લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

હયગ્રીવ

વિકિપીડિયામાંથી
હયગ્રીવ
જ્ઞાન અને ચાતુર્યના દેવ
હયગ્રીવ, વિષ્ણુનો અવતાર
જીવનસાથીલક્ષ્મી

હયગ્રીવ (સંસ્કૃત: हयग्रीव) એ હિંદુ ધર્મના ભગવાન વિષ્ણુનો એક અવતાર છે. સંસ્કૃત શબ્દ હયગ્રીવ, હય અને ગ્રીવા એમ બે શબ્દોની સંધિથી બનેલો છે, જેમાં હય એટલે ઘોડો અને ગ્રીવા એટલે ગળું, આમ હયગ્રીવ અવતાર માણસનું શરીર અને ઘોડાનું (ગળું) મસ્તક ધરાવતો અવતાર છે.

પુરાણોમાં હયગ્રીવ અવતાર

[ફેરફાર કરો]

હયગ્રીવ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. એક કથા મુજબ એમણે મધુકૈટભ દેત્ય, જે વેદને પાતાળમાં ચોરી ગયો હતો તે,ને મારી નાખી બ્રહ્માને વેદ પાછા આપ્યા હતા.[] અન્ય એક કથા મુજબ હયગ્રીવ નામનો એક દૈત્ય હતો. તેણે ઉગ્ર તપ કરીને દેવીને પ્રસન્ન કર્યાં અને વરદાન માગ્યું કે, મારા જ નામનો માણસ હોય તેને જ હાથે મારું મૃત્યુ થાય. પછી એણે પ્રાણીમાત્રને પીડા કરવાનો આરંભ કર્યો. એને મારવા સારુ વિષ્ણુએ એ જ નામે અવતાર ધારણ કર્યો અને એને માર્યો હતો.[]

આ કથા શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના બીજા અધ્યાયમાં સવિસ્તાર આપેલી છે. તે કથા મુજબ, હયગ્રીવ દૈત્યએ દેવી મહામાયાનું તપ કરીને વરદાન માગ્યું હતું કે તેને અમરત્વ પ્રાપ્ત થાય, પણ અમરત્વ પ્રદાન કરવું શક્ય નહોતું તેથી હયગ્રીવે એવું માગ્યું કે તેનું મૃત્યુ એવી વ્યક્તિ દ્વારા જ થાય જેનું મોઢું અશ્વનું હોય. કાળક્રમે એક વખત ભગવાન હયગ્રીવ સાથે ભગવાન વિષ્ણુનું યુદ્ધ થયું. યુદ્ધમાં થયેલાં પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવ, બ્રહ્મા અને અન્ય દેવોએ યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ વિષ્ણુ વગર સફળ ન થાય એટલે યજ્ઞ બાદ બધા વિષ્ણુના આશીર્વાદ લેવા ગયા. પરંતુ વિષ્ણુ યોગનિંદ્રામાં સૂતેલા હતા. તેમને જગાડવા માટે બ્રહ્માએ કીડીનું સર્જન કર્યું. તે સમયે અંધારૂં હતું. કીડીએ બ્રહ્માના આદેશ પ્રમાણે ધનુષની પણછ કાપી નાખી. ધનુષ પડ્યું. ભયંકર અવાજ થયો. દુનિયામાં જાણે તોફાન આવી ગયું. જ્યારે બધું શાંત થયું અને દેવોએ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા. ભગવાન વિષ્ણુનું માથું કપાઈ ગયું હતું. મા ભગવતીએ પોતાનું વરદાન યાદ કરીને દેવોને કહ્યું કે વિષ્ણુના ધડ પર અશ્વનું મસ્તક લગાવે. આમ, વિષ્ણુ ભગવાને હયગ્રીવ અવતાર લીધો અને હયગ્રીવ દૈત્યનો વધ કરી નાખ્યો.[]

અન્ય હયગ્રીવ કથા

[ફેરફાર કરો]

આ ઉપરાંત હયગ્રીવ નામના દૈત્યની પણ કથા પુરાણોમાં મળે છે જે કંઈક અંશે આ અવતારને સમજવામાં ગેરસમજ ઊભી કરી શકે. જો કે એ હયગ્રીવ દૈત્યની કથા વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે સંકળાયેલી છે. એ કથા મુજબ હયગ્રીવ દૈત્ય હતો. બ્રહ્માની બેદરકારીના લીધે તે વેદ ચોરી ગયો હતો. આથી જ્ઞાન રહ્યું નહીં અને ચો તરફ અજ્ઞાનનું અંધારું છવાઈ ગયું, અરાજકતા વ્યાપી ગઈ. પાપ અને અધર્મ ચારે તરફ મોટા પાયે વ્યાપી ગયા. આથી ભગવાને મત્સ્ય અવતાર લીધો અને હયગ્રીવનો વધ કર્યો.[]

