લખાણ પર જાઓ

ગેડોલિનીયમ

વિકિપીડિયામાંથી

ગેડોલિનીયમ એ એક રાસાયણિક તત્વ છે, જેની સંજ્ઞા Gd અને અણુ ક્રમાંક ૬૪ છે. આ ચળકતી સફેદ, પ્રસરણશીલ અને તંતુભવનક્ષમ દુર્લભ પાર્થિવ ધાતુ છે. પ્રકૃતિમાં આ ધાતુ માત્ર સાંયોજિત અવસ્થામાં મળે છે. આના અસ્તિત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા સૌ પ્રથમ ડી મેરીગ્નેક દ્વારા ૧૮૮૦માં થઈ હતી. તેમણે આનો ઓક્સાઈડ છૂટો પાડ્યો હતો અને આ શોધનું માન પણ તેમને અપાય છે. આ ધાતુનું નામ તેના એક ખનિજ ગેડોલિનાઈટ પરથી પડ્યું છે. આ ખનિજનું નામ ભૂસ્તરશાસ્ત્રી જોહાન ગેડોલીન નામ પરથી પડ્યું છે.

ગેડિલિનીયમ ધાતુ અસામાન્ય ધાતુ ગાળણ સંબંધી ગુણધર્મો ધરાવે છે. માત્ર ૧% જેટલું ગેડોલિનીયમ લોખંડ, ક્રોમિયમ અને સંબંધિત મિશ્રધાતુની કાર્યશીલતા અને ઉચ્ચ તાપમાન સામે ટકી રહેવાની ક્ષમતા માં વધારો કરે છે. ગેડોલિનીયમ ધાતુ કે તેના સંયોજન સ્વરૂપે અત્યંત વધારે ન્યૂટ્રોન શોષવાની ક્ષમતા ધરાવે છે આથી ન્યૂટ્રોન કિરણોત્સારમાં અને અણુ ભઠ્ઠીઓમાં આનો ઉપયોગ થાય છે. દરેક દુર્લભ પાર્થિવ ધાતુ તત્વની જેમ આ ધાતુ પણ ત્રિબંધ આયનો બનાવે છે જેઓ ફ્લોરોસેંટ ગુણધર્મો ધરાવે છે. Gd (III) ક્ષારો લીલા ફોસ્ફરસ તરીકે ઉઅપયોગમાં લેવાય છે.

પાણીમાં દ્રાવ્ય એવા Gd (III) આયન ધરાવતા ક્ષારો સસ્તન પ્રાણીઓ માટે ઝેરી હોય છે. જો કે તેના ચેલેટ સંયોજનો ઘણાં ઓછા પ્રમાણમાં ઝેરી હોય છે કેમકે કીડની દ્વારા Gd (III) આયનો કોષમાં સંયોજય તે પહેલાં આ ચેલેટ તેમને શરીરની બહાર ફેંકાવી દે છે. તેના ચુંબકીય ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ મેગ્નેટિક રેસોનાન્સ ઈમેજીંગ માટે થાય છે. કીડની વિકાર ધરાવતા લોકોમાટે આ તત્વ ઝેરી હોઈ શકે છે.