન્નુર શિવ મંદિર

આ પૌરાણિક અને સુંદર શિવ મંદિર કમાનવાળા આકારનું ગર્ભગૃહ ધરાવે છે, જે પરંપરાગત ચોલ સ્તંભો અને ચોરસ થાંભલાઓ, પંજારાસ અને વ્યલિમુખાસ વડે અલંકૃત છે. મધ્ય પવિત્ર સ્થાનમાં કોઈ જ મરામત અથવા ફેરફાર થયો નથી અને તે ઘણી જ સારી સ્થિતિમાં જળવાયું છે. જમીનમાંથી મળી આવેલા એક શિલાલેખમાં રાજા રાજા ચેરાનાં આઠમાં વર્ષમાં તિરુમન્નુર પતરાકારને અપાયેલી એક જમીનની નોંધ કરવામાં આવી છે. આ નોંધ 1044 એડીના ગાળાની છે. મંદિરના ભગવાન એક જૈન તીર્થંકર હોય તેવું જણાય છે. (કેરળનાં મુખ્ય જૈન મંદિરમાં થિરુક્કુન્વાયીનાં નિયમોમાં શિક્ષાત્મક કલમો ટાંકવામાં આવી છે). ઝામોરિનનાં આગમન પૂર્વે 11મી સદીના કોઈ સમયગાળામાં આ જૈન મંદિરને શિવ મંદિરોમાં પરિવર્તિત કરવામાં આવ્યું હોવું જોઈએ.[૩૨] આ અર્ધગોળાકાર મંદિર અને અન્ય લાક્ષણિક્તાઓ આ સમયગાળા સાથે અનુરૂપ છે.

કપ્પડ બીચ
કપ્પડ બીચ
ચિત્ર:Kappkadavu pookkayil.jpg
વાસ્કો દી ગામા 1498માં કપ્પડ ખાતે ઉતર્યો હતો

કપ્પડ (કપ્પાક્કાદાવુ) સમુદ્રતટ કોઝિકોડની 16 કિ.મી. ઉત્તરે તિરુવન્ગૂર ખાતે કન્નુર રોડની બાજુમાં આવેલો છે. આ એક સુંદર અને ખડકો ધરાવતો સમુદ્રતટ છે જે પ્રવાસનની ઊંચી સંભાવના ધરાવે છે. આ ઉપરાંત, આ એ જ સ્થળ છે કે જ્યાં 27 મે, 1498ના રોજ વાસ્કો દી ગામા ત્રણ જહાજો અને 170 માણસો સાથે ઉતર્યો હતો. અહીં નિર્માણ કરવામાં આવેલું એક સ્મારક આ 'ઐતિહાસિક ઘટનાની' યાદ અપાવે છે. જો કે, ઘણાં લેખકોએ પોર્ટુગીઝ નાવિકોને અપાતા મહત્વ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે, તેઓ પણ કાલિકટના કિનારે આવનારા સેંકડો વેપારીઓ પૈકીના જ હતા અને તેમને એક પોર્ટુગીઝ બોલી શકનારા આરબે માર્ગદર્શન આપ્યું હતું.[૩૩][૩૪] અહીં એક ટેકરી ઉપર સમુદ્રની તરફ મુખ ધરાવતું એક પૌરાણિક મંદિર આવેલું છે જે અહીંનું એક વધારાનું આકર્ષણ છે.

