૧ ગુરખા રાઇફલ્સ
૧ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં મુખ્યત્ત્વે નેપાળના નિવાસી ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ૧૮૧૫માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાલ સેનાના ભાગરૂપે ઉભી કરવામાં આવી હતી. પાછળથી તેને ૧લી રાજા પંચમ જ્યોર્જની ગુરખા રાઇફલ્સ (મલાઉ રેજિમેન્ટ) એવું નામ અપાયું હતું. સ્વતંત્રતા સમયે તે ભારતીય સેનાના હિસ્સામાં આવી અને ૧૯૫૦માં તેનું નામ ૧ ગુરખા રાઇફલ્સ (મલાઉ રેજિમેન્ટ) આપવામાં આવ્યું. રેજિમેન્ટનો ઇતિહાસ ઘણો લાંબો છે અને તેણે અનેક યુદ્ધોમાં યોગદાન આપ્યું છે. તેણે સ્વતંત્રતા પહેલાંના સંસ્થાનના યુદ્ધો અને વિશ્વયુદ્ધોમાં ભાગ લીધો છે અને સ્વતંત્રતા બાદ ૧૯૬૫, ૧૯૭૧ અને સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં ભાગ લીધો છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]ઉદભવ
[ફેરફાર કરો]ગુરખા યુદ્ધ નેપાળના ગુરખા રાજાઓ અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે અંગ્રેજોના વિસ્તારવાદને કારણે થયું હતું. અંગ્રેજ સેનાએ જનરલ અમર સિંઘ થાપાના નેતૃત્વ હેઠળના ગોરખા સૈન્ય હરાવ્યું હતું પરંતુ તેમના યુદ્ધ કૌશલ્યથી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે બિલાસપુરના મલાઉ કિલ્લાના ઘેરા દરમિયાન દર્શાવેલી વીરતા પણ કારણભૂત હતી.[૧][૨] આના કારણસર યુદ્ધવિરામ બાદ કરાયેલી સુગૌલીની સંધિમાં એવી પણ શરત ઉમેરવામાં આવી કે અંગ્રેજો ગુરખા સમુદાયમાંથી સૈનિકોને ભરતી કરી શકશે. એપ્રિલ ૨૪, ૧૮૧૫ના રોજ સુબાથુ ખાતે થાપાની સેનાના જીવિત સૈનિકોને લઈ અને અંગ્રેજોએ ૧લી નુસેરી પલટણ ઉભી કરી.[Note ૧][૩] આ પલટણમાં ગુરખા રેજિમેન્ટનો ઉદભવ ગણી શકાય.
શરૂઆતનાં અભિયાન
[ફેરફાર કરો]૧૮૨૬માં રેજિમેન્ટએ પ્રથમ લડાઈમાં યોગદાન આપ્યું જે જાટ યુદ્ધનો ભાગ હતી અને તેને અંતે ભરતપુર પર કબ્જો મેળવ્યો.[૪] આ માટે તેને યુદ્ધ સન્માન એનાયત કરાયું. ગુરખા રાઇફલ્સને એનાયત કરાનારા આ સૌપ્રથમ યુદ્ધ સન્માન ગણાય છે. ૧૮૪૬માં પ્રથમ અંગ્રેજ-શીખ યુદ્ધમાં રેજિમેન્ટનું યોગદાન બહુ મોટું રહ્યું અને આ માટે તેને બે યુદ્ધ સન્માન અપાયાં. અલિવાલની લડાઈમાં પણ શીખ સેના સામે રેજિમેન્ટ લડાઈમાં સામેલ હતી.[૫]
૧૯મી સદી દરમિયાન રેજિમેન્ટનું નામ અનેક વખત બદલવામાં આવ્યું. ૧૮૫૦માં તેનું નામ મૂળ ૬૬મી રેજિમેન્ટએ બળવો કરતાં ૬૬મી ગુરખા રેજિમેન્ટ, બંગાલ સેના અપાયું. ૧૮૫૭નો વિપ્લવ દરમિયાન રેજિમેન્ટ એ કાર્યવાહીમાં ભાગ લીધો અને ચોરપુરા ખાતે બળવાખોર સૈનિકો સામેની લડાઈમાં લેફ્ટ જોન આદમ ટાઈટલરને વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયું. આ સન્માન મેળવનાર રેજિમેન્ટના તે પ્રથમ અફસર હતા.[૬]
૧૮૬૧માં રેજિમેન્ટને હાલનો ક્રમાંક ૧લી ગુરખા રેજિમેન્ટ એવા નામ સાથે મળ્યો. ૧૮૭૫માં પેરાક યુદ્ધ દરમિયાન મલાયા ખાતે બળવાને ડામવાની કાર્યવાહી માટે પ્રથમ વખત વિદેશમાં રેજિમેન્ટને તૈનાત કરાઈ. અહીં રેજિમેન્ટને એક વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો.[૭] ૧૮૭૮માં રેજિમેન્ટ દ્વિતીય અફઘાન યુદ્ધમાં જોડાઈ અને યુદ્ધસન્માન અફઘાનિસ્તાન ૧૮૭૮-૮૦ મેળવ્યું.
