ગુજરાતમાં વાવનો ઇતિહાસ
વાવ એટલે એવા કૂવા કે જે લાંબા પગથિયાંવાળા ભાગથી જોડાયેલાં હોય. તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે. વિશેષ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવનું અસ્તિત્વ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા નગરોના જળાશયોની રચનામાં પણ જોઈ શકાય છે. ગુજરાતનાં નૈઋત્ય ક્ષેત્રોમાં વાવ નિર્માણની પ્રવૃત્તિઓ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ જોઈ શકાય છે. અહીંથી તે ઉત્તર રાજસ્થાન અને ત્યારબાદ વાયવ્ય ભારતમાં ફેલાતી જોવા મળે છે. ૧૦મીથી ૧૩મી સદીમાં સોલંકી અને વાઘેલા વંશના શાસનકાળમાં વાવ નિર્માણની પ્રવૃત્તિમાં વધારો જોવા મળે છે. ૧૧મીથી ૧૬મી સદીમાં આ પ્રવૃત્તિ તેની ચરમસીમા પર જોવા મળે છે. ૧૩મીથી ૧૬મી સદી સુધીના મુસ્લિમ શાસકોએ વાવ નિર્માણની આ પ્રણાલીને પ્રતિબંધિત ન કરતાં તેને પ્રોત્સાહન આપ્યાનું જોવા મળે છે. ૧૯મી સદીમાં પાણીના પંપ અને પાઇપલાઇન દ્વારા પાણી મળવાનું શરૂઆત થતાં આ પ્રકારના પગથિયાંવાળા કૂવાઓએ તેમનું મહત્વ ગુમાવી દીધું.
પ્રાચીન કાળ
[ફેરફાર કરો]પાણીને વૈદિક કાળથી જ પવિત્ર માનવામાં આવ્યું છે. સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા શહેરોમાં કૃત્રિમ જળાશયોનાં નિર્માણની વ્યવસ્થા જોવા મળે છે.[૧] દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે જ આ પ્રકારના વિશેષ પગથિયાંવાળા કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું હશે.
૨જી-૧૦મી સદી
[ફેરફાર કરો]પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવા જળાશયોનું સૌથી પહેલું ઉદાહરણ જૂનાગઢના ઉપરકોટની બૌદ્ધ ગુફાઓમાં જોવા મળે છે. આ ગુફાઓ ચોથી સદીમાં નિર્માણ કરાયેલી છે. ફરતે પગથિયાં ધરાવતો નવઘણ કૂવો તેનું વધુ એક ઉદાહરણ છે. તે સંભવતઃ ક્ષત્રપ (ઇ.સ.૨૦૦ – ૪૦૦) કે મૈત્રક કાળ (ઇ.સ. ૬૦૦ – ૭૦૦) માં બનાવામાં આવેલો છે. અડી કડીની વાવ દસમી અથવા પંદરમી સદીના ઉત્તર ભાગમાં બંધાયેલી હોવાની ધારણા છે.[૨][૩]
સૌથી પહેલી વાવ ગુજરાતના રાજકોટ જિલ્લાનાં ઢાંક ગામ ખાતે મળી આવેલી છે. તેની હયાતી સોલંકી શાસન પૂર્વેની જણાય છે. બોચાવડી નેસની પાસે અલેક પહાડીઓમાં મળી આવેલી વાવ, ઢાંકની અન્ય બે વાવો કરતાં પુરાતન છે. ઝીલાણી વાવ (છઠ્ઠી સદી) અને મંજુશ્રી વાવ (સાતમી સદી) બન્ને સૌરાષ્ટ્ર શૈલીની વાસ્તુકલા પર આધારીત છે.[૪]
૧૦મી-૧૨મી સદી
[ફેરફાર કરો]કલાત્મક વાસ્તુકલાનાં રૂપમાં વાવ નિર્માણની પ્રવૃત્તિ સોલંકી વંશના સમયમાં શરૂ થયેલી જોવા મળે છે. સૂર્યમંદિર, મોઢેરામાં આવેલા કુંડની પશ્ચિમે જોવા મળતી વાવ ૧૧મી સદીમાં નિર્મિત જણાય છે જ્યારે જમીન પર આકારેલો મંડપ ૧૦મી સદીનો જણાય છે. પાટણની રાણીની વાવ ઇ.સ. ૧૦૫૦ની આસપાસ બંધાયેલી છે. દાવડ ખાતેની અણખોલ માતાની વાવ અને અમદાવાદમાં આવેલી માતા ભવાનીની વાવ ૧૧મી સદીના સમયગાળામાં બંધાયેલી છે.[૫]
