ઈન્દિરા ગાંધી
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઈન્દિરા ગાંધી | |
---|---|
ઇન્દિરા ગાંધી, ૧૯૬૭માં | |
ભારતના ૩જા વડાપ્રધાન | |
પદ પર ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ – ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | |
રાષ્ટ્રપતિ | નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંઘ |
પુરોગામી | ચરણ સિંહ |
અનુગામી | રાજીવ ગાંધી |
પદ પર ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ – ૨૪ માર્ચ ૧૯૭૭ | |
રાષ્ટ્રપતિ | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. ઝાકીર હુસૈન વી. વી. ગીરી ફખ્રુદ્દદિન અલી અહમદ |
ડેપ્યુટી | મોરારજી દેસાઈ |
પુરોગામી | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) |
અનુગામી | મોરારજી દેસાઈ |
વિદેશ પ્રધાન | |
પદ પર ૯ માર્ચ ૧૯૮૪ – ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | |
પુરોગામી | પી વી નર્સિમહા રાવ |
અનુગામી | રાજીવ ગાંધી |
પદ પર ૨૨ ઓગસ્ટ ૧૯૬૭ – ૧૪ માર્ચ ૧૯૬૯ | |
પુરોગામી | એમ સી ચગલા |
અનુગામી | દિનેશ સિંહ |
સંરક્ષણ પ્રધાન | |
પદ પર ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ – ૧૫ જાન્યુઆરી ૧૯૮૨ | |
પુરોગામી | ચિદમ્બરમ્ સુબ્રમનિયમ |
અનુગામી | આર વેંકતરામ |
પદ પર ૩૦ નવેમ્બર ૧૯૭૫ – ૨૦ ડિસેમ્બર ૧૯૭૫ | |
પુરોગામી | સ્વરણ સિંહ |
અનુગામી | બંસી લાલ |
ગૃહ પ્રધાન | |
પદ પર ૨૭ જૂન ૧૯૭૦ – ૪ ફેબ્રુઆરી ૧૯૭૩ | |
પુરોગામી | યશવંત રાવ ચવણ |
અનુગામી | ઉમાશંકર દીક્ષિત |
નાણાં પ્રધાન | |
પદ પર ૧૭ જુલાઈ ૧૯૬૯ – ૨૭ જૂન ૧૯૭૦ | |
પુરોગામી | મોરારજી દેસાઈ |
અનુગામી | યશવંત રાવ ચવણ |
માહિતી અને પ્રસારણ પ્રધાન | |
પદ પર ૯ જૂન ૧૯૬૪ – ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ | |
પ્રધાન મંત્રી | લાલ બહાદુર શાસ્ત્રી |
પુરોગામી | સત્ય નારાયણ સિન્હા |
અનુગામી | કોદરદાસ કાલિદાસ શાહ |
અંગત વિગતો | |
જન્મ | ઈન્દિરા પ્રિયદર્શિની નહેરૂ ૧૯ નવેમ્બર ૧૯૧૭ અલ્હાબાદ, આગરા અને ઊધ ની યુનાઈટેડ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા (હાલમાં પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત) |
મૃત્યુ | 31 October 1984 નવી દિલ્હી, ભારત | (ઉંમર 66)
મૃત્યુનું કારણ | હત્યા |
અંતિમ સ્થાન | શક્તિ સ્થળ |
જીવનસાથી | |
સંતાનો | રાજીવ ગાંધી સંજય ગાંધી |
માતા-પિતા | જવાહરલાલ નહેરુ (પિતા) કમલા નેહરુ (માતા) |
માતૃ શિક્ષણસંસ્થા | વિશ્વ ભારતી યુનિવર્સિટી [૧] સોમરવિલ કોલેજ ઓક્સફોર્ડ [૧] |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૭૧) બાંગ્લાદેશ ફ્રિડમ ઓનર (૨૦૧૧) |
સહી |
ઈન્દિરા ગાંધી (૨૯ નવેમ્બર ૧૯૧૭ - ૩૧ ઓક્ટોબર ૧૯૮૪) ભારત દેશનાં ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ (તેમની હત્યા સુધી) સુધી ૧૫ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા.
ઈન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ઈન્દિરા ૧૯૪૧માં ઑકસફર્ડ યુનિવર્સિટીથી ભારત પાછા ફર્યાં બાદ, ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
૧૯૫૦ના દાયકામાં ઈન્દિરાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે રહીને અનૌપચારિક ધોરણે તેમની અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. ૧૯૬૪માં તેમના પિતાના અવસાન બાદ ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજ્ય સભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી. ઈન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.
શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે. કામરાજની મુખ્ય ભૂમિકા હતી. ઈન્દિરાએ થોડાજ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય મેળવ્યો હતો. ૧૯૭૫માં ઈન્દિરાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. ૧૯૮૦માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, તે પછી પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં ઈન્દિરા સતત ઊંડા ઊતરતાં ગયાં. જેના અંતસ્વરૂપ ૧૯૮૪માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી.
પૂર્વ જીવન
[ફેરફાર કરો]ભારતમાં બાળપણ
[ફેરફાર કરો]૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહેરુ, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પૂર્વેના સમયમાં મોતીલાલ નહેરુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી આગળ પડતા આગેવાનોમાંના એક હતા. તેઓ બ્રિટિશ તંત્ર સામે ભારતના ભવિષ્યના સરકારી તંત્ર અંગે લોકોની પસંદ દર્શાવતો નહેરુ અહેવાલ પણ લખવાના હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ, ઉચ્ચશિક્ષણ પામેલા બૅરિસ્ટર હતા અને ભારતની સ્વતંત્રતા ચળવળના અત્યંત લોકપ્રિય નેતા હતા. ઈન્દિરાના જન્મ સમયે, નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશી ચૂકયા હતા.
માત્ર માતાની નિશ્રામાં ઉછરતાં અને તે પણ બીમાર અને નહેરુ ગૃહસ્થાશ્રમથી વિમુખ થતાં જતાં માતા પાસે રહેતાં ઈન્દિરામાં મજબૂત સંરક્ષણ વૃત્તિ અને એકલવાયું વ્યકિતત્વ આકાર લેવા માંડ્યું. પોતાની ઉંમરના મિત્રો-સહેલીઓ સાથે ભળવામાં પણ દાદા અને પિતાની રાષ્ટ્રીય રાજકારણમાં ગળાડૂબ સામેલગીરીથી અડચણ ઊભી થતી. વિજયાલક્ષ્મી પંડિત સહિતની પોતાની ફોઈઓ સાથે પણ તેમને બનતું નહોતું અને આ અણબનાવ રાજકીય વિશ્વમાં પણ ચાલુ રહ્યો હતો.
તેમના પિતાએ પોતાની આત્મકથા, ટુવર્ડ ફ્રીડમ (Toward Freedom) માં લખ્યું છે કે તેઓ જયારે જેલમાં હતા ત્યારે અવારનવાર પોલીસ તેમના ઘેર જતી અને સરકારે તેમના પર નાખેલા દંડ વસૂલ કરવા માટે ઘરમાંથી રાચરચીલાંના ટુકડા લઈ જતી. તેમણે લખ્યું છે, "મારી ચાર વર્ષની દીકરી ઈન્દિરા આ સતત ચાલતી લૂંટથી અત્યંત નારાજ હતી અને તેણે પોતાની આ સખત નારાજગી પોલીસ સામે વિરોધ કરીને પ્રગટ પણ કરી હતી. તેના કુમળા મન પર પડેલી આ છાપો તે ભવિષ્યમાં પોલીસ દળને કેવી રીતે જોશે તે દષ્ટિને પણ મોટા ભાગે અસર કરશે તેવો મને ડર છે."
ઈન્દિરાએ નાનાં છોકરા-છોકરીઓની એક વાનરસેના ઝુંબેશ ઊભી કરી હતી. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનો નાનકડો પણ નોંધનીય હિસ્સો છે. તેઓ વિરોધ નોંધાવતા, ધ્વજ લઈને કૂચ કરતા તેમ જ કૉંગ્રેસના રાજનેતાઓને સંવેદનશીલ અને પ્રતિબંધિત સામગ્રીઓ-પ્રકાશનો વિતરણ કરવામાં મદદ કરતા. તેનો એક બહુ જાણીતો કિસ્સો- પોતાના પિતાનું ઘર પોલીસની નજરબંદી હેઠળ હતું, ત્યારે ઈન્દિરા એક મહત્વનો દસ્તાવેજ, જેમાં ત્રીસના દાયકાના પૂર્વાધમાં લેનારા એક મહત્વના ક્રાંતિકારી પગલાંની રૂપરેખા હતી, પોતાના દફતરમાં છુપાવીને બહાર લઈ આવ્યાં હતાં.