૧૮૮૬માં નામ ફેરવી અને ૧લી ગુરખા લાઇટ્ ઇન્ફન્ટ્રી રાખવામાં આવ્યું અને તે જ વર્ષે બીજી પલટણ પણ ઉભી કરવામાં આવી. ૧૮૯૧માં રેજિમેન્ટને રાઇફલ રેજિમેન્ટ ઘોષિત કરાઈ અને નામ ૧લી ગુરખા (રાઇફલ) રેજિમેન્ટ અપાયું.[Note ૨] ૧૮૯૦ના દાયકામાં રેજિમેન્ટ બર્મા, સરહદી પ્રાંતના અભિયાનોમાં જોડાઈ. વઝિરિસ્તાનમાં ૧૮૯૪માં અને ૧૮૯૭માં તિરાહની કાર્યવાહીનો પણ ભાગ બની.
૧૯૦૧માં રેજિમેન્ટનું નામ ટૂંકાવીને ૧લી ગુરખા રાઇફલ્સ અને ૧૯૦૩માં વધુ ફેરફાર કરી અને ૧ ગુરખા રાઇફલ્સ (મલાઉ રેજિમેન્ટ) કરવામાં આવ્યું. આ નામ અંગ્રેજ-ગુરખા યુદ્ધ દરમિયાન મલાઉ ખાતે ૧૮૧૫માં ગુરખાઓને હરાવ્યા હતા અને તેમને સેનામાં સામેલ કરવાનો માર્ગ કર્યો હતો તે દર્શાવવા આપવામાં આવ્યું. એપ્રિલ ૪, ૧૯૦૫ના રોજ જ્યારે કાંગડા, હિમાચલ પ્રદેશ ખાતે ધરતીકંપ આવ્યો અને લાખો લોકો મૃત્યુ પામ્યા ત્યારે રેજિમેન્ટ ધર્મશાલા નજીક જ હતી અને રેજિમેન્ટે ૬૦ સૈનિકો ગુમાવ્યા.
