લખાણ પર જાઓ

માધાવાવ

વિકિપીડિયામાંથી
(માધવ વાવ થી અહીં વાળેલું)
માધાવાવ
માધાવાવ is located in ગુજરાત
માધાવાવ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીભારતીય સ્થાપત્ય
નગર અથવા શહેરવઢવાણ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ22°42′34″N 71°40′28″E / 22.709364°N 71.674411°E / 22.709364; 71.674411
પૂર્ણ૧૨૯૪
તકનિકી માહિતી
માળની સંખ્યા
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનીય
સ્થપતિ કાર્યાલયભારતીય પુરાતત્વ વિભાગ
Designationsરાજ્ય સંરક્ષિત સ્મારક S-GJ-226

માધાવાવ અથવા માધવ વાવ એ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલી એક વાવ છે. તે જુના શહેરના પશ્ચિમ ભાગમાં આવેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
વાવનો નકશો અને ઊભો છેદ
કોતરણી કરેલ જાળી

આ વાવમાં બે શિલાલેખ મળી આવેલ છે. સંસ્કૃત ભાષામાં લખેલ શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈ.સ. ૧૨૯૪માં (વિક્રમ સંવત ૧૩૫૦) તેમના માતા-પિતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. તેમાં તેનું વર્ણન બે માળ ધરાવતી પથ્થરથી બનેલી વાવ તરીકે થયું છે.

બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લશમી દેવી (લક્ષ્મીદેવી) અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે; જેઓ કદાચ માધવના માતા-પિતા હશે.[][] આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક છે, પણ તેની યોગ્ય સારસંભાળ થતી નથી.[]

દંતકથાઓ

[ફેરફાર કરો]

દંતકથા અનુસાર, આ વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સૂકી હતી. રાજ પુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપત્તિના બલિદાનની જરૂર જણાવી. તે માટે નવજાત શિશુ હોવા છતાં જન કલ્યાણ અર્થે રાજકુમાર અભેસંગ અને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી. તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા. જેવા તેઓ સાતમે પગથિયે પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી મૃત્યુ પામ્યા. તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું.[][]

આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે.[] સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનો ડુબાડી ભોગ લે છે.[]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; પ્રવેશ પશ્ચિમ દિશામાં છે, જ્યારે વાવનો કુવો પૂર્વ દિશામાં છે. તે ૫૫ મીટર લાંબી છે અને પગથિયા ૪૯.૮૦ મીટર લંબાઈમાં સમાયેલા છે. વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે. વાવને છ કૂટ (ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો) અને પગથિયાના છ જૂથ છે. દરેક કૂટ બાદ વાવની પહોળાઈ ઘટે છે. પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ૩.૬ મીટર થાય છે. દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે. છત્રી નીચેનાની બેસાય એવા પરસાળની લંબાઈ ૨.૭ મીટર છે. બે કૂટ વચ્ચે ૪.૮ મીટરની ઊંચાઇ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે. દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે.

કૂવાનો વ્યાસ ૫.૩ મીટર છે. છેલ્લા માળે બેવડા વળેલા છ માળખાં છે, જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે. જેમાંના ચાર પાછલી દીવાલમાં જડેલા છે અને પથ્થરની બારશાખ વડે અચ્છાદિત છે.

પહેલ કૂટ ની બન્ને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે. તે જાળી ચાર x ચાર એમ ૧૬ નાની જાળીઓ ધરાવે છે. તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જીદને મળતી આવે છે. વાવના મુખ્ય દરવાજાની દ્વારશાખની ઉભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજીંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે.

દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે. એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે ટૂંકો લેખ છે. અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે.

દ્રશ્યશ્રાવ્ય માધ્યમમાં

[ફેરફાર કરો]

વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ (૧૯૭૭)માં દર્શાવવામાં આવી છે. આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે. આ દંતકથા આધારિત લલિત ત્રિવેદીએ એક કાવ્ય લખ્યું છે જે તેમના અંદર બહાર એકાકાર કાવ્યસંગ્રહમાં સમાવેલ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Purnima Mehta Bhatt (૧૬ ડિસેમ્બર ૨૦૧૪). Her Space, Her Story: Exploring the Stepwells of Gujarat. Zubaan. પૃષ્ઠ ૪૫–૪૬. ISBN 978-93-84757-08-3.
  2. ૨.૦ ૨.૧ Jutta Jain-Neubauer (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publications. પૃષ્ઠ 22, 51–53, 77. ISBN 978-0-391-02284-3.
  3. "ઝાલાવાડની ઐતિહાસિક માધાવાવ જીર્ણશીર્ણ થઇ". Divya Bhaskar. ૯ જુલાઇ ૨૦૧૪. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  4. Bharati Ray (૧૫ સપ્ટેમ્બર ૨૦૦૫). Women of India: Colonial and Post-colonial Periods. SAGE Publications. પૃષ્ઠ 527–528. ISBN 978-81-321-0264-9.
  5. Mehta, Jhaverilal (૨૨ ઓગસ્ટ ૨૦૧૨). "Madhavav: Photo-story". ગુજરાત સમાચાર. મૂળ માંથી 2017-02-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  6. "બાર બાર વરસે માધાવાવ ગળાવિયા / લલિત ત્રિવેદી". ગુજરાતી લિટરેચર. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્યકડી

[ફેરફાર કરો]