માત્રી વાવ
માત્રી વાવ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.[૧] અંદાજે સત્તરમી સદીના પૂર્વાર્ધની આ વાવની પરસાળમાં પાંચ કૂટ અને ચાર મધ્યવર્તી બંધારણ છે. તેના ગવાક્ષો અને કુવાથંભ અલંકૃત છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]માત્રી વાવમાં ખાસ સુશોભનો અને શિલ્પો ન હોવાના કારણે તેમજ સાદી અને સરળ વાસ્તુ શૈલી હોવાના કારણે તેની ચોક્કસ તારીખ નક્કી કરવી મુશ્કેલ છે.[૧] આ વાવ અંદાજે સત્તરમી સદીના પૂર્વાર્ધમાં બાંધવામાં આવી છે.[૨] એવું કહેવાય છે કે તેનું બાંધકામ રાણા ભીમસિંહજી દ્વારા કરવામાં આવેલું.[૩][૪] આ એક રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[૪]
સ્થાપત્ય
[ફેરફાર કરો]માત્રી વાવ તળાવમાં બાંધવામાં આવી છે અને તેથી મોટે ભાગે પાણીમાં જ ડૂબેલી રહે છે. તે તળાવમાં એટલા માટે બાંધવામાં આવી છે જેથી દુષ્કાળમાં જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે વાવના કૂવામાં તળાવથી નીચેના સ્તરે ઉપલબ્ધ હોય તે પાણી પણ મળી રહે.[૧][૨] આ વાવ અન્ય વાવ જેવી જ છે પણ કૂવા સુધી જવાની પરસાળ ભૂગર્ભમાં નહીં પણ તળાવના પટ પર બનાવવામાં આવી છે.[૧] બહારથી અંદાજે એક ફૂટ જેટલી જ પથ્થરની પાળ દેખાય છે.[૨] આ વાવ લાલ રેતિયા પથ્થરથી બાંધવામાં આવી છે.[૫]
આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે એટલે કે પૂર્વ દિશામાં પ્રવેશ તથા પરસાળ છે અને પશ્ચિમ દિશામાં કૂવો આવેલો છે.[૧] પ્રવેશ ઉપર પતરાની છત કરેલી છે.[૨] પરસાળમાં પાંચ કૂટ અને બેવડા મોભ સાથેના ચાર મધ્યવર્તી બંધારણ છે.[૧]
વાવના બાંધકામના કારણે ઉપરથી જોતા લાંબો લંબચોરસ ઓટલો બને છે જેમાં વચ્ચે કૂટ અને કૂવાના કારણે ખાલી જગ્યાઓ પડે છે. તેના પર વાવની દીવાલોના ઉપરના ભાગે બેય બાજુ અંદાજે અડધા મીટર પહોળો ચાલી શકાય એવા રસ્તા સર્જાય છે જે કૂવાના છેડે ગોળાકારે ભેગા થઈ જાય છે. આ રસ્તા વચ્ચે વચ્ચે ફૂટ અને મધ્યવર્તી બંધારણના ઉપરના આડા જોડાણ વડે એકબીજાને મળે છે. આ ઓટલા પર થોડા પગથિયાં વડે પહોંચાય છે જ્યારે અન્ય પગથિયાં કૂવા તરફની પરસાળ તરફ દોરી જાય છે.[૧][૨] કૂટોમાં ખાસ અલંકરણ નથી જ્યારે કૂવાથંભમાં ખાસ્સુ અલંકરણ છે.[૫] વર્તુળાકાર કૂવામાં છેક ઉપર બે આડા મોભ છે જે પૈકી લાંબો મોભ મધ્યમાં છે અને મોટા કાટખુણીયા ટેકા ધરાવે છે જ્યારે નાના મોભને સામાન્ય ટેકા છે. લાંબા મોભની ઊભી બાજુએ મધ્યમાં નાનકડો કીર્તિમુખ કોતરેલો છે.[૧]
દરેક કૂટની ઉતરાણ પગથી પર બંને બાજુની દીવાલોમાં મોટા કોતરેલા મુકટયુક્ત ગવાક્ષ (ગોખલા) છે. પ્રથમ કૂટને મંદિર બનાવવામાં આવ્યું છે અને તેની ગવાક્ષોમાં અનુક્રમે ગણેશ અને ત્રિશૂળ છે. ચોથા કૂટની ગવાક્ષોમાં ગણેશ અને વિષ્ણુ છે.[૨] વાવના છેક નીચેના માળે માત્રી માતાની મૂર્તિ હોવાનું કહેવાય છે જેના પરથી આ વાવનું નામ પાડવામાં આવ્યું છે.[૧][૩] નીચેના માળે જવા માટે બાજુની દીવાલોમાં લગાવેલી સાંકડી છાજલીઓ પરથી જવું પડે છે.[૨] શૃંગાર શિલ્પો ઉપરાંત ભૌમિતિક, પ્રાકૃતિક અને પૌરાણિક ભાત વડે આ વાવમાં અલંકરણ કરવામાં આવ્યું છે.[૫] અહીં કોટેશ્વર અને માત્રેશ્વર મહાદેવની દેરીઓ પણ છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. પૃષ્ઠ ૨૪, ૪૮. ISBN 978-0-391-02284-3.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "The subterranean beauty of the Matri vav". The Times of India. 2018-12-10. ISSN 0971-8257. મેળવેલ 2024-11-08.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Bhatt, Purnima Mehta (2014-12-16). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat (અંગ્રેજીમાં). Zubaan. ISBN 978-93-84757-08-3.
- ↑ ૪.૦ ૪.૧ Census of India, 1991: Surendranagar (અંગ્રેજીમાં). Government Photo Litho Press. 1992.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Zala, Asha (2021-06-20). Matri Vav - Kankavati, Dhrangadhra - માત્રી વાવ - કંકાવટી, ધ્રાંગધ્રા (Video). Notice Board, Archaeology Department, Government of Gujarat 00:04. મેળવેલ 2024-11-17 – YouTube વડે.