બેપોર
ચિત્ર:Ship building.jpg
ઉરુ

બેપોર એક નાનું બંદર ધરાવતું નગર છે જે કાલિકટથી 10 કિમી દક્ષિણે ચેલિયાર નદીના મુખ પાસે આવેલું છે. બેપોર પોતાની પૌરાણિક જહાજનિર્માણ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે જેણે મધ્યયુગીય સમયગાળા દરમિયાન સૌથી વધુ લોકપ્રિય વ્યાપારિક જહાજ ઊરુનું નિર્માણ કર્યું હતું. આરબો અને અન્ય લોકો દ્વારા હજું પણ વાણિજ્ય અને મુસાફરી માટે આવા જહાજોનો ઉપયોગ થાય છે. અગાઉ આ સ્થળ વેયપુરા અને વેદપરપ્પાનાદ તરીકે ઓળખાતું હતું. ટીપુ સુલતાને આ નગરનું નામ "સુલ્તાન પટ્ટણમ" રાખ્યું હતું. કેરળના મુખ્ય બંદરો પૈકીનું આ એક બંદર છે અને તે શતકોથી વેપારનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. અહીં પરપ્પાનાદ રાજાઓનો ભગ્ન હાલતમાં રહેલો કોવાઈલકમ (મહેલ) તથા એક નાનું બશીર મ્યુઝિયમ (લેખક વાઈકોમ મુહમ્મદ બશીરનું ભૂતપૂર્વ ઘર) જોઈ શકાય છે. સમુદ્રકાંઠે એક મોટું સંકુલ છે જેમાં બંદર, બોટ યાર્ડ, ફિશ લેન્ડિંગ પ્લેટફોર્મ, બ્રેકવોટર પ્રોજેક્ટ, મરીન વેર શોપ, શિપ-બ્રેકિંગ યુનિટ વગેરેનો સમાવેશ થાય છે. માછીમારી માટેની હોડીઓમાં સરળતાથી પહોંચી શકાય તે માટે બે માનવસર્જિત એક્સ્ટેન્શન પણ છે. પથ્થરમાંથી બનાવવામાં આવેલું બે કિમીનું બ્રેકવોટર વધારાનું એક આકર્ષણ છે. ચેલિયારની દક્ષિણે બેપોર દિવાદાંડી આવેલી છે.

અન્ય આકર્ષક સ્થળો
  • પૂર્વીય ટેકરી ઉપર આર્ટ ગેલેરી અને કૃષ્ણ મેનન મ્યુઝિયમ, કોઝિકોડ
  • ટાઉન હોલ પાછળ લલિથા કલા એકેડમી, કોઝિકોડ
  • જવાહરલાલ નહેરૂ પ્લેનિટોરિયમ
  • 650 વર્ષ પૂર્વે બંધાયેલી, ઐતિહાસિક મિશ્કલ મસ્જિદ
  • દુર્ગા દેવીને સમર્પિત લોકનાર્કાવુ મંદિર, જે મેમુન્દા ખાતે આવેલું છે. આ મંદિર વેડકારાથી 4 કિમી દૂર છે. આ સ્થળને વારંવાર માર્શલ આર્ટ કલરીપયટ્ટુ સાથે જોડવામાં આવે છે.
  • થુષારગિરી ધોધ- કાલિકટ રેલવે સ્ટેશનથી આશરે 55 કિ.મી. છેટે આવેલો પાણીનો ધોધ
  • આ જિલ્લાની પૂર્વ બાજુએ કોઝિપ્પારા ધોધ આવેલો છે જે પર્વતારોહણનો સારો અનુભવ પૂરો પાડે છે.
  • પેરુવનામુઝી બંધઃ અહીં મગરમચ્છનું અભયારણ્ય છે અને અહીં બોટની સર્વિસ ઉપલબ્ધ છે. અહીં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઈસીઝ રિસર્ચનું પ્રયોગાત્મક ફાર્મ પણ આવેલું છે જ્યાં કાળા મરી, આદું, હળદર, જાયફળ, લવિંગ, તજ અને ગાર્સિનિયાનો વિશાળ સંગ્રહ છે.[સંદર્ભ આપો]
  • કક્કાયમ બંધ અને જળવિદ્યુત વીજ મથક આ પર્વતારોહણ માટેનું એક આદર્શ સ્થળ પણ છે.[સંદર્ભ આપો]

સંસ્કૃતિ

[ફેરફાર કરો]