ખજુરાહોનાં લક્ષ્મણ મંદિરમાં હયગ્રીવનું શિલ્પ

ભારતમાં ખાસ કરીને દક્ષિણમાં હયગ્રીવ ભગવાનની પૂજા થાય છે. પંચરાત્ર આગમમાંથી લીધેલો નીચેનો મંત્ર હયગ્રીવ ભગવાનના ભક્તો તેમના પ્રણામમંત્ર તરીકે વાપરે છે. શ્રાવણ માસની પુનમનો દિવસ હયગ્રીવ જયંતિ તરીકે ઉજવાય છે. આ ઉપરાંત મહાનવમી એટલે કે નવરાત્રીનો નવમો દિવસ પણ હયગ્રીવ ભગવાનની પૂજામાં મોટો તહેવાર ગણાય છે.

ज्ञानानन्द मयं देवं निर्मल स्फटिकाकृतिं
आधारं सर्वविद्यानं हयग्रीवं उपास्महे

જ્ઞાનાનન્દ મયં દેવં નિર્મલ સ્ફટિકાકૃતિં
આધારં સર્વવિદ્યાનં હયગ્રીવં ઉપાસ્મહે

અર્થ: સ્ફટિક જેવા નિર્મળ સ્વરૂપવાળા હે ભગવાન કે જે જ્ઞાનના આનંદમાં લીન છો અને સર્વ વિદ્યાઓના આધારરૂપ છો તેવા હયગ્રીવ ભગવાનની હું ઉપાસના કરૂં છું.

ભારતમાં હયગ્રીવ મંદિરો

[ફેરફાર કરો]

ખાસ કરીને દક્ષિણ ભારતમાં હયગ્રીવ ભગવાનની પૂજા થતી હોવાથી હયગ્રીવ ભગવાનનાં મોટાભાગનાં મંદિરો દક્ષિણ ભારતમાં જ આવેલા છે.

  • હયગ્રીવ માધવ ડોલ, હાજો

તમિલનાડુ

[ફેરફાર કરો]
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ મંદિર, તિરૂવંદીપુરમ, કડ્ડલોર
  • લક્ષ્મી હયગ્રીવ મંદિર, ચિતાંબર નગર, ગણપતિ મીલ પાસે, તુરૂનેલ્વેલી
  • ચેટ્ટીપુણ્યમ હયગ્રીવ મંદિર, ચેંગલપટ્ટુ નજીક
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ મંદિર, નાંગનલ્લુર, ચેન્નઈ
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ પેરુમલ, શ્રી કોટાન્દરામસ્વામી દેવસ્થાનમ, પેરુમુદિવક્કમ, (ચેન્નઈ - પેરિયાપાલ્યમ હાઇવે)

પોંડિચેરી

[ફેરફાર કરો]
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ મંદિર, શ્રી રામકૃષ્ણ નગર, મુથિઆલપેટ

કર્ણાટક

[ફેરફાર કરો]
  • પરાકાલ મઠ, મૈસુર - અહિં જે હયગ્રીવ વિગ્રહ (મૂર્તિ) છે તે વેદાંત દેશિકા (૧૩મી સદી)એ આપેલી છે.
  • હયગ્રીવ મંદિર, સત્તેગલા, કોલ્લેગલા, ચામરાજનગર
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ મંદિર, ટેંક બંદ રોડ, ગાંધી નગર, બેંગલોર
  • સોધે મઠ, શિરસી

આંધ્ર પ્રદેશ

[ફેરફાર કરો]
  • તિરૂમાલા હયગ્રીવ મંદિર, બાલાજી મંદિર પરિસર, તિરૂમાલા, તિરૂપતિ
  • શ્રી લક્ષ્મી હયગ્રીવ સ્વામી મંદિર, મછિલીપટ્ટનમ

તેલંગણા

[ફેરફાર કરો]
  • શ્રી હયગ્રીવ સ્વામી મંદિર, મેદિપલ્લી, હૈદરાબાદ
  • શ્રી હયગ્રીવ સ્વામી મંદિર અને પંચમુખી અંજનેય (હનુમાન) સ્વામી, વેંકટેશ્વર કોલોની, મહબુબ નગર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "હયગ્રીવ". ‘ભગવદ્ગોમંડલ’. મેળવેલ ૦૯ માર્ચ ૨૦૧૭. Check date values in: |access-date= (મદદ)
  2. અહીં સુધી ઉપર જાઓ: ૨.૦ ૨.૧ જયવંત પંડ્યા. "નાયક ખલનાયક". મુંબઈ સમાચાર. મૂળ માંથી 2020-08-15 પર સંગ્રહિત. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૭.