૧૯૦૬માં વધુ એક વખત નામ બદલી અને ૧લી પ્રિન્સ ઓફ વેલ્સના ગુરખા રાઇફલ્સ (મલાઉ રેજિમેન્ટ) રાખવામાં આવ્યું. આ ફેરફાર તે સમયના અંગ્રેજ સામ્રાજ્યના ગાદીવારસ જ્યોર્જના માનમાં કરવામાં આવ્યો. ૧૯૧૦માં જ્યોર્જ જ્યારે ગાદી પર બેઠા અને પંચમ જ્યોર્જ નામધારણ કર્યું ત્યારે રેજિમેન્ટનું નામ વધુ એક વખત ફેરવી અને ૧લી રાજા પંચમ જ્યોર્જની ગુરખા રાઇફલ્સ (મલાઉ રેજિમેન્ટ) રાખવામાં આવ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ
[ફેરફાર કરો]ઓગષ્ટ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને તે જ વર્ષે ડિસેમ્બરમાં ૧લી પલટણને પશ્ચિમી યુદ્ધક્ષેત્રમાં ફ્રાન્સ ખાતે તૈનાત કરવામાં આવી. તુરંત જ તેમને ગિવેન્ચીના રક્ષણ દરમિયાન ખાઈના યુદ્ધનો અનુભવ મળ્યો. માર્ચ ૧૦, ૧૯૧૫ના રોજ તે નુવે શાપેલની લડાઈમાં સામેલ થઈ જે ચાર દિવસ ચાલી. એપ્રિલમાં યપ્રીની બીજી લડાઈ, સેટ. જુલિયનની લડાઈમાં, મેમાં ફેસ્ટુબર્ટની લડાઈમાં, સપ્ટેમ્બરમાં લુસની લડાઈમાં ભાગ લીધો. આ પછી તેને પશ્ચિમી મોરચેથી પાછી ખેંચવામાં આવી.
પશ્ચિમી મોરચો ભારતના આબોહવા કરતાં તદ્દન જુદો હતો અને ભારતની અન્ય રેજિમેન્ટની જેમ જ શિયાળાની અસર રેજિમેન્ટ પર આકરી થઈ. આ વાતને ધ્યાનમાં લેતાં ભારતીય રેજિમેન્ટોને પશ્ચિમી યુદ્ધક્ષેત્રોમાંથી હટાવી અને અન્ય મોરચે મોકલવામાં આવી.[૮] આ કારણોસર ૧ ગુરખા રેજિમેન્ટને મેસોપોટેમિયા ખાતે ઓટોમાન વિરુદ્ધના અભિયાનમાં તૈનાત કરાઈ. ૧૯૧૬માં રેજિમેન્ટએ દુજૈલાના કિલ્લા પર હુમલામાં ભાગ લીધો તે અનેક હુમલાઓ છતાં અણનમ રહ્યો. આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.[૯]
તે જ વર્ષે કુત અલ અમારા પર પુનઃકબ્જો કરવાની કાર્યવાહીમાં રેજિમેન્ટ જોડાઈ. ફેબ્રુઆરી ૧૯૧૭માં તે લડાઈ પૂરી થઈ અને કુત પર અંગ્રેજોનો કબ્જો થયો. માર્ચમાં બગદાદ પર પણ કબ્જો કરાયો. રેજિમેન્ટની ૧લી પલટણ ૧૯૧૮ની શરૂઆતે પેલેસ્ટાઈન ખાતે તૈનાત કરાઈ. અહીં સપ્ટેમ્બરમાં તેણે મેગિડ્ડોની લડાઈ અને શેરોનની લડાઈમાં યોગદાન આપ્યું.
૨જી પલટણે સરહદ પ્રાંતમાં કાર્યવાહીમાં યોગદાન આપ્યું. આ માટે તેને યુદ્ધ સન્માન સરહદ પ્રાંત ૧૯૧૫-૧૭ અપાયું. ૧૯૧૭માં ૩જી પલટણ ઉભી કરવામાં આવી.
યુદ્ધવિરામ સમયે રેજિમેન્ટ ૧૧ યુદ્ધ સન્માન અને ૪ મોરચાના સન્માન મેળવી ચૂકી હતી.
યુદ્ધ વચ્ચેનો ગાળો
[ફેરફાર કરો]૧૯૧૯માં ૧લી અને ૨જી પલટણે ત્રીજા અફઘાન યુદ્ધમાં ભાગ લીધો. તે માટે મોરચા સન્માન અફઘાનિસ્તાન ૧૯૧૯ અપાયું. ૧૯૨૧માં ત્રીજી પલટણનું વિસર્જન કરવામાં આવ્યું. આ સમયગાળામાં રેજિમેન્ટએ સરહદી પ્રાંત અને ખાસ કરીને વઝિરિસ્તાન ખાતે અનેક અભિયાનો કર્યાં.[૧૦]
૧૯૩૭માં રેજિમેન્ટનું નામ ૧લી રાજા પંચમ જ્યોર્જની ગુરખા રાઇફલ્સ કરવામાં આવ્યું.