મલયાલમ ભાષા અને સાહિત્યના ક્ષેત્રે, કોઝિકોડે ઘણું મહત્વનું યોગદાન આપ્યું છે. આ જિલ્લો પરંપરાગત ગીતો અથવા વદક્કમ પટ્ટુકલ તરીકે ઓળખાતા લોકગીતો માટે પ્રસિદ્ધ છે. આ પૈકીના સૌથી લોકપ્રિય ગીતોમાં થાચોલી ઓથેનાન અને ઉન્નીયારચાની સિદ્ધિની ઉજવણી કરતા ગીતોનો સમાવેશ થાય છે. આ જિલ્લાના મુસ્લિમોની નવરાશના સમયમાં કરાતી મનપસંદ પ્રવૃત્તિઓ પૈકીની એક પ્રવૃત્તિ છે મપ્પિલા પટ્ટુ અને ઓપ્પાના ગીતનું ગાન. આ ગીતોની રચના અરેબિક અને મલયાલમનું મિશ્રણ ધરાવતી ભાષામાં થઈ છે. થુલમ મહિના દરમિયાન થાલિ મંદિરમાં વૈદિક વિદ્વાનોની સુપ્રસિદ્ધ બૌદ્ધિક ચર્ચા યોજાય છે જેમાં જીતનારને પટ્ટાથનમનું મોભાદાર પદ મળે છે. કોઝિકોડ ગઝલો અને ફૂટબોલ સાથે પણ મજબૂત નાતો ધરાવે છે.

આ શહેર વેપારનું મજબૂત માળખું ધરાવે છે. એક સમયે, રેલવે સ્ટેશન નજીકનો 'વલિયાન્ગદી' (મોટી બજાર) વેપારનો મુખ્ય વિસ્તાર હતો. સમય વીતતો ગયો તેમ, વેપારનું કેન્દ્ર શહેરના અન્ય ભાગોમાં સ્થળાંતર પામ્યું. અત્યારે, શહેરનું વાણિજ્યિક કેન્દ્ર મિટ્ટાઈ થેરુવુ (સ્વીટ મીટ સ્ટ્રીટ)માં છે જે દુકાનો વડે ખીચોખીચ એક લાંબી ગલી છે જ્યાં સાડીથી લઈને કોસ્મેટિક્સ સુધીની દરેક ચીજ વેચાય છે. અહીં રેસ્ટોરેન્ટ્સ અને હલવાની દુકાનો પણ છે. મિટ્ટઈ થેરુવુ અથવા એસએમ સ્ટ્રીટ નું નામ સુપ્રસિદ્ધ કોઝિકોડ હલવા પરથી ઉતરી આવ્યું છે જેને ઘણીવાર સ્વીટ મીટ પણ કહેવામાં આવે છે.[૩૫] કોઝિકોડમાં અનેક સંસ્કૃતિઓનો સમન્વય થયો છે તેથી અહીં ઓણમ, ક્રિસમસ અને ઈદ-ઉલ-ફિત્ર (હિંદુ, ખ્રિસ્તી અને મુસ્લિમોના તહેવારો) એકસમાન ઉમંગથી ઉજવવામાં આવે છે.

ભોજન

કોઝિકોડ દરેક પ્રકારની સ્વાદેન્દ્રિયને અનુરૂપ ખોરાક ઉપલબ્ધ છે. શાકાહારી ખોરાકમાં સાદયાનો સમાવેશ થાય છે. આ શહેરમાં મળતાં માંસાહારી ખોરાકમાં મુસ્લિમ અને હિંદુ વાનગીઓનું અનોખું મિશ્રણ હોય છે. કેટલીક લોકપ્રિય વાનગીઓમાં બિરયાની, માંસની કઢી સાથે ઘી-યુક્ત ચોખાં, સમુદ્રી ખોરાક (ઝીંગા, શંખ, ખાદ્ય દરિયાઈ માછલીઓ) અને તીખી ગ્રેવી સાથેનાં પાતળાં પેથાઈરિસ નો સમાવેશ થાય છે. કોઝિકોડની અન્ય સુપ્રસિદ્ધ વાનગી છે કેળાની ચિપ્સ, કે જે કરકરી અને વેફર જેવી પાતળી હોય છે. 'કોઝિકોડ હલવા' વિદેશમાં પણ અત્યંત લોકપ્રિય છે.