ગુજરાતની ઘણી બધી વાવોનાં નિર્માણનો યશ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીને જાય છે. વિરમગામમાં આવેલું તળાવ અને નડીઆદની વાવનું નિર્માણ તેમને આભારી છે.[૫] સાબરકાંઠા જિલ્લાનાં બલેજ ગામમાં ઇ.સ. ૧૦૯૫ (વિ.સં. ૧૧૫૨)માં બંધાયેલી મીનળ વાવ પણ તેમનું જ યોગદાન છે. રાજકોટ જિલ્લાનાં વીરપુર ગામે અન્ય એક મીનળ વાવ જોવા મળે છે જેની વાસ્તુશૈલી સોલંકી વાસ્તુકલા સાથે સામ્યતા ધરાવે છે.[૬][૩] અમદાવાદની આશાપુરી વાવ અને ઝીંઝુવાડાની વાવ ૧૨મી સદીના સ્થાપત્ય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોબારી ગામે આવેલી વાવમાં મંદિર જેવા ધાર્મિક ચિત્રો જોવા મળે છે.[૩] ધાંધલપુરમાં આવેલી વાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવી હતી. ૧૨મી સદીમાં કુમારપાળનાં શાસન દરમિયાન પણ કેટલીક વાવ બાંધવામાં આવી છે. પાટણ જિલ્લાનાં વાયડ ગામે આવેલી વાવ આ સમયગાળાની છે. વઢવાણ ખાતે આવેલી ગંગા વાવ પર ઇ.સ. ૧૧૬૯ (વિ.સં ૧૨૨૫)ની સાલ અંકિત કરેલી છે.[૭]
સોલંકી વંશના બાદના વર્ષોમાં રાજનૈતિક અશાંતિ અને ઉથલપાથલને કારણે વાવ નિર્માણની પ્રવૃત્તિ મંદ પડતી ગઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલાં ઘુમલી ગામે મળી આવેલી વિકાઈ વાવ અને જેઠા વાવ ૧૩મી સદીમાં બંધાયાનું માલુમ પડે છે. કેશવ ગામની નજીક મળી આવેલી ખંડિયેર વાવ પણ આ જ સમયગાળાની છે.[૮]
૧૨મી-૧૩મી સદી
[ફેરફાર કરો]વંથલી અને જૂનાગઢ વચ્ચે આવેલી રા ખેંગાર વાવ વાઘેલા વંશના મંત્રી તેજપાળ દ્વારા બંધાવવામાં આવી હતી. વાઘેલા વંશના અન્ય એક શાસક વિશળદેવે ડભોઇમાં પ્રવેશદ્વાર અને મંદિર સહિતની એક વાવ બંધાવી છે, જેનું બાંધકામ ઇ.સ. ૧૨૫૫માં પૂર્ણ થયું હતું. ડભોઈમાં આવેલી આ સપ્તમુખી વાવ તળાવ પર બનાવવામાં આવેલું એક એવું મંદિર છે જેમાં સાત કૂવા છે.[૮][૩]
વઢવાણમાં આવેલી માધાવાવ ઇ.સ. ૧૨૯૪માં (વિ.સં. ૧૩૫૦) વાઘેલા વંશના અંતિમ શાસક કર્ણદેવ વાઘેલાના મંત્રીઓ માધા અને કેશવ દ્વારા બંધાવવામાં આવી હતી.[૩] કપડવંજમાં આવેલી 'બત્રીસકોઠા વાવ' માધાવાવ અને વિકાઈ વાવની વાસ્તુશૈલીને મળતી આવતી હોવાથી ૧૩મી સદીમાં બંધાઈ હોવાનું માનવામાં આવે છે.[૮][૩]
૧૪મી-૧૫મી સદી
[ફેરફાર કરો]૧૪મી સદીમાં વાવ નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડેલો જોવા મળે છે. માંગરોળમાં આવેલી સોઢલી વાવનું નિર્માણ ઇ.સ. ૧૩૧૯માં (વિ. સં. ૧૩૭૫) મોઢ જાતિના સોઢલા વલી દ્વારા કરવામાં આવ્યું છે.[૮] ખેડબ્રહ્માનાં બ્રહ્મા મંદિર પાસે આવેલી વાવ તેની સ્થાપત્ય શૈલીને આધારે ૧૪મી સદીની જણાય છે.[૯] ભાવનગર જિલ્લાનાં મહુવામાં આવેલી સુડા વાવ (ઇ.સ. ૧૩૮૧), ધંધુસરમાં આવેલી હની વાવ (ઇ.સ. ૧૩૩૩/૧૩૮૯) અને ધોળકામાં આવેલી સિદ્ધનાથ મહાદેવ વાવ ગુજરાતમાં તુઘલક વંશનાં શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. અમદાવાદ નજીક આવેલી સંપાની વાવ ઇ.સ. ૧૩૨૮માં બંધાયેલી છે.[૯] વઢવાણ પાસે આવેલા રામપુરાની રાજબા વાવ અને ખંભાતની વઢવાણી વાવનું નિર્માણ ક્રમશ: ૧૪૮૩ અને ૧૪૮૨માં થયેલું છે જેની શૈલી વઢવાણની માધાવાવ ને મળતી આવે છે.[૯][૩] દાદા હરિર વાવ ઇ.સ. ૧૪૯૯માં મહમદ બેગડાના હરમની એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવી છે.[૯][૩] લુણાવાડા પાસે આવેલ કલેશ્વરી સ્મારક સમુહમાં આવેલી બે વાવ ૧૪મી-૧૫મી સદીમાં નિર્માણ પામેલી છે પરંતુ તેની શિલ્પકલા શૈલી ૧૦મી સદીને મળતી આવે છે.[૧૦][૭]
આ સમયગાળા દરમિયાન વાવ નિર્માણનું ધાર્મિક પરિપ્રેક્ષ્ય તેનું મહત્ત્વ ગુમાવતું જાય છે. ૧૫મી સદીમાં મહમદ બેગડાનાં શાસનમાં બંધાયેલી મહેમદાવાદની વાવ અને મહેમદાવાદ પાસેની સોઢલી ગામની વાવ એ તેના ઉદાહરણો છે. વડોદરામાં મળી આવેલી સેવાસી વાવ અને નવલખી વાવ (ઇ.સ. ૧૪૦૫) બન્ને ૧૫મી સદીની છે.[૧૧]
ઇ.સ. ૧૪૯૯માં રૂદાબાઈ દ્વારા બંધાવવામાં આવેલી અડાલજની વાવ અને તેની નજીકની છત્રાલની વાવ આ જ સમયગાળામાં બંધાયેલી છે.[૧૧][૩]