યુરોપમાં ભણતર
[ફેરફાર કરો]1936માં આખરે લાંબા સંઘર્ષ પછી તેમનાં માતા, કમલા નહેરુ ક્ષયને શરણ થયાં. તે વખતે ઈન્દિરા 18 વર્ષનાં હતાં અને આમ તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં. ત્રીસના દાયકાના ઉત્તરાર્ધમાં, સોમરવિલા કૉલેજ, ઓકસફર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડમાં પોતાના અભ્યાસકાળ દરમ્યાન તેઓ લંડન સ્થિત, સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીય લીગના સભ્ય બન્યાં.[૨]
1940ના પૂર્વાર્ધમાં, જૂના ફેફસાંના રોગમાંથી સાજા થવા માટે ઈન્દિરાએ સ્વિત્ઝરલેન્ડ ખાતે વિશ્રામઘરમાં સમય વીતાવ્યો. બાળપણની જેમ ત્યારે પણ તેમણે પોતાના પિતા સાથે લાંબા પત્રો થકી દૂરના અંતરનો સંબંધ સાચવી રાખ્યો. તેઓ તેમાં રાજકારણ અંગે ચર્ચા-દલીલ પણ કરતાં.[૩]
યુરોપ ખંડ અને ઈંગ્લેન્ડમાં તેમના આ સમય દરમ્યાન તેઓ રાજકારણમાં સક્રિય હોય તેવા એક પારસી યુવાન,ફિરોઝ ગાંધી (મોહનદાસ ગાંધી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી)ને મળ્યાં.[૪] ભારત પાછા ફર્યા બાદ, ફિરોઝ ગાંધી નહેરુ પરિવારની, ખાસ કરીને ઈન્દિરાનાં માતા કમલા નહેરુ અને ઈન્દિરાની સમીપ આવતા ગયા. તેમણે માંદા કમલાની સેવા કરવામાં પણ હાથ જુટાવ્યો.
ફિરોઝ ગાંધી સાથે લગ્ન
[ફેરફાર કરો]ઈન્દિરા અને ફિરોઝ ગાંધી ભારત પાછાં ફર્યાં ત્યારે એકબીજાના પ્રેમમાં હતાં અને ડૉકટરોની સલાહ છતાં પરણવા માટે મક્કમ હતાં.[૫] ફિરોઝનું ખુલ્લાપણું, રમૂજી સ્વભાવ અને આત્મ-વિશ્વાસ ઈન્દિરાને ગમતાં હતાં. પોતાની દીકરી આટલી જલદી પરણી જાય તે બાબત નહેરુને પસંદ પડી નહીં અને તેમણે આ પ્રેમસંબંધ વારવા માટે મહાત્મા ગાંધીની મદદ માગી. પણ પ્રેમમાં પડેલાં ઈન્દિરા અણનમ રહ્યાં અને માર્ચ ૧૯૪૨માં હિંદુ વિધિ મુજબ તેમનાં લગ્ન સંપન્ન થયાં.[૬]
ફિરોઝ અને ઈન્દિરા બંને જણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતાં, અને બંને જણે ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જેમાં બંનેની ધરપકડ થઈ હતી.[૭] ભારત સ્વતંત્ર થયું તે પછી, ફિરોઝ ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાઈને સંસદસભ્ય બન્યા હતા. રાજીવ ગાંધી અને સંજય ગાંધી એમ બે પુત્રોના જન્મ પછી કોઈક પારસ્પરિક સંઘર્ષના કારણે આ દંપતી 1958 સુધી એકબીજાથી અલગ રહેતું હતું. તેમની બીજી ચૂંટણીના થોડા સમય બાદ જ અચાનક ફિરોઝને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેના પરિણામે તેમનું ભાંગેલું લગ્નજીવન નાટકીય રીતે સંધાઈ ગયું. પણ સપ્ટેમ્બર 1960માં ફિરોઝનું અકાળે અવસાન થવાથી આ પ્રેમ લાંબા ગાળા સુધી ટકી ન શકયો.
નેતૃત્વની શરૂઆત
[ફેરફાર કરો]ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ
[ફેરફાર કરો]1959 અને 1960 દરમ્યાન ઈન્દિરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડ્યાં અને ચૂંટાયાં. પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં. તેમણે પોતાના પિતાની કચેરીના અગ્ર સદસ્ય તરીકેની ભૂમિકા પણ નિભાવી. નહેરુનો સગાવાદ માટેનો વિરોધ જાણીતો હતો અને તે મુજબ ઈન્દિરાએ 1962ની ચૂંટણીમાં ઉમેદવારી કરી નહીં.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન
[ફેરફાર કરો]27 મે 1964ના નહેરુનું અવસાન થયું અને નવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઈન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયાં. તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન નીમવામાં આવ્યાં.[૮] હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના મુદ્દે હિન્દી ન બોલતા તામિલનાડુ રાજયમાં ફાટી નીકળેલાં તોફાનો વખતે તેમણે મદ્રાસની મુલાકાત લીધી. તેઓએ ત્યાં સરકારી અધિકારીઓ સાથે વાત કરી, ત્યાંના સામાજિક નેતાઓના ક્રોધને શાંત પાડ્યો અને નુકસાન પામેલા વિસ્તારોમાં પુનઃબાંધકામની કામગીરીનું નીરિક્ષણ કર્યું.તેમની આ પહેલ જોઈને, પોતે આ પ્રકારનું પગલું ન લીધું હોવાથી શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓએ ક્ષોભ પામ્યા. મંત્રી ઈન્દિરાએ સંભવતઃ આ પગલું શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓને ક્ષોભિત કરવા માટે કે પોતાની રાજકીય ઉન્નતિ સાધવા માટે નહોતું લીધું. પોતાના મંત્રાલયના રોજબરોજના કામકાજમાં તેઓ પૂરતો રસ નહોતા લેતા એવું કહેવાય છે પરંતુ તેઓ સમાચાર-માધ્યમોની સારી જાણકારી ધરાવતાં હતાં અને રાજકારણ તેમ જ દઢ પ્રતિભા છોડી જવાની કળામાં દક્ષ હતાં.
"1965 પછી શ્રીમતી ઈન્દિરા અને તેમના શત્રુઓ વચ્ચેના સંઘર્ષમાં સફળતા હાંસલ કરવા માટે કેન્દ્રીય કૉંગ્રેસ(પાર્ટી)ના આગેવાનોએ કૉંગ્રેસ (પાર્ટી)ના રાજય સ્તરનાં સંગઠનોમાંથી ઉચ્ચ વર્ણના આગેવાનોને દૂર કર્યા અને તેમના સ્થાને પછાત જાતિઓના આગેવાનો નીમ્યા, અને વંચિતોના મત એકઠા કરવાના પ્રયત્નો શરૂ કર્યા જેથી રાજય સ્તરે કૉંગ્રેસ (પાર્ટી) અને વિપક્ષના શત્રુઓને હરાવી શકાય. આ હસ્તક્ષેપોના પરિણામે, જેમાંના કેટલાક તો સામાજિક રીતે કદાચ સુધારાવાદી લાગતા હતા, મોટા ભાગે સ્થાનિક આંતર-વંશીય સંઘર્ષો છેવટે વધ્યા હતા...[૯]
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઈન્દિરા ગાંધી સરહદ નજીકના વિસ્તાર શ્રીનગરમાં રજાઓ માણી રહ્યાં હતાં. પાકિસ્તાની હુમલાખોરો શહેરની ઘણી નજીક સુધી ઘૂસી બેઠા હોવાની લશ્કરની ચેતવણી છતાં, તેમણે જમ્મુ કે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે સ્થાનિક સરકારની સામે રેલી કાઢી હતી અને સામે ચાલીને સમાચાર-માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાનના હુમલાને ત્યારે સફળતાપૂર્વક ખાળી શકાયો હતો અને જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં સોવિયેતની મધ્યસ્થીથી વડાપ્રધાન શાસ્ત્રીએ પાકિસ્તાનના અયુબ ખાન સાથે શાંતિ કરાર પર સહી કરી. અને તેના માત્ર થોડા જ કલાકો પછી, શાસ્ત્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.[૧૦]
એ સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે.કામરાજે, મોરારાજી દેસાઈના વિરોધ છતાં, ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મોરારજી દેસાઈએ જો કે પાછળથી કૉંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના સદસ્યો સામે હાર માનવી પડી હતી, જયાં ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈના ૧૬૯ સામે ૩૫૫ મતથી સરસાઈ મેળવી તેમને પાછળ છોડી દીધાં હતાં અને ભારતના પાંચમા વડાપ્રધાન અને આ પદ શોભાવનાર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં.
