લખાણ પર જાઓ

વામન દ્વાદશી

વિકિપીડિયામાંથી

ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસ તિથિ (ભાદરવા સુદ ૧૨) એ વામન દ્વાદશી અથવા વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.

પૌરાણિક કથા

[ફેરફાર કરો]

સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર જમાવી દીધો. સમસ્ત દેવતા સ્વર્ગ ભ્રષ્ટ થઇ જતાં ઇન્દ્રને આગળ કરીને ભગવાન વિષ્ણુની પાસે ગયા અને પોતાની આપત્તિ દર્શાવી. આ સાંભળી ભગવાનને કહ્યું કે, ‘હું સ્વયં દેવમાતા અદિતિના ગર્ભમાંથી જન્મ લઇ તમને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવીશ.’ અને આ રીતે ભગવાન શ્રીહરિનો ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસે વામન અવતારરૂપે જન્મ થયો.

આ બાજુ રાજા બલિએ ભૃગુવંશી બ્રાહ્મણોને લઇને નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞ પ્રારંભ કર્યો. બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરાવી રહ્યા છે તે વામન ભગવાને જાણ્યું ત્યારે તેઓ બાલબ્રહ્મચારીના વેશમાં બલિની યજ્ઞાશાળાએ પહોંચ્યા. બલિએ તેમનું ષોડ્શોપચાર પૂજન કર્યું તથા ચરણો ધોયાં. તે પછી તેમની વંદના કરી બલિએ તેમને કશુંક દાન માગવા કહ્યું. બ્રાહ્મણના રૂપે વામન ભગવાને બલિ પાસે ત્રણ ડગલાં પૃથ્વીનું દાન માગ્યું.

બલિએ દાન આપવું સ્વિકાર્યું એટલે ભગવાન વામને પોતાના એક ડગલાથી સઘળી પૃથ્વી અને બીજા ડગલાથી સઘળાં લોક માપી લીધાં તથા ત્રીજું ડગલું બલિના મસ્તક પર મૂકીને બલિને સુતળ લોકનો સ્વામી બનાવી દીધો. તેમના રક્ષણ માટે સુદર્શન ચક્રની નિમણૂક કરી દીધી. રાજા બલિએ સદા દર્શન આપવાનું વરદાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરી લીધું. આ પ્રમાણેની કથા પુરાણોમાં મળે છે.[સંદર્ભ આપો]