માધ્યમો

[ફેરફાર કરો]

ફિલ્મ ઉદ્યોગ

કાલિકટ એ કેવળ લેખકો અને ખોરાકની જ નહી બલકે તે સર્વગ્રાહી પ્રતિભા ધરાવતા કલાકારોની પણ ભૂમિ છે. શ્રી મમમ્મુકોયા અને સ્વ. કુથિરાવત્તમ પપ્પુ સહુ લોકપ્રિય કલાકારો પૈકીના બે કલાકાર છે જેમણે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ ઉપર મોટી અસર કરી છે. સ્વ. શ્રી ગિરીશ પુથેન્ચેરી મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં અત્યાર સુધીમાં જન્મેલા સૌથી શ્રેષ્ઠ ગીતલેખક છે, તેઓ પણ કાલિકટનાં જ હતા.

મુદ્રિત માધ્યમો મલયાલમ પત્રકારત્વના ઇતિહાસમાં કોઝિકોડનું સ્થાન મોખરાનું છે. આ જિલ્લામાં પત્રકારત્વનાં મૂળ છેક 1880માં નખાયેલા જોવા મળે છે. કેરળ પત્રિકા એ કોઝિકોડથી પ્રસિદ્ધ થનારું સૌથી પહેલું અખબાર હોય તેવી શક્યતા છે. 1893 પૂર્વે કોઝિકોડમાંથી પ્રસિદ્ધ થનારા અન્ય અખબારોમાં કેરાલમ , કેરાલા સંચારી અને ભારત વિલાસમ નો સમાવેશ થાય છે. બહોળો ફેલાવો ધરાવતા મલયાલમ દૈનિકો માથૃભૂમિ અને માધ્યમમ નું 'પ્રારંભસ્થળ' કોઝિકોડ હતું.

લેખકો

મલયાલમ સાહિત્યના ઘણાં નામાંકિત લેખકો કોઝિકોડનાં છે. આ લેખકોમાં એમ.ટી. વાસુદેવન નાયર, એસ. કે. પોટ્ટેકેટ્ટ અને થિકોદિયનનો સમાવેશ થાય છે. કોઝિકોડને પોતાનું બીજું ઘર બનાવનારા અન્ય નામાંકિત લેખકોમાં સુકુમાર અઝિકોડ, એન પી મુહમ્મદ અને ઉરૂબનો સમાવેશ થાય છે. વાઈકોમ મુહમ્મદ બશીર લાંબા સમય સુધી શહેરની ભાગોળે આવેલા બેપોરમાં રહ્યાં હતા અને તેમને સ્નેહવશ 'બેપોર સુલતાન' કહેવામાં આવે છે.

રેડિઓ

કોઝિકોડના ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનનો પ્રારંભ 14 મે, 1950ના રોજ થયો હતો. હાલમાં તે બે ટ્રાન્સમીટર ધરાવે છે - કોઝિકોડ એએમ (100 કિલોવોટ) અને કોઝિકોડ એફએમ (વિવિધ ભારતી) (10 કિલોવોટ). ખાનગી એફએમ રેડિયો સ્ટેશનોઃ મલયાલા મનોરમા કંપની લિ. દ્વારા સંચાલિત રેડિયો મેન્ગો 91.9 અને સન નેટવર્કનું સન એફએમ 93.5. ઓલ ઈન્ડિયા રેડિયો એફએમ સ્ટેશનોઃ કોઝિકોડ -103.6 મેગાહર્ટઝ; ઓલ ઈન્ડિયા રેડિયો એમડબલ્યુ રેડિયો સ્ટેશનઃ કોઝિકોડ - 684 મેગાહર્ટઝ

ટેલિવિઝન

કોઝિકોડમાં ટેલિવિઝન ટ્રાન્સમીટર 3 જુલાઈ, 1984ના રોજ શરૂ થયું હતું અને દિલ્હી તથા થિરુવનંતપુરમ દૂરદર્શન દ્વારા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા હતા. કાલિકટમાં મેડિકલ કોલેજ ખાતે દૂરદર્શનનું પ્રસારણ કેન્દ્ર આવેલું છે.