વડાપ્રધાન
[ફેરફાર કરો]પહેલું સત્ર
[ફેરફાર કરો]ગૃહ નીતિ
[ફેરફાર કરો]1966માં જયારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે કૉંગ્રેસમાં બે જૂથમાં વિભાજીત થઈ ગયું, ગાંધીના નેતૃત્વમાં માનતા સમાજવાદીઓ અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં માનતા રૂઢિચુસ્તો. રામમનોહર લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા એટલે કે "મૂંગી ઢીંગલી" કહ્યાં હતા.[૧૧] 1967ની ચૂંટણીમાં આ આંતરિક વિખવાદની અસર જોવા મળી. આ ચૂંટણીમાં લોકસભાની ૫૪૫ બેઠકોમાંથી કૉંગ્રેસે માત્ર ૨૯૭ બેઠકો પર જ વિજય મેળવ્યો અને લગભગ 60 બેઠકો ગુમાવી. ત્યારે ઈન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે સરકારમાં લેવા જ પડ્યા. ૧૯૬૯માં દેસાઈ સાથે અનેક મતભેદો પછી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડ્યા. છતાં તેમણે સમાજવાદી અને સામ્યવાદીઓની મદદથી બીજાં બે વર્ષો સુધી સરકાર ચલાવી. એ જ વર્ષે, જુલાઈ 1969માં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
૧૯૭૧નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ
[ફેરફાર કરો]પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર વ્યાપકપણે અત્યાચાર-જુલમ ગુજારી રહ્યું હતું.[૧૨][૧૩] જેના પરિણામે આશરે ૧૦ લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં દોડી આવ્યા. સ્વાભાવિક રીતે તેનાથી ભારત પર આર્થિક બોજો વધ્યો તેમ જ દેશની સ્થિરતા પર જોખમમાં આવી પડી. શરણાર્થીઓની આ સમસ્યા ઉકેલવા માટે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું અને પૂર્વ પાકિસ્તાન સામે તેની સ્વતંત્રતા મેળવવા માટે મદદનો હાથ લંબાવ્યો. યુનાઈટેડ સ્ટેટ્સના રિચાર્ડ નિકસને પાકિસ્તાનને ટેકો આપ્યો અને યુદ્ધ જાહેર કરવા અંગે ભારતને ચેતવણી આપતો ઠરાવ યુએન (UN)માં પસાર કરાવ્યો. નિકસનને અંગત રીતે ઈન્દિરા પ્રત્યે સ્પષ્ટ અણગમો હતો, જે તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ, હેન્રી કિસીંગર સાથેના પોતાની ખાનગી વાતચીતમાં ઈન્દિરાને "ચૂડેલ" અને "લુચ્ચું શિયાળ" કહીને વ્યકત પણ કર્યો હતો (સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ હકીકત હવે જાહેર કરી દેવામાં આવી છે).[૧૪]. ઈન્દિરાએ રશિયા સાથે મિત્રતા અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કરીને તેનો રાજકીય ટેકો તો મેળવ્યો જ પરંતુ યુએન(UN)માં ભારત તરફી રશિયાનો વીટો પણ મેળવ્યો. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતની જીત થઈ અને બાંગ્લાદેશનો જન્મ થયો.
વિદેશી નીતિ
[ફેરફાર કરો]તેમણે પાકિસ્તાનના નવા પ્રમુખ ઝુલફીકાર અલી ભુટ્ટોને એક અઠવાડિયા જેટલી લાંબી શિખર મંત્રણા (સમિટ) માટે શિમલા આમંત્રિત કર્યા. લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ રહેલી વાતચીતના અંતે, બંને દેશના વડાઓએ છેવટે શિમલા કરાર પર સહી કરી હતી, જેના મુજબ બંને દેશો કાશ્મીર વિવાદનો અંત વાટાઘાટો અને શાંતિપૂર્ણ રીતે લાવવા માટે સંમત થયા હતા. નિકસન પ્રત્યે તેમના તીવ્ર અણગમાને કારણે યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના સંબંધો ઘટતા ચાલ્યા જયારે સોવિયેત યુનિયન સાથેના સંબંધો સારા થતા ગયા.
જો કે લાઈન ઓફ કન્ટ્રોલને કાયમી સરહદ ન બનાવવા માટે કેટલાકે ઈન્દિરા ગાંધીને વખોડ્યા તો વળી કેટલાક ટીકાકારોએ એવું માની લીધું કે જેના 93,000 યુદ્ધના કેદીઓ ભારતના તાબા છે તે પાકિસ્તાનના તાબા હેઠળનું કાશ્મીર આપણે પાકિસ્તાન પાસેથી લઈ જ લેવું જોઈતું હતું. પણ કરારના કારણે યુનાઈટેડ નેશન્સ કે અન્ય કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ તાત્કાલિક અસરથી નાબૂદ થયો હતો, જેના કારણે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન મોટો હુમલો કરે એવી શકયતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. સંવેદનશીલ મુદ્દે ભુટ્ટો પાસેથી સંપૂર્ણ શરણાગતિનો આગ્રહ ન રાખીને તેમણે પાકિસ્તાનને સ્થિર અને સામાન્ય થવાનો સમય આપ્યો હતો. બંને દેશો વચ્ચેના વેપાર-સંબંધો પણ સામાન્ય બન્યા હતા, જો કે વર્ષો સુધી બંને દેશો વચ્ચે તે સિવાયના વધુ સંબંધો શરૂ થઈ ન શક્યા.
રૂપિયાનું અવમૂલ્યન
[ફેરફાર કરો]1960ના દાયકાના ઉત્તરાર્ધમાં, વેપારમાં તેજી લાવવા માટે ઈન્દિરાની સરકારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં 40% - યુએસ ડૉલર સામે 4થી 7 જેટલું અવમૂલ્યન જાહેર કર્યું.
ન્યુકિલઅર વેપન પ્રોગ્રામ (અણુશસ્ત્રો સંબંધિત કાર્યક્રમ)
[ફેરફાર કરો]ન્યુકિલઅર મહાસત્તાઓથી સ્વતંત્ર એવી ભારતની સ્થિરતા અને સુરક્ષા સ્થાપિત કરવા માટે અને પ્રજાસત્તાક ચીન દ્વારા ગમે તે ઘડીએ તોળાતા અણુહુમલાના જવાબમાં 1967માં ગાંધીએ નેશનલ ન્યુકિલઅર પ્રોગ્રામ શરૂ કર્યો. ૧૯૭૪માં, રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલા પોખરણ ગામ નજીક ભૂગર્ભમાં, ભારતે અનૌપચારિક રીતે "સ્માઈલિંગ બુદ્ધા (હસતાં બુદ્ધ)" નામના સંકેતથી ઓળખાતું અણુપરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડયું. આ પરીક્ષણ શાંતિના હેતુ માટે કરવામાં આવ્યું છે તેવી ચોખવટ કરીને ભારત વિશ્વમાં ન્યુકિલઅર સત્તાઓ ધરાવતો નવો, સૌથી છેલ્લો દેશ બન્યો.