૧૬મી થી ૧૮મી સદી
[ફેરફાર કરો]ધ્રાંગધ્રાની નાગાબાવા વાવ (ઇ.સ. ૧૫૨૫) અને મોરબીની જીવા મહેતાની વાવની શૈલી અને સમયગાળો એક જ છે. રોહોની વાવ (ઇ.સ. ૧૫૬૦) નાનાજી રાજાની પત્ની ચંપા અને તેની પુત્રીએ બંધાવી હતી. મીઠી વાવ, પાલનપુર અને ઝીંઝુવાડામાં આવેલી વાવ મહત્ત્વની છે.[૧૨]
કેટલીક વાવની બાંધણીમાં કલાત્મક અલંકરણ જોવા મળતું નથી તેથી તેનો સમયગાળો નક્કી કરવો મુશ્કેલ બને છે. પરંતુ મોટેભાગે તે ૧૬મી-૧૭મી સદી સંબંધિત છે. આ પ્રકારની કેટલીક વાવ હામપર, ઇડર ઉપરાંત કંકાવતીમાં આવેલી માત્રી વાવ અને મોઢેરાની જ્ઞાનેશ્વરી વાવ છે. ઉત્તર ગુજરાતનાં માંડવામાં આવેલી વાવની બાંધણી મહેમદાવાદની વાવને મળતી આવે છે તેથી એ જ સમયગાળાની કહી શકાય. પાટણની સિંધવી માતા વાવમાં ઇ.સ. ૧૬૩૩નો એક શિલાલેખ છે. માંગરોળની રાવળી વાવ ૧૭મી સદીની છે. ઇડર નજીક આવેલી લિંભોઇની વાવ (ઇ.સ. ૧૬૨૯) સોલંકી શૈલીમાં બંધાયેલી છે.[૧૨][૩]
અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવનું નિર્માણ કાર્ય ઇ.સ. ૧૭૨૩માં પૂર્ણ થયું હતું.[૧૨][૩]
૧૯મી-૨૦મી સદી
[ફેરફાર કરો]અમદાવાદના ઇસનપુરમાં આવેલી જેઠાભાઈ વાવ સિંચાઈના હેતુ માટે બનાવવામાં આવેલી હતી. તેનું નિર્માણકાર્ય ૧૮૬૦માં પૂર્ણ કરાયું હતું. વાંકાનેર મહેલની વાવ ૧૯૩૦ના દશકમાં તેના પૂર્વ શાસકો દ્વારા શાહી પરિવાર માટે બનાવવામાં આવી હતી. તે સફેદ રેતિયા પથ્થરમાંથી બનાવવામાં આવેલું આ શૈલીનું અંતિમ સ્મારક છે.[૧૨]
સ્વચાલિત જળ પ્રણાલી અને પાઇપલાઇનના કારણે વાવ તેનું મહત્ત્વ ગુમાવી ચૂકી છે અને આર્થિક ખર્ચના કારણે હવે તેનું નિર્માણ થતું નથી.[૧૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Takezawa, Suichi. "Stepwells -Cosmology of Subterranean Architecture as seen in Adalaj" (pdf). The Diverse Architectural World of The Indian Sub-Continent. મેળવેલ 2009-11-18.
- ↑ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 19.
- ↑ ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ શુક્લા, રાકેશ (૨૪ જૂન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો". gujarati.oneindia.com. મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.CS1 maint: ref=harv (link)
- ↑ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 19-20.
- ↑ ૫.૦ ૫.૧ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 20.
- ↑ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 20-21.
- ↑ ૭.૦ ૭.૧ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 21.
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 22.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 23.
- ↑ Purnima Mehta Bhatt (16 December 2014). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. Zubaan. પૃષ્ઠ 46–47. ISBN 978-93-84757-08-3.
- ↑ ૧૧.૦ ૧૧.૧ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 23-24.
- ↑ ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ The Stepwells of Gujarat: In Art-historical Perspective 1981, p. 24.
સંદર્ભસૂચિ
[ફેરફાર કરો]- Jutta Jain-Neubauer (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 19–24. ISBN 978-0-391-02284-3.