દ્વિતીય વિશ્વયુદ્ધ
[ફેરફાર કરો]આ યુદ્ધ દરમિયાન જાપાનના સૈન્યએ દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશો પર વીજળીવેગે કબ્જો જમાવ્યો જેમાં અંગ્રેજ સંસ્થાનો પણ સામેલ હતા. આ સમયે સૈનિકોની તાતી જરૂરિયાત ઉભી થતાં વધુ ત્રણ પલટણો ૩જી ૧૯૪૦માં, ૪થી ૧૯૪૧માં અને ૫મી ૧૯૪૨માં ઉભી કરવામાં આવી.[૧૧] રેજિમેન્ટે યુદ્ધમાં મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું પરંતુ મલાયા અને બર્મા ખાતે સૌથી નોંધપાત્ર યોગદાન હતું.
જાપાનના મલાયા પરના હુમલા દરમિયાન રેજિમેન્ટએ ભયાવહ લડાઈઓ લડી. ૨જી પલટણે જીત્રા ખાતે ભારે લડાઈઓ લડી. શરુઆતના વિરોધ બાદ તેણે વીજળી વેગે પીછેહઠ કરવી પડી. અસુન ખાતે પણ તે સંખ્યાબળની દ્રષ્ટિએ પાવરધા અને રણગાડીઓ ધરાવતા જાપાનીઓ સામે એકલા પડી જવા છતાં લડી. કેટલાક અઠવાડિયાં બાદ કામપાર ખાતે સંખ્યાબળની દ્રષ્ટિએ પાવરધા દુશ્મનને રોકી રાખ્યા. સ્લિમ નદીના પુલ ખાતે જાન્યુઆરી ૭ના રોજ તેઓ ઓછી સંખ્યાને કારણે ઘેરાઈ ગયા અને મોટા પ્રમાણમાં જાનહાનિ વેઠી. આ દરમિયાન તમામ રેજિમેન્ટને સિંગાપુર ખાતે પીછેહઠ કરવા આદેશ અપાયો હતો. ફેબ્રુઆરી ૧૯૪૨માં જાપાનીઓએ અભેદ્ય ગણાતા સિંગાપુર પર હુમલો કર્યો અને કબ્જો જમાવ્યો. જેને પરિણામસ્વરૂપ ૧,૩૦,૦૦૦ અંગ્રેજ, ઓસ્ટ્રેલિયન અને તેના સંસ્થાનના સૈનિકો યુદ્ધકેદી બન્યા જેમાં ૨જી પલટણના જીવિત સૈનિકો પણ સામેલ હતા.[૧૨]
બર્મા ખાતે પણ અંગ્રેજ ભારતીય સેનાની પરિસ્થિતિ આવી જ થઈ. ફેબ્રુઆરી ૧૯૪૨થી મે સુધી પીછેહઠ કરતાં લડાઈ લડવી પડી.[૧૩] ૧૯૪૪ના આરાકાન અભિયાન અને પૂર્વોત્તર ભારત પર જાપાનની ચઢાઈ દરમિયાન રેજિમેન્ટએ મોટાપ્રમાણમાં લડાઈમાં ભાગ લીધો. ચઢાઈ દરમિયાન કોહિમા અને ઇમ્ફાલ એમ બે મહત્ત્વપૂર્ણ શહેરની લડાઈમાં રેજિમેન્ટએ ભાગ લીધો.[૧૪][૧૫]