હરિયાળી ક્રાંતિ
[ફેરફાર કરો]1960ના દાયકામાં શરૂ કરાયેલા વિશિષ્ટ કૃષિ સંશોધન કાર્યક્રમો અને વધારાની સરકારી સહાયના કારણે છેવટે ભારતનો અનાજનો કાયમી ખેંચ/તાણનો પ્રશ્ન, ઘઉં-ચોખા-કપાસ અને દૂધની જોઈએ તેના કરતાં વધુ પેદાશમાં ફેરવાઈ ગયો. યુનાઈટેડ સ્ટેટ્સ પાસેથી અને તે પણ જેના માટે ગાંધીને સારો એવો અણગમો હતો (અણગમાની લાગણી બંને પક્ષે પારસ્પરિક હતીઃ નિકસન માટે ઈન્દિરા "ઘરડી ચૂડેલ" [૧૫] હતાં) તેવા પ્રેસિડન્ટ પાસેથી, અનાજ માટે સહાય મેળવવાને બદલે ભારત જાતે અનાજ નિકાસ કરતું બની ગયું. આ સફળતા અને તેની સાથે તેનું વ્યાપારી પાક-ઉત્પાદનમાં વિવિધીકરણ એ "હરિયાળી ક્રાંતિ" તરીકે જાણીતાં બન્યાં. એ જ વખતે, દૂધ-ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો - શ્વેત ક્રાંતિ પણ આવી, જે ખાસ કરીને નાનાં બાળકોમાં અપોષણની સમસ્યાને મહાત કરવામાં મદદરૂપ નીવડી. ત્યારથી લઈને 1975 સુધી, "અન્નની સુરક્ષા" નામે ઓળખાતો કાર્યક્રમ ગાંધી માટે વધુ એક હકારાત્મક ટેકાનું કારણ બન્યો.[૧૬]
ઈન્દિરા ગાંધી અને ખરેખર તો તમામ ભારતીય રાજકારણીઓ જેમના પર અતિશય આધારિત છે તે શહેરી રહેવાસીઓને વિપુલ પ્રમાણમાં અને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે 1960ના દાયકાના પૂર્વાધમાં ઈન્ટેન્સ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ (Intense Agricultural District Program - IADP), જેને અનૌપચારિક રીતે હરિયાળી ક્રાંતિ નામ આપવામાં આવ્યું હતું, તે શરૂ કરવામાં આવ્યો હતો.[૧૭] આ કાર્યક્રમમાં મુખ્ય ચાર બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતોઃ 1) બીજની નવી જાતો, 2) ભારતીય કૃષિમાં રસાયણો, દા.ત. રસાયણિક ખાતરો, જંતુનાશકો, નીંદણનાશકો, વગેરે-ની આવશ્યકતા અંગે સ્વીકાર, 3) નવી અને અત્યારે ઉપલબ્ધ બીજમાંથી સુધારેલા બીજની જાતો વિકસાવવા માટે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગથી સંશોધન માટેની પ્રતિબદ્ધતા, 4) ભૂમિ સહાય કૉલેજોના રૂપમાં વૈજ્ઞાનિક, કૃષિ સંસ્થાઓ વિકસાવવાનો વિચાર.[૧૮] દસ વર્ષ ચાલેલા આ કાર્યક્રમના કારણે છેવટે ઘઉંનું ઉત્પાદન ત્રણગણું બન્યું હતું, ચોખાના ઉત્પાદનમાં પ્રમાણમાં ઓછો છતાં ખાસ્સો વધારો થયો હતો; જયારે બાજરી-જુવાર-ચણા અને બજરી જેવા એકદળીય અનાજોમાં બહુ ઓછો અથવા તો નહિવત્ વધારો જોવા મળ્યો હતો (ક્ષેત્રફળ અને વસતિ વધારાની ગણતરીએ), અલબત્ત ખરેખર આ પાકોની પ્રમાણમાં સારી એકધારી ઉપજ મળી શકી હતી.
૧૯૭૧ની ચૂંટણીમાં વિજય, અને વડાપ્રધાન તરીકે બીજું સત્ર (૧૯૭૧-૧૯૭૫)
[ફેરફાર કરો]ઈન્દિરાના ૧૯૭૧ની ચૂંટણી બાદ ભારતની સરકારને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. અસંખ્ય ફૂટ-ફાટને કારણે કૉંગ્રેસ પાર્ટીનું આંતરિક માળખું સાવ વેરવિખેર થઈ ગયું હતું અને હવે આ ચૂંટણીમાં કૉંગ્રેસનો સમગ્ર આધાર માત્ર તેમના નેતૃત્વ પર હતો. 1971ની આ ચૂંટણીમાં ગાંધીએ ગરીબી હટાવો (ગરીબી દૂર કરો) વિષય અને નારા પર મુખ્ય ભાર મૂક્યો હતો. આ સૂત્ર અને તેની સાથે ગરીબી દૂર કરવાના પ્રસ્તાવિત કાર્યક્રમો એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જેથી ગાંધીને આખા દેશમાંથી, ગ્રામીણ તેમ જ શહેરી ગરીબો તરફથી, સ્વતંત્રરૂપે ટેકો મળી રહે. આનાથી તેઓ રાજય અને સ્થાનિક સરકાર માટે ગ્રામ્ય સ્તરે વર્ચસ્વી જાતિઓને તેમ જ શહેરના વેપારી વર્ગને અવગણીને આગળ વધી જઈ શકવા માટે સક્ષમ બન્યા. અને તેમની જગ્યાએ અત્યાર સુધી મૂક રહેતા ગરીબને છેવટે રાજકીય મહત્ત્વ અને રાજકીય વજન એમ બંને મળ્યાં.
ગરીબી હટાવો હેઠળ આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમો ભલે સ્થાનિક સ્તરે હાથ ધરવામાં આવ્યા પરંતુ તેમના માટેનું ભંડોળ, તેમની રચના, દેખરેખ અને તેના કાર્યકરો એમ સમગ્ર સંચાલન દિલ્હીથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવતું હતું. "આ કાર્યક્રમોના કારણે કેન્દ્ર સરકારને આખા દેશભરમાં નવા અને વિશાળ વર્ગને સ્રોતોનું વિતરણ કરવા નેતૃત્વ લેવાની તક મળી..."[૧૯]. જો કે હવે અભ્યાસુઓ અને ઇતિહાસકારો ગરીબી નિર્મૂલન કરવામાં ગરીબી હટાવો કાર્યક્રમની નિષ્ફળતા માટે સંમત છે- આર્થિક વિકાસ માટે ફાળવાયેલા તમામ ફંડમાંથી માત્ર 4% જેટલું ફંડ મુખ્ય ત્રણ ગરીબી દૂર કરવાના કાર્યક્રમો માટે વાપરવામાં આવ્યું અને આ થોડાકમાંથી પણ ભાગ્યે જ કશુંક કદી "ગરીબમાં ગરીબ" માણસ સુધી પહોંચ્યું- અને આ બીજી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી માટે લોકોનો ખરેખરો ટેકો ઊભો કરવાને બદલે માત્ર આ પોલું સૂત્ર જ વાપરવામાં આવ્યું.
ભ્રષ્ટાચારના આરોપો અને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અંગેનો ચુકાદો
[ફેરફાર કરો]12 જૂન 1975ના અલ્હાબાદની હાઈકોર્ટે મતદાનમાં ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને લોકસભામાં ઈન્દિરા ગાંધીની ચૂંટણી દ્વારા થયેલી વરણી રદ ગણાવી. ચૂંટણી અંગેની આ પિટીશન રાજ નારાયણ (ગાંધીએ તેમની સામે 1971ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ કર્યાનું સાબિત થઈ ગયા બાદ, તેમણે ફરી 1977ની ચૂંટણીમાં પણ ઈન્દિરાને રાય બરેલીની બેઠક પરથી હરાવ્યા હતા) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે ઈન્દિરાએ ચૂંટણીનો પ્રચાર કરવા માટે સરકારી સ્રોતો વાપર્યા હોવાના અમુક નાના તેમ જ અમુક મોટા દાખલા ટાંકયા હતા.[૨૦] આથી કોર્ટે તેમને સંસદમાં તેમની બેઠક પરથી દૂર કર્યાં હતાં અને બીજાં છ વર્ષો સુધી તેમના ચૂંટણીમાં ઊભા રહેવા પર પ્રતિબંધ લાદયો હતો. વડાપ્રધાન માટે લોકસભા (ભારતની સંસદનું નીચલું ગૃહ) અથવા તો રાજયસભા (ભારતની સંસદનું ઉપલું ગૃહ)- બેમાંથી કોઈ એકના સભ્ય હોવું આવશ્યક છે. આમ, આ ચુકાદાથી ખરેખર તેઓ વડાપ્રધાન પદ પરથી દૂર થયાં. સ્વતંત્રતા પછી, ભારતના રાજકારણમાં ઈન્દિરા ગાંધી સાથે રાજ નારાયણનું પણ વર્ચસ્વ રહ્યું. તેઓ હંમેશાં રાજ નારાયણ સામે સંઘર્ષ કરતાં રહ્યાં.
જો કે ઈન્દિરા ગાંધીએ રાજીનામું આપવાના કહેણને નકારીને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવાનું પોતાનું આયોજન જાહેર કર્યું. આ ચુકાદો અલ્હાબાદની હાઈકોર્ટના જસ્ટિસ સિંહા દ્વારા આપવામાં આવ્યો હતો. 1971ની લોકસભાની ચૂંટણીમાં તેમની સામે હારેલા ઉમેદવાર રાજ નારાયણ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે દાખલ થયા બાદ ચાર વર્ષે ચુકાદો આવ્યો હતો. કેસની સુનાવણી દરમ્યાન પોતાના બચાવમાં પુરાવાઓ રજૂ કર્યા પછી ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં અપ્રામાણિકતાભરી કાર્યસરણી/છેતરપિંડી, વધુ પડતો ખર્ચ અને પાર્ટીના સ્વાર્થ માટે સરકારી તંત્ર અને અધિકારીઓનો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. જ્યારે તેમની સામેના લાંચ-રુશ્વત જેવા વધુ ગંભીર આરોપો જજે કાઢી નાખ્યા હતા.
