લખાણ પર જાઓ

મૂર્તિ

વિકિપીડિયામાંથી
ગણેશ ચતુર્થી ઉત્સવ નિમિત્તે, ચિનાઈ માટીની ગણેશ પ્રતિમાનું પૂજન.

ઘાતુ, પથ્થર, દાંત, લાકડું, સિમેન્ટ, પ્લાસ્ટર ઓફ પેરીસ, કાચ, રેતી, પ્લાસ્ટિક કે માટી વગેરેનો ઉપયોગ કરી દેવ-દેવી વગેરેની બનાવવામાં આવેલી પ્રતિમાને મૂર્તિ કહેવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના તેમ જ વિશ્વમાં સૌથી પ્રાચીન ગણાતા હિંદુ ધર્મના લોકોમાં મુર્તિ પૂજાનું ખુબ જ મહત્વ છે. હિંદુધર્મમાં, મૂર્તિ એટલે, ચિત્ર કે ધાતુ, પથ્થર, લાકડું, હાથીદાંત વગેરેની બનાવેલી શરીરપ્રતિમા, પૂતળું, બાવલું, જેવા શિલ્પ સ્વરૂપે, દૈવીઆત્માને વ્યક્ત કરતું (મૂર્ત) સ્વરૂપ. દૈવી ભક્તિમાર્ગમાં મૂર્તિપૂજાના માધ્યમે ઈશ્વર સાથે વ્યક્તિગતપણે ઊંડો પ્રેમસંબંધ જોડવાની લાગણી મધ્યસ્થ હોય છે. મૂર્તિને ઈશ્વરનું સ્વરૂપ માની ભક્ત તેની સેવાપૂજા કરે છે, સવારે મૂર્તિને જગાડે છે, સ્નાન, શણગાર, ભોજન, પ્રસાદ, આરતિ, શયન જેવી વિધિઓ દ્વારા મૂર્તિના માધ્યમે ઈશ્વર સાથેનો પોતાનો પ્રેમસંબંધ અને ભક્તિભાવ વ્યક્ત કરવાનો આશય હોય છે.[૧] આર્ય સમાજ [૨] અને બ્રહ્મોસમાજ જેવા કેટલાંક હિંદુ સંપ્રદાયો મૂર્તિપૂજાને નકારે છે, અને તેને ’ઢિંગલા ઢિંગલીના ખેલ’ સાથે સરખાવે છે.

મૂર્તિની આવશ્યકતા સંબંધમાં ભગવદ્ગોમંડલમાં લખ્યા પ્રમાણે, વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, અસલી વસ્તુ આપણી પાસે નથી, તો તેની પિછાણ માટે તેની આકૃતિ એક મોટું સાધન છે. સાધુની પિછાણ તેના ભેખથી થાય છે. જુદા જુદા પ્રાંતના લોકોને તેના પહેરવેશથી ઓળખી શકીએ છીએ. તે પ્રમાણે સાક્ષાત્ પરમાત્મા અહીં નથી અને મૂર્તિ તેની સાક્ષાત્ પ્રતિકૃતિ ન હોવા છતાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલ તેમના રૂપ અનુસાર તેની મૂર્તિ બનાવી, તે મૂર્તિમાં તેમનો આરોપ કરીને એ મૂર્તિ અમારા પરમાત્મા સમાન છે અને આ મૂર્તિથી અમે વીતરાગ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ એમ માનવું જોઈએ. પરમાત્માથી જેટલો ફાયદો છે તેટલો તેની મૂર્તિથી પણ છે.[૩]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

ભારતીય આધ્યાત્મિક જગતમાં સગુણ અને નિર્ગુણ , આ બે સ્વરુપે ભગવાનની ઉપાસના થાય છે. શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની પૂજા બતાવી છે: (૧) સ્મરણપૂજા, (૨) દર્શનપૂજા અને (૩) સ્પર્શનપૂજા. એકાંતમાં શાંત જગ્યાએ બેસી પરમાત્માનું સ્મરણ કરવું, તેની માળા ફેરવવી તે સ્મરણપૂજા. જેનું સ્મરણ કરીએ છીએ, તેનાં દર્શનની ઈચ્છા થાય છે. સાક્ષાત્ પરમાત્માનું દર્શન થવું તો દુર્લભ છે, તેથી તેની મૂર્તિનાં દર્શનથી આપણે પ્રસન્ન થઈએ છીએ. દર્શન પછી તે વસ્તુ ઉપર જ્યાદા પ્રેમ જાગ્રત થાય તો તેને ભેટવાની ઈચ્છા થાય છે. તેને ભેટીને આપણે તલ્લીન થઈ જઈએ છીએ. આ સ્પર્શનપૂજા છે.[૩]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


  1. Klostermaier, Klaus. Hinduism: A Beginner’s Guide. 2nd. Oxford: OneWorld Publications, 2007.
  2. Naidoo, Thillayvel (1982). The Arya Samaj Movement in South Africa. Motilal Banarsidass. પૃષ્ઠ 158. ISBN 81-208-0769-3.
  3. ૩.૦ ૩.૧ ગુજરાતી લેક્સિકોન-મૂર્તિ