યુદ્ધવિરામ બાદ તત્કાલીન ફ્રેન્ચ ઈન્ડો ચાઈના ખાતે વિએત મિન્હએ હો ચી મિન્હના નેતૃત્વ હેઠળ ફ્રાન્સની ગુલામીમાંથી આઝાદીની જાહેરાત કરી અને વિયેતનામની સ્થાપના કરી. તુરંત જ અંગ્રેજોએ રેજિમેન્ટની ૧લી અને ૩જી પલટણને દક્ષિણ વિયેતનામ પર કબ્જો કરવા તૈનાત કરી અને તેના ઉત્તર પ્રદેશ પર ચીનના રાષ્ટ્રવાદીઓએ કબ્જો કર્યો. કબ્જાનો ઉદ્દેશ જાપાની સેનાને નિઃશસ્ત્ર કરી અને તેમને ફરી જાપાન મોકલવાની વ્યવસ્થા કરવાનો હતો. પરંતુ તુરંત જ સેના વિએત મિન્હ સાથે લડાઈમાં ઉતરી અને ફ્રાન્સને વિયેતનામ પર પુનઃકબ્જો કરવા સહાય કરવા લાગી. અંગ્રેજોએ ઓછી સંખ્યામાં સૈનિકો હોવાને કારણે વક્રોક્તિરૂપે શાંતિ જાળવવા જાપાની સેનાની જ સહાય લેવી પડી. લડાઈની તીવ્રતા સમય સાથે વધતી ગઈ અને ૧૯૪૬માં ફ્રાન્સની સેનાનું આગમન થતાં અંગ્રેજ અને ભારતીય સેનાએ વિયેતનામ છોડી દીધું. આ બાદ તુરંત જ પ્રથમ ઈન્ડોચાઈના યુદ્ધ શરૂ થઈ ગયું.
૪થી પલટણ યુદ્ધવિરામ સમયથી સિઆમ (હાલના થાઇલેન્ડ) ખાતે તૈનાત હતી. ત્યાં તેને જાપાની સેનાને નિઃશસ્ત્ર કરવા જવાબદારી સોંપાઈ હતી. ૧૯૪૬માં તેને મલાયા ખાતે ખસેડાઈ અને ત્યારબાદ ભારત.
૧૯૪૬માં ૨જી પલટણ જે ૧૯૪૨માં મલાયા ખાતે યુદ્ધકેદી બની હતી તેને ૩જી, ૪થી અને ૫મી પલટણના કેટલાક સૈનિકોને લઈ અને ઉભી કરાઈ અને બાકીની ત્રણ પલટણોનું વિસર્જન કરવામાં આવ્યું.
સ્વતંત્રતા બાદ
[ફેરફાર કરો]૧૯૪૭માં ભારત, નેપાળ અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચે ગુરખા સૈનિકોનું ભવિષ્ય નક્કી કરવા ત્રિપક્ષીય સંધિ થઈ.[૧૬] આ સંધિના પરિણામસ્વરૂપ યુદ્ધ પહેલાંની ગુરખા રેજિમેન્ટમાંની ચારને અંગ્રેજ સેનામાં અને છ ભારતીય સેનામાં રખાઈ જેમાં ૧લી ગુરખા પણ હતી.[૧૭]
૧૯૫૦માં જ્યારે તમામ રેજિમેન્ટના નામ ફેરવાયાં ત્યારે ગુરખા રેજિમેન્ટના તત્કાલીન નામ જાળવી રાખવામાં આવ્યાં. જોકે અંગ્રેજોના ગોરખાના સ્થાને ગુરખા નામ અપનાવાયું.
કાળક્રમે વિસર્જન કરાયેલી તમામ પલટણો ફરીથી ઉભી કરવામાં આવી. ૧૯૬૫માં રેજિમેન્ટમાં પાંચ પલટણો હતી.[Note ૩]
૧૯૬૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં કાર્યવાહી માટે તૈનાત ૩જી પલટણના કેપ્ટન ગુરબચ્ચન સિંહ સલારીઆને મૃત્યુપર્યંત પરમવીર ચક્ર એનાયત કરાયું.