હાઈકોર્ટના આદેશ મુજબ તેમને સંસદના નીચલા ગૃહ, લોકસભામાંની તેમની બેઠક પરથી દૂર કર્યા હોવા છતાં ઈન્દિરાએ આ ચુકાદાથી તેમના હોદ્દાને કોઈ આંચ આવતી નથી તેવું કહ્યું હતું. તેમના શબ્દોમાં, "અમારી સરકાર સ્વચ્છ નથી એ બાબતે ખાસ્સો શોરબકોર થઈ રહ્યો છે પરંતુ અમારા અનુભવના આધારે કહીએ તો જયારે બીજા પક્ષોએ (વિપક્ષ) સરકારો રચી હતી ત્યારે સ્થિતિ ઘણી વધુ ખરાબ હતી." કૉંગ્રેસ પાર્ટી જે રીતે ચૂંટણીના પ્રચાર માટે પૈસા એકઠા કરે છે તે અંગેની ટીકાને તેમણે બધા પક્ષો આ જ પદ્ધતિથી પૈસા એકઠા કરે છે કહીને ફગાવી દીધી હતી. દરમ્યાનમાં, વડાપ્રધાને પોતાની પાર્ટીનો ટેકો જાળવી રાખ્યો હતો અને પાર્ટીએ તેમના માટે ટેકો જાહેર કરતું એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. ચુકાદાના સમાચાર જેમ જેમ પ્રસરતાં ગયા તેમ તેમ તેમના ઘરની બહાર તેમના ટેકેદારો એકઠા થવા માંડ્યા અને તેમની વફાદારીના ઘોષનાદ કરવા માંડયા. ગાંધીને દોષિત ઠેરવતા ચુકાદાથી તેમની રાજકીય કારકિર્દીને કોઈ નુકસાન પહોંચશે નહીં એવું ભારતીય હાઈ કમિશનર બી કે નહેરુએ કહ્યું હતું. તેમણે કહ્યું, "શ્રીમતી ગાંધીને આજે પણ આખા દેશમાંથી અકલ્પ્ય ટેકો છે." "મને લાગે છે કે વડાપ્રધાને પોતાના હોદ્દા પર ચાલુ રહેવું જોઈએ, સિવાય કે ભારતનું મતદારમંડળ તેમને તે સિવાયનો આદેશ આપે."
ચૂંટણીમાં ભ્રષ્ટાચારયુકત કાર્યસરણી માટેના તેમને દોષિત ઠેરવતા ચુકાદા સામે ઈન્દિરાએ અપીલ કરી. પણ તેનો ચુકાદો આવે તે પહેલાં, લોકશાહીનો વિધ્વંસ કરવાનું છટકું ગોઠવાયું હોવાનો દાવો કરીને તેમણે વિવાદસ્પદ રીતે આખા દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી. હજારોની ધરપકડ કરવામાં આવી, જેમાં 20 સંસદસભ્યો પણ હતા અને ભારતીય સમાચાર-માધ્યમો પર પણ પ્રકાશન-નિયંત્રણો લાદવામાં આવ્યાં. ઈન્દિરાએ બળનો ઉપયોગ કરીને સંસદમાંથી તેમના શત્રુઓને દૂર કર્યા હોવાથી, તેમના ઘણાને જેલ ભેગાં કર્યા હોવાથી, ઑગસ્ટ 1975માં લોકસભામાં સહેલાઈથી ઈન્દિરા ગાંધીને તેમની પર મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપો અને ચુકાદામાંથી મુકત કરતો ભૂતકાલીન સ્થિતિથી લાગુ પડતો ઠરાવ પસાર થઈ ગયો.
વિરોધ અને નાગરિક અસહકાર
[ફેરફાર કરો]જયારે ઈન્દિરાએ ચુકાદા સામે અપીલ કરી અને પોતે "લોહીના છેલ્લા ટીપા સુધી" [૨૧] લોકોની સેવા કરતા રહેશે તેવી જાહેરાત કરી, ત્યારે વિપક્ષો અને તેમના ટેકેદારો આ સ્થિતિનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે ટાંપીને જ બેઠા હતા, તેમણે તેમનું રાજીનામું માગતી વિશાળ જનસમુદાયની રેલી કાઢી. અનેક રાજયોમાં યુનિયનો દ્વારા અસંખ્ય હડતાળો અને ડગલે ને પગલે વિરોધ-દેખાવોને કારણે રોજબરોજનો વ્યવહાર અટકી પડ્યો. આ ચળવળને મજબૂત બનાવવા માટે, જે.પી.નારાયણે પોલીસને જો હથિયાર વિનાના ટોળાંઓ પર ગોળીબાર કરવાનો સરકારી આદેશ મળે તો તેનો અનાદર કરવા આહ્વાન આપ્યું. તેમની સરકાર માટેનો લોકોનો ભ્રમ ભાંગ્યાની આ સ્થિતિ, આર્થિક કટોકટીને કારણે વધુ બળવત્તર બની અને તેમના રાજીનામાની માંગ કરતા લોકોના ટોળેટોળા દિલ્હીમાં સંસદભવન અને તેમના ઘરને ઘેરી વળ્યા.
ઈન્દિરા પોતાની સરમુખત્યારશાહી ધરાવતી શૈલી માટે તો વગોવાયેલાં હતાં જ. સંસદમાં પોતાની મજબૂત બહુમતિનો ઉપયોગ કરીને તેમની કૉંગ્રેસ પાર્ટીએ બંધારણમાં સુધારા કરીને કેન્દ્રીય સરકારને ફાયદો થાય તે રીતે કેન્દ્ર અને રાજય સરકારની સત્તાઓ વચ્ચે સંતુલન બનાવતા ફેરફારો કર્યાં હતાં. વિપક્ષોનું શાસન હોય તેવાં રાજયોને "કાયદાવિહીન અને સદંતર અરાજકતાભર્યાં" ગણાવીને, બંધારણની 356મી કલમ હેઠળ તેમણે બે વખત એ રાજયોમાં "રાષ્ટ્રપતિ શાસન" લાદયું હતું અને એ રીતે સત્તા હાથ કરી હતી. આ ઉપરાંત, ઈન્દિરા ગાંધીના શરૂઆતનાં વર્ષોમાં તેમના સલાહકાર પી.એન.હાકસર જેવાને ભોગે ત્યારે સંજય ગાંધી ઈન્દિરાના નજીકના રાજકીય સલાહકારનું સ્થાન લઈ બેઠા હતા. સંજય ગાંધીના આ વધતા પ્રભાવ તરફ ચૂંટાયેલા અધિકારીઓ અને વહીવટી અધિકારીઓમાં ઘણો અણગમો ફેલાયેલો હતો. ઈન્દિરા ગાંધીની સરમુખત્યાર ઢબે સત્તા ભોગવવાનું નવું વલણ જોઈને જયપ્રકાશ નારાયણ, સત્યેન્દ્ર નારાયણ સિંહા અને આચાર્ય જીવતરામ કૃપલાણી જેવી લોકપ્રિય જનહસ્તીઓ અને પૂર્વ સ્વાતંત્ર્ય-સેનાનીઓએ તેમના અને તેમની સરકારની વિરોધની વાત લોકો સુધી પહોંચાડવા માટે ભારતનો પ્રવાસ શરૂ કર્યો.
કટોકટીની સ્થિતિ (1975-1977)
[ફેરફાર કરો]સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે ઈન્દિરા ગાંધીએ અશાંતિમાં, વિરોધોમાં ભાગ લેનારા મોટા ભાગના વિપક્ષોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેમની કેબિનેટ અને સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી સર્જાયેલી અરાજકતાની અને કાયદાના ઉલ્લંઘનની સ્થિતિને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની ભલામણ કરી.
હુકમનામાની રૂએ શાસન
[ફેરફાર કરો]થોડા જ મહિનાઓમાં, વિપક્ષો દ્વારા શાસિત બે રાજયોમાં, ગુજરાત અને તામિલનાડુમાં, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને આ રીતે સમગ્ર દેશ કેન્દ્ર સરકારના સીધા નિયંત્રણમાં આવી ગયો.[૨૨] કફર્યૂ લાદવા માટે અને અનિશ્ચિત સમય સુધી નાગરિકોને અટકાયતમાં રાખવા માટે પોલીસને અબાધિત સત્તા આપવામાં આવી અને તમામ પ્રકાશનો ફરજિયાતપણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સખત પ્રકાશન-નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યાં. પોતાના કામમાં સંજય ગાંધીની દખલગીરીનો વિરોધ કરવા માટે ભવિષ્યના વડાપ્રધાન અને ત્યારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન, ઈન્દર કુમાર ગુજરાલે જાતે રાજીનામું આપ્યું. રાજયના રાજયપાલની ભલામણથી રાજય સરકારનું વિસર્જન થઈ શકે તેવી બંધારણની જોગવાઈ અનુસાર વિપક્ષ શાસિત તમામ રાજય સરકારોને દૂર કરવામાં આવી અને છેવટે, માથે તોળાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓને અનિશ્ચિત કાળ માટે મોકૂફ રાખવામાં આવી. આમ, અસાધારણ સત્તા ભોગવવા માટે ઈન્દિરાએ કટોકટીની જોગવાઈઓનો ઉપયોગ કર્યો.