એશિયાનેટ કેબલ વિઝન, જેનું લોકપ્રિય નામ એસીવી છે, અને તે શહેરના રોજબરોજના સમાચાર દર્શાવે છે. સ્પાઈડરનેટ એ અન્ય એક સ્થાનિક ચેનલ છે. અન્ય સ્થાનિક ઓપરેટરોમાં કેસીએલ અને સિટીનેટનો સમાવેશ થાય છે.તમામ મહત્વની ચેનલો મલયલામમાં દર્શાવવામાં આવે છે. એશિયાનેટ, સુર્યા, કૈરાલી, અમ્રિતા, જીવન, ઈન્ડિયાવિઝન અને જયહિંદ શહેરમાં જ પોતાના સ્ટુડિયો અને ન્યુઝ બ્યુરો ધરાવે છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

કોઝિકોડમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી બે મોખરાની શૈક્ષણિક સંસ્થાઓ - ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોઝિકોડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કાલિકટ (એનઆઈટીસી) આવેલી છે. કોઝિકોડમાં આવેલી અન્ય મહત્વની સંસ્થાઓમાં કાલિકટ મેડિકલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કાલિકટ, કાલિકટ યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (સીયુઆઈઇટી), ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (જીઈસી), માલાબાર ક્રિસ્ચીયન કોલેજ, ઝામોરિન'સ ગુરુવયુવરપ્પન કોલેજ, સેન્ટ જોસેફ'સ કોલેજ, દેવગિરી, ફારૂક કોલેજ, ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પ્રોવિડન્સ વૂમન'સ કોલેજ, ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ લો કોલેજ, ગવર્મેન્ટ કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, કેરળ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ અને ડીઓઇએસીસી કાલિકટ (જેને ઔપચારિક રીતે સીઇડીટીઆઇ તરીકે ઓળખવામાં આવે છે)નો સમાવેશ થાય છે.

સંશોધન સંસ્થાઓ

[ફેરફાર કરો]

