સીદીસૈયદની જાળી

વિકિપીડિયામાંથી
સીદી સૈયદની જાળી
સીદી સૈયદની મસ્જીદ

સીદી સૈયદની જાળીઅમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.

બાંધકામ[ફેરફાર કરો]

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે. સીદી સૈયદે તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યો તે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુઝ્ફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી.[૧][૨] તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું.[૧]

સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેવી ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં.[૨][૩] તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. સીદી સઈદનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.

ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ(સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ ત્રીજાના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારના મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાક ગામ અપાયાં હતાં.

સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતાં તે તેના નામે જ પ્રચલિત બની.

વર્ષ ૧૯૦૦માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.[૪]

લોકપ્રિયતા[ફેરફાર કરો]

અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.[૩] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Nawrath, E. A. (1956). Immortal India; 12 colour and 106 photographic reproductions of natural beauty spots, monuments of India's past glory, beautiful temples, magnificent tombs and mosques, scenic grandeur and picturesque cities, ancient and modern. Bombay, Taraporevala's Treasure House of Books.
  2. ૨.૦ ૨.૧ Commissariat, M. S. (1938). History of Gujarat. I. Longman, Greens & Co. પૃષ્ઠ 502–505.
  3. ૩.૦ ૩.૧ Khan, KDL (૪ જૂન ૨૦૧૧). "The Symbol of Ahmedabad". Navhind Times. મૂળ માંથી જૂન 10, 2012 પર સંગ્રહિત. મેળવેલ July 1, 2011.
  4. એચ. કાલ્ડવેલ લિપસેટ (૧૯૦૩). લોર્ડ કર્ઝન ઈન ઈન્ડિયા.