"તેમના પિતા (નહેરુ) પોતાની ધારાસભાઓને અને પોતાના પક્ષોને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખી શકતા સક્ષમ-મજબૂત મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનું પસંદ કરતા હતા, પણ તેમનાથી વિપરીત, શ્રીમતી ગાંધી પોતાનો કોઈ સ્વતંત્ર પાયો ધરાવતા હોય એવા દરેક કૉંગેસી મુખ્યમંત્રીને દૂર કરવા માંડ્યા હતા અને તેમના સાથે પોતાને વફાદાર હોય તેવી વ્યકિતઓ મૂકતાં જતાં હતાં... તેમ છતાં, રાજયોમાં સ્થિરતાનું નામોનિશાન નહોતું..."[૨૩]
એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે આટલેથી ન અટકતાં, તેમણે રાષ્ટ્રપતિ અહેમદ પાસે સંસદમાં ચર્ચાવિચારણા કરવી જરૂરી ન હોય અને જેના મુજબ તેઓ હુકમનામાની રૂએ શાસન કરી શકે તેવો વટહુકમ બહાર પડાવ્યો હતો.
સાથે સાથે, ગાંધીની સરકારે તે વખતે પોતાની સાથે જે પણ સહમત ન હોય તેવા તમામને હાંકી કાઢવાનું અભિયાન હાથ ધર્યું, જેમાં હજારોની સંખ્યામાં રાજકીય કાર્યકર્તાઓની ધરપકડ અને અટકાયત કરવામાં આવી; સંજય ગાંધીની સામેલગીરીથી અને જગ મોહન, જેઓ પાછળથી દિલ્હીના રાજયપાલ બન્યા, તેમની દેખરેખ હેઠળ દિલ્હીની જામા મસ્જિદ આસપાસની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હજારો લોકો બેઘર બન્યા હોવાનો અને સેંકડો માર્યા ગયા હોવાનો અને તેના પગલે દેશની રાજધાનીના એ વિસ્તારમાં કોમી તનાવ ઉગ્ર બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે; અને પરિવાર નિયોજન કાર્યક્રમ અંતર્ગત હજારો પિતાઓની પરાણે નસબંધી કરવામાં આવી અને તે પણ મોટા ભાગે પૂરતી કાળજી વિના.
ચૂંટણીઓ
[ફેરફાર કરો]કટોકટીની સ્થિતિને બે વખત લંબાવ્યા પછી, મતદારોને તેમના શાસનને સમર્થન આપવાની એક તક આપવા માટે 1977માં ઈન્દિરા ગાંધીએ ચૂંટણી ઘોષિત કરી. અત્યંત જાપ્તા હેઠળ સમાચાર-માધ્યમોએ તેમના વિશે જે પણ લખ્યું હતું તે વાંચીને પોતાની લોકપ્રિયતા આંક વિચારવામાં ગાંધી કદાચ બહુ મોટી થાપ ખાઈ ગયા. કોઈ પણ સંજોગોમાં, જનતા પાર્ટી તો તેમનો વિરોધ કરવાની જ હતી. તેમના લાંબા સમયના વેરી દેસાઈની આગેવાનીમાં અને જય પ્રકાશ નારાયણને પોતાના અધ્યાત્મિક માર્ગદર્શક બનાવીને જનતા પાર્ટીએ ભારત પાસે "લોકશાહી અને સરમુખત્યારશાહી" વચ્ચે પસંદગી કરી લેવા માટે આ ચૂંટણીઓ એ છેલ્લી તક છે એવો દાવો કરીને લોકોનો મત બાંધવો શરૂ કર્યો. આ ચૂંટણીમાં ઈન્દિરાની કૉંગ્રેસ પાર્ટી ખરાબ રીતે હારી. ઈન્દિરા અને સંજય ગાંધી બંનેએ પોતાની બેઠકો ગુમાવી અને (પાછલી લોકસભામાં 350 બેઠકો મેળવનારી ) કૉંગ્રેસ આ વખતે કુલ 153 બેઠકો મેળવી શકી, જેમાંથી 92 બેઠકો દક્ષિણ ભારતની હતી.
હાર, ધરપકડ અને ફરીથી જીત
[ફેરફાર કરો]મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને 1969થી જેઓ મૂળ પસંદગી હતા તે નીલમ સંજીવ રેડ્ડી પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ બન્યા. હવે ઈન્દિરા ગાંધી પાસે 1978ની પેટાચૂંટણીઓ જીતવા સુધી કોઈ કામ, આવક કે રહેઠાણ સુદ્ધાં નહોતાં રહ્યાં. 1977ના ચૂંટણી પ્રચાર દરમ્યાન કૉંગ્રેસ પાર્ટીમાં પણ ફાટ પડી હતી. જગજીવન રામ જેવા ગાંધીના જૂના ટેકેદાર અને તેમના સૌથી વફાદાર બહુગુણા અને નંદિની સતપથી છુટા પડી ગયા હતા. આ ત્રણે જણ ઈન્દિરાની ઘણા નજીક હતા, પરંતુ સંજય ગાંધીએ ગોઠવેલા કાવાદાવા અને પરિસ્થિતિઓને પરિણામે તેમને અલગ થવાની ફરજ પડી હતી. સંજય ગાંધીનો ઈરાદો ઈન્દિરાની સત્તાને પણ ઓળંગી જવાનો અને તેમને સ્થાનભ્રષ્ટ કરવાનો છે, તેવી અફવા પણ ત્યારે વહેતી હતી. સંસદમાં ત્યારે કૉંગ્રેસ (ગાંધી) પાર્ટી હવે ખૂબ નાના જૂથમાં હતી, અલબત્ત ઔપચારિક વિપક્ષ તરીકે તેમનું સ્થાન અકબંધ હતું.
યુદ્ધની પરિસ્થિતિ સમું, કજિયાખોર રાજકીય પક્ષોના કામચલાઉ જોડાણમાં સરકાર નહીં ચલાવી શકતા જનતા સરકારના ગૃહ પ્રધાન, ચૌધરી ચરણ સિંઘે અમુક આરોપો હેઠળ ઈન્દિરા અને સંજય ગાંધીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો, જો કે આ આરોપોમાંથી એક પણ આરોપ ભારતની કોર્ટમાં સહેલાઈથી સાબિત થઈ શકે તેવો નહોતો. ધરપકડનો સીધો અર્થ સંસદમાંથી આપમેળે ઈન્દિરાની હકાલપટ્ટી જ હતો. ગમે તે કારણોસર, પણ આ વ્યૂહનીતિ ખૂબ ભયંકર રીતે અવળી પડી. હજી બે વર્ષ પહેલાં તેમને જુલમી કે આપખુદ કહેતા લોકોમાંથી ઘણા બધા લોકોનો ડર, આ ધરપકડ અને લાંબા-સમય સુધી ચાલેલા ખટલાને પરિણામે તેમને પ્રત્યેની સહાનુભૂતિમાં બદલાઈ ગયો.
જનતા ગઠબંધન માત્ર ઈન્દિરા પ્રત્યેના તેમના વેરભાવ/દ્વેષને (અમુક લોકો તેમને "પેલી મહિલા" કહેતા હતા) જ આભારી હતું. માત્ર આટલી જ બાબત તેમની વચ્ચે સામાન્ય હોવાથી, સરકાર અંદરોઅંદરની બાથંબાથીમાં પડી ગઈ અને ગાંધી આ સ્થિતિનો પોતાના ફાયદામાં ઉપયોગ કરી શકયાં. તેમણે ફરીથી વકતવ્યો આપવાં શરૂ કર્યાં, અને કટોકટીકાળમાં થયેલી "ભૂલો" બદલ આડકતરી રીતે સિફતપૂર્વક માફી માગવા માંડી. જૂન 1979માં દેસાઈએ રાજીનામું આપ્યું અને બહારથી સરકારને ટેકો આપવાના ગાંધીના વચન પર વિશ્વાસ રાખીને રેડ્ડીએ ચરણ સિંઘની વડાપ્રધાન તરીકે નિમણૂક કરી.