શહેરની અંદર તથા આસપાસ કેટલીક સંશોધન સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાઓમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઈસિઝ રિસર્ચ, ધ સેન્ટર ફોર વોટર રિસોર્સીઝ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ, વેસ્ટર્ન ઘાટ્સ ફિલ્ડ રિસર્ચ સ્ટેશન (ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા) અને રિજીઓનલ ફિલેરિયા ટ્રેનીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેબલ ડિસીસીઝનું સેન્ટર)નો સમાવેશ થાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Lectures 26-27". Purdue University. મૂળ માંથી 2009-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-23.
  2. "Best cities to live, invest and earn in". Ibnlive.com. મૂળ માંથી 2008-06-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-23.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  4. http://www.indianexpress.com/oldStory/76119/
  5. http://www.livemint.com/2009/01/04220607/HungerFree-Kozhikode-project.html
  6. http://www.thehindubusinessline.com/2010/02/01/stories/2010020153161900.htm
  7. ૭.૦ ૭.૧ નારાયણન.એમ.જી.એસ.,કાલિકટ:ધ સિટી ઓફ ટ્રૂથ (2006) કાલિકટ યુનિવર્સિટી પ્રેસ, કાલિકટ.
  8. ઐયર, કે. વી. કૃષ્ણા, ધ ઝામોરિન્સ ઓફ કાલિકટ- ફ્રોમ ધ અર્લીએસ્ટ ટાઇમ્સ ટુ એ. ડી. 1806 (1938), કાલિકટ.
  9. દિવાકરન, કટ્ટાકાડા (2005). કેરળ સંચારમ. ત્રિવેન્દ્રમ: ઝેડ લાઇબ્રેરી
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2001-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  11. પાણીકર. કે. એમ., એ હિસ્ટ્રી ઓફ કેરળ (1959), અન્નામલાઈ યુનિવર્સિટી
  12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ નારાયણન.એમ. જી. એસ.,કાલિકટ: ધ સિટી ઓફ ટ્રૂથ (2006) કાલિકટ યુનિવર્સિટી પબ્લિકેશન્સ
  13. શ્રીધર મેનન. એ સરવે ઓફ કેરળ હિસ્ટ્રી (1967), પાનું 152. ડી. સી. બૂક્સ કોટ્ટાયમ
  14. મા હુઆન: યિંગા યાઇ શેન્ગ લાન, ધ ઓવરઓલ સરવે ઓફ ધ ઓસન્સ શોર્સ , અનુવાદન જે. વી. જી. મિલ્સા દ્વારા, 1970 હકલુયત સોસાયટી, ફેરમુદ્રણ 1997 વ્હાઇટ લોટસ પ્રેસ. ISBN 974-8496-78-3
  15. વર્થેમા, લ્યુડોવિકો દી, ધ ટ્રાવેલ્સ ઓફ લ્યુડોવિકો દી વર્થેમા, એ.ડી. 1503-08, મૂળ 1510 ઇટાલીયન આવૃત્તિમાંથી ભાષાંતર જોહન વિન્ટર જોન્સ, હકલુય્ત સોસાયટી, લંડન દ્વારા
  16. ગંગાધરન. એમ., ધ લેન્ડ ઓફ માલાબાર:ધ બૂક ઓફ બાબ્રોસા (2000),ભાગ II, એમ જી યુનિવર્સિટી, કોટ્ટાયમ.
  17. "Falling Rain Genomics, Inc - Kozhikode". Fallingrain.com. મેળવેલ 2009-09-23.
  18. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-09-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  19. "Kozhikode weather". India Meteorological Department. મૂળ માંથી 5 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 14 November 2010.
  20. કોઝિકોડ લોક સભા કન્સ્ટિટ્યુએન્સી રિડ્રોન ડિલિમિટેશન ઇમ્પેક્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન - ધ હિન્દુ ફેબ્રુઆરી 5; 2008
  21. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-03.
  22. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-01. CS1 maint: discouraged parameter (link)
  23. ૨૩.૦ ૨૩.૧ "Official Website of Kozhikode". Kkd.kerala.gov.in. 1975-12-26. મૂળ માંથી 2009-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-23.
  24. "'Bohras in Calicut'". Hinduonnet.com. 2006-05-19. મૂળ માંથી 2009-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-23.
  25. ૨૫.૦ ૨૫.૧ "Official website of Kozhikode, Govt. of Kerala". Kkd.kerala.gov.in. 1975-12-26. મૂળ માંથી 2009-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-23.
  26. ૨૬.૦ ૨૬.૧ બાર્બોસા, ડૌર્ટી, ધ બૂક ઓફ ડૌર્ટી બાબ્રોસા: એન એકાઉન્ટ ઓપ કન્ટ્રીઝ બોર્ડરિંગ ઓન ધ ઇન્ડિયન ઓસન એન્ડ ધેર ઇનહેબિટન્ટ્સ, ડેમ્સ, એમ. એલ,(અનુવાદક અને સંપાદક), 2 ભાગ, પ્રથમ પ્રકાશન 1918. New Delhi,AES Reprint, 1989.
  27. નારાયણન.એમ. જી. એસ., કાલિકટ: ધ સિટી ઓફ ટ્રૂથ (2006) કાલિકટ યુનિવર્સિટી પબ્લિકેશન્સ
  28. કોકિલાસંદેશમ, શ્લોકા 67
  29. એસ એમ સ્ટ્રીટ
  30. લોગાન, વિલિયમ., માલાબાર(1887), ભાગ II
  31. નારાયણન એમ. જી. એસ., પેરુમલ્સ ઓફ કેરળ, કાલિકટ(1996)
  32. નારાયણન એમ. જી. એસ., કાલિકટ: ધ સિટી ઓફ ટ્રૂથ. p.109, કાલિકટ યુનિવર્સિટી પ્રેસ (2006)
  33. પાનીકર. કે. એમ, એ હિસ્ટ્રી ઓફ કેરાલા (1959) અન્નામલાઈ યુનિવર્સિટી
  34. પીયરસન, એમ.એન (આવૃત્તિ) ભારત અને હિન્દ મહાસાગર 1500-1800 , કોલકત્તા યુનિવર્સિટી: ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1987.
  35. "Kozhikode Attractions". indialine.com. મૂળ માંથી 2009-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-04.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]