૬ઠી પલટણ
[ફેરફાર કરો]એપ્રિલ ૧, ૨૦૧૬ના રોજ રેજિમેન્ટની ૬ઠી પલટણ ૭૦૦ સૈનિકો સાથે ઉભી કરવામાં આવી. ૫૦ વર્ષોમાં ઉભી કરાયેલી આ પ્રથમ પલટણ છે. ૬/૧ પલટણ (એટલે કે ૬ઠી પલટણ ૧ ગુરખા રેજિમેન્ટ)ને કાંચી પલટણ નામ આપવામાં આવ્યું અને તે શિમલા ખાતે ઉભી કરાઈ. તે જ સ્થળે રેજિમેન્ટનું મુખ્યાલય આવેલું છે.[૧૮] તેમાં ભારતના સ્થાનિક ગુરખા સૈનિકો ભરતી કરવામાં આવે છે. સૈન્યની તમામ સાત ગુરખા રેજિમેન્ટમાં નેપાળી અને ભારતીય ગુરખાઓ ૭૦:૩૦ના પ્રમાણમાં લેવામાં આવે છે.[૧૯]
પલટણો
[ફેરફાર કરો]- 1 લી બટાલિયન
- 2 બટાલિયન
- 3 જી બટાલિયન
- 4 થી બટાલિયન
- 5 બટાલિયન[૨૦]
- 6 ઠ્ઠી બટાલિયન
યુદ્ધ સન્માન
[ફેરફાર કરો]- ભરતપુર, એલીવાલ, સોબ્રાઓન, અફઘાનિસ્તાન 1878-80, Tirah, પંજાબ ફ્રન્ટીયર;
- પ્રથમ વિશ્વ યુદ્ધ: ગિવેન્ચી 1914, નુવે શપેલ, યપ્રી 1915, સેન્ટ જુલિયન, ફેસ્ટ્યુબર્ટ 1915, લુસ, ફ્રાન્સ અને ફ્લેન્ડર્સ 1914-15, મેગિડ્ડો, શેરોન, પેલેસ્ટાઇન 1918, તિગ્રિસ 1916, કુત અલ અમારા 1917, બગદાદ, મેસોપોટેમીયામાં 1916-18;
- સરહદી પ્રાંત ભારત 1915-17, અફઘાનિસ્તાન 1919;
- બીજા વિશ્વ યુદ્ધ: જીત્રા, કામપાર, મલાયા 1941-42, શેનમ ઘાટ, બિશનપુર, ઉખરુલ, મ્યીનમુ પુલ, ક્યાઉક્સે 1945, બર્મા 1942-45;
- સ્વતંત્રતા બાદ: કાળીધાર, જમ્મુ અને કાશ્મીર 1965, દરસાના, જમ્મુ અને કાશ્મીર 1971, પૂર્વ પાકિસ્તાન 1971.[૨૧][૨૨]
વીરતા પુરસ્કાર
[ફેરફાર કરો]- વિક્ટોરિયા ક્રોસ
- જ્હોન આદમ ટાઇટલર
- જ્યોર્જ નિકોલસ ચાનેર
- જ્હોન આદમ ટાઇટલર
- પરમ વીર ચક્ર
નોંધો
[ફેરફાર કરો]- પાદટીપ
- ઉદ્ધરણ
- ↑ Singh 2007.
- ↑ Parker 2005, p. 45.
- ↑ Parker 2005, p. 46.
- ↑ Chappell 1993, p. 12.
- ↑ Nicholson 1974, p. 8.
- ↑ Parker 2005, pp. 61–62.
- ↑ Parker 2005, p. 391.
- ↑ Neillands 2004, p. 225.
- ↑ Gardner 2004, p. 324.
- ↑ Chappell 1993, pp. 9–10.
- ↑ Cross & Gurung 2007, p. 31.
- ↑ Cross & Gurung 2007, p. 37.
- ↑ Brayley 2002, p. 8.
- ↑ Brayley 2002, p. 11.
- ↑ Brayley 2002, pp. 11–12.
- ↑ Cross & Gurung 2007, p. 169.
- ↑ Parker 2005, p. 224.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2020-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-24.
- ↑ "Indian Army raises new indigenous Gurkha battalion | IHS Jane's 360". www.janes.com. મેળવેલ ૨૦૧૬-૦૪-૧૯.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-24.
- ↑ "1 Gorkha Rifles".
- ↑ Chappell 1993, p. 13.