એક ટૂંકા અંતરાલ પછી, તેમણે પોતે શરૂઆતમાં આપેલો ટેકો પાછો ખેંચી લીધો અને પરિણામે 1979ના શિયાળામાં રાષ્ટ્રપતિ રેડ્ડીએ સંસદનું વિસર્જન કરવું પડ્યું. એ પછી જાન્યુઆરીમાં થયેલી ચૂંટણીમાં, કૉંગ્રેસ અપાર બહુમતિથી પાછી સત્તા પર આવી.
ઓગણીસો એંશીના દાયકામાં ઈન્દિરા ગાંધીની સરકારે શ્રીલંકામાં એલટીટીઈ (LTTE) અને અન્ય તમિલ ત્રાસવાદી જૂથોને પૈસા, શસ્ત્રો અને લશ્કરી તાલીમ પૂરી પાડી હતી.[૨૪]
ત્રીજું સત્ર
[ફેરફાર કરો]ચલણી નાણાની કટોકટી
[ફેરફાર કરો]ઓગણીસો એંશીના દાયકાના પૂર્વાધમાં યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં 7થી 12 જેટલો, એટલે કે 40% જેટલો ઘટાડો નાથવામાં ઈન્દિરાની સરકારને નિષ્ફળતા મળી.
ઓપરેશન બ્લ્યૂ સ્ટાર અને હત્યા
[ફેરફાર કરો]ગાંધીનાં પાછલાં વર્ષો પંજાબની સમસ્યાઓ સાથે ગૂંચવાયેલા રહ્યાં. જૂન 1984માં, શીખોના સૌથી પવિત્ર સ્થાન ગોલ્ડન ટેમ્પલના સંકુલમાં ભાગલાવાદી શીખ સ્વતંત્રતા માટે લડતું જનરૈલ સિંઘ ભિંડરાંવાલેનું જૂથ છાવણી નાખીને બેઠું હતું.[૨૫] એ વખતે ગોલ્ડન ટેમ્પલના સંકુલમાં હજારો સામાન્ય નાગરિકો હાજર હોવા છતાં ભારતીય લશ્કરે આડેધડ ગોળીઓ ચલાવી અને તેના પરિણામે ઘણા નાગરિકો ઘવાયા-મર્યા. આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમોમાં ગાંધીના આ પગલાંની ખૂબ નિંદા થઈ. એ વખતે મરેલા-ઘવાયેલા લશ્કરી અને સામાન્ય નાગરિકોના આંકડાઓ સરકાર અને સ્વતંત્ર એજન્સી તરફથી જુદા જુદા આપવામાં આવે છે. સરકારી આંકડાઓમાં 4 અધિકારીઓ, 79 સૈનિકો અને 492 શીખો ભોગ બનેલા દર્શાવાય છે, જયારે સ્વતંત્ર એજન્સીએ આપેલા આંકડા ઘણા ઊંચા છે, તેમના મુજબ 500 કે તેથી વધુ લાશ્કરો અને 3,000થી વધુ શીખો- જેમાં આમનેસામને થયેલા ગોળીબારમાં અનેક સ્ત્રીઓ અને બાળકો પણ હોમાઈ ગયેલાં દર્શાવાયાં છે.[૨૬] ભોગ બનેલા સામાન્ય નાગરિકોના આંકડા અંગે વિવાદ રહ્યો છતાં વ્યવસ્થિત રેકોર્ડ, સમય અને હુમલાની રીતને વ્યાપક રીતે વખોડવામાં આવી હતી. આ બનાવને શીખો પરના અંગત હુમલા તરીકે ગણાવીને મોટા ભાગની ટીકાઓ સીધી ઈન્દિરા ગાંધી તરફ આંગળી ચીંધતી હતી. આ હુમલો શીખોને સ્વતંત્રતાના ઉપદેશ આપતા અને ખાલિસ્તાન નામનો અલગ દેશ રચવાની ચઢવણી કરીને અંદરોઅંદર "અદાવત" ઊભી કરતા ત્રાસવાદી ભિંડરાંવાલેને બહાર ફેંકી દેવા માટે કરવામાં આવ્યો હતો તેવું કહીને ઈન્દિરાએ વાજબી ઠેરવ્યો હતો.
ઈન્દિરા ગાંધીના અનેક અંગરક્ષકો હતા, તેમના બે શીખ પણ હતા- સતવંત સિંઘ અને બિઅંત સિંઘ. 31 ઑકટોબર, 1984ના રોજ નં. 1, સફદરગંજ રોડ પર આવેલા નવી દિલ્હીના વડાપ્રધાનના રહેઠાણના બગીચામાં તેમના સંરક્ષણ માટેનાં હથિયારોથી તેમણે ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખી. આઈરીશ ટેલિવિઝન માટે ડૉકયુમેન્ટરીનું ફિલ્માંકન કરતા બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તીનોવને ઈન્ટર્વ્યૂ આપવા માટે ઈન્દિરા ચાલીને જઈ રહ્યાં હતાં, તેમણે સતવંત અને બિઅંત દ્વારા રક્ષિત વિકેટ ગેટ પસાર કર્યો. બનાવ પછી તરત મળેલી માહિતી અનુસાર બિઅંત સિંઘે પોતાની સાઈડ-આર્મ (બાજુ પર લટકાવેલા શસ્ત્ર)નો ઉપયોગ કરીને તેમને ત્રણ વખત ગોળીઓ મારી અને સતવંત સિંઘે પોતાની સ્ટેન સબમશીન ગન વાપરીને તેમની પર 30 રાઉન્ડ[૨૭] ગોળીબાર કર્યો હતો. તેમના બીજા અંગરક્ષકોએ દોડી આવીને બિઅંત સિંઘને ત્યાં જ ઠાર કરી દીધો જયારે સતવંત સિંઘની ધરપકડ કરવામાં આવી.
પોતાની અધિકૃત કારમાં હૉસ્પિટલ જવાના રસ્તામાં જ ઈન્દિરાનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ ઘણા કલાકો સુધી તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા નહોતાં. તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (All India Institute of Medical Sciences) લઈ જવામાં આવ્યા જયાં ડૉકટરો તેમના પર શસ્ત્રક્રિયા કરી. તે સમયે જાહેર કરવામાં આવેલી અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર તેમના શરીરમાં 29 ગોળીઓ આરપાર થઈ ગયાના જખમ હતા અને કેટલાક બીજા અહેવાલો અનુસાર તેમના શરીરમાંથી 31 ગોળીઓ કાઢવામાં આવી હતી. 3 નવેમ્બરના રોજ રાજ ઘાટ પાસે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમનાં મૃત્યુ પછી તેમને વફાદાર એવા કૉંગ્રેસી નેતાઓએ સાંપ્રદાયિક અશાંતિ ઊભી કરી, જેના પરિણામે કેટલાય દિવસો સુધી નવી દિલ્હી અને ભારતનાં અન્ય કેટલાંક શહેરો આ રમખાણોમાં ઘેરાયેલાં રહ્યાં. ગાંધીના મિત્ર અને જીવનચરિત્રકાર પુપુલ જયકરે પાછળથી ઈન્દિરાના તણાવો અને ઓપરેશન બ્લ્યૂ સ્ટાર પછી શું થશે તે અંગે ઈન્દિરાને થયેલા પૂર્વાભાસો અંગેની વિગતો બહાર પાડી હતી.
અંગત જીવન
[ફેરફાર કરો]નહેરુ-ગાંધી પરિવાર
[ફેરફાર કરો]શરૂઆતમાં પોતાના રાજકીય વારસદાર તરીકે તેમની પસંદ સંજય હતા, પરંતુ વિમાન અકસ્માતમાં તેના અવસાન પછી, ફેબ્રુઆરી 1981માં તેમણે રાજીવ ગાંધીને તેમની અનિચ્છા હોવા છતાં પાયલોટની નોકરી છોડીને રાજકારણમાં પડવા માટે મનાવી લીધા. ઈન્દિરા ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. મે 1991માં તેમની પણ હત્યા કરવામાં આવી, આ વખતે લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ એલમ (Liberation Tigers of Tamil Eelam)ના ત્રાસવાદીઓના હાથે. રાજીવના વિધવા, સોનિયા ગાંધીએ યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (United Progressive Alliance)નું નેતૃત્વ લીધું અને આશ્ચર્યજનક રીતે ૨૦૦૪ની લોકસભા ચૂંટણીઓમાં તેમની જીત થઈ. સોનિયા ગાંધીએ દેશનું વડાપ્રધાન પદ લેવાની તક નકારી કાઢી છતાં કૉંગ્રેસના રાજકીય કર્તાહર્તા અને મુખ્ય નિયંત્રક તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું. રાજીવનાં બાળકો, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડેરાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સંજય ગાંધીના વિધવા, મેનકા ગાંધી- જેમણે સંજયના અવસાન બાદ ઈન્દિરા સાથે છેડો ફાડી નાખ્યો હતો અને જેમને વડાપ્રધાનના નિવાસસ્થાનેથી કાઢી મુકાયાની વાત જાણીતી બની હતી[૨૮] તે, તેમ જ સંજયનો પુત્ર વરુણ ગાંધી મુખ્ય વિપક્ષ ભાજપના સદસ્યો તરીકે રાજકારણમાં સક્રિય છે.
વિવાદો
[ફેરફાર કરો]ઓગણીસો સિત્તરના દાયકામાં ઈન્દિરા ગાંધી, ભારતના પૂર્વ વડાપ્રધાને ફરજિયાતપણે વ્યંધત્વીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકયો હતો. બે કે તેથી વધુ બાળકો ધરાવતા પુરુષે કાયદેસર ધોરણે વ્યંધત્વીકરણ કરાવવાનું રહેતું, પરંતુ આ અભિયાન દરમ્યાન કેટલાય અપરિણિત યુવાન પુરુષો, રાજકીય શત્રુઓ અને અબુધ માણસોનું વ્યંધત્વીકરણ કરી નાખવામાં આવ્યું હોવાનું મનાય છે. આ કાર્યક્રમને આજે પણ ભારતમાં યાદ કરવામાં આવે છે અને વખોડવામાં આવે છે; તેણે ઊલટાના લોકોને પરિવાર નિયોજનથી વિમુખ કરી દીધા હોવાનું કહેવામાં આવે છે, જેને કારણે દાયકાઓ સુધી પરિવાર નિયોજનના સરકારી કાર્યક્રમોમાં અવરોધ આવતો રહ્યો હતો.[૨૯].તેમની આ વિચારણાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુપ્રજનન શાસ્ત્રના વિચાર અંગે ઈન્દિરા ગાંધી સ્પષ્ટ ફિલસૂફી અને અંગત મતાગ્રહો ધરાવતાં હતાં, કદાચ તેનું કારણ તેઓ ઈન્ડિયા યુજેનિકસ સોસાયટીના સદસ્યા હતા તે પણ હોઈ શકે[સંદર્ભ આપો].
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Rahul first in three generations with a world university degree". The Tribune. મેળવેલ 18 May 2015.
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 139
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 144
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 136
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 164
- ↑ "AROUND THE WORLD; Mrs. Gandhi Not Hindu, Daughter-in-Law Says". New York Times. May 2, 1984. મેળવેલ 2009-03-29.
- ↑ "ટ્રિબ્યુટ ટુ ફિરોઝ ગાંધી, સત્ય પ્રકાશ માલવિયા, ધ હિન્દુ, 20-ઑકટોબર-2002". મૂળ માંથી 2010-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-18.
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 278
- ↑ Ibid #2 પૃષ્ઠસંખ્યા 154
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 284
- ↑ કૅથરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 303. સમાચાર-માધ્યમોમાં અને તેમના કૉંગ્રેસી સહકાર્યકરો એમ બંને દ્વારા ચાળીસ વર્ષીય ઈન્દિરા ગાંધીને ઉદ્દેશીને વપરાતાં મોટા ભાગનાં ઉદબોધનો પણ ટાંકવામાં આવ્યાં છે. Lyndon Johnson referred to her as 'this girl'.
- ↑ યુ.એસ. કૉન્સ્યુલેટ (ઢાકા) કેબલ, સિટ્રેપઃ ઢાકામાં લશ્કરી આંતક અભિયાન ચાલુ રહ્યું; એવિડન્સ મિલિટ્રીને કયાંક બીજે તકલીફ થઈ રહી છે, માર્ચ 31, 1971, ગુપ્ત, 3 પીપી
- ↑ પૂર્વ પાકિસ્તાનઃ આકાશ પણ રડી રહ્યું છે (ઈસ્ટ પાકિસ્તાનઃ ઈવન ધ સ્કાયઝ વીપ) સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન, ટાઈમ મૅગેઝિન , ઑકટોબર 25, 1971.
- ↑ "ચૂડેલ" ઈન્દિરા પ્રત્યે નિકસનનો અણગમો, બીબીસી ન્યૂઝ, 29-જૂન-2005
- ↑ News,"ચૂડેલ" ઈન્દિરા પ્રત્યે નિકસનનો અણગમો, બીબીસી ન્યૂઝ, 2005-06-29
- ↑ "India's Green Revolution". Indiaonestop.com. મૂળ માંથી 2011-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-31.
- ↑ Ibid. #3 પૃષ્ઠસંખ્યા 295
- ↑ ફાર્મર, બી.એચ., પર્સ્પેકિટવ્ઝ ઓન ધ "ગ્રીન રિવોલ્યુશન' , મોર્ડન એશિયન સ્ટડીઝ, xx નં. 1 (ફેબ્રુઆરી, 1986) પૃષ્ઠસંખ્યા 177
- ↑ રથ, નીલકંઠ, "ગરીબી હટાવો": કેન આઈઆરડીપી (IRDP)ડૂ ઈટ?" ((ઈડબ્લ્યૂપી,xx,નં.6) ફેબ્રુઆરી 1981.
- ↑ કૅથેરીન ફ્રૅન્ક, પૃષ્ઠસંખ્યા 372
- ↑ કૅથેરીન ફ્રૅન્ક,પૃષ્ઠસંખ્યા 373
- ↑ કોચાનેક, સ્ટેનીલી, "મિસીસ ગાંધીઝ પિરામિડઃ ધ ન્યૂ કૉંગ્રેસ, (વેસ્ટવ્યૂ પ્રેસ, બોલ્ડર, સીઓ 1976) પૃષ્ઠસંખ્યા 98
- ↑ બ્રાસ, પૉલ આર., ધ પોલિટિકસ ઓફ ઈન્ડિયા સિન્સ ઈન્ડીપેન્ડન્સ , (કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ, ઈંગ્લેન્ડ 1995) પૃષ્ઠસંખ્યા 40
- ↑ લોસ્ટ ઑપોર્ચ્યૂનિટિઝ ફોર ધ તમિલ્સ[હંમેશ માટે મૃત કડી]
- ↑ Ibid, પૃષ્ઠસંખ્યા 105.
- ↑ ગુહા, રામચંદ્રા, ઈન્ડિયા આફટર ગાંધી , પૃષ્ઠસંખ્યા 563
- ↑ ઈન્ડિયાટાઈમપાસ http://www.indiatimepass.com/famous_indians/Indra-gandhi.html સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
- ↑ ખુશવંત સિંહઝ ઓટોબાયોગ્રાફી (ખુશવંત સિંહની આત્મકથા) - ધ ટ્રિબ્યુન
- ↑ http://www.sscnet.ucla.edu/southasia/History/Independent/Indira.html
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં ઈન્દિરા ગાંધી.
- ઈન્દિરા ગાંધીનું જીવનચરિત્ર સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
- ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ વિમેન દ્વારા ઈન્દિરા ગાંધી પર પ્રમુખ લેખ સંગ્રહિત ૨૦૦૯-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન.
- શ્રદ્ધાંજલિ, ન્યૂ યોર્ક ટાઈમ્સ, નવેમ્બર 1, 1984- "એસેસિનેશન ઈન ઈન્ડિયાઃ અ લિડર ઓફ વિલ એન્ડ ફોર્સ; ઈન્દિરા ગાંધી, બોર્ન ટુ પોલિટિકસ, લેફટ હર ઓન ઈમ્પ્રીન્ટ ઓન ઈન્ડિયા"
- 1975: ભ્રષ્ટાચારના કેસમાં ગાંધી દોષિત
પૂરક વાચન
[ફેરફાર કરો]- વેદ મહેતા, અ ફેમિલિ અફેરઃ ઈન્ડિયા અન્ડર થ્રી પ્રાઈમ મિનિસ્ટર્સ (1982) ISBN 0-19-503118-0
- પુપુલ જયકર, ઈન્દિરા ગાંધીઃ ઍન ઈન્ટિમેટ બાયોગ્રાફી (1992) ISBN 978-0-679-42479-6
- કૅથેરીન ફ્રેન્ક, ઈન્દિરાઃ ધ લાઈફ ઓફ ઈન્દિરા નહેરુ ગાંધી (2002) ISBN 0-395-73097-X
- રામચંદ્રા ગુહા, ઈન્ડિયા આફટર ગાંધીઃ ધ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડઝ લારજેસ્ટ ડેમોક્રસી (2007) ISBN 978-